ભાસ્કર ઇનડેપ્થઓવૈસી ફેક્ટરથી કોની ઊંઘ હરામ?:AIMIMએ 14 બેઠક પર ભાજપ-કોંગ્રેસના શ્વાસ અધ્ધર કર્યા, મેવાણી, ઈસુદાન, સંગીતા પાટીલનો ખેલ ખલાસ કરવાનો ઓવૈસીનો પ્લાન

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા

ગુજરાત વિધાનસભાની 2022 ચૂંટણીનાં અઢી વર્ષ પહેલાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ચોથા પક્ષની એન્ટ્રી અને ત્યાર બાદ આવેલાં પરિણામોએ ચોંકાવી દીધા હતા. આ પાર્ટી એટલે બીજી કોઈ નહીં, પણ અસદ્દુદ્દીન ઓવૈસીની AIMIM(‘ઓલ​​​​ ઈન્ડિયા મેજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન ’) છે. વિધાનસભાની સેમી-ફાઈનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી જ ખ્યાલ આવી ગયો હતો કે 2022ની ચૂંટણીમાં આ પાર્ટી નવાજૂની કરવાના મૂડમાં છે. AIMIMની નજર રાજ્યમાં આશરે 10 ટકા વસતિ ધરાવતી મુસ્લિમ અને 8 ટકા વસતિ ધરાવતી દલિત વોટબેંક પર છે. પહેલીવાર પૂરી તૈયારીઓ સાથે AIMIMએ વિધાનસભા ચૂંટણીમાં 14 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે, જેમાં બે હિન્દુ અને 12 મુસ્લિમને ટિકિટ આપી છે. આ 14 બેઠકમાંથી હાલ કોંગ્રેસ પાસે 8 અને ભાજપ પાસે 6 સીટ છે. AIMIMની એન્ટ્રીથી આ તમામ સીટોનાં સમીકરણો પલટાઈ ગયાં છે.

કયાં મોટાં માથાં માટે છે જોખમી?
જો AIMIM કોંગ્રેસને વધુ નુકસાન કરે અને તેમની પાસે રહેલી આ 8 સીટ પર મુસ્લિમ અને દલિતના મતો તોડે તો કોંગ્રેસ માટે 50-55 બેઠક મેળવવા પણ મુશ્કેલ બની શકે છે. માત્ર એટલું જ નહીં, AIMIM આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રીપદનો ચહેરો ઇસુદાન જ્યાંથી ચૂંટણી લડે છે એવી ખંભાળિયા સીટ તેમજ કોંગ્રેસના જિજ્ઞેશ મેવાણીના મતક્ષેત્ર એવી વડગામ સીટનાં પરિણામો પર પણ અસર પાડી શકે છે. આ ઉપરાંત સુરતની લિંબાયત સીટ પર પણ AIMIMના ઉમેદવારને ઉતારવામાં આવ્યા છે, જે ભાજપનાં ધારાસભ્ય સંગીતા માટે માટે પડકારરૂપ બની શકે છે.

ઊંઘતી કોંગ્રેસનો સીધો ફાયદો ઉઠાવવાની પેરવીમાં છે ઓવૈસી
ગુજરાતમાં કોંગ્રેસની પકડ દલિતો અને મુસ્લિમ સમાજ પર વધુ છે અને અત્યારસુધી આ વર્ગ કોંગ્રેસ પર ભરોસો મૂકતો આવ્યો છે, પરંતુ ઊઘી રહેલી ગુજરાત કોંગ્રેસનો સીધો ફાયદો AIMIM ઉઠાવવાની પેરવીમાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AIMIM 14 બેઠક પર ચૂંટણી લડશે, જેમાંની 8 બેઠક કોંગ્રેસ પાસે અને 6 બેઠક ભાજપ છે. હાલ AIMIMથી સીધો ભાજપને ફાયદો થાય એવી પૂરી શક્યતા છે, પરંતુ જો કોંગ્રેસની વોટબેંક અકબંધ રહે અને ભાજપની વોટબેંક તોડી નાખે તો ભાજપને પણ હાલ દેખાતો ફાયદો નુકસાન પરિવર્તિત થઈ શકે છે.

