ભાસ્કર રિસર્ચગુજરાત, સત્તા અને સોગઠાબાજી-4:ગુજરાતના રાજકારણમાં સૌથી વિવાદાસ્પદ પ્રકરણઃ CMની ગેરહાજરીમાં જ ખુરશી ગઈ, નરેન્દ્ર મોદીનો ઉદય કેવી રીતે થયો?

2 મહિનો પહેલાલેખક: વિક્રમ મહેતા
  • કૉપી લિંક

ગાંધીનગર પાસેનું વાસણ ગામનું મહાદેવનું મંદિર. તત્કાલીન સરકારથી સાંઇઠેક જેટલા અસંતુષ્ટ ધારાસભ્યો અહીં એકઠા થયા છે. આ છાવણી ગુજરાતના જ નહીં, પણ કેન્દ્રના રાજકારણનો પણ વિષય બની ગઈ છે. રમણલાલ દેસાઈની ક્લાસિક નવલકથાનું ટાઇટલ છે: ‘ભારેલો અગ્નિ’. બસ એવી જ સ્થિતિ છે. સૌ કોઈની નજર આ છાવણી પર છે. હવે કાફલો ઊપડે છે ચરાડા ગામ તરફ. તંગદિલીભર્યા માહોલમાં પોલીસ સુરક્ષાયુક્ત આ કાફલો ચરાડાથી એક જુદી જ દિશામાં વળે છે. ઉપરથી મળેલી સૂચનાને અનુસરતા ધારાસભ્યો અજાણ છે. રહસ્ય છે, રોમાંચ છે, કૌતુક છે. આખરે કાફલો અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચે છે. ‘દમણિયા એરલાઈન્સ’નું વિમાન એમની રાહ જોતું ઊભું છે. બધા જ ઉતાવળા પ્લેનમાં ગોઠવાઈ જાય છે. પ્લેનના દરવાજા બંધ થાય છે. સીડી ખસેડવામાં આવે છે. એર હોસ્ટેસ માઇક્રોફોન પર જાહેરાત કરે છે: આપણું પ્લેન અમદાવાદથી ઊપડીને ખજુરાહો જઈ રહ્યું છે! આ બાજુ પ્લેન ખજુરાહો તરફ ઉડાન ભરે છે અને કેશુભાઈ પટેલ બોલી ઊઠે છે: શંકરસિંહે મારી પીઠમાં ઘા કર્યો છે!

ફ્લેશબેક...
વર્ષ 1995માં ચૂંટણીની જાહેરાત થઈ. ભાજપમાં આંતરિક સંઘર્ષનો અધ્યાય શરૂ થયો. શંકરસિંહ વાઘેલાએ, કાશીરામ રાણાએ અને અન્ય સાંસદોએ પણ વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી. કેશુભાઈને આ બિલકુલ માફક આવતી વાત નહોતી. કેન્દ્રીય નેતાગીરીનું ફરમાન છૂટ્યું: સંસદ સભ્યો વિધાનસભાની ચૂંટણી નહીં લડી શકે. પાર્ટી હાઈકમાન્ડ કેશુભાઈને જ મુખ્યમંત્રી બનાવવા માગતી હોવાની વાત આ પ્રકારના નિર્દેશથી સાફ સાબિત થઈ રહી હતી. શંકરસિંહ અને કેશુભાઈને ટિકિટો આપવામાં ન આવી. ટિકિટો આપવાની બાબતમાં પાર્લામેન્ટરી બોર્ડમાં સંઘર્ષ થયો. દરેક નેતા પોતાના માણસને જ ટિકિટ આપવાના આગ્રહી.

વળી પાછી એક બીજી જાહેરાત થઈ: ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી જ વિધાનસભા પક્ષના નેતાની વરણી થશે. મુખ્યમંત્રી તરીકે શંકરસિંહનું પત્તું મૂળમાંથી જ કપાઈ ગયું. ધંધૂકા વિસ્તારમાંથી દિલીપ પરીખને, હમણાં જેણે ભાજપ સાથે 32 વર્ષનો છેડો ફાડ્યો એ જયનારાયણ વ્યાસ સિદ્ધપુરની બેઠક માટે પસંદ થયા. હિંદુત્વનો માહોલ તાજો હતો. દેશભરમાંથી સાધુસંતોનાં ટોળાં ગુજરાતમાં આવી રહ્યાં હતાં. ગુજરાત આવીને સાધ્વી ઉમા ભારતી પોતાની આક્રમક શૈલીમાં ભાષણ આપીને ભાજપ તરફી જુવાળ ઊભો કરી રહ્યાં હતાં.

પરિણામ આવ્યું. 1985માં ગુજરાતમાં જે ભાજપને 11 બેઠકો મળી એ જ ભાજપે 182માંથી 121 બેઠકો કબજે કરીને ઇતિહાસ સર્જી દીધો. રથયાત્રા, રામમંદિર, બાબરી ધ્વંસથી માંડીને અબ્દુલ લતીફ જેવા ગેંગસ્ટરના મુદ્દા આગળ કરીને ભાજપ બહુમતી હિંદુ મતદારોમાં મસીહા બની ગયો હતો. ગુજરાત હિંદુત્વની લેબોરેટરી ટેસ્ટ હતું. આ જ ગુજરાતમાં હિંદુત્વની રાજનીતિનાં સત્તારૂપી ફળ પહેલીવાર બહુમતીથી સરકાર બનાવીને ચાખી રહ્યો હતો.

