ELECTION રાઉન્ડઅપ:સુરતમાં કેજરીવાલની સભા પહેલાં માથાકૂટ, બેનર હટાવાતાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી, જુઓ ચૂંટણીના 6 સૌથી મોટા સમાચાર

8 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે.સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.એકબીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.રોજ રોજ સભાઓ થઈ રહી છે.ઉમેદવારોના નામોની જાહેરાતો થઈ ગઈ છે. કોઈ નેતા નામ જાહેર થતાં ખુશ છે તો કોઈ નેતા રોષે ભરાયા છે. ત્યારે દિવસભરની તામામ રાજકીય અપડેટ માટે દિવ્ય ભાસ્કર લઈને આવ્યુ છે ઈલેક્શન રાઉન્ડ અપ ન્યૂઝ બુલેટિન.જેમાં દિવસભરની તમામ મહત્ત્વની રાજકીય ખબરોનો ચિતાર મળશે સંક્ષિપ્તમાં. બુલેટિન જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો

આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી
તમામ પક્ષના દિગ્ગજો ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. આજે કેજરીવાલે સુરતમાં રોડ શોનું આયોજન કર્યુ હતું. જો કે તેની પહેલા સિંગણપોર ચાર રસ્તા પર અરવિંદ કેજરીવાલની સભા પહેલા માથાકુટ થઈ. SMCના કર્મચારીઓએ બેનરો હટાવવતા મામલો ગરમાયો હતો.જેના પગલે પોલીસ અને આપના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા.મામલો એટલો ઉગ્ર બન્યો કે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા

'દોઢ વર્ષથી માલધારી સમાજ ભાજપથી ખૂબ નારાજ'
ગુજરાતમાં રખડતા ઢોર નિયંત્રણ વિધેયક બનાવવાને લઈને માલધારીઓ અને ભાજપ સરકાર સામે-સામે આવી ગયા હતા. તંત્ર દ્વારા માલધારીઓનાં ઢોર અને તબેલાઓ પણ હટાવી દેવાયા હતા. જોકે માલધારીઓએ આંદોલન કરતાં સરકારે ઢોર નિયંત્રણ વિધેયક પરત ખેંચી લીધું હતું. જોકે અંદાજે 50 લાખની વસતિ ધરાવતા માલધારીઓ એ હદે નારાજ થઈ ગયા છે કે હવે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે અમારી બેન-દીકરીઓ પર અત્યાચાર ગુજારાયો હતો, જેથી ભાજપની સાન ઠેકાણે લાવવા સમગ્ર ગુજરાતમાં માલધારીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે.

ભાભીને નણંદના સવાલ
જામનગરમાં જાડેજા પરિવાર સામ-સામે આવી ગયા હોય એવું દેખાઈ રહ્યું છે. જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે, ત્યારે કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચાનાં મંત્રી અને રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજાના સપોર્ટમાં છે, જેને લઈને નયનાબાએ આજે રીવાબા પર આક્ષેપ કર્યા છે. નયનાબાએ કહ્યું હતું કે રીવાબાએ ક્રમ નંબરમાં રીવાસી હરદેવસિંહ સોલંકીનું ઉપનામ આપ્યું છે અને રવીન્દ્રસિંહને બ્રેકેટમાં રાખ્યા છે. શું છ વર્ષમાં તેમને સરનેમ ચેન્જ કરવાનો સમય ના મળ્યો કે પછી ખાલી રવીન્દ્રસિંહના નામે પબ્લિસિટી મેળવવી છે? તો બીજી બાજુ રીવાબાએ જવાબ આપતા કહ્યું કે હું વર્ષોથી જામનગરમાં સેવાકાર્ય કરુ છું તે તેમને જોવું જોઈએ.

ઉમેદવારે બે લોકોને રૂપિયા આપ્યા
ડભોઇના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલે(ઢોલાર) આ વખતે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. રવિવારે ભાયલીમાં તેમનો ફેરણીના સમયનો વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ ત્યાં ઊભેલી વ્યક્તિને નાણાં આપતા દેખાય છે. વીડિયોમાં બે લોકોને તેઓ નાણાં આપી રહ્યા છે. આ અંગે ડભોઈના આરઓ આઈ.એચ. પંચાલને પૂછતાં તેમણે વીડિયો અંગેની વાત સાંભળ્યા બાદ કોલ કાપી નાખ્યો હતો. બાલકૃષ્ણ ઢોલારને પૂછતાં તેમણે કહ્યું, તેઓ સભામાં છે.

કોંગ્રેસના કામિનીબા હવે ભાજપમાં જોડાઈ ગયાં
કોંગ્રેસના મજબૂત નેતાઓ પક્ષ સાથે છેડો ફાડી રહ્યાં છે. દહેગામ બેઠકના દાવેદાર અને પૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડ આજે ભાજપમાં જોડાઈ ગયાં છે,કામિની બાએ કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમજ તેમણે અપક્ષ તરીકે નોંધાવેલી ઉમેદવારી પણ પાછી ખેંચી લીધી છે. અગાઉ કામિની બાએ એક વીડિયો મારફતે દહેગામની ટીકિટ માટે એક કરોડ માંગ્યા હોવાનો કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો.

સંબિલ બોલતા રહ્યાં અને પાછળ નેતા સઈ ગયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપના દિગ્ગજો મેદાને ઉતર્યા છે. ત્યારે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા આજે સુરતની મુલાકાતે છે. સુરતમાં ભાજપના મીડિયા સેન્ટર ઉદ્ઘાટન કર્યા બાદ તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં કેટલાક મુદ્દાઓ ઉપર તેમને વિસ્તૃત ચર્ચા કરી હતી. મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી હતી પરંતુ કેટલાક મુદ્દાઓને લઈને ગોળ ગોળ જવાબ આપતા રહ્યા હતા. જેમાં મોંઘવારી મુદ્દે મૌન સેવ્યું હતું.ભાજપના શહેર મહામંત્રી કિશોર બિંદલ ઘસઘસાટ ઊંઘતા જોવા મળ્યા હતા. તમામ ભાજપના સંગઠનના નેતાઓ બેઠા હતા અને આ ભાઈ પાછળ આરામ ફરમાવી રહ્યા હતા. આખી પ્રેસ કોન્ફરન્સમાં ઝોકા ખાતા રહ્યા હતા.

ધારાસભ્ય ખનન માફિયા હોવાનો આક્ષેપ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સાવલી બેઠક પર ભાજપના ઉમેદવાર કેતન ઇનામદાર છે. તો બીજી તરફ ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા કુલદિપસિંહ રાઉલજીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કુલદિપસિંહે મેવલી ગામ ખાતે ચૂંટણી સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, કેતન ઇનમાદાર નોકરી વાંચ્છુકોને બંગલે બોલાવી ચા પીવડાવી ધક્કા ખવડાવે છે. તેમને ખબર છે કે, તે યુવકો બે કે ત્રણ વખત ધક્કાખાઇ પછી પાછા નહીં આવે. મહીસાગર નદીમાં જે રેતી ખનન થઇ રહ્યું છે તેમાં વડોદરા જિલ્લામાં સૌથી મોટા ખનન માફિયા આપણા ધારાસભ્ય છે.

અન્ય સમાચારો પણ છે...