ગ્રાઉન્ડ રિપોર્ટગઢમાં જ ભાજપના ગળે હાડકું ફસાયું:પાટીદારની સીટ બ્રાહ્મણ પાસેથી ઝૂંટવવા કોંગ્રેસનો માસ્ટર પ્લાન, 6 ટર્મથી 'અજેય’ મધુ શ્રીવાસ્તવનો ખેલ અપક્ષ બગાડશે!

વડોદરાએક મહિનો પહેલાલેખક: જીતુ પંડ્યા

વિધાનસભા ચૂંટણી જાહેર થવા આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, જેને પગલે રાજકીય હલચલ શરૂ થઈ ચૂકી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મધ્ય ગુજરાતની રાજકીય સ્થિતિ હંમેશાં અસ્થિર રહી છે. એમાં છેલ્લા કેટલાક સમયથી વડોદરા જિલ્લાની પાંચ બેઠક- સાવલી, વાઘોડિયા, ડભોઈ, કરજણ અને પાદરા માટે ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ માટે ખેંચતાણ ચાલી રહી છે. આ પાંચ બેઠકમાં સાવલી, વાઘોડિયા, ડભોઈ અને કરજણ સીટ ભાજપ પાસે છે તો પાદરા બેઠક કોંગ્રેસ પાસે છે. તો આજે વાત આ પાંચ સીટનાં પળેપળે બદલાતાં રાજકીય સમીકરણોની.

વડોદરા જિલ્લાની પાંચ બેઠકમાં સાવલીમાં કેતન ઇનામદાર, વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ, ડભોઇમાં શૈલેષ મહેતા (સોટ્ટા) અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં કરજણ સીટ પરથી કોંગ્રેસમાંથી ચૂંટાયા બાદ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા અને ત્યાર બાદ ભાજપમાંથી જ પેટાચૂંટણી જીતી ધારાસભ્ય અક્ષય પટેલ છે. જ્યારે પાદરામાં કોંગ્રેસના ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર છે. ત્યારે કોંગ્રેસ જિલ્લામાં ભાજપ પાસેની ચાર બેઠક પર કોંગ્રેસ ગાબડું પાડવા માસ્ટર પ્લાન બનાવી રહી છે.

જેને ભાજપમાં લાવ્યા એ જ તેમની સામે પડશે
આગામી વિધાનસભાની ચૂંટણીમાં સાવલી બેઠક પર ભાજપ વર્તમાન ધારાસભ્ય કેતન ઇનામદારને રિપીટ કરે એવી શક્યતા છે. એની સામે ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયેલા બરોડા ડેરીના ડિરેક્ટર અને ક્ષત્રિય આગેવાન કુલદીપસિંહ રાઉલજીને કોંગ્રેસ મેદાનમાં ઉતારે એમ મનાય છે. સાવલીમાં આ વખતે કોંગ્રેસ દ્વારા ક્ષત્રિય ઉમેદવારને જો ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે તો બે ટર્મથી જીતતા આવેલા ભાજપના ઉમેદવાર કેતન ઇનામદાર માટે પણ મુશ્કેલી ઊભી કરી શકે છે. કેતન ઇનામદારને પડકાર આપવા માટે જ કોંગ્રેસે કુલદીપસિંહ રાઉલજીનું ખુલ્લા દિલથી સ્વાગત કર્યું છે. સાવલીમાં 1 લાખ ઉપરાંત ક્ષત્રિય મતદારો અને 14 હજાર ઉપરાંત મુસ્લિમ મતદારો છે. ત્યારે જો ક્ષત્રિય મતદારો જાતિવાદના આધારે વોટિંગ કરે તો પરિણામ બદલાઈ શકે છે.