શંકરસિંહ વર્સિસ નરેન્દ્ર મોદી
ગાંધીનગરના ટાઉનહૉલમાં ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળી હતી. દિલ્હીથી અટલબિહારી વાજપેયી આવ્યા હતા. કેશુભાઈની સર્વાનુમતે પક્ષના નેતા તરીકે વરણી થઈ ગઈ. આભાર પ્રવચન એમણે પોતાની કાઠિયાવાડી તળપદી શૈલીમાં આપ્યું. સરકારના આગામી આયોજનની વાતો કરી. કોઈએ પૂછ્યું: આ માટેના પૈસા આવશે ક્યાંથી? સામે ગોંડલના આખા મરચાનાં ભજિયાં જેવો જવાબ આવ્યો: ‘તારા બાપના તબેલામાંથી.’ વાજપેયીજી કેશુભાઈ સામે જોઈ રહ્યા! આ કેશુભાઈની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ થઈ. તારીખ 14 માર્ચ 1995ના રોજ બીજો દોર પ્રધાનમંડળની રચનાનો શરૂ થયો. પક્ષના વરિષ્ઠ નેતાઓ શંકરસિંહ વાઘેલા, સુરેશ મહેતા, કાશીરામ રાણા, ચીમનભાઈ શુક્લ અને નરેન્દ્ર મોદીની મિટિંગ થઈ. દરેક અગ્રણી પોતાના કહી શકાય એવાં નામો મૂકે. શંકરસિંહ વર્સિસ નરેન્દ્ર મોદીનો ખેલ પણ આ ચૂંટણીમાં મંડાયો હતો. બંનેએ એક સમયે સ્કૂટર પર સાથે બેસીને ભાજપનાં મૂળિયાં મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. બંને ખાસ મિત્રો. બંને અતિમહત્ત્વાકાંક્ષી. બંનેની નજર સત્તાના સિંહાસન પર. બંને એકબીજાને ઓળખી ગયેલા. બંનેને બહુ જલદી સમજાઈ ગયેલું કે ભવિષ્યમાં જો કોઈ મુખ્યમંત્રીની ખુરશી આડે આવે એમ હોય તો આ છે. બંને પાછલા બારણે એકબીજાનું પત્તું કાપવાની વેતરણમાં. કેન્દ્રીય મોવડીમંડળને મનાવીને શંકરસિંહનું મુખ્યમંત્રી તરીકે પત્તું કપાવામાં નરેન્દ્ર મોદીએ પાછલા બારણે સૂત્રધારની ભૂમિકા ભજવી હોવાનું રાજકીય ગલિયારાઓમાં કહેવાય છે. કેશુભાઈની સરકારે ધુરા સંભાળી. પણ બધું સમુંસૂતરું પાર ઊતરે એ રાજકારણ શાનું? શંકરસિંહની મુખ્યમંત્રી થવાની ઇચ્છા હજુ મરી નહોતી. તેઓ લાગ મળે કેશુભાઈ અને નરેન્દ્ર મોદીનો કાંટો કાઢી નાખવા માગતા હતા. ભાજપના ધારાસભ્યોમાં અંદરોઅંદર ગણગણાટ થવા માંડ્યો હતો. કેશુભાઈને મળવું હોય તો પક્ષના જ ધારાસભ્યોએ કલાકો સુધી રાહ જોવી પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ.

એકવાર દહેગામ વિસ્તારના ધારાસભ્ય વિઠ્ઠલભાઈ શાહ કેટલાક કાર્યકરો સાથે વીજળીના મુદ્દે રજૂઆત કરવા આવ્યા. ચારથી પાંચ કલાક રાહ જોઇ છતાં કેશુભાઈએ બોલાવ્યા જ નહીં. ગયા શંકરસિંહ પાસે. કરી કેશુભાઈ વિરુદ્ધ ફરિયાદ. આવા નાનામોટા પ્રશ્નો પેદા થવા માંડ્યા હતા. અસંતુષ્ટ ધારાસભ્યો શંકરસિંહ પાસે આવીને રાવ નાખતા. ભાજપમાં હવે બે જૂથ ઊભાં થઈ રહ્યાં હતાં: કેશુભાઈનું જૂથ અને કેશુભાઈથી અસંતુષ્ટ શંકરસિંહનું જૂથ. 17 સપ્ટેમ્બર 1995ના દિવસે તો ડૉ. મુકુલ શાહના નેજા હેઠળ ‘પક્ષ બચાવો આંદોલન’ પણ શરૂ કરવામાં આવ્યું હતું. આંદોલનમાં જોડાયેલા સભ્યોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી, કેટલાકને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા.

એક તરફ કેશુભાઈની સરકારમાં નરેન્દ્ર મોદી સુપર સીએમ બની રહ્યા હતા, વિહિપ નેતા પ્રવીણ તોગડિયાનો દબદબો વધતો જતો હતો. આઇએએસ-આઈપીએસ અધિકારીઓની લાલબત્તીવાળી સરકારી ગાડીઓની બંનેના આવાસ બહાર લાઈનો થવા માંડી હતી. ભવિષ્યમાં સત્તાની મહત્ત્વાકાંક્ષા નરેન્દ્ર મોદી અને પ્રવીણ તોગડિયા વચ્ચે પણ ખટરાગ ઊભો કરવાની હતી. પણ અત્યારે તો નરેન્દ્ર મોદી- પ્રવીણ તોગડિયા એક હતા.

