ભાજપે મધુ શ્રીવાસ્તવની હવા કાઢી, VIDEO:ટિકિટ કાપી નાખી તોય દબંગ નેતાજી પાછા ના વળ્યા, હવે આ રીતે બદલાયા સૂર

એક મહિનો પહેલા

ગુજરાતના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની ભાજપે હવા કાઢી નાખી છે. ભાજપે વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવની પત્તું કાપીને અશ્વિન પટેલને ટિકિટ આપી છે. ટિકિટ કપાઈ ગઈ છતાં મધુ શ્રીવાસ્તવ હજુ પાછા વળતાં નથી. હવે તેઓ કહે છે કે, અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે અને ભારે બહુમતિથી જીતશે. સાથેસાથે એવું પણ કહે છે કે, અપક્ષમાંથી જીત મેળવી તે ભાજપને સમર્થન આપશે.

જો કે, છેલ્લા કેટલાક દિવસથી આમ જ તેઓ ગમે તેવા નિવેદનો આપતાં રહ્યા છે. ચૂંટણી જાહેર થયા પહેલા તેમણે ભાજપને રીતસર ધમકી આપી હતી. જ્યારે ટિકિટ જાહેર થવાનો સમય આવ્યો તો બુધવારે જ એવું કહ્યું કે, તેમને પૂછવાની જ જરૂર નથી. હવે જ્યારે ટિકિટ કપાઈ ગઈ છે તો હજુ એવું કહે છે કે, ચૂંટણી તો એ જ જીતશે. વાઘોડિયા બેઠકની ટિકિટને લઈને મધુ શ્રીવાસ્તવે અત્યાર સુધીમાં અનેક રંગ બદલ્યા છે.

ગઈકાલે ચૂંટણી લડવાની વાત કરી, આજે કપાઈ ગયા
વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ગઈકાલે મીડિયા સમક્ષ કહ્યું, આ વખતે મારી ચૂંટણી લડવાની ઇચ્છા ઓછી છે, હું પત્નીને ચૂંટણી લડાવીશ. જોકે ત્યાર બાદ તેમણે નિવેદન ફેરવી તોળતાં કહ્યું હતું કે, મારી પત્ની બાજુમાં ઊભી હતી, તેને સારું લાગે એટલે હું તો મજાક કરતો હતો. ચૂંટણી હું જ લડવાનો છું. ભારતીય જનતા પાર્ટી પર મને વિશ્વાસ છે. હું પાર્ટીનો સૈનિક છું અને સૈનિક બનીને લડતો આવ્યો છું અને લડતો રહીશ.

મધુ શ્રીવાસ્તવને 7મી વખત ચૂંટણી લડવી હતી
વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવ વિજયી બનતા આવ્યા છે. 1995માં અપક્ષમાંથી ચૂંટાયા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને સતત 6 ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે અને મધુ શ્રીવાસ્તવને 7મી વખત ચૂંટણી લડવી હતી, પરંતુ ભાજપ આ વખતે તેમને રિપીટ કર્યાં નથી. વાઘોડિયા મતવિસ્તારના મતદારો પણ નવા ચહેરાની માગ કરી રહ્યા હતા.

કાર્યકર્તાઓ કહેશે કે મધુભાઈ તમે લડો તો જ હું ચૂંટણી લડીશ
જો કે, નામ કપાયા પછી મધુભાઈએ જણાવ્યું કે, પાર્લામેન્ટ્રી બોર્ડે જે નિર્ણય કર્યો તે શિરોમાન્ય છે. તેવામાં ચૂંટણી લડવાને લઈને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીશ. જો કાર્યકર્તાઓ કહેશે કે મધુભાઈ તમે લડો તો જ હું ચૂંટણી લડીશ.

અન્ય સમાચારો પણ છે...