Editor's View:અડધી રાતે કૉંગ્રેસના 43 ઉમેદવાર જાહેર, ઈન્દ્રનીલને AAPનો મોહભંગ, જાણો ઈસુદાનને CM ઉમેદવાર જાહેર કરવાનું ગણિત

એક મહિનો પહેલા

ગુજરાતમાં ચૂંટણીની ગાડી ટોપ ગિયરમાં આવી ગઈ છે. રાજકીય પાર્ટી કે ઉમેદવારો પાસે હવે બિલકુલ સમય નથી. એવામાં અત્યારસુધીના સૌથી મોટા સમાચાર એ છે કે ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ આરોગ્યમંત્રી જયનારાયણ વ્યાસે પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. હવે તેઓ કૉંગ્રેસમાં જોડાશે કે AAPમાં હશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ તરફ મોડી રાત્રે કૉંગ્રેસે 43 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, જેમાં અર્જુન મોઢવાડિયા, અમીબેન યાજ્ઞિક, કનુભાઈ કલસરિયા અને હિમાંશુ પટેલનાં નામ સામેલ છે. તો સૌરાષ્ટ્રના કદાવર નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુને પણ 220 દિવસમાં જ AAPથી મોહભંગ થતાં તેમણે કૉંગ્રેસમાં ઘરવાપસી કરી છે.

AAPના CM ઉમેદવાર અને કેજરીવાલનું ગણિત

આમ આદમી પાર્ટીએ પંજાબની જેમ તેમના મુખ્યમંત્રીપદના ચહેરાનું નામ જાહેર કર્યું. ઇસુદાન ગઢવીને 73 ટકા વોટ મળ્યા હોવાનું અરવિંદ કેજરીવાલે કહ્યું. દિવ્ય ભાસ્કરે કરેલા સર્વેમાં પણ ઇસુદાનનું નામ મોખરે હતું, જોકે CM ઉમેદવાર તરીકે ઇસુદાનનું નામ હોવા પાછળનું જ્ઞાતિ ગણિત સમજવા જેવું છે. 2017માં પાટીદારો ભાજપ સરકારથી નારાજ હતા અને અનામત આંદોલન કર્યું. સરકારે પાટીદારોને રાજી કરવા ઘણા પ્રયત્નો કર્યા અને એ પછી તો પાટીદાર મુખ્યમંત્રી પણ બનાવી દીધા. 2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના પાટીદારોએ ભાજપ વિરુદ્ધમાં મત આપ્યા, ભાજપની બેઠકો ઘટી પણ વોટ શેર વધ્યો. જો કે OBC સહિતની બાકીની જ્ઞાતિઓએ ભાજપને તારી દીધો. ચૂંટણી પછીના એક સર્વે મુજબ 52 ટકા OBC મતદારોએ ભાજપને મત આપ્યા હતા.

ગુજરાતમાં પાટીદારો અને OBC મોટી વોટબેંક

આ આંકડો સમજાવવો એટલા માટે મહત્ત્વનો છે, કારણ કે ભાજપમાં મુખ્યમંત્રી પાટીદાર છે. આપમાં પ્રદેશ પ્રમુખ પાટીદાર છે. તો કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ OBC અને વિપક્ષના નેતા આદિવાસી છે. આવા સમયે આમ આદમી પાર્ટીએ પાટીદાર અને OBC ચહેરાનું કોમ્બિનેશન કર્યું છે. આ બંને મળીને ગુજરાતની વોટબેન્કનો મોટો હિસ્સો બને છે.

ભાજપમાં આજે વધુ 77 બેઠક અંગે મંથન

શુક્રવારની બીજી ચૂંટણી ચહલપહલની વાત કરીએ તો ભાજપમાં અમિત શાહ ફરી 58 બેઠક માટે ઉમેદવારોનું મંથન કરવા બેઠા હતા. આજે તેઓ ફરી બાકીની 77 બેઠકનું મંથન થશે. પછી મામલો દિલ્હી હાઇકમાન્ડ સુધી પહોંચશે, એટલે કે ભાજપ ગુજરાતથી દિલ્હી એમ ચાલે છે. જ્યારે કૉંગ્રેસ અને આપ દિલ્હીથી ગુજરાત ચાલે છે.

ગુજરાતમાં AAP કોના વોટ કાપશે?

ગુજરાતના રાજકારણમાં અત્યારે સૌથી વધુ પુછાતો લાખ રૂપિયાનો સવાલ એ છે કે આમ આદમી પાર્ટી કોના વોટ કાપશે? એક સર્વે મુજબ જો આમ આદમી પાર્ટીને 100 વોટ મળે તો એમાંથી 75 વોટ કોન્ગ્રેસના હશે અને 25 વોટ ભાજપના હશે. આ ચૂંટણી જાહેર થયા પહેલાંની ગણતરી છે.

ચૂંટણી ચહેરાના એ બે રોચક કિસ્સા

જતા જતા વાત કરીએ ચહેરાની. પંજાબની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ કોન્ગ્રેસના મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કરવાની ના પાડી હતી, પણ મુખ્યમંત્રી ચન્નીએ આગ્રહ રાખ્યો કે જો નામ આપીશું તો કોન્ગ્રેસને ફાયદો થશે. કોન્ગ્રેસે કહ્યું, ઠીક છે ચન્ની જ બનશે હવે મુખ્યમંત્રી. ચૂંટણીમાં કોન્ગ્રેસ અને ચન્ની બંનેનો સફોયો થયો. 2009માં અડવાણીના નામે ચૂંટણી લડ્યા પછી ભાજપની હાર થઇ હતી. એ પછી મોદીએ કહ્યું હતું કે 2014માં પણ અમારો ચહેરો અડવાણીજી જ હશે. મેં એવું તો શું ખરાબ કામ કર્યું છે કે મને ગુજરાતની જનતા દિલ્હી મોકલી દેશે? ઇતિહાસ સૌ જાણે છે કે 2013માં ભાજપે મોદીને 2014ની લોકસભાના ચહેરા તરીકે રજૂ કર્યા હતા. રહી વાત ગુજરાતની આ વખતની ચૂંટણીની તો તમને કોઇ ડાઉટ છે?

ગુજરાતમાં ભાજપનો ચહેરો કોણ?

અહીં એક જ ચહેરો ચાલે છે. તમને સૌને, ભાજપને અને ખુદ મોદીને પણ ખબર છે.

અન્ય સમાચારો પણ છે...