અને બીજી તરફ શંકરસિંહ-કાશીરામ રાણાની ઉપેક્ષા કરાતી હોવાનો સૂર ઊઠી રહ્યો હતો. એકવાર અડવાણીની સભા હતી. સભામાં આવકાર પ્રવચન તો શંકરસિંહે આપવાનું હતું, પણ નરેન્દ્ર મોદીએ આવકાર પ્રવચન પોતે જ કરવાનો હઠાગ્રહ કર્યો હોવાનું કહેવાય છે. કેશુભાઈની સરકારને પાંચ-છ મહિના પસાર થઈ ગયા હતા. દરમિયાન મુખ્યમંત્રી અને બીજા નંબરનું પદ ધરાવતા સુરેશ મહેતા અન્ય મંત્રીઓ તથા કેટલાક ઉચ્ચ અધિકારીઓનું એક પ્રતિનિધિ મંડળ ઇંગ્લેન્ડ અને અમેરિકા જવા માટે તૈયારી કરી રહ્યું હતું. એકવીસ દિવસનો પ્રવાસ કાર્યક્રમ નક્કી થયો. પક્ષના આંતરિક અસંતોષને જોતાં આટલા લાંબા વિદેશનો પ્રવાસ રદ કરવાનાં સૂચનો આવ્યાં, પણ અવગણાયા. અશોક ભટ્ટે કાર્યકારી મુખ્યમંત્રી તરીકે કારભાર સંભાળ્યો અને કેશુભાઈનો કાફલો ઊપડ્યો અમેરિકા ભણી.

કેશુભાઈ અમેરિકા ગયા અને ખુરશી ગઈ!
અહીં કેશુભાઈ અમેરિકા ઊપડ્યા અને આ સાથે જ શંકરસિંહે ગુજરાતના રાજકારણમાં અતિચર્ચિત ‘ખજુરાહો કાંડ’ને અંજામ આપ્યો. ખજૂરાહો પહોંચ્યા પછી સૌ ધારાસભ્યોને ત્યાંની જાણીતી ‘ચંડેલા હોટેલ’માં રાખવામાં આવ્યા. ખજુરાહોની હોટેલમાં ધારાસભ્યો ભોજનના સમયે એકઠા થાય. ભોજન પછી આરામ, વાંચન, સ્વિમિંગ, ચેસ, ટેબલ ટેનિસ જેવી પ્રવૃત્તિઓ ધારાસભ્યો પોતપોતાનાં રસ-રુચિ અનુસાર કરે. જેમ જેમ વાત ફેલાતી ગઈ કે ગુજરાતના ધારાસભ્યોનું બળવાખોર જૂથ અહીં આવ્યું છે, એમ એમ સ્થાનિક ભાજપ કાર્યકરોનાં ટોળાં એકઠાં થવા માંડ્યાં. દુનિયાભરના પત્રકારો ચંડેલામાં આવીને ઇન્ટરવ્યૂ કરી રહ્યા હતા. એક દિવસ દિલીપ પરીખ સ્વિમિંગ પૂલમાં તરતા હતા. માથું બહાર હતું. એક પત્રકારે ફોટો પાડી લીધો. દેશભરનાં છાપાંઓમાં આ ફોટો છપાયો. એક અગ્રગણ્ય અંગ્રેજી અખબારે આ ફોટો પ્રથમ પાને છાપીને ટાઈટલ આપ્યું: ‘રિલેક્સિંગ ઈન ખજુરાહો’.

‘ખજુરિયા’ અને ‘હજુરિયા’
ગુજરાત ભાજપનો બળવો દેશના રાજકારણમાં ચર્ચાસ્પદ બની રહ્યો હતો અને શિસ્તબદ્ધ ગણાતા ભાજપની શાખ પર કાળી ટીલી સાબિત થઈ રહ્યો હતો. મોવડીમંડળ દોડતું થઈ ગયું. એક પછી એક રાષ્ટ્રીય નેતાઓ બળવાખોર ધારાસભ્યોને મળવા આવ્યા. ઉમા ભારતીજી આવ્યાં. કુશાભાઉ ઠાકરે આવ્યા.
ખજુરાહોમાં ધારાસભ્યોને તોડવા માટે આર્થિક પ્રલોભનની પણ રમત અજમાવાઈ રહી હતી. અમદાવાદથી પૈસાના થેલાઓ ભરીને બે-ચાર વ્યક્તિઓ ખજુરાહોની એક બીજી હોટેલમાં પહોંચી હોવાની ખબર ફેલાઈ. અસંતુષ્ટ ધારાસભ્યો સાવધ થઈ ગયા.

બીજી તરફ ગાંધીનગરમાં શંકરસિંહ પર સમાધાન કરવા માટેનું દબાણ વધતું જતું હતું. પ્રમોદ મહાજન, કે. એલ. શર્મા, ભૈરવસિંહ શેખાવત, જશંવત સિંઘ અને છેલ્લે અટલ બિહારી વાજપેયી તારીખ 5 ઓક્ટોબર, 1995ના રોજ શંકરસિંહને મળ્યા. પક્ષની આબરૂનું ધોવાણ અટકાવવા, સરકાર તૂટતી બચાવવા અટલ બિહારી વાજપેયીએ એક ફોર્મ્યુલા શંકરસિંહ સમક્ષ મૂકી: કેશુભાઈ મુખ્યમંત્રી, શંકરસિંહ વાઘેલા નાયબ મુખ્યમંત્રી, કાશીરામ રાણા ગુજરાત પક્ષ પ્રમુખ તરીકે યથાવત્.