ભાજપના આ ધારાસભ્ય તો ટિકિટ પહેલાં જ કહે છે મારી જીત નક્કી
કોગ્રેસ દ્વારા ક્ષત્રિય આગેવાન અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિહ રાઉલજીને ટિકિટ આપવાની ચર્ચા ચાલી રહી છે. તો આપને કોઈ અસર થશે ખરી? એવા દિવ્ય ભાસ્કરના પ્રશ્નના જવાબમાં કેતન ઇનામદારે જણાવ્યું હતું કે વર્ષ 2012માં કોગ્રેસના સિનિયર આગેવાન ખુમાનસિહ ચૌહાણ અને ભાજપમાંથી સ્વ. ઉપેન્દ્રસિંહ ગોહિલ સામે ચૂંટણી જીત્યો (અપક્ષ) હતો. એ બાદ 2017માં મારી સામે કોંગ્રેસમાંથી સાગર બ્રહ્મભટ્ટ, NCPમાંથી ખુમાનસિહ ચૌહાણ ચૂંટણી લડ્યા હતા, એમ છતાં મારા મતદારોએ મને 22 હજારથી વધુ મતોથી જિતાડ્યો છે. મારા તમામ જ્ઞાતિના લોકો સાથે પારિવારિક સંબંધો છે. દરેક સમાજના લોકોને સાથે રાખીને ચાલતો હોવાથી મારી સામે આગામી ચૂંટણીમાં કોઈપણ ઉમેદવાર આવશે તો પણ મારી જીત નક્કી છે અને આ વખતે 50 હજારથી વધુ મતોથી જીત મેળવીશ એવો વિશ્વાસ છે.

કેતન ઇનામદાર સામે કુલદીપસિંહ બાથ ભીડવા તૈયાર
જ્યારે કોંગ્રેસમાંથી સાવલી સીટ પરની ટિકિટના દાવેદાર કુલદીપસિંહ રાઉલજીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ભાજપમાં સતત થઈ રહેલી અવગણનાને લઈ અમે કોંગ્રેસમાં જોડાયા છે. અમને કોંગ્રેસ ટિકિટ આપશે તો અમે ચોક્કસ વિજય મેળવીશું એમાં બેમત નથી. ચૂંટણી પછી અમે કોંગ્રેસ અને મતદારો સાથે દગો કરીશું નહિ. અમારું એકમાત્ર ધ્યેય અમારા મતવિસ્તારમાં ભાજપ દ્વારા જે વિકાસકાર્યો કરવામાં આવ્યાં નથી એ કરીશું.

ક્ષત્રિય નેતા કુલદીપસિંહ રાઉલજી 2003થી 2008 દરમિયાન વેજપુર ગામના સરપંચપદે રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ડેસર APMCના ડિરેક્ટર અને વાઇસ-ચેરમેન પદે પણ રહી ચૂક્યા છે. સાવલી અને ડેસરમાં 67000 ક્ષત્રિય મતદાર છે. તેમના પિતા ઉદેસિંહ રાઉલજી પણ કોંગ્રેસના જાણીતા નેતા હતા.

આ સીટ પર જામી શકે કસોકસનો જંગ
દર ચૂંટણીએ અલગ અલગ પક્ષના ઉમેદવારને જિતાડતી (2017ના અપવાદ સિવાય) ડભોઈ બેઠકની રાજકીય સ્થિતિની વાત કરીએ તો ભાજપ વર્તમાન ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ને રિપીટ કરી શકે છે, પરંતુ શૈલેષ મહેતા (સોટ્ટા) વડોદરાની રાવપુરા બેઠક પરથી ચૂંટણી લડવા માગતા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે તાજેતરમાં લેવામાં આવેલી સેન્સ દરમિયાન તેમણે ડભોઈ બેઠક પર જ દાવેદારી કરી હતી. જો તેમને ડભોઈ બેઠક પર જ રિપીટ કરવામાં આવે તો તેમની સામે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા અને ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)ને મેદાનમાં ઉતારે તો એ બેઠક પર કસોકસનો જંગ થવાની શક્યતા છે. તો બીજી તરફ કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ પણ ડભોઈ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે, પરંતુ, જો ભાજપ શૈલેષ મહેતા (સોટ્ટા)ને વડોદરાની રાવપુરા બેઠક પર ટિકિટ આપે તો ડભોઈનાં સમીકરણો બદલાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ સીટ પર 1998થી 2017 સુધી પાટીદાર ઉમેદવાર વિજયી બનતા આવ્યા છે. પરંતુ 2017માં આ સીટ પરથી બ્રાહ્મણ એવા શૈલેષ મહેતા ચૂંટાયા હતા.

