શું લાગે છે?:ભાજપે એક કાંકરે બે પક્ષી પાડ્યા, રીવાબા લોકસભામાં લડે નહીં ને હકુભા નડે નહીં, ઉમેદવાર અમિત શાહ સામે પટેલો મેદાને પડ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કાનાફૂસી, કાવાદાવાથી માંડીને ગુસપુસ, ગોસિપ અને હાંક્યે રાખો! ગપગોળામાંથી કેટલું ગાળવું ને કેટલું છાનુંછપનું ઉઘાડું કરવું એનાં લેખાંજોખાં લઈને તમારી સમક્ષ મૂકીશું. દિવ્ય ભાસ્કર પર ચૂંટણીને લઈ સૌના મનમાં ઊઠતો એક જ સવાલ 'શું લાગે છે' તમને દરરોજ વાંચવા મળશે, જેમાં ગુજરાતના રાજકારણની અજાણી અને રસપ્રદ વાતો. ચટાકેદાર ચૂંટણીની અંદરની વાતો જાણવા માટે વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ..

ગઈ વખતે સૂતા હતા ને ટિકિટ મળી ગઈ, આ વખતે રાહ જોતા જ રહી ગયા
ભાજપના દિલ્હીના મોવડીમંડળે ગુરુવારે સવારે પ્રેસ-કૉન્ફરન્સ કરીને નામો જાહેર કર્યા, ત્યારે અમદાવાદમાં એક પછી એક નવાં નામો આવતાં ગયાં. રાહ જોઈને બેઠેલા કિશોર ચૌહાણ પણ રાહ જોતા જ રહી ગયા. દિવસે યાદી જાહેર થઈ એટલે જાગતા જ હોય, પણ એવું નહોતું. તેઓ ખરેખર આગલી રાતથી જાગતા જ રહ્યા હતા એવું કાર્યકરો કહી રહ્યા છે. એનો છેડો 2017માં શું થયું હતું ત્યાં નીકળે છે. ગત વખતે અજબ ઘટના બની હતી. 2017માં તેઓ રાત્રે ઊંઘી ગયા હતા અને અચાનક ફોન રણક્યો. તેમનાં પત્નીએ ફોન ઉપાડ્યો હતો. તેમને જાણ કરવામાં આવી કે આવતીકાલે તમારે વેજલપુર વિધાનસભા બેઠકનું ફોર્મ ભરવાનું છે, પણ આ વખતે ઉજાગરા ના ફળ્યા અને તેમની જગ્યાએ અમિત ઠાકરનું નામ જાહેર થઈ ગયું. વિસ્તારમાં અસંતુષ્ટ હશે એ તો એવુંય કહેશે કે પાંચ વર્ષ પણ ઊંઘમાં જ કાઢ્યા હતાને !

એલિસબ્રિજ પર ભૂતપૂર્વ મેયર અમિત શાહના નામ સામે પટેલો પડ્યા
એલિસબ્રિજ પુલ, એટલે કે બ્રિજનું નામ બદલાઈ ગયું છે, પણ બેઠકનું નામ રહી ગયું છે. ભૂતપૂર્વ મેયર અમિત પી. શાહને આ વખતે ભાજપે અહીંથી પસંદ કર્યા. તેમનું નામ ચર્ચામાં હતું પણ ખરું, આમ છતાં સ્થાનિક ધોરણે થોડો વિરોધ થયો છે. એલિસબ્રિજ વિસ્તારમાં વસેલા લેઉવા પટેલ સમાજમાંથી ગણગણાટ થયો છે કે ઉમેદવાર બદલવાના જ હતા તો પછી શા માટે લેઉવાને તક ના મળી. આ બેઠક પર ક્યારેય લેઉવાને ટિકિટ મળી નથી ત્યારે આ વખતેય પક્ષ તક ના આપી એનો ગણગણાટ ચાલી રહ્યો છે. જોકે બીજી કેટલીક બેઠકો પર થયું એ રીતે હજી કોઈએ અપક્ષ તરીકે લડી લેવાની જાહેરાત કરી નથી.