કેશુભાઈએ અને ભાજપાના કટ્ટર સમર્થકોએ વિરોધ નોંધાવ્યો. ખજુરાહોમાંથી પ્રતિક્રિયા આવી: કોઈ પણ સંજોગોમાં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે ન જોઈએ!

અટલ બિહારી વાજપેયી તરફથી શંકરસિંહને કહેણ આવ્યું. શંકરસિંહ અને વાજપેયી બંનેની આંખમાં આંસુ હતાં. વાજપેયીએ કહ્યું: તૈયાર થઈ જાવ. તમારી વાત સ્વીકારવામાં આવી છે. ખજુરાહોથી ધારાસભ્યોને પાછા બોલાવો.

ચંડેલા હોટેલમાં ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી: તૈયાર થઈ જાવ. દમણિયા એરવેઝનું વિમાન તમને લેવા માટે આવે છે. છઠ્ઠી ઓક્ટોબર 1995ની મોડી રાત્રે ખજુરાહોથી અસંતુષ્ટ ધારાસભ્યોને લઈને પ્લેન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું. બધા ધારાસભ્યો પ્રસન્ન અને પ્રફુલ્લિત હતા. કુટુંબીજનોને મળવાની ઉત્સુકતા હતી.

બીજા દિવસે સવારે ધારાસભ્યો અને અટલ બિહારી વાજપેયી વચ્ચે મિટિંગ થઈ. ધારાસભ્યોએ પોતાનો પક્ષ રજૂ કર્યો, જેમાં કેશુભાઈને હટાવવાની અને એમના સ્થાને શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રી બનાવવાની માગ મુખ્ય હતી. આ સિવાય પક્ષમાંથી શિસ્તભંગને કારણે બરતરફ કરાયેલા સભ્યોને પાછા લેવા, નવા મંત્રીમંડળમાં શંકરસિંહ જૂથના 50 ટકા સભ્યો લેવા, જે બાકી રહી જાય એમનો સમાવેશ બોર્ડ કે નિગમોમાં કરવો...

અસંતુષ્ટ ધારાસભ્યોની આ માગણી અને ફોર્મ્યુલા અંગે ખૂબ ચર્ચા થઈ. છેવટે એવો નિર્ણય લેવામાં આવ્યો કે કેશુભાઈ અને શંકરસિંહને બદલે ત્રીજી વ્યક્તિની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવશે. કાશીરામ રાણાનું નામ મોખરે હતું. મંત્રીમંડળ તથા બોર્ડ કોર્પોરેશનોમાં શંકરસિંહ જૂથના એક તૃતીયાંશ લોકોને સ્થાન આપવાની વાજપેયીએ ખાતરી આપી. કેશુભાઈ પછી મુખ્યમંત્રી કોણ? આ પ્રશ્ન વિકટ હતો. કારણ કે કેશુભાઈ તો છેલ્લે સુધી રાજીનામું નહીં આપવા પર અડગ હતા. જો સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો જ રાજીનામું આપવાની શરત કેશુભાઈ તરફથી મૂકવામાં આવી. શંકરસિંહ જૂથ સુરેશ મહેતાના નામ સાથે સહમત થયું. જોકે ભાજપના સંઘ જૂથના હાર્ડકોર સભ્યોને આ સમજૂતી પસંદ ન આવી. અટલજી સાથે દલીલ કરવા ટોળું ધસી આવ્યું, પણ અટલજી મક્કમ હતા. વીઆઈપી ગેસ્ટહાઉસની બહાર ટોળાંએ શરમજનક સૂત્રો પોકાર્યાં.

આખરે કેશુભાઈએ રાજીનામું આપ્યું
તારીખ 21 ઓક્ટોબર 1995ના રોજ ગાંધીનગર ટાઉનહૉલ ખાતે શપથવિધિ સમારંભ યોજાયો. સુરેશ મહેતાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજકારણની ડિક્શનરીમાં માફી નામનો શબ્દ નથી. ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું હોવું ભવિષ્યમાં પોતાના માટે ખતરારૂપ છે એમ શંકરસિંહ સારી પેઠે સમજતા હતા. શંકરસિંહના દબાણથી નરેન્દ્ર મોદીને ગુજરાત સંગઠનમાંથી હટાવવામાં આવ્યા અને દિલ્હીમાં મહામંત્રી તરીકે મોકલી દેવામાં આવ્યા. અલબત્ત, નરેન્દ્ર મોદીની આંખ, કાન અને મગજ તો ગુજરાતની રાજનીતિ પર જ મંડાયેલાં રહ્યાં. સુરેશ મહેતાના મંત્રીમંડળમાં મહત્તમ શંકરસિંહ જૂથના ધારાસભ્યો લેવામાં આવ્યા. સુરેશ મહેતા અંદરથી આ વાતથી ખુશ નહીં પણ લાચાર હતા.

વિહિપ, આરએસએસને આ સમજૂતી હજુ પણ ખૂંચતી હતી. ભાજપમાં જૂથ પડી ગયાં. શંકરસિંહ જૂથના-ખજુરાહો ગયેલા ધારાસભ્યોને ‘ખજુરિયા’, પાર્ટીની સાથે રહેનારા ધારાસભ્યો ‘હજુરિયા’ કહેવાયા. સુરેશ મહેતા સીએમ હતા, પણ વર્ચસ્વ શંકરસિંહનું હતું.