મતદારો પણ હવે પરિવર્તન ઇચ્છી રહ્યા છેઃ બાલકૃષ્ણ પટેલ
દિવ્ય ભાસ્કરે શૈલેષ સોટ્ટાનો સંપર્ક કરતાં તેમણે હાલ ચૂંટણી માથે હોવાથી કોઈ નિવેદન આપવા માટે ઇનકાર કર્યો હતો. જ્યારે કોંગ્રેસમાંથી ટિકિટના દાવેદાર બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)એ જણાવ્યું હતું કે ભાજપ સરકારમાં લોકો મોંઘવારીથી ત્રાહિમામ્ પોકારી ગયા છે. બેરોજગારીએ અજગરી ભરડો લીધો છે. પ્રજા ત્રાહિમામ્ પોકારી ગઈ છે અને મતદારો પણ હવે પરિવર્તન ઇચ્છી રહ્યા છે.

માંડ માંડ જીત્યા હતા શૈલેષ સોટ્ટા
2017માં ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતા (સોટ્ટા) પાતળી સરસાઈથી જીત્યા હતા. તેમણે ચૂંટણીના અંતિમ તબક્કામાં મુસ્લિમ કાર્ડ રમતા તેઓ ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)ને મેદાનમાં ઉતારે તો હરીફ ઉમેદવાર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે તેમને સ્થાનિક ઉમેદવાર તરીકેનો પણ લાભ મળી શકે છે.

આ સીટ પર ભાજપનો ત્રણવાર તો કોંગ્રેસનો 9 વાર વિજય થયો
કરજણ બેઠક પર ગુજરાતની સ્થાપના સમયથી અત્યાર સુધીમાં કોંગ્રેસનો 9 વખત, જ્યારે ભાજપનો માત્ર 3 વખત વિજય થયો છે. કોંગ્રેસ માટે સરળ ગણાતી આ બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા વર્તમાન ધારાસભ્ય અક્ષય પટેલ સામે મતદારોમાં ભારે રોષ છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલે (નિશાળિયા) દાવેદારી નોંધાવી છે. ભાજપ અક્ષય પટેલને રિપીટ કરે એવી શક્યતા ધૂંધળી છે અને જો રિપીટ કરશે તો આ બેઠક પર બળવો થવાનાં પણ એંધાણ વર્તાઈ રહ્યાં છે.

અક્ષય પટેલની ટિકિટ કપાઈ શકે!
ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ તાજેતરમાં ગૌરવયાત્રાની સભામાં કરજણ બેઠકના દાવેદાર સતીષ પટેલ (નિશાળિયા)ને કરજણના ધારાસભ્ય તરીકે જોવાના છે. હવે પૂર્વ ધારાસભ્ય બોલવું અઘરું લાગે છે, બે-ત્રણ મહિના પછી ધારાસભ્ય સતીષભાઈ બોલતા થઈએ. આપ તૈયાર છો? એવો સવાલ મતદારોને પૂછ્યો હતો, જે ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે જો પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ (નિશાળિયા)ને ટિકિટ આપવામાં નહિ આવે તો બળવો થવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.

કોંગ્રેસમાંથી કરજણ તાલુકા કોંગ્રેસ-પ્રમુખ પ્રીતેશ ઉર્ફે પિન્ટુ પટેલ ટિકિટના દાવેદાર છે. પિન્ટુ પટેલ સામાજિક કાર્યકર છે અને યુવાનોમાં પક્કડ ધરાવે છે. કદાચ ભાજપ સતીષ પટેલને ટિકિટ આપે તો તેઓ ગત ચૂંટણીમાં અક્ષય પટેલ સામે જ હારી ગયા હતા. આ સ્થિતિમાં પ્રીતેશ ઉર્ફ પિન્ટુ પટેલ કોઈપણ ભાજપ ઉમેદવાર આવશે તો ટક્કર આપશે.

આ ચૂંટણીમાં નવાજૂની થવાનાં એંધાણ
કરજણ બેઠક પર 1.40 લાખ જેટલાં મહિલા મતદારો છે. અત્યાર સુધી કરજણ બેઠક પર એકપણ વખત મહિલાને ટિકિટ આપવામાં આવી નથી. ગત બે ચૂંટણીમાં પટેલ સામે પટેલ ઉમેદવાર ઉતારવામાં આવ્યા હતા. આ વખતે પણ વર્તમાન પટેલ ધારાસભ્ય સામે પૂર્વ પટેલ ધારાસભ્ય (સતીષ પટેલ) ટિકિટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને જો ટિકિટ મેળવવા માટે મહેનત કરી રહેલા દાવેદારને ટિકિટ નહીં મળે તો નવાજૂની થવાની શક્યતા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા મહિલા ઉમેદવારને ચૂંટણીમાં ઉતારી સમીકરણ ફેરવી નાખે એવી ચર્ચા ચાલી રહી છે.