લોકોએ ચેક કર્યું, લે... ઉમેદવાર તો મૂળ કોંગ્રેસી જ છે
હવે તો એવી સ્થિતિ છે કે ભાજપની યાદીમાં-આ ભાઈ મૂળ આપણા છે, કૉંગ્રેસમાંથી આવેલા નથી એવી નાનકડી યાદી જ અલગ કરવાની થાય. બોટાદમાં પણ નામ આવ્યું ઘનશ્યામ વિરાણી એટલે લોકોએ ચેક કર્યું તો ખબર પડી કે મૂળ તો કૉંગ્રેસમાંથી જ આવેલા છે (કૉંગ્રેસયુક્ત ભાજપની યાદી અપડેટ કરીને મૂકો સોશિયલ મીડિયાના આંકડારસિયાઓ). વિરાણી થોડા વખત પહેલાં આવ્યા અને ભાજપે હવે બોટાદમાં ટિકિટ આપી દીધી એટલે વિરોધ જાગ્યો છે. સૌરભ દલાલને હટાવવામાં આવે એનો કંઈ મુદ્દો હોતો નથી. ભૂતકાળમાં પણ તેમને અહીંથી વડોદરા મોકલવા પડ્યા હતા. દર વખતે કૉંગ્રેસની સાથે સેટિંગ પાડીને જ બોટાદ બેઠક મળે છે, ત્યારે આ વખતે જુદા પ્રકારનું સેટિંગ મૂળ કૉંગ્રેસી સાથે થયું એ ભાજપના સંનિષ્ઠોને પસંદ પડ્યું નથી. આ વિરાણી કયા વિરલા એવું ભાજપના હોદ્દેદારો પણ પૂછી રહ્યા છે.

પ્રદીપસિંહના હાથમાં રહેલો કોળિયો હોઠ સુધી ના પહોંચ્યો
હોઠ અને પ્યાલા વચ્ચે અંતર રહી જાય તો રહી જ જાય. જીતવા માટે પરિશ્રમ કરવો પડે, પણ ટિકિટ મેળવવા પ્રારબ્ધ જ જોઈએ. ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પક્ષ માટે સતત પરિશ્રમ કરે છે. તેમની થોડી હોંશ પણ હતી અને અમદાવાદ શહેરની વેજલપુર બેઠક પરથી દાવેદારી પણ કરી. સેન્સ પ્રક્રિયામાં પછી પેનલમાં નામ પણ આવ્યું. પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડના સભ્યોની ચર્ચામાં આ નામ આવ્યું ત્યારે થોડો સંકોચ પણ થયાનું કહેવાય છે, કારણ એ કે મહામંત્રી તરીકે તેઓ કમલમ્ કાર્યાલયમાં દબદબો ધરાવે છે. સંગઠનમાં મહત્ત્વના સ્થાને હોય તે નામનો વિરોધ પણ કોણ કરે? સી. આર. પાટીલ સંકટમોચક બન્યા અને તેમણે જ વાઘેલાને કહ્યું કે ચૂંટણી લડવી નથી. આ રીતે હાથમાં રહેલો કોળિયો હોઠ સુધી ના પહોંચ્યો.

કેન્દ્રીય પાર્લમેન્ટરી બોર્ડમાં મંતવ્ય આપવામાં રત્નાકર કેમ મૂંઝાયા?
સંઘના સ્વયંસેવક હોય અને ભાજપ પ્રદેશ એકમના સંગઠન મહામંત્રી તરીકે આવે તે સર્વેસર્વા જેવા હોય છે, પણ ગુજરાતમાં સૌ જાણે છે કે અહીંના બે નેતા જ અસલી સર્વેસર્વા છે. ગુજરાતમાં ચર્ચા બાદ પેનલ તૈયાર થઈ એ પછી આખરી પસંદગી માટે ભાજપના કેન્દ્રીય પાર્લમેન્ટરી બોર્ડમાં ચર્ચાઓ થઈ હતી. આ બેઠકમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના પ્રભારી તથા ગુજરાત પ્રદેશના મહામંત્રી રત્નાકર વગેરે હાજર હતા. દરેક નામની ચર્ચા વખતે પાટીલ અને પટેલ તેમની રીતે અભિપ્રાયો આપતા હતા, પણ રત્નાકર તરફથી ખાસ કોઈ મંતવ્યો વ્યક્ત થયા નહોતાં. કેન્દ્રીય પાર્લમેન્ટરી બોર્ડમાં અપેક્ષિત ના હોવા છતાં તેઓ હાજર રહ્યા, પણ મુખ્તત્વે તેમણે ચર્ચા સાંભળી. અન્ય રાજ્યોમાં ભાજપ સંગઠનમાં કામ કરવાનો તેમને બહોળો અનુભવ છે, પણ ગુજરાતની બાબતમાં તેમણે ખાસ કોઈ મંતવ્યો વ્યક્ત કર્યા નહોતા એવી ચર્ચા છે.