અમદાવાદની બેઠકો પર કોંગ્રેસ-ભાજપનાં પાસાં અવળાં પાડી શકે
AIMIMએ જે સીટ પર ઉમેદવાર જાહેર કર્યા છે એ તમામ સીટ પર મુસ્લિમ અને દલિત સમાજનું પ્રભુત્વ છે. ખાસ કરીને અમદાવાદની પાંચ બેઠક પરથી તેઓ ચૂંટણી લડવાના છે, જેમાં જમાલપુર વિધાનસભા બેઠક પરથી AIMIMના પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલા અને દાણીલીમડા સીટ પર કૌશિકા પરમાર મજબૂત ઉમેદવાર છે. જેથી તેઓ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારને સીધી ટક્કર આપી શકે તેમ છે. દરિયાપુર બેઠક પર મુસ્લિમ સમાજ કરતાં હિન્દુ સમાજના પણ મતો વધુ છે, જેથી ત્યાં ક્યાંક ને ક્યાંક પલડું નબળું પડી શકે છે. બાપુનગર બેઠક હિન્દી ભાષી સીટ ગણાય છે. મુસ્લિમ મતદારો અને દલિત સમાજના મતદારો પણ વધુ છે, જેથી આ બેઠક પર AIMIM કોંગ્રેસને નુકસાન કરી શકે છે. વેજલપુર બેઠક પર પણ મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે, જેથી ત્યાં પણ કોંગ્રેસ અને ભાજપની AIMIM સામે ટક્કર થઈ શકે છે.

ભાજપ સાથે સીધી ટક્કર?
ગુજરાત AIMIMના પ્રમુખ સાબિર કાબલીવાલાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમારી સીધી ટક્કર ભાજપ સાથે રહેશે. કોંગ્રેસ તો ક્યાંય છે જ નહીં. મુસ્લિમ સમાજ દ્વારા અત્યારસુધીને કોંગ્રેસ પર વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસે અત્યારસુધી મુસ્લિમો માટે કંઈ જ કર્યું નથી, હવે AIMIM આવી ગઈ છે, જેથી હવે મુસ્લિમ જાગ્રત થઈ ગયા છે અને AIMIM તરફ વળ્યા છે.

‘કોંગ્રેસે દર બે વર્ષે તોફાન કરાવી મુસ્લિમોને પાયમાલ કર્યા’
સાબિર કાબલીવાલાએ કોંગ્રેસ પર સીધો આક્ષેપ કરતાં કહ્યું હતું કે કોંગ્રેસે મુસ્લિમોના માત્ર વોટ લીધા છે અને દર બે વર્ષે તોફાનો કરાવી તેમને પાયમાલ કર્યા છે. કોંગ્રેસે જે સચ્ચર સમિતિનો રિપોર્ટ મૂક્યો છે, જેમાં સ્પષ્ટ જણાય છે કે મુસ્લિમોની હાલત દલિતો કરતાં પણ ખરાબ છે. સૌથી વધારે શાસન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે અને મુસ્લિમોએ કોંગ્રેસ પર આંખ મીંચીને વિશ્વાસ મૂક્યો છે. રિપોર્ટ મુજબ મુસ્લિમોની હાલત ખરાબ છે તો તેમણે કોઈ એજન્ડા કે કોઈ પોલિસી બનાવવાની જરૂર હતી, પરંતુ તેમણે કશું જ કર્યું નહિ.

ભૂષણ ભટ્ટ અને ખેડાવાલા માટે સૌથી મોટો પડકાર છે કાબલીવાલા
જમાલપુર વિધાનસભા બેઠક પરના ઉમેદવાર સાબિર કાબલીવાલા છીપા સમાજના અગ્રણી છે. વર્ષ 2007થી 2012 સુધી જમાલપુર ખાડિયા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2012માં કોંગ્રેસે ફરી ટિકિટ ન આપતાં તેઓ અપક્ષ ઊભા રહ્યા, પરંતુ તેમની હાર થઈ હતી. 10 વર્ષ સુધી તેઓ સક્રિય રહ્યા હતા અને હવે AIMIMમાંથી તેઓ ચૂંટણી મેદાનમાં છે અને છેલ્લા એક વર્ષથી તેઓ બેહરામપુરામાં જે ફેકટરી બંધ છે એને કારણે હજારો લોકો બેકાર છે, એને ચાલુ કરાવવા પાછળ સક્રિય ભૂમિકા ભજવી અને મુસ્લિમ સમાજમાં ફરી પોતાની ઓળખ ઊભી કરી છે.