મધુ શ્રીવાસ્તવને કોંગ્રેસનો નહીં, આ ઉમેદવાર હરાવી શકે!
હવે વાત વિવાદોને કારણે સતત ચર્ચામાં રહેતા મધુ શ્રીવાસ્તવ જે બેઠકના ધારાસભ્ય છે એવી વાઘોડિયા બેઠકની. જ્યારથી ગુજરાતમાં ભાજપ સત્તા પર આવ્યો છે ત્યારથી આ સીટ પર મધુ શ્રીવાસ્તવ વિજયી બનતા આવ્યા છે. 1995માં અપક્ષમાંથી ચૂંટાયા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. આમ, તેમને 7મી વખત ચૂંટણી લડવી છે, પરંતુ ભાજપ આ વખતે તેમને રિપીટ કરે છે કે કેમ એ એક મોટો સવાલ છે. વાઘોડિયા મતવિસ્તારના મતદારો પણ નવા ચહેરાની માગ કરી રહ્યા છે અને તેમાં પ્રબળ દાવેદાર વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન નીલેશ પુરાણી છે. જો આ વખતે ભાજપ મધુ શ્રીવાસ્તવને રિપીટ કરશે તો ભાજપ માટે આ સીટ જીતવી મુશ્કેલ બને એવી શક્યતા છે, કારણ કે આ વખતે વાઘોડિયા બેઠક પર ત્રિપાંખિયો જંગ નક્કી મનાય છે. ગત વિધાનસભાના ચૂંટણી સમયે ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અપક્ષ તરીકે ચૂંટણી લડવા માટેની તૈયારીઓ કરી દીધી છે. 2017ની ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 52000થી વધુ મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ આ તકનો લાભ લઈ વાઘોડિયા બેઠક પર પૂર્વ સાંસદ સત્યજિત ગાયકવાડને ટિકિટ આપે એવી ચર્ચા છે.

મધુ શ્રીવાસ્તવની જીતમાં બીજી પત્નીનો ફાળો
વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આદિવાસીઓના મતોથી જીતતા આવ્યા છે. તેમનાં બીજાં પત્ની વસાવા જ્ઞાતિનાં હોવાથી તેમને મોટો ફાયદો થતો આવ્યો છે. જોકે આ વખતે વાઘોડિયાના મતદારો અને ભાજપ કાર્યકરો નવા ચહેરાની માગ કરી રહ્યા છે. ત્યારે હરીફ ઉમેદવારો કઈ જ્ઞાતિના છે અને મતદારોનો ઝોક કોના તરફ રહેશે એ ઉમેદવાર ઉપરથી નક્કી થશે.

મધુ શ્રીવાસ્તવના કટ્ટર હરીફ છે નીલેશ પુરાણી
વાઘોડિયા બેઠક પર ભાજપમાંથી પ્રબળ દાવેદાર મનાતા નીલેશ પુરાણીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે મેં વાઘોડિયા બેઠક પર ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. જો મને ભાજપમાંથી ટિકિટ મળશે તો ગ્રામપંચાયતના સરપંચથી લઈ હાલ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનપદ પર રહીને વાઘોડિયા વિધાનસભા મતવિસ્તારમાં કરેલાં કામો જોઈ મતદારો મને વિધાનસભામાં ચોક્કસ મોકલશે.

આ વખતે શું થશે દિનુમામાનું?
પાદરા બેઠકની વાત કરવામાં આવે તો ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે ભાજપના ઉમેદવાર દિનેશ પટેલ (દિનુમામા)ને પરાજિત કર્યા હતા. કહેવાય છે કે રાજ્યસભાની ચૂંટણી સમયે ભાજપે જસપાલસિંહ પઢિયારને ભાજપમાં લેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, આથી કોંગ્રેસ વર્તમાન ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારને રિપીટ કરશે એવી પૂરી શક્યતા છે. પાદરા બેઠક પર ચૂંટણી લડવા માટે પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુમામા) સહિત 21 કાર્યકરે દાવો કર્યો છે.