મિત્રોના જ્ઞાતિવાદી ત્રાસ અને દાદાગીરીએ MLAની ટિકિટ કપાવી?
ધારાસભ્ય થાવ ત્યારે મિત્રવર્તુળ બહોળું થવાનું, પણ હેતુમિત્ર કોણ અને સદમિત્ર કોણ એનો ભેદ કરતાં શીખવું પડે. નહિ તો ડીસાના ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યાની થઈ તેવી હાલત થાય. તેમની ટિકિટ કપાઈ ગઈ અને જૂના ધારાસભ્ય ગોરધન માળીના પુત્ર પ્રવીણ માળીને ટિકિટ મળી ગઈ. એવું કહેવાય છે કે પંડ્યાના મિત્રોનો જ્ઞાતિવાદી ત્રાસ અને દાદાગીરી તેમને નડી ગઈ. તેમના હકમાજી જોષી જેવા લોકો સમાજવાદના નામે ઉદ્ધતાઈથી વર્તન કરતા હોવાની ફરિયાદો થઈ હતી. સેન્સ વખતે જ ખાનગીમાં પંડ્યાને ટિકિટ ના આપવાની રજૂઆતો થઈ હતી એની નોંધ લેવાઈ હતી. ચહેરો બદલાઈ ગયો, એને કારણે બીજે ભલે નારાજી હોય, ડીસામાં કાર્યકરો રાજી થયા છે. અહીં ગોવા રબારીના પુત્ર સંજય રબારીને ટિકિટ મળી છે. પ્રવીણભાઈના પિતા અને સંજયભાઈના પિતા 1998 2002માં સામસામે હતા અને બંને એક-એક વાર જીત્યા હતા.

ભાજપ હાઇકમાન્ડે ખેલ્યો એવો દાવ કે સૌકોઈ દંગ રહી ગયા
જામનગરના સાંસદ પૂનમ માડમે જબરો ખેલ પાડ્યો- એક કાંકરે બે પક્ષીની કહેવત જેવો. ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા ઘણા વખતે રાજકીય મહત્ત્વાકાંક્ષા દાખવતાં રહ્યાં છે. ક્રિકેટર તરીકેની લોકપ્રિયતા સાથે આ પરિવાર કદાચ લોકસભાની ટિકિટ માગી બેસે તો... એટલે તેમને વિધાનસભામાં જ ટિકિટ અપાવી દીધી, જેથી હવે પૂનમબહેનને ચિંતા નહીં. સ્થાનિક કદાવર કંપનીની પણ નાખુશી હતી અને એવા મેસેજ વહેતા કરાયા હતા કે દાદાગીરી કરનારા, ગુનાહિત માનસવાળાને બદલે સ્વચ્છ ચહેરાને મહત્ત્વ મળવું જોઈએ. હકુભા જેવા દબંગ નેતાની વિરુદ્ધની ફરિયાદો અગાઉ પણ થઈ હતી અને પોલીસ અધિકારીઓની બદલીઓ કરવી પડી હતી. તેથી કંપનીનું પણ દબાણ હતું અને પૂનમબહેન માટે તક હતી એટલે તેમણે એક કાંકરે બે પક્ષી પાડ્યા એવી ચર્ચા ભાજપના જ વર્તુળો કરી રહ્યા છે.