‘AIMIM શૂન્ય છે અને 500 મત પણ નહીં મળે’
દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે AIMIM લોજિકલી સમજવા અને સમજાવવામાં સમાજ સફળ રહ્યો છે. AIMIMના ઉમેદવાર હોય ત્યાં હિન્દુ મત સ્વાભાવિક રીતે નહીં. દરિયાપુર વિધાનસભામાં AIMIM શૂન્ય છે અને તેમને 500 મત પણ નહીં મળે. મતદારોનો મિજાજ અને અભિપ્રાય જે ઉમેદવાર જીતતા હોય તેની તરફ હોય છે, જેથી તેઓ પણ જાણે છે કે મત વેડફાય નહિ. કોર્પોરેશનમાં પણ AIMIMના ઉમેદવાર જીતી શક્યા નહોતા અને કોંગ્રેસની પેનલ આવી છે. AIMIM દરિયાપુરમાં ક્યાંય જોવા મળતી નથી અને આ દરિયાપુર વિધાનસભામાં 40% મુસ્લિમ અને 60 ટકા હિન્દુ સમાજના મત છે અને છેલ્લી ત્રણ ટર્મથી હું ધારાસભ્ય ચૂંટાઈ તરીકે આવું છું. અહીં માત્ર મુસ્લિમ સમાજના જ મત નહીં, પરંતુ હિન્દુ સમાજના પણ મતો છે.

MLA ગ્યાસુદ્દીન શેખને ટક્કર આપશે હસન ખાન પઠાણ
દરિયાપુર વિધાનસભા બેઠકના AIMIMના ઉમેદવાર એવા હસન ખાન પઠાણ દરિયાપુર વોર્ડમાં પાંચ ટર્મથી કોર્પોરેટર રહી ચૂક્યા છે. 25 વર્ષ સુધી તેઓ કોર્પોરેટર રહ્યા હોવાથી મત વિસ્તારમાં સારી એવી પકડ ધરાવે છે. પાર્કિંગના મોટાભાગના કોન્ટ્રાક્ટ તેઓના હોવાનું જાણવા મળ્યું છે અને હાલમાં AIMIMના કોર્પોરેશનના પ્રભારી પણ છે.

‘દિલ્હીવાળા કે હૈદરાબાદવાળા સામે નહીં, પણ સીધો ભાજપ સામે જંગ’
જમાલપુર-ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, AIMIMના ઉમેદવાર તરીકે સાબિરભાઈ કાબલીવાલા જાહેર કરવામાં આવ્યા છે. આ અગાઉ તેઓ વર્ષ 2012માં કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા ત્યારે તેઓએ વિધાનસભામાં ઊભા થઈ અને બે મિનિટ પણ ગુજરાત કે પોતાના સમાજ કે મતવિસ્તારના પ્રશ્નો બાબતે ચર્ચા કરી નથી. જમાલપુર-ખાડિયા વિધાનસભામાં જે પણ લડાઈ હશે તે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હશે દિલ્હી વાળા કે હૈદરાબાદ વાળાની સામે નહીં હોય.

કૌશિક પરમાર MLA શૈલેષ પરમારની વોટબેંક તોડશે?
દાણીલીમડા વિધાનસભા બેઠકના AMIMના ઉમેદવાર કૌશિકા પરમાર બ્યુટી પાર્લર ચલાવે છે. કૌશિકા પરમાર ખાસ કરીને જે ગરીબ અને દલિતોનો મત વિસ્તાર છે તેમાં વધારે ધ્યાન આપી રહ્યા છે અને ત્યાં તેઓને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય શૈલેષ પરમારનો જ્યાં વિરોધ છે ત્યાં તેઓ પોતાનો પ્રચાર કરી રહ્યા છે જેના કારણે તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

હિન્દી ભાષીઓની સીટ પર આંચકાજનક પરિણામ આવી શકે
બાપુનગર વિધાનસભા બેઠકના ઉમેદવાર શાહનવાઝ શેખ AIMIMના શહેર યુવા પ્રમુખ છે. શાહનવાઝ શહેરના યુવા પ્રમુખ હોવાથી હજારો યુવાનો તેમની સાથે જોડાયેલા છે બાપુનગરમાં આવતા ગોમતીપુર અને રખિયાલ વોર્ડમાં ગત કોર્પોરેશનની ચૂંટણીમાં AIMIMના ઉમેદવાર માટે સારી એવી મહેનત કરી હતી. જોકે થોડા મત માટે ઉમેદવાર ચૂંટણી જીતી શક્યા ન હતા.

