ગ્રાઉન્ડ રિપોર્ટમેવાણીને હરાવવા ભાજપે ગોઠવ્યા સાત કોઠા:દલિતોના રાષ્ટ્રીય ચહેરાને હરાવવા ભાજપનો માસ્ટર પ્લાન, ચક્રવ્યૂહમાં ફસાવી ઘરે બેસાડવા સેનાપતિઓ તૈયાર

વડગામ21 દિવસ પહેલાલેખક: નિર્મલ દવે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ 2017થી ખૂબ ચર્ચામાં આવેલી વડગામ બેઠક 2022 માટે પણ હોટ સીટ બની ગઈ છે. મોટે ભાગે કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર વર્ષ 2017માં અપક્ષમાં મેવાણીએ શાનદાર જીત મેળવી રાજકીય હલચલ મચાવી દીધી હતી. વડગામ સીટ પર 1962થી અત્યારસુધીમાં 11 ચૂંટણી યોજાઈ છે, જેમાં માત્ર બેવાર જ ભાજપનો અને 7વાર કોંગ્રેસનો, જ્યારે જનતાદળ અને અપક્ષનો 1-1વાર વિજય થયો છે. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના યુવા નેતા મેવાણીને ગઢમાં જ હરાવવા માટે મહાભારતના દ્રોણાચાર્યની જેમ સાત કોઠા તૈયાર કર્યા છે, જેમાં છેલ્લા કોઠામાં જ તેને ફસાવીને ઘરભેગા કરવાની તૈયારીઓ આદરી છે.

મેવાણીના ગઢના કાંગરા ખેરવવા ભાજપ તૈયાર
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને રાજકીય પક્ષો સાબદા થઈ ચૂક્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આપના સ્ટાર પ્રચારકોને તૈયાર રાખવામાં આવ્યા છે. તૈયારી જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપે આ વખતે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો કબજે કરવા કમર કસી છે. કોંગ્રેસ માટે ગઢ ગણાતી બેઠકોમાં વડગામ વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પર અત્યારે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનું પલડું ભારે હોવાની ચર્ચા છે. મેવાણીને કોંગ્રેસ દ્વારા તમામ રીતે પીઠબળ અપાઈ રહ્યું છે, જેથી આ બેઠક કબજે કરવા ભાજપને વધુ મહેનત કરવી પડે એમ લાગે છે.

વડગામમાં અચાનક જ ભાજપની તાકાત કેમ વધી ગઈ?
ભૌગોલિક પરિસ્થિતિમાં લાંબો પહોળો વિસ્તાર છે. આ વિસ્તારમાં વડગામ તાલુકાનાં 110 ગામ અને પાલનપુર તાલુકાનાં 34 ગામ આવેલાં છે. મુસ્લિમોના 90 હજાર મત છે. કોંગ્રેસ માટે મજબૂત પોકેટ જોઈએ તો છાપી વિસ્તારમાં રહેતી મુસ્લિમ વસતિ, જેમાં 15 ગામનો સમાવેશ થાય છે. ગત 2017ની ચૂંટણી સમયે આ બેઠક પર વિજેતા થયેલા જિજ્ઞેશ મેવાણી અને ભાજપના ઉમેદવાર વિજય ચક્રવર્તી વચ્ચે 20 હજાર મતનો તફાવત હતો. આ દરમિયાન હવે માહોલ બદલાયો છે. હવે વડગામ વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા છે, જેથી ભાજપની તાકાત વધી છે અને ભાજપ મજબૂત બન્યો છે.

7 મહિના પહેલાં ભાજપે આ ઓપરેશન તો પાર પણ પાડી દીધું
જિજ્ઞેશ મેવાણીને ઘરે બેસાડવા માટે ભાજપે ગ્રાઉન્ડ લેવલે માઇક્રો પ્લાનિંગ કરી દીધું છે, જેની તૈયારી ભાજપે એક વર્ષ પહેલાં જ આરંભી દીધી હતી. આ વ્યૂહરચનાના ભાગરૂપે 7 મહિના પહેલાં જ કોંગ્રેસના નેતા અને વડગામના જ પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં, મણિભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત પણ કરી આવ્યા હતા. આ ઓપરેશન પાર પાડ્યા બાદ હવે ચૂંટણી જાહેર થઈ ગઈ છે