10મી નવેમ્બરથી 12 નવેમ્બર 1995 દરમિયાન મુંબઈમાં ભાજપનું મહાઅધિવેશન યોજાયું હતું. અડવાણી, વાજપેયી સહિતના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ હતી. આ મહાઅધિવેશનમાં શંકરસિંહ આકર્ષણનું કેન્દ્ર હતા, કુતૂહલનો વિષય હતા. ભાજપના અન્યાય સામે અવાજ ઉઠાવનાર મર્દ માણસ તરીકે ભાજપનો એક વર્ગ એમને જોઈ રહ્યો હતો.

આ અધિવેશનમાં એક ઘટના બની. ‘ગુજરાત કી ઘટના કી સચ્ચાઈ ક્યા હૈ?’ નામની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું. પત્રકારોની છાવણીમાં એ લેવા માટે ઝપાઝપી થઈ. મંચ પર બેઠેલા અટલજી, અડવાણીજી અને બીજા નેતાઓના હાથમાં પણ આ પુસ્તિકા પહોંચી ગઈ હતી. સંઘર્ષગાળા દરમિયાન શું બન્યું એનો ચિતાર આ પુસ્તિકામાં આપવામાં આવ્યો હતો. વરિષ્ઠ નેતાઓ ખિન્ન હતા. શિસ્તબદ્ધ ગણાતી ભાજપની આબરૂનું ફરીવાર ધોવાણ થયું હતું.

આત્મારામ પટેલનો ‘ધોતિયાકાંડ’
વર્ષ 1996ની લોકસભાની ચૂંટણી આવી. શંકરસિંહને લોકસભાની ચૂંટણીની ટિકિટ આપવામાં આવી હતી. પરિણામ આવ્યું. શંકરસિંહ અને પાંચ સાથીદારો હાર્યા. હારનાં જવાબદાર પરિબળોમાં પક્ષના લોકોની, વિહિપ-આરએસએસની ભૂમિકા જવાબદાર હોવાનું મનાય છે. રાષ્ટ્રીય સ્તરે આ જોઈએ તો ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે પ્રસ્થાપિત થયું હતું. સરકાર ચલાવવા તોડજોડ કરવી જરૂરી હતી. વાજપેયી ભાજપના નેતા હતા. વડાપ્રધાન પદ માટે દાવો રજૂ કર્યો. વડાપ્રધાન બન્યા પણ ખરા, પણ માત્ર તેર જ દિવસ. બહુમતી પુરવાર ન કરી શક્યા અને રાજીનામું આપવું પડ્યું. તેર દિવસના વડાપ્રધાનપદના કાર્યકાળ દરમિયાન વાજપેયીનું બહુમાન કરવા માટે અમદાવાદમાં તારીખ 20 મે 1996ના રોજ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપનું શંકરસિંહની વિરુદ્ધનું જૂથ બદલો લેવા આતુર હતું. અને આખરે સમારોહ પૂર્ણ થયા બાદ નક્કી થયેલી સ્ક્રિપ્ટ મુજબ શંકરસિંહ જૂથના નેતાઓ પર હુમલાઓ શરૂ થયા. સૌથી શરમજનક ઘટના એ ઘટી કે મહેસાણા જિલ્લાના મોવડી અને વડીલ નેતા-મંત્રી આત્મારામ પટેલ પર હુમલો થયો. હુમલાખોરો છેલ્લા સ્તરે આવી ગયા. એ વયોવૃદ્ધનું ધોતિયું ખેંચવામાં આવ્યું. રસ્તા પર દોડાવવામાં આવ્યા. આત્મારામ પટેલે પછી હૈયાની વેદના ઠાલવતાં કહ્યું હતું: 'આના કરતાં તો હું મરી ગયો હોત તો સારું હોત!’ આત્મારામ પટેલ ઉપરાંત દત્તાજી ચિતરંજનદાસ પર પણ હુમલો થયો. આ હિચકારી ઘટના પછી તો જાહેર સમારંભો અને અધિવેશનોમાં ખજુરિયા અને હજુરિયા જૂથ સામસામા સૂત્રોચાર કરતા હતા. ‘જીન્હેં નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ’ની માફક જેની શિસ્ત માટે ભારતીય રાજકારણમાં દાખલા દેવાતા હતા એ ભાજપ ક્યાં છે? આવો યક્ષ પ્રશ્ન ભાજપ મોવડીઓને-ભાજપ માટે રાત-દિવસ એક કરી નાખનારા વરિષ્ઠ અને સંનિષ્ઠ કાર્યકર્તાઓને વ્યથિત કરી રહ્યો હતો. (સ્ટેડિયમ કાંડમાં વિહિપ નેતા પ્રવીણ તોગડિયા સહિતના 39 લોકો સામે પછી અરેસ્ટ વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું.)