ક્ષત્રિયો એક થયા ને પટેલ ઉમેદવારને ઘરે બેસવાનો વારો આવ્યો
પાદરા વિધાનસભા મતવિસ્તારમાં 1.12 લાખ જેટલા ક્ષત્રિય મતદારો છે. ગત ચૂંટણીમાં ક્ષત્રિયો એક થઈ જતાં ભાજપના પટેલ ઉમેદવારને ઘેર બેસવાનો વખત આવ્યો હતો. ત્યારે આ વખતે ભાજપ કોંગ્રેસના ક્ષત્રિય ઉમેદવાર સામે ક્ષત્રિય ઉમેદવારને ઉતારશે કે પછી અન્ય જ્ઞાતિના ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારશે એ એક ચર્ચાનો વિષય છે. નોંધનીય છે કે આ વખતે ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુમામા)એ ટિકિટ માગી છે. ઉપરાંત ક્ષત્રિય સમાજના અગ્રણી અને પાદરા તાલુકામાં ભાજપમાં આગવી ઓળખ ધરાવતા કમલેશ પરમારે પણ ભાજપમાંથી ટિકિટ માગી છે. ત્યારે ભાજપ માટે પાદરા બેઠક પર ઉમેદવાર શોધવો મુશ્કેલ છે. વર્તમાન સ્થિતિ જોતાં મનાય છે કે કોંગ્રેસ આ વખતની ચૂંટણીમાં પાદરા બેઠક જાળવી રાખશે.

કોંગ્રેસમાં આવેલા ઉમેદવારો જીત્યા પછી શઢ બદલી શકે
ભાજપ છોડીને કોંગ્રેસમાં ટિકિટની અપેક્ષાએ આવેલા સાવલીના ક્ષત્રિય આગેવાન અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી અને ડભોઈ બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલાર) મોંઘવારી, બેરોજગારી તેમજ વર્તમાન ધારાસભ્યો સામે ચાલી રહેલા રોષને જોતાં જીતી જાય એવી શક્યતા નકારી શકાય એમ નથી, પરંતુ ભાજપની ગળથૂથી ધરાવતા સાવલીના કુલદીપસિંહ રાઉલજી અને ડભોઇના બાલકૃષ્ણ પટેલ (ઢોલાર) ગુજરાતમાં કયા પક્ષની કેટલી બેઠકો આવે છે એ જોઈ શઢ બદલી નાખે એવી પણ મતદારોમાં દહેશત છે.

પાંચેય સીટનાં પરિણામો કેવાં આવી શકે છે?
સાવલી બેઠક પર ચૂંટણી લડવા ભાજપ છોડીને ટિકિટની અપેક્ષાએ કોંગ્રેસમાં આવેલા બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીને મતદારો સ્વીકારે તો ભાજપને આ બેઠક ખોવાનો વારો આવી શકે છે તેમજ ભાજપના સસ્પેન્ડેડ પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલને ડભોઈથી કોંગ્રેસ ટિકિટ આપે તો આ સીટ પણ ભાજપ માટે કપરી સાબિત થઈ શકે તેમ છે, જ્યારે વાઘોડિયાના મતદારો તો ઠીક કાર્યકરો પણ મધુ શ્રીવાસ્તવને બદલે નવો ચહેરો માગી રહ્યા છે. કરજણ બેઠકમાં વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપીને પૂર્વ ધારાસભ્યને ટિકિટ આપવામાં નહીં આવે તો આ બેઠકમાં નવાજૂની થવાનાં એંધાણ છે, જ્યારે પાદરા બેઠક પર પૂર્વ ધારાસભ્ય સહિત 21 કાર્યકરે દાવેદારી નોંધાવતાં ભાજપ માટે ઉમેદવાર નક્કી કરવો લોઢાના ચણા ચાવવા બરાબર પુરવાર થશે. આમ, આ તમામ બેઠક પર ભાજપ ટિકિટ આપવા મામલે ફસાયો છે.

અન્ય સમાચારો પણ છે...