જીત માટે મેવાણીને કેમ લોઢના ચણા ચાવવા પડશે?
આ બેઠક પર મેવાણીને ઘેરવા માટે AIMIMએ દલિત એવા પ્રદીપ પરમારને ટિકિટ આપી છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એવી AIMIM મેવાણીની દલિત અને મુસ્લિમ વોટબેંક પર તરાપ મારે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. માત્ર એટલું જ નહીં, ઓવૈસીએ 6 મહિના પહેલાં વડગામના મજાદર ગામમાં સભા પણ કરી હતી તેમજ તાજેતરમાં પણ ઓવૈસીએ એક જાહેર સભા કરી હતી. આ સીટ પર કુલ 90 હજાર મુસ્લિમ અને 33 હજાર દલિતોના મત છે. જો આ બન્ને જ્ઞાતિના મતો વહેંચાઈ જાય તો મેવાણી માટે બેઠક લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ પણ દલપત ભાટિયાને ઉમેદવાર બનાવ્યા છે. દલપત ભાટિયા મેવાણીને હરાવવા માટે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે સૌથી વધારે મુલાકાત કરી અને પ્રચાર વધારે તેજ બનાવી રહ્યા છે. આમ, જો AIMIM અને આપના ઉમેદવાર વચ્ચે દલિત અને મુસ્લિમ મતો વહેંચાઈ જાય તો ભાજપ માટેનો રસ્તો ખુલ્લો થઈ જશે અને મેવાણી માટે કપરાં ચઢાણ થઈ શકે છે.

વડગામ પર કબજો કરવા PM મોદીએ શું શું કર્યું?
વડગામ બેઠક મુદ્દે ભાજપના સંભવિત ઉમેદવાર મણિભાઈ વાઘેલાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે વિસ્તારમાં મુખ્ય પ્રશ્ન કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણીને લગતો હતો. જોકે થોડા સમય અગાઉ જ આ તળાવ અને ડેમમાં પાણી નાખવા માટે સરકારે રૂપિયા 550 કરોડ અને 192 કરોડની યોજના મંજૂર કરી છે. બીજી તરફ, પ્રધાનમંત્રી અંબાજી આવ્યા ત્યારે ખેરાલુથી આબુ રોડની 2507 કરોડની યોજના મંજૂર કરી છે, એનાથી વડગામને ફાયદો થશે.

અન્ય રાજ્યોમાં પ્રવાસોને કારણે મેવાણીએ ધ્યાન નથી આપ્યું: AAPના ઉમેદવાર
આમ આદમી પાર્ટીએ વડગામ બેઠક પર જાહેર કરેલા દલપત ભાટિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જિજ્ઞેશ મેવાણી રાષ્ટ્રીય નેતા તરીકે પૂરો સમય આપી શક્યા નથી. પાયાના સવાલો સિવાય આંદોલન, અન્ય રાજ્યોમાં પ્રવાસે હોવાથી પોતાના વિસ્તારમાં ધ્યાન આપી શક્યા નથી. જેથી પ્રજા તેમનાથી નારાજ છે. આમ, આ ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારને જ પ્રજા પોતાના પ્રતિનિધિ તરીકે પસંદ કરશે એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

AAPના ઉમેદવાર પણ 10 વર્ષથી દલિત સંગઠન માટે કરે છે કામ
આમ આદમી પાર્ટીના ઉમેદવાર દલપત ભાટિયા પાલનપુરના વતની છે. 1991થી જાહેર જીવન સાથે સંકળાયેલા છે. 2012 સુધી કોંગ્રેસના સક્રિય કાર્યકર હતા. પરંતુ 2012 બાદ દલિત સંગઠન માટે કામગીરી કરતા હતા. તેમજ સ્થાનિક હોવાથી વિસ્તારની સમસ્યાઓથી વાકેફ છે.

AIMIM, AAP અને ભાજપ સામે બાથ ભીડવા મેવાણીની આ છે રણનીતિ
વડગામ બેઠકના હાલના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મારી એક જ રણનીતિ છે અને એ છે કે લોકોની વચ્ચે જવું અને તેમનાં કામ કરવા. વડગામ બેઠક પર આવનારાં પાંચ વર્ષમાં મારે શું કરવાનું છે એ માટે સંકલ્પપત્ર બહાર પાડવાની તૈયારી કરી છે તો બીજી તરફ કોંગ્રેસના એજન્ડાને આગળ વધારી લોકોની સુખાકારી માટે કામ કરવાનાં છે.

કોંગ્રેસ સાથે 2017નો બદલો લેશે મણિલાલ
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીએ આ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરતાં કોંગ્રેસ પાર્ટીએ તેને આડકતરું સમર્થન આપીને પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા ન હતા. તાજેતરમાં વડગામ વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા હતા. તેમણે મગરવાડા ખાતે વિશ્વાસ સંમેલન દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં મણિભાઈ વાઘેલા વડગામ વિધાનસભાથી જીત્યા હતા. કોંગ્રેસ દ્વારા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મણિભાઈ વાઘેલાને ટિકિટ નહોતી આપી, જેને લઇને મણિભાઈ વાઘેલા પક્ષથી નારાજ થયા હતા.