દિલ્હીથી કુશાભાઉ ઠાકરે અને કે. એલ. શર્માની એક ટીમ સ્ટેડિયમ કાંડ અંગે જવાબદાર નક્કી કરવા આવી. રજૂઆતો સાંભળી પણ શંકરસિંહના જૂથને અપેક્ષિત કાર્યવાહી જવાબદારો સામે ન થઈ. શંકરસિંહે આ કામગીરીની ટીકા કરી અને ગુજરાત અસ્મિતા મંચની સ્થાપના કરી. સુરેશ મહેતા અતિનાજુક પરિસ્થિતિમાં મુકાયા. એમના વહીવટી નિર્ણયોમાં દખલઅંદાજી વધી. સ્ટેડિયમ કાંડની અસર હજુ શમી નહોતી ત્યાં વધુ એક રાજકીય ચિનગારી ચંપાઈ ગઈ. તત્કાલીન ગુજરાત ભાજપના પ્રમુખ પદેથી કાશીરામ રાણાને રાતોરાત ખસેડવામાં આવ્યા અને એમના સ્થાને વજુભાઈ વાળાને નીમવામાં આવ્યા. પ્રમુખપદે આવતાં જ વજુભાઈ વાળાએ શંકરસિંહને પક્ષમાંથી બરતરફ કર્યા. ગુજરાત રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો. પક્ષમાંથી બરતરફ થતાં જ શંકરસિંહ વાઘેલાએ તીવ્ર પ્રત્યાઘાતો આપતાં 20 ઓગસ્ટના રોજ રામલીલા મેદાનમાં વિશાળ રેલી યોજવાની જાહેરાત કરી. રેલીમાં સ્ટેડિયમમાં થયેલ ધોતિયાકાંડની ઘટનાની તપાસ કરવાની-જવાબદારો સામે એફઆઈઆર દાખલ કરવાની માગણી કરવામાં આવશે એમ શંકરસિંહે જણાવ્યું.

વજુભાઈ વાળા તરફથી જે બરતરફની નોટિસ મળી હતી એ સામે શંકરસિંહ વાઘેલાએ 10મી ઓગસ્ટના રોજ એમના સમર્થકો સરઘસ કાઢ્યું. અમદાવાદના નેહરુ બ્રિજના નાકે આવેલી ઇન્દુચાચાની પ્રતિમા પાસે શંકરસિંહે નોટિસના ચીરેચીરા કરી નાખ્યા અને હવામાં લીરા ઉડાડ્યા. શંકરસિંહે ભાજપ હાઈકમાન્ડ સામે ખુલ્લેઆમ મોરચો માંડી લીધો હતો.

20મી ઓગસ્ટે રામલીલા મેદાનમાં વિશાળ જાહેર સભાનું આયોજન થયું. પ્રચંડ લોકહાજરી હતી. વિશાળ સભાના કવરેજ માટે દેશભરમાંથી પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. શંકરસિંહે પોતાની આગવી શૈલીમાં જોરદાર પ્રવચન આપ્યું. રાષ્ટ્રીય જનતા પાર્ટીની સ્થાપનાનો ઠરાવ પસાર થયો. સુરેશ મહેતાની સરકારને આપેલો ટેકો શંકરસિંહના જૂથના ધારાસભ્યો તરફથી પાછો ખેંચી લેવામાં આવ્યો. રાજ્યપાલ કૃષ્ણપાલજીના રિપોર્ટના આધારે કેન્દ્ર સરકારે 19મી સપ્ટેમ્બર,1996ના રોજ રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું. 20 ઓક્ટોબર 1996ના રોજ રાજ્યપાલે ભાજપને બહુમતી પુરવાર કરવા બોલાવ્યા પણ ભાજપે આ કાર્યવાહીમાં ભાગ ન લીધો.

શંકરસિંહ વાઘેલાની ‘ટનાટન સરકાર’
તારીખ 23 ઓક્ટોબર 1996ના રોજ શંકરસિંહ વાઘેલાની મુખ્યમંત્રી તરીકે શપથવિધિ થઈ. ભાજપે સરકાર ગેરકાયદેસર ઠરાવી અને કોર્ટમાં શરણ લીધું. જોકે કોર્ટમાં શંકરસિંહની તરફેણમાં નિર્ણય આવ્યો. શંકરસિંહ અને એમનું પ્રધાનમંડળ પ્રસ્થાપિત થઈ ગયું હતું. તારીખ 29 ઓક્ટોબરના રોજ વિધાનસભાનું સત્ર બોલાવાયું અને વિશ્વાસનો મત લેવામાં આવ્યો. ભાજપના ધારાસભ્યોએ આ સરકાર ગેરકાયેદસર છે એમ કહીને વિધાનસભા સત્રનો બહિષ્કાર કર્યો. ખૂબ આસાનીથી શંકરસિંહ વિશ્વાસનો મત જીતી ગયા. કોંગ્રેસના ટેકાથી બનાવેલી શંકરસિંહની રાષ્ટ્રીય જનતા પાર્ટીની ‘ટનાટન સરકાર’નું આયુષ્ય બહુ ટૂંકુ રહ્યું. કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લેતાં રાષ્ટ્રીય જનતા પાર્ટીની સરકાર લઘુમતીમાં મુકાઈ ગઈ. કિમલોપ, જનતા પરિષદ, રાષ્ટ્રીય કોંગ્રેસ બહુ જલદીથી ખલાસ થઈ ગયા હતા, પણ શંકરસિંહ વાઘેલાના રાજપાના કિસ્સામાં આમ ન બન્યું.

દિલીપ પરીખ મુખ્યમંત્રી બન્યા
રાજપા અને કોંગ્રેસનું જોડાણ તૂટવા માટેનાં કારણોમાં જોઈએ તો કોંગ્રેસ સાથેના જોડાણમાં નાના-મોટા વિવાદ ઊભા થતા હતા. સી. ડી. પટેલ, અમરસિંહ ચૌધરી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે નાના મુદ્દાઓમાં પણ અંટસ પડી જતી અને અહમનો ટકરાવ થતો. કોંગ્રેસના ધારાસભ્યો શંકરસિંહની સરકારમાં પોતાનાં કામ પૂરાં થતાં ન હોવાનો આરોપ મૂકતા. બીજી બાજુ રાજપના મંત્રીમંડળમાં પણ પરસ્પર હુંસા-તુંસી શરૂ થઈ ગઈ હતી. શંકરસિંહના ચુસ્ત ટેકેદાર એવા આત્મારામ પટેલમાં મુખ્યમંત્રી બનવાની મહેચ્છા જાગી હતી. દિલ્હીમાં મીડિયા પ્રતિનિધિઓ વચ્ચે આત્મારામે પોતાને મુખ્યમંત્રીના દાવેદાર ગણાવ્યા હતા.

