ELECTION રાઉન્ડ-અપ@7AM:દિલ્હી જતાં-જતાં મોદી અમદાવાદીઓને શું કહી ગયા? શાહે રોડ શો અધૂરો કેમ છોડ્યો? જુઓ ચૂંટણીના 7 મોટા સમાચાર

2 મહિનો પહેલા

PMના કોંગ્રેસ પર પ્રહાર

અમદાવાદમાં સળંગ બીજા દિવસે રોડ-શૉ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભા સંબોધી હતી. જાહેરસભા સંબોધતાં વડાપ્રધાને કહ્યું હતું કે "ચૂંટણી અભિયાનની મારી આ છેલ્લી સભા છે. અમદાવાદનો આભાર માનું છું. પહેલા તબક્કાનુંનું મતદાન પૂર્ણ થયું છે. જે લોકો ઊછળી-ઊછળીને બોલતા હતા તેઓ ગઈકાલ સાંજથી ચૂપ છે. કાલે સમજી ગયા છે કે આપણો ગુજરાતમાં કાંઈ મેળ પડે એમ નથી. પહેલા તબક્કાના મતદાનથી નક્કી થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટી અભૂતપૂર્વ વિજય પ્રાપ્ત કરે છે, આ હું કહું છું એટલા માટે નહીં, કોંગ્રેસ પણ કહે છે. બે દિવસથી કોંગ્રેસનાં નિવેદનો સાંભળો અને વાંચો. સતત ઈવીએમને ગાળો બોલે છે. ઈવીએમ આમ-ઈવીએમ તેમ, ઈવીએમનું આવું-ઈવીએમનું તેવું. કોંગ્રેસ જ્યારે જ્યારે ઈવીએમને ગાળો બોલવાનું શરૂ કરે એટલે સમજવાનું કે તેમણે ઉચાળા ભરી લીધા છે. તેમનો પણ ખેલ ગુજરાતના લોકોએ પહેલા તબક્કામાં પતાવી દીધો છે. ચૂંટણીની અંદર મોદીને ગાળો બોલવાની અને મતદાન થાય એટલે ઈવીએમને બોલવાની."

'મની,મસલપાવર અને સત્તાના પાવરનો કર્યો દુરુપયોગ':અર્જુન મોઢવાડિયા

પહેલા તબક્કાના મતદાન બાદ કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે પહેલા તબક્કાની 89 માંથી 65થી વધુ બેઠકો કોંગ્રેસ જીતશે. અને વધુમાં તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભારતિય જનતા પાર્ટીને એના કાર્યકરો પર એક પૈસાનો ય ભરોસો નથી, એટલે એમણે મની,મસલપાવર અને સત્તાના પાવરનો ત્રણેયનો એવો દુરુપયોગ કર્યો છે કે હિન્દુસ્તાનના ઈતિહાસની અંદર ચૂંટણીની ગેરરીતી બાબતે જો કોઈ અભ્યાસ કરે તો PHD કરી શકાય એટલા બધા પ્રકારે મની,મસલપાવર અને સત્તાના પાવરનો દુરુપયોગ કર્યો છે."

સ્મૃતિ ઈરાનીની મહિલાઓને મતદાનની અપિલ

ગુજરાતની ચૂંટણીને લઈને રાજકીય ઉત્સાહીઓ તેજ થઈ રહ્યા છે. 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થયું હતું. હવે 5 ડિસેમ્બરે રાજ્યમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન થશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિત ગુજરાતના ચૂંટણી મેદાનમાં જોરશોરથી ઉતર્યા છે. દરમિયાન બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાજ્યમાં ભાપજની બહુમતીની સરકાર બનાવવાનો દાવો કર્યો છે. ગુજરાતની ચૂંટણીના બીજા તબક્કા પહેલા સ્મૃતિ ઈરાનીએ શુક્રવારે કહ્યું હતું કે,"બીજા તબક્કા માટે અમે ગુજરાતની જનતા જનાર્દનના અપીલ કરીએ છીએ કે તેઓ મોટા પ્રમાણમાં મતદાનમાં ભાગ લે. ત્યારે સ્મૃતિ ઈરાનીએ ખાસ કરીને ગુજરાતની મહિલાઓને અપીલ કરી છે કે ઈરાનીએ કહ્યું કે ગુજરાતમાં ઐતિહાસિક જીત તરફ લઈ જવા માટે હું જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કરુ છું."

આયાતી ઉમેદવારો ભાજપને નડ્યા?