કોણ છે? ભાજપનો મજબૂત "મણિ"
મણિલાલના રાજકીય અનુભવની વાત કરીએ તો તાલુકાકક્ષાએથી માંડીને જિલ્લાકક્ષા સુધી મણિલાલ વાઘેલાએ કોંગ્રેસ માટે સેવા આપી હતી અને 2012માં ભાજપના કેબિનેટ મંત્રી ફકીર વાઘેલાને હરાવીને વડગામ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. પક્ષપલટાની મોસમ માં પણ કોંગ્રેસ સાથે અડીખમ રહેનાર મણિલાલ વાઘેલાની કેન્દ્રીય નેતાગીરીએ નોંધ લીધી હતી અને દિલ્હી બોલાવી સન્માન કર્યું હતું. પાર્ટીએ વચન આપવા છતાં તેમને 2017માં વડગામ બેઠક પર મેન્ડેટ આપ્યો ન હોવા છતાં તે પક્ષને વફાદાર રહ્યા હતા અને અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીને ટેકો આપ્યો હતો. જોકે સતત અવગણના અને પ્રદેશ નેતાગીરીથી નારાજ થતાં 2021માં તેમણે કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની હાજરીમાં કેસરિયા કર્યા બાદ હવે વિધાનસભા 20022ની ચૂંટણીમાં વડગામ બેઠક પરથી ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહ્યા છે.

કોણ છે અને ક્યાં રહે છે મેવાણી?
જિજ્ઞેશ મેવાણી વડગામના અપક્ષ ધારાસભ્ય, દલિત અને સામાજિક કાર્યકર છે. ગુજરાતના રાજકારણમાં મોટા દલિત નેતા છે. જિજ્ઞેશ મેવાણી આઝાદી કૂચ આંદોલન ચલાવે છે, જેમાં તેમણે 20 હજાર જેટલા દલિતોને મૃત પશુ ન ઉપાડવા અને હાથથી સફાઈ ન કરવાના શપથ લેવડાવ્યા હતા. 11 ડિસેમ્બર,1980ના રોજ ગુજરાતના મહેસાણામાં જન્મેલા મેવાણી હવે અમદાવાદ શહેરના દલિત વર્ચસ્વવાળા વિસ્તાર મેઘાણીનગરમાં રહે છે. તેના પિતા મ્યુનિસિપલ કર્મચારી હતા.

AAPની નજર મેવાણીની અકબંધ વોટબેંક પર
જિજ્ઞેશ મેવાણી વડગામ વિસ્તારમાં આવેલાં 15 ગામ, જ્યાં મુસ્લિમ સમાજની વસતિ વધારે છે એ વિસ્તારમાં મજબૂત પકડ ધરાવે છે. ભાજપ માટે મુસ્લિમ વોટ બેંકનો વિશ્વાસ જીતવો મુશ્કેલ છે, પરંતુ આમ આદમી પાર્ટી આ વિશ્વાસ કેળવીને જિજ્ઞેશ મેવાણીની મજબૂત વોટ બેંક પર તરાપ મારવાની રણનીતિ અજમાવી રહી છે.

આ ગામો નક્કી કરશે મેવાણીનું ભવિષ્ય
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની અતિમહત્ત્વની વિધાનસભા બેઠક વડગામ અનામત રાખવામાં આવી છે. વડગામ વિધાનસભા બેઠકમાં વડગામ તાલુકા ઉપરાંત પાલનપુર તાલુકાનાં 32 ગામનો સમાવેશ થાય છે. વડગામ વિધાનસભા બેઠક વડગામ તાલુકો, પાલનપુર તાલુકાના હાથીદ્રા, કુમ્પળ, ગોઢ, ધાંધા, ખાસા, હોડા, ગલવાડા, સાગ્રોસણા, ભાગલ (જગાણા), માણકા, ગોલા, મેરવાડા (રતનપુર), વાગદા, જગાણા, વાસણા (જગાણા), બદરપુરા (કાલુસણા), સરીપાડા, પટોસણ, સલ્લા, સાસમ, ટાકરવાડા, ટોકરિયા, સેદરાણા, સેદરાસણ, અસ્માપુરા (ગોદા), ખામોડિયા, જાસલની, બદરગઢ, કાણોદરનું પ્રતિનિધિત્વ કરે છે.