ગુજરાત કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમરસિંહે રાજપા સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાનો કાગળ રાજ્યપાલને આપ્યો. આ પત્રમાં કોંગ્રેસે મુખ્યમંત્રી શંકરસિંહની કાર્યપદ્ધતિ અંગે આકરા શબ્દોમાં નારાજગી દર્શાવી હતી. કોંગ્રેસને શંકરસિંહ મુખ્યમંત્રી તરીકે જોઈતા ન હતા. શરત મૂકી: જો શંકરસિંહને બદલે બીજો કોઈ નેતા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવે તો અમે ટેકો ચાલુ રાખીશું. રાજપાના ધારાસભ્યોની મિટિંગમાં મુખ્યમંત્રી તરીકે દિલીપ પરીખનું નામ ફાઈનલ થયું અને 28 ઓક્ટોબર 1997ના રોજ રાજભવન ખાતે બંધાયેલા શામિયાણામાં દિલીપ પરીખની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ થઈ. 13-11-1997ના રોજ વિશ્વાસનો મત મેળવીને એમણે પ્રધાનમંડળની રચના કરી. ઓક્ટોબરમાં બનેલી સરકાર હજુ તો સ્થિર થઇ ત્યાં ડિસેમ્બરમા એક નવો વળાંક આવ્યો. કેન્દ્રની ગુજરાલ સરકારને આપેલો ટેકો કોંગ્રેસે પાછો ખેંચી લીધો. સીતારામ કેસરી ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ હતા. કેન્દ્રમાંથી ગુજરાલ સરકાર ગઈ. લોકસભાની મધ્યસત્ર ચૂંટણી આવતી હતી. આ રાજકીય વહેણ ગુજરાતને અસર કર્યા વિના રહી શકે ખરું?

તારીખ 24 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી દિલીપ પરીખ અને મંત્રીમંડળની કેવડિયા કોલોની ખાતે બેઠક મળી. બેઠકમાં શંકરસિંહના સૂચન મુજબ દિલ્હીમાં ઊભી થયેલી પરિસ્થિતિને પગલે સરકારના રાજીનામાનો નિર્ણય લેવાયો. દિલીપ પરીખ અને તત્કાલીન ગૃહમંત્રી વિપુલ ચૌધરી હેલિકોપ્ટરમાં ગાંધીનગર આવી પહોંચ્યા. સરકારના રાજીનામાનો પત્ર રાજ્યપાલને સુપરત કર્યો અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ લોકસભાની સાથે યોજવા માગણી કરી. સ્વાભાવિક છે કે સાથી રાજકીય પક્ષોને આ વાત ખટકે. રાજપાના રાજીનામાનો કોંગ્રેસ તરફથી વિરોધ થયો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સી. ડી. પટેલ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમરસિંહ ચૌધરીને આ વાતની જાણ થતાં રાજભવન દોડી આવ્યા અને રાજ્યપાલ સાથે ચર્ચા કરી. રાજપાનો ઠરાવ નહીં સ્વીકારવા માગણી કરી. પણ રાજ્યપાલે રાજીનામાનો સ્વીકાર કર્યો અને દિલીપ પરીખ સરકારને કેરટેકર સરકાર જાહેર કરી દીધી.

13 જ દિવસમાં વાજપેયી સરકાર ગઈ
વર્ષ 1998ની ચૂંટણીએ ટકોરા માર્યા. બેઠકોમાં સમજૂતી ન થવાથી રાજપા અને કોંગ્રેસે જોડાણ ન કર્યું. એક તરફ કોંગ્રેસ, બીજી તરફ ભાજપ અને અને ત્રીજી તરફ રાજપા એમ ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ હતો આ વખતે. જુવાળ ભાજપ તરફી હતો. પરિણામ આવ્યું ત્યારે આ ચિત્ર સર્જાયું: લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષને ચોખ્ખી બહુમતી મળી ન હતી. કેન્દ્રમાં ભાજપે જયલલિતાના AIADMK પક્ષ, પંજાબનો અકાલી દળ, ઓરિસ્સાનો બિજુ જનતાદળ પક્ષ, મહારાષ્ટ્રની શિવસેના, આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુ નાયડુનો TDP પક્ષ, યુપીનો બહુજન પક્ષના ટેકાથી સરકાર બનાવી અને આ પહેલાં જેની સરકાર માત્ર તેર જ દિવસમાં પડી ભાંગી હતી એ અટલબિહારી વાજપેયીએ ફરી દિલ્હીની ગાદી સંભાળી.

અહીં ગુજરાતમાં રાજપાને માત્ર ચાર, કોંગ્રેસને માત્ર 53 બેઠક મળી. ભાજપે 117 બેઠક મેળવીને સરકાર બનાવી. કેશુભાઈ પટેલ ફરી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આરુઢ થયા.