ઓવૈસીએ વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવવા કેમ હિંમત કરી?
અસદુદ્દીન ઓવૈસીની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પૂરા જોરશોરથી ઝંપલાવવાની હિંમત થઈ એનું એક કારણ તેની પાર્ટીને 2021માં ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં મળેલી સફળતા છે. ગોધરા, મોડાસા અને ભરૂચમાં ઓવૈસીએ પોતાના 25 ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જેમાંથી 17 જીતી ગયા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસાની મ્યુનિસિપાલિટીમાં AIMIMના 12માંથી 9 ઉમેદવાર જીતી ગયા હતા. 36 સભ્યની આ મ્યુનિસિપાલિટીમાં ભાજપે 19 સીટ જીતીને સત્તા જાળવી રાખી હતી, પરંતુ ઓવૈસીની પાર્ટીએ કોંગ્રેસ કરતાં એક સીટ વધારે જીતીને તેને ત્રીજા નંબરે ધકેલી દીધી હતી.

ગોધરા નગરપાલિકામાં તો સત્તા પણ મેળવી લીધી
44 સભ્યની પંચમહાલ જિલ્લાની ગોધરા મ્યુનિસિપાલિટીમાં પાર્ટી 8 સીટ પરથી લડી હતી, જેમાંથી તેણે 7 સીટ જીતી લીધી હતી. અહીં પણ ભાજપ 18 સીટ સાથે પ્રથમ નંબરે રહ્યું હતું, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર એક જ સીટ આવી હતી. બાકીની 18 સીટ પર અપક્ષ ઉમેદવારો વિજેતા સાબિત થયા હતા.

AMCની ચૂંટણીમાં 7 કોર્પોરેટર ચૂંટાઇ આવતા સૌને આંચકો લાગ્યો
ભરૂચ મ્યુનિસિપાલિટીમાં ઓવૈસીએ લડાવેલા ચારમાંથી એક ઉમેદવારની જીત થઈ હતી. ચૂંટણીઓ પહેલાં ઓવૈસીએ મોડાસા અને ગોધરામાં રેલીઓ પણ કરેલી. એ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AIMIMએ 21 સીટો પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા, જેમાંથી 7 જીતી ગયા હતા. AIMIMની પેનલ જમાલપુર અને મક્તમપુરાની બધી જ સીટો જીતી ગયેલી. રસપ્રદ વાત એ છે કે આ તમામ સીટો તેણે કોંગ્રેસ પાસેથી આંચકી હતી.

અસદુદ્દીન ઓવૈસી હાંસિયામાં ધકેલાયેલી લઘુમતી કોમને ફરી મુખ્યધારાના રાજકારણમાં લાવી શકશે કે પછી તે ‘ભાજપની B ટીમ’ તરીકે હરીફોના વોટ તોડવાનું જ કામ કરશે એ તો આ વખતની ચૂંટણીનાં પરિણામો પરથી એક મહિનાની અંદર સ્પષ્ટ થઈ જ જશે.