ગુજરાત વિધાનસભાના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયાના બીજા જ દિવસે કોંગ્રેસે મોટું રાજકીય નિવેદન કર્યું છે. પહેલા તબક્કામાં 89 બેઠકો માટે થયેલા મતદાનમાં 55 સીટ જીતવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. એટલું જ નહીં, કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ અમદાવાદમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશે અને પ્રજાએ ભાજપને જાકારો આપ્યો છે. જ્યારે અન્ય રિપોર્ટ મુજબ કોંગ્રેસે કેબિનેટમાં કયાં ચહેરા હશે તેના પરની પણ કવાયત શરુ કરી દીધી છે. કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ તો પત્રકારો સમક્ષ ત્યાં સુધી દાવો કર્યો હતો કે, ભાજપને ભાજપના જ લોકો હરાવી રહ્યા છે. એન્ટિ ઈન્કમ્બન્સીના ફેક્ટરને ખાળવા આ વખતે ભાજપે જે લોકોની ટિકિટ કાપી હતી તેમણે જ ગઈકાલે કોંગ્રેસને ભરપૂર ફાયદો કરાવ્યો છે. ભાજપના બળવાખોરો તેમજ જેમની ટિકિટ કપાઈ છે તેઓએ કોંગ્રેસની તરફેણમાં મત અપાવ્યા છે. આ કારણથી કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બનશે તે નક્કી છે.

અમિત શાહે અધૂરો છોડ્યો રોડ શો

રાજ્યની 89 બેઠકો પર ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાં હવે રાજકીય પાર્ટીઓએ બાકીની 93 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ત્યારે ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરા પહોંચ્યા હતા અને પ્રતાપનગરથી રોડ શરૂ કર્યો હતો. અમિત શાહે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અમિત શાહનો રોડ શો પ્રતાપનગરથી માંડવી, ફતેપુરા થઈ કોયલી ફળિયા અને ત્યાંથી જ્યુબિલીબાગ ખાતે પૂર્ણ થવાનો હતો. જોકે, રોડ શો પૂરો થાય તે પહેલા માંડવી ખાતે અધવચ્ચે રોડ શોમાંથી તેઓ ઉતરી અમદાવાદ જવા રવાના થઈ ગયા હતા. તેથી સમર્થકોને અમિત શાહની ઝલક જોવા ન મળતા નારાજ થયા હતા.

મલ્લિકાર્જુન ખડગેના PM મોદી પર પ્રહાર

ગાંધીનગર દક્ષિણમાં યોજેલ જાહેરસભામાં કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM મોદી પર સીધા પ્રહાર કરતા કહ્યું, " પીએમ ગલી ગલીમાં ફરી રહ્યા છે. એમને દિલ્હીનું કામ આપવામાં આવ્યું છે. તમે ત્યાં કામ કરવા માટે આવ્યા છો. શા માટે 50 કિલોમીટરનો રોડ શો કરવાની જરૂર પડી? પીએમ થઈને ગલી ગલીમાં વોટ માંગવાની કેમ જરૂર પડી કોને હરાવવા માટે આવ્યા છો? ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સામે પ્રચાર કરવા માટે આવ્યા છો? તમારા કાર્યકરો અને MLAને કામ કરવા દો. તમે દિલ્લી સંભાળો એમને પંચાયતથી પાર્લામેન્ટ સુધીનો પાવર જોઈએ છે."

ત્રણેય પાર્ટીઓના આજના કાર્યક્રમો

આજે ત્રણેય પાર્ટીઓના સ્ટાર પ્રચારકો અને નેતાઓ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં રોડ-શૉ કરશે અને સભાઓ ગજવશે. ભાજપના સ્ટાર પ્રચારક પરશોત્તમ રુપાલા આજે ધાનેરા, જેતપુર પાવી, અને બોરસદમાં જાહેરસભાઓ ગજવશે. તો જાણીતા અભિનેતા મનોજ જોશી અમદાવાદની દસ્ક્રોઈ વિધાનસભા ખાતે રોડ શો કરશે. તો કોંગ્રેસ તરફ થી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને રાજયસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ ભાભર મુકામે જાહેરસભા સંબોધશે. તેમજ આમ આદમી પાર્ટીના CM ફેસ ઈસુદાન ગઢવી સિદ્ધપુર, કાંકરેજ, ધાનેરા અને વાવ ખાતે જનસભા કરશે. અલ્પેશ કથીરિયા વિસનગર, ઊંઝા, પાટણ અને ચાણસ્મામાં રોડ-શૉ કરશે. અને ગોપાલ ઈટાલિયા વિજાપુર અને મહેસાણામાં રોડ-શૉ કરશે.

અન્ય સમાચારો પણ છે...