બારડ, કટારા, રીબડિયા ગયા, પણ આ ધારાસભ્યનો વસવસો રહી જશે?
સૌરાષ્ટ્રમાંથી કૉંગ્રેસના ધારાસભ્યો મોટે પાયે હિજરત કરવાના છે એવી વાતું ચાલી ત્યારથી એક નામ સમાન રહેતું હતું - લલિત વસોયા હવે જશે, કેમ કે તેમને હાર્દિકના ક્વૉટામાંથી ટિકિટ મળી હતી. એ પછી ભાજપના નેતાઓ સાથે તેમનો ઘરોબો પણ દેખાતો હતો. પણ રીબડિયા ગયા, બારડ ગયા, કટારા ગયા ... પણ લલિત વસોયા કૉંગ્રેસમાં જ રહ્યા છે. તેમને ધોરાજીમાંથી ફરી ટિકિટની સત્તાવાર જાહેરાત પણ થઈ ગઈ, પણ ચર્ચાનો અંત નથી આવ્યો - હવે એવી ચર્ચા છે કે કેમ આ ઑપરેશન પાર ના પડ્યું. સી. આર. પાટીલે રાજકોટના જ એક નેતાને જવાબદારી સોંપી હતી, પણ વસોયા આવ્યા નથી. હવે કોને વસવસો રહેશે એનીય વાતું તો થવાનીને!

મને ખેસ પહેરાવો ને પહેરાવો જ... બાળકો જેવા વેન
બાળકો વેન કરે એના જેવું થયું આ તો... ને પાછા બાળકોને જ ઉપયોગ કરાયો. થયું એવું કે વિદ્યાર્થી સેના ચલાવનારા વિષ્ણુ દેસાઈને ઘણા વખતે જોડાઉં... જોડાઉં થતું હતું. તેમને ભાજપવાળા બોલાવતા નહોતા તોય વિષ્ણુ દેસાઈ બપોરે 12 વાગ્યે કમલમ્ પહોંચી ગયા. પોતાની સાથે આસપાસના પડોશીઓનાં બાળકોને લઈ ગયા હતા અને છેક કાર્યાલયના મુખ્ય હોલ સુધી પહોંચી ગયા. ભારત માતા કી જયના નારા બાળકો પાસે લગાવડાવ્યા. આ ધમાલ સાંભળીને કાર્યાલયના લોકો દોડી આવ્યા કે આ શું તમાશો છે. હાજર નેતા ઋત્વિજ પટેલે તેમને ઠપકો આપ્યો કે આ તે કંઈ રીત છે! ત્યાર બાદ બાળકોને બહાર મોકલાયાં અને ફટાફટ વિષ્ણુ દેસાઈને ખેસ પહેરાવ્યો, કટાકટ ફોટા પડાવીને 20 મિનિટમાં વિષ્ણુ દેસાઈને બહાર ધકેલી દેવાયા. બહાર આવીને પછી વિષ્ણુ દેસાઈએ કહ્યું કે હું તો વિદ્યાર્થી સેના ચલાઉં છું એટલે આ બધાં બાળકો નથી, પણ મારા સમર્થક વિદ્યાર્થીઓ છે.

સુરતમાં ઉત્તર ભારતીય ઉમેદવારના મામલે કોકડું ગૂંચવાયું
ચોર્યાસી બેઠક એક જમાનાની રાજ્યની સૌથી મોટી બેઠક. સીમાંકન પછી ચિત્ર બદલાયું છે અને હવે પરપ્રાંતીય વસતિ પણ અહીં ખાસ્સી થઈ છે. અહીંથી ઝંખના પટેલ ધારાસભ્ય છે અને આમ તેઓ નિર્વિવાદિત રહ્યાં છે. પણ આંતરિક ખેંચતાણમાં તેમની ટિકિટ અટકી છે. સી. આર. પાટીલ જૂથની ઈચ્છા અહીં મૂળ યુપીના એક નેતાને ટિકિટ આપવાની છે. ઓલપાડમાં પટેલને અને લાજપોર પર કોળી પટેલને ટિકિટ આપી છે ત્યારે અહીં પરપ્રાંતીય ઉમેદવાર અપાય એવી પાટીલ જૂથની માગણીથી મામલો અટકી પડ્યો છે. સ્થાનિક કાર્યકરોનો અસંતોષ દૂર કરીને પછી ટિકિટ જાહેર થશે એવું લાગે છે.

અન્ય સમાચારો પણ છે...