ઓવૈસી ફેક્ટરથી કોંગ્રેસ કેમ ચિંતામાં?
ગુજરાતના ચૂંટણીકારણમાં અસદુદ્દીન ઓવૈસીના AIMIMની હાજરી માત્રથી કોંગ્રેસના પેટમાં ફફડાટના ગૂંચળાં વળતાં હોય તો નવાઈ નથી, કારણ કે મુસ્લિમ મતદારો માટે અત્યારસુધી કોંગ્રેસ સિવાય કશી આશા હોતી નથી અને કોંગ્રેસનું કમજોર નેતૃત્વ સત્તા મેળવવામાં તો નિષ્ફળ રહે જ છે, અસરકારક વિપક્ષ પણ સાબિત થઈ શકતું નથી. એ સંજોગોમાં ફાયરબ્રાન્ડ અને વિવાદાસ્પદ વિધાનો કરીને આક્રમક રૂખ અપનાવવા માટે જાણીતા ઓવૈસીની ગુજરાતમાં હાજરી કોંગ્રેસની મુસ્લિમ વોટબેન્કમાં મોટી ફાચર મારી શકે છે. ઓવૈસીએ ગુજરાતમાં છોટુભાઈ વસાવાની BTP સાથે ચૂંટણીજોડાણ કર્યું એ પણ વ્યૂહાત્મક રીતે ભાજપ કરતાંય વધુ તો કોંગ્રેસ માટે નુકસાનકારક મનાય છે.

મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી વિધાનસભા બેઠક કેટલી?
ગુજરાતના 3 જિલ્લા કચ્છ, ભરૂચ અને અમદાવાદ એવાં છે, જ્યાં મુસ્લિમ વસતિ નોંધપાત્ર છે. ગુજરાત વિધાનસભાની કુલ 182 પૈકી 47 બેઠકો એવી છે, જ્યાં મુસ્લિમ મતદારોનું પ્રમાણ 10થી 30 ટકા અને કેટલીક બેઠક પર એથી પણ વધારે છે. સ્વાભાવિક રીતે જ આ બેઠકો પર મુસ્લિમ મતદારો ચૂંટણી પરિણામમાં નિર્ણાયક બની શકે છે. ઓવૈસીની પાર્ટી આ બેઠકો પર નજર જમાવીને બેઠી છે. હવે મુસ્લિમ મતદારોની ટકાવારીના હિસાબે બેઠકોની સંખ્યા અને ગત ચૂંટણીનાં પરિણામો જોઈએ.

10-15% મુસ્લિમ મતદારો
આવી કુલ 26 બેઠકો છે, જેમાં વેજલપુર, દાણીલીમડા, ખંભાળિયા, માંગરોળ, દરિયાપુર,ખાડિયા-જમાલપુર, જેવી બેઠકોનો સમાવેશ થાય છે. ગત ચૂંટણીમાં આ 26 પૈકી 15 બેઠક ભાજપના ફાળે ગઈ હતી, જ્યારે 11 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો.

15-20% મુસ્લિમ મતદારો
આવી કુલ 11 બેઠકો છે, જેમાં ગીર-સોમનાથ અને દ્વારકા જેવી સૌરાષ્ટ્રની બેઠકો પણ સામેલ છે. આ 11 પૈકી ભાજપને 7 અને કોંગ્રેસને 4 બેઠક મળી હતી.

20-25% મુસ્લિમ મતદારો
આવી કુલ 7 બેઠક છે, જેમાં વાંકાનેર, સિદ્ધપુર બેઠકો સામેલ છે. આ 7 પૈકી ભાજપને 2 અને કોંગ્રેસને 5 બેઠક મળી હતી.

30%થી વધુ મુસ્લિમ
​​મતદારોનું ઊંચું પ્રમાણ ધરાવતી કુલ 6 બેઠકો છે, જેમાં દરિયાપુર, જમાલપુર-ખાડિયા, ભુજ, વાગરા, સુરત ઈસ્ટ વ. સામેલ છે. ગત ચૂંટણીમાં આ 6 પૈકી ભાજપ-કોંગ્રેસ બંનેને 3-3 મળી હતી.

ઓવૈસી કોને નડશે, કોને ફળશે?
2017ની ચૂંટણીમાં મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી કુલ 47 બેઠકો પૈકી કોંગ્રેસને 25 બેઠકો મળી હતી, પરંતુ એ પૈકી 12 બેઠકો પર માર્જિન ત્રણ હજાર મતથી પણ ઓછું હતું. જેથી AIMIMની હાજરી કોંગ્રેસ માટે ભયજનક બને એ નિશ્ચિત છે. આવી બેઠકો પર મુસ્લિમ મતદારો જો કોંગ્રેસ અને AIMIM વચ્ચે વહેંચાઈ જાય તો ભાજપની જીત આસાન બની જવાની છે. એ જોતાં ગુજરાતમાં ઓવૈસી ફેક્ટર કોંગ્રેસને વધુ નડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...