ગ્રાઉન્ડ રિપોર્ટ'અમરેલીને અમેરિકા જેવું બનાવો તો માનું!':ન્યૂયોર્ક રિટર્ન બા કોંગ્રેસ-ભાજપ પર બગડ્યા, તો કાકાએ ધાનાણીની ફોર્મ્યૂલા જણાવી કહ્યું, 'જીતી જાહે'

2 મહિનો પહેલાલેખક: કમલ પરમાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ચિંતા વધારતો વિસ્તાર એટલે અમરેલી. અમરેલી વિધાનસભા મત વિસ્તાર એક સમયે ભાજપનો ગઢ કહેવાતો હતો. 1985થી આ બેઠક પર ભાજપનો દબદબો રહેતો હતો. પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી જેવા નેતાઓ આ બેઠક પરથી ચૂંટણી લડતા અને ભવ્ય વિજય મેળવતા હતા. પરંતુ વર્ષ 2002થી આ બેઠક પરથી કોંગ્રેસના પરેશ ધાનાણીએ રાજકીય સફર શરૂ કરી, ત્યાર બાદથી તેઓ ત્રણ વખત આ બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણી જીત્યા. માત્ર 2007માં જ દિલીપ સંઘાણી સામે પરેશ ધાનાણી હારી ગયા હતા.

અમરેલી બેઠક પર કોની વચ્ચે ટક્કર?
અમરેલીથી ધારાસભ્ય બનીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુધીની સફર ખેડનારા પરેશ ધાનાણીને કોંગ્રેસે ચોથી વખત ટિકિટ આપી છે. તો ભાજપે કૌશિક વેકરિયાને જ્યારે આમ આદમી પાર્ટીએ રવિન્દ્ર ધાનાણીને ટિકિટ આપી છે. ત્યારે દિવ્ય ભાસ્કરે મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો.

પરેશ ધાનાણી માટે કેવા પડકાર?
અમરેલીના શહેરી વિસ્તારના મતદારો માટે સફાઈ, રસ્તા અને ગટરનો મુદ્દો મુખ્ય જોવા મળી રહ્યો છે. વર્ષો સુધી આવી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા મતદારો સ્થાનિક ધારાસભ્ય ઉપરાંત રાજ્ય સરકાર સામે પણ નારાજગી દર્શાવી રહ્યા છે. ઘણા લોકોએ પરેશ ધાનાણીએ વિપક્ષમાં હોવા છતાં જનહિત માટે કરેલી કામગીરીને વખાણી, કોરોના સમયે પરેશ ધાનાણી જે રીતે લોકો વચ્ચે જઈને ભોજન તેમજ દવાની વ્યવસ્થા કરી, તેને લોકો બિરદાવી રહ્યા છે.

અમરેલીમાં ભાજપનો ગજ વાગશે?
એવા પણ લોકો સામે આવ્યા, જેઓ અમરેલીમાં ભાજપના ઉમેદવારને વિજેતા જોવા માગે છે. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા ભાજપના સમર્થકોએ જણાવ્યું કે રાજ્ય જ નહીં દેશમાં ભાજપની સરકારે વિકાસના ઘણા કામ કર્યા છે, એટલે તેઓ સ્થાનિક ધારાસભ્ય તેમજ સ્થાનિક સમીકરણોને જોયા વગર માત્ર મોદી સરકારના કામને જોઈને ભાજપને મત આપવાનું મન બનાવી ચુક્યા છે.

AAPની સ્થિતિ કેવી છે?
અમરેલીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવાર ઉતાર્યા છે. પરંતુ લોકોના મત મુજબ આમ આદમી પાર્ટીના વાયદાની અસર તેમના પર નહીં થાય. કેજરીવાલના પ્રયાસોને લોકો અવગણી તો નથી રહ્યા, પરંતુ અમરેલીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીતને લોકોએ ખૂબ મુશ્કેલ કામ ગણાવ્યું.

અમરેલી બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ છે. અમરેલીના લોકો સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત અહીં ખેતી સૌથી મોટો વ્યવસાય છે. પાટીદાર અનામત આંદોલન સુરત ઉપરાંત અમરેલી જ સૌથી વધુ સક્રિય રહ્યું હતું. ગત વિધાનસભા ચૂંટણીમાં આ કારણે ભાજપને સૌરાષ્ટ્રમાં મોટું નુકસાન વેઠવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...