વડગામ વિધાનસભાના વિકટ પ્રશ્ન

  • પાણી
  • રોજગાર
  • શિક્ષણ
  • રોડ રસ્તા

ડીસામાં કોંગ્રેસને આંતરિક વિખવાદ જ ડુબાડશે?
ડીસા વિધાનસભા સીટ પર ભાજપના શશિકાંત પંડ્યા હાલ ધારાસભ્ય છે. ડીસા બટાટા ઉત્પાદન માટે જાણીતું છે. ડીસા વિધાનસભા પર ખેડૂતોને લગતા પ્રશ્નો, વેપારીને લગતા પ્રશ્નો, રોજગાર, રોડ રસ્તા અને આરોગ્ય જેવા પ્રશ્નો મુખ્ય છે.

આ સીટ પર કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીની દીકરા સંજય રબારીને ટિકિટ આપી છે, જેની સામે કોંગ્રેસમાં જ વિરોધનો સૂર ઊઠ્યો છે. સંજય રબારીનું નામ જાહેર થતાં જ કોંગ્રેસના જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ પિનાબેન ઘાડિયા, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ શાહ અને કૈલાસબેન શાહ, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અજમલજી ઠાકોર, જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના પૂર્વ ચેરમેન પોપટજી દેલવાડિયા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી નરસિંહભાઈ દેસાઇ, દીપકભાઈ પટેલ, મુકેશભાઇ સોલંકી, ડીસા નગરપાલિકાના વર્તમાન સદસ્ય ડો.ભાવિબેન શાહ સહિત આગેવાનો પાલનપુરમાં આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યાં હતાં અને ત્યાં ભારે નારાજગી વ્યક્ત કરીને તમામ આગેવાનોએ રાજીનામાં ધરી દીધા હતા.

ભાજપમાંથી શશિકાંત પંડ્યાનું નામ નક્કી?
જ્યારે ભાજપમાંથી આ બેઠક પર વર્તમાન ધારાસભ્ય શશિકાંત પંડ્યાને જ ટિકિટ આપવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, આમ આદમી પાર્ટીએ આ બેઠક પરથી ડો.રમેશ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે.

એક સમયે લીલાધર વાઘેલાનો હતો ગઢ
ડીસા વિધાનસભાના ઇતિહાસની વાત કરીએ તો, પૂર્વ મંત્રી સ્વ. લીલાઘર વાઘેલાની આ પરંપરાગત સીટ માનવામાં આવે છે. અહીં બ્રાહ્મણ મત ઓછા હોવા છતાં બ્રાહ્મણ જ્ઞાતિના ઉમેદવાર શશીકાંત પંડ્યા 2017માં ચૂંટણી જીત્યા હતા. ડીસા વિધાનસભાના પ્રથમ ધારાસભ્ય કોંગ્રેસના વિનોદચંદ્ર પટેલ ધારાસભ્ય બન્યા હતા. 1967માં કોગ્રેસે વિનોદચંદ્રની ટિકિટ કાપીને એસ.એસ. શાહને ટિકિટ આપી હતી અને તે વિજેતા બન્યા હતા. 1972માં કોગ્રેસે ભીખાભાઇ પરમારને ટિકિટ આપતા તે વિજેતા બન્યા હતા. જો કે 1975માં કોગ્રેસે ડીસા સીટ ગુમાવી હતી. 1975માં વિનોદચંદ્ર ચૂંટણી લડ્યા હતા અને વિજેતા બન્યા હતા.

1995માં ડીસા સીટ જીતીને ભાજપની સરકાર બની
1980માં જનતા પક્ષમાંથી મોહનભાઈ દેસાઈ વિજેતા બન્યા હતા. 1985માં લીલાઘર વાઘેલા અપક્ષ ચૂંટણી લડીને વિજેતા બન્યા હતા. 1990માં લીલાઘર વાઘેલાને જનતાદળે ટિકિટ આપી હતી અને વિજેતા બન્યા હતા. 1995માં ડીસા સીટ પર ભાજપનો પ્રથમ વિજય થયો હતો, જેમાં ભાજપના ઉમેદવાર ગોરધનજી માળી વિજેતા બન્યા હતા. 1998માં પણ ગોરધનજી માળી વિજેતા બન્યા હતા. 2002માં કોંગ્રેસમાંથી ગોવાભાઇ રબારી ચૂંટણી લડ્યા અને વિજેતા બન્યા. જોકે 2007માં ભાજપના લીલાધર વાઘેલાનો વિજય થયો હતો. 2012 અને 2014ની પેટાચૂંટણીમાં ગોવાભાઈ રબારીનો વિજય થયો હતો. 2017માં ભાજપના શશિકાંત પંડ્યાનો વિજય થયો હતો.

થરાદ વિધાનસભાની પ્રથમ ચૂંટણી 1962માં તો ચોથી 2022માં થશે
હાલ થરાદ વિધાનસભા સીટ પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત ધારાસભ્ય છે. થરાદ સીટ પર અત્યારસુધીના ઇતિહાસની વાત કