ગુજરાતની વિધાનસભા ચૂંટણીના થોડા દિવસ પહેલાં ‘દિવ્ય ભાસ્કર’ એપ દ્વારા પોતાના વાચકો માટે ‘સીટોનું સચોટ અનુમાન કરો અને 1 લાખ* રૂપિયા જીતો’ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ટેસ્ટમાં વાચકોએ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય એમ ચાર વિકલ્પોમાંથી દરેકને કુલ કેટલી સીટો મળશે તેનું અનુમાન કરવાનું હતું. ‘દિવ્ય ભાસ્કર’ એપ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું તે રીતે આ વિજેતાને દિવ્ય ભાસ્કર હાઉસ ખાતે આમંત્રિત કરીને તેમને પ્રાઇઝ મની એનાયત કરવાનું ફંક્શન શનિવાર, 17 ડિસેમ્બરના રોજ યોજાઈ ગયું.
આ ફંક્શનમાં ગુજરાત સરકારના ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી પ્રવીણભાઈ કે. લહેરી અને ‘દિવ્ય ભાસ્કર’ ડિજિટલના એડિટર મનીષભાઈ મહેતાના હસ્તે વિજેતા કલ્પિતભાઈ શાહને પ્રાઇઝ મનીનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર ‘દિવ્ય ભાસ્કર’ એપના પરિવારે પણ ભારે ઉમંગભેર હાજર રહીને આ ઘડીને વધાવી લીધી હતી.
‘ગણતરી, એનાલિસિસ અને અનુમાનનો સંગમ’
વિજેતા કલ્પિતભાઈ શાહ અમદાવાદના વાસણા વિસ્તારના રહેવાસી છે અને અકાઉન્ટ્સના વ્યવસાયમાં છે. એટલે સ્વાભાવિક રીતે જ તેઓ આંકડા સાથે બહુ સરળતાથી કામ લઈ શકે છે. એક દાયકા કરતાંય વધુ સમયથી ‘દિવ્ય ભાસ્કર’ એપના વાચક રહેલા કલ્પિતભાઈ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કહે છે કે, ‘આ સાવ અટકળે મારેલો તુક્કો નહોતો. મને ગણતરીપૂર્વકનાં અનુમાન લગાવવાનો શોખ છે. આ વખતે સતત એવું ચર્ચાતું હતું કે ભાજપ માધવસિંહ સોલંકીનો 1985ના વર્ષનો 149 સીટોનો રેકોર્ડ તોડશે. તમામ ઉતાર-ચડાવો પછી છેલ્લે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે અમદાવાદમાં રોડ શો કર્યો ત્યારે મને ખાતરી થઈ ગઈ કે ભાજપ આ વખતે રેકોર્ડ તોડીને જ રહેશે.’ અત્યંત મિતભાષી અને ડાઉન ટુ અર્થ એવા કલ્પિતભાઈ બહુ હળવાશથી કહી દે છે કે માત્ર આ વખતે જ નહીં, 2017ની ગઈ ચૂંટણીમાં પણ મેં ભાજપને 100 સીટ મળશે તેવું અનુમાન કરેલું અને 99 સીટ મળેલી!
શક્યતાઓના સાયન્સનો ચમત્કાર
અમારા સુખદ આશ્ચર્ય વચ્ચે વાચકોએ આ કોન્ટેસ્ટને પ્રચંડ પ્રતિસાદ આપ્યો હતો. કોન્ટેસ્ટ ઓપન થયાથી લઇને ક્લોઝ થયા સુધીના માત્ર ત્રણ દિવસની અંદર જ પૂરા 1,17,230 લોકોએ ભાગ લીધો હતો! હવે આટલી બધી એન્ટ્રીઓમાંથી માત્ર એક જ એન્ટ્રી સાચી પડે તે ઘટના કેટલી દુર્લભ કહેવાય તે ગણિતશાસ્ત્રની મદદથી સમજવાનો પ્રયાસ કરીએ તો પણ આપણી આંખો પહોળી થઈ જાય. ગુજરાત વિધાનસભાની 182 સીટો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ત્રણેય લગભગ તમામ સીટો પર લડી રહી હતી. અપક્ષને કદાચ 10 સીટો મળશે તેવું માનીને ચાલીએ તો કયા પક્ષને કેટલી સીટો મળશે તેની સંભાવના 182x182x182x10 = 6,02,85,680માંથી એક! યાને કે 6.02 કરોડ શક્યતાઓમાંથી એક શક્યતા સાચી પડે, જે આ કલ્પિતભાઈએ કરી બતાવ્યું! દિવ્ય ભાસ્કરને મળેલી તમામ 1.17 લાખ પ્લસ એન્ટ્રીઓમાંથી માત્ર કલ્પિતભાઈ શાહની જ એક એન્ટ્રી શત પ્રતિશત સાચી ઠરી હતી. જ્યારે ભલભલી એક્ઝિટ પોલ યોજતી કંપનીઓ પણ વીસ સીટો પ્લસ-માઇનસનું માર્જિન ગણીને ચાલતી હોય ત્યારે આવું સચોટ અનુમાન કરવું કેવું દુર્લભ છે તે સમજી શકાય છે. કોન્ટેસ્ટમાં એન્ટ્રી ભરીને એક સામાજિક પ્રસંગમાં વ્યસ્ત થઈ ગયેલા કલ્પિતભાઈ શાહને જ્યારે પોતે વિજેતા છે તેવું કહેવામાં આવ્યું ત્યારે તેમના માનવામાં જ નહોતું આવતું! બટ યસ, વાસ્તવિકતા એ કલ્પના કરતાં ક્યાંય વધુ વિચિત્ર હોય છે, જે કલ્પિતભાઈના કિસ્સામાં સાચું પુરવાર થયું હતું.
ફાસ્ટેસ્ટ ન્યૂઝ એટલે દિવ્ય ભાસ્કર એપ
દિવ્ય ભાસ્કર અખબાર અને તેની એપ લૉન્ચ થઈ ત્યારથી જ તેના વાચક રહેલા કલ્પિતભાઈ શાહ દિવ્ય ભાસ્કર એપની ફાસ્ટ અપડેટ્સ, એકદમ ક્લીન અને યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ, સમાચારોનું પ્રેઝન્ટેશન, ગ્રાફિક્સ, વીડિયો અને ફટાફટ આવી જતાં નોટિફિકેશન બધાં જ પાસાંના દીવાના છે. તેમણે સ્વીકાર્યું કે દિવ્ય ભાસ્કર એપમાં જે રીતે સમાચારોનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવે છે તે કોઇપણ અઘરા મુદ્દાને પણ સહેલો બનાવી દે છે.
આવી વધુ સ્પર્ધાઓ માટે તૈયાર રહેજો
સતત બદલાતી રહેતી ટેક્નોલોજીઓના યુગ સાથે તાલ મિલાવવામાં ‘દિવ્ય ભાસ્કર’ સતત અગ્રેસર રહ્યું છે. અત્યારે માત્ર ગુજરાતમાં જ નહીં, બલકે સમગ્ર દેશમાં દિવ્ય ભાસ્કર અને દૈનિક ભાસ્કર સૌથી મોટો વાચકવર્ગ અને દૈનિક વાચકો ધરાવતી ન્યૂઝ એપ્સ છે. જ્યારે દિવ્ય ભાસ્કર તો વિશ્વની સૌથી મોટી ગુજરાતી ન્યૂઝ એપ છે. દરિયાપાર વસેલા લાખો ગુજરાતીઓ વતનના સમાચારો માટે દિવ્ય ભાસ્કરને જ પોતાનો સાચો અને વિશ્વસનીય સાથીદાર સમજે છે. અમે બહુ ખાતરી અને નમ્રતા સાથે કહીએ છીએ કે ડિજિટલ માધ્યમમાં ‘દિવ્ય ભાસ્કર’ તેના તમામ હરીફો કરતાં માઇલો આગળ છે. આ વાત તેની વિશ્વસનીયતા અને વાચકો પ્રત્યેની કટિબદ્ધતાને પણ લાગુ પડે છે.
આગામી સમયમાં ‘દિવ્ય ભાસ્કર’ એપમાં અમે અનેક નવા પ્રયોગો કરી રહ્યા છીએ. તેમાં આવી નવી કોન્ટેસ્ટ પણ લઈને આવીશું. યાને કે તમે પણ આવનારા રોમાંચક સમયમાં નવી થ્રિલિંગ અને એક્સાઇટિંગ કોન્ટેસ્ટ્સ માટે અત્યારથી જ કમર કસી લેજો. અને હા, તમારાં પરિવારજનો, મિત્રો, સ્નેહીઓને પણ દિવ્ય ભાસ્કર એપ ડાઉનલોડ કરાવવાનું અને તેમને દિવ્ય ભાસ્કર એપના ન્યૂઝ-વીડિયો શૅર કરવાનું ભૂલશો નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.