કટ ટુ 2001
કચ્છના ભૂકંપે અગણિત માનવ જિંદગીઓનો ભોગ લીધો છે. ગુજરાતના ભૂકંપે રાજનીતિની ધરા પણ ધ્રુજાવી છે. કેશુભાઇની સરકાર ડગુમગુ થવા માંડી છે. દિલ્લી ખાતેની એક પ્રખ્યાત અંગ્રેજી મેગેઝિનની ઓફિસમાં એક ઝભ્ભાધારી માણસ દાખલ થાય છે. હાથમાં કેટલાક ડોક્યુમેન્ટ્સ-ફાઈલો છે. એડિટરની કેબિનના બારણે ટકોરા મારી અંદર પ્રવેશે છે અને એડિટરને હાથમાં રહેલા ડોક્યુમેન્ટ્સ બતાવે છે. એ ડોક્યુમેન્ટ્સમાં કેશુભાઈ સરકારની બિનકાર્યક્ષમતા પુરવાર કરતી વિગતો છે. કચ્છના ભૂકંપમાં દાખવેલી વહીવટી ઊણપની વિગતો છે. એ માણસનો આગ્રહ છે કે મેગેઝિનમાં આ વિગતો છપાય. મૂળ હેતુ કેશુભાઈની સરકારને પાડવાનો છે એ એડિટરની અનુભવી આંખ પારખી જાય છે. એડિટર પોતાનાં સંસ્મરણો ‘એડિટર અનપ્લગ્ડ: મીડિયા, મેગ્નેટ્સ, નેતાઝ એન્ડ મી’માં લખે છે ત્યારે આ પ્રસંગનો ઉલ્લેખ કરે છે.

આ એડિટર એટલે અંગ્રેજી પત્રકારત્વની ઓળખ સમા સ્વ. વિનોદ મહેતા. અને પેલા ભાઈ એટલે નરેન્દ્ર દામોદરદાસ મોદી! વિનોદ મહેતા તો હાલ હયાત નથી, પણ પેલો માણસ આજે હિન્દુસ્તાનની રાજનીતિનો પર્યાય બની ગયો છે. ગોધરાકાંડ જેવા અગ્નિપથ પાર કરીને એ માણસ આજે ભારતીય રાજકારણનો સુપરસ્ટાર બની ગયો છે. યુ કેન લવ હીમ ઓર હેટ હીમ બટ યુ કાન્ટ ઇગ્નોર હીમ!

નરેન્દ્ર મોદી યુગ
નરેન્દ્ર મોદી કેશુભાઈને ખસેડીને સીએમ બન્યા. હેટ્રિક મારી. ત્રણ ટર્મ સુધી ગુજરાતની રાજનીતિમાં એમના વાવટા ફરકતા રહ્યા. સૌથી લાંબા કાર્યકાળનો વિક્રમ પોતાના નામે કર્યો. પછી કદ વધ્યું. મોવડીમંડળ ચાહવા છતાં અવગણી ન શકે એવું વધ્યું. સીએમ મોદી પીએમ મોદી થયા. ગાંધીનગરથી ઠેકાણું બદલાઈને દિલ્હી થઈ ગયું. નરેન્દ્ર મોદી પછી આનંદીબેન, વિજય રૂપાણી અને પછી ભૂપેન્દ્ર પટેલ.. ત્રણ ચહેરાઓ ગુજરાતે મુખ્યમંત્રીના રૂપમાં જોયા... મુખ્યમંત્રીના ચહેરા બદલાયા, પણ આજેય ગુજરાત માટે મત માગવા માટે એકમાત્ર ચહેરો નરેન્દ્ર મોદી જ છે!

નરેન્દ્ર મોદીથી ભૂપેન્દ્ર પટેલ વચ્ચેના ગાળામાં ઘણું બન્યું છે. ગોધરાના સિગ્નલ ફળિયામાં સાબરમતીનો ડબ્બો સળગવાથી માંડીને અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાંથી પાટીદાર અનામતની આગ પ્રસરવા સુધીની ઘટનાઓ ઘટી છે. ગુજરાતે આ બે દાયકામાં વાઈબ્રન્ટ મહોત્સવો પણ જોયા છે અને પેપરો ફૂટતાં પણ જોયા છે. હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણીથી માંડીને ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી જેવા યુવા ચહેરાઓને સિસ્ટમ- સરકાર સામે વિદ્રોહનું રણશિંગું ફૂંકીને ગુજરાત રાજકારણમાં પ્રવેશ કરતા જોયા છે. ગુજરાત રાજનીતિની ધરા પર ઘણું બધું બદલાઇ ચૂક્યું છે અને ઘણું બધું એનું એ જ છે!

આ બધું જ બધાને ખબર છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીથી કથા આગળ કઇ બાજુ ચાલે એની સૌને ખબર જ છે. એટલે સાહેબાન, મહેરબાન, કદરદાન... આપણી કથા અહીં વિરામ લે છે. કથારસનો ઓડકાર લેતા જઈ રહ્યા છો પણ જતાં જતાં એક પ્રશ્નનો જવાબ આપતા જાઓ ચાલો:

શું લાગે છે, કોણ આવશે?!

(સંદર્ભ: ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખની આત્મકથા : ‘આરંભથી આજતક’, સમયને સથવારે ગુજરાત : કુન્દનલાલ ધોળકિયા, ગુજરાત ચૂંટણી શતરંજ (1952-1999) : વિષ્ણુ પંડ્યા, અર્વાચીન ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ : શિવપ્રસાદ રાજગોર)

અન્ય સમાચારો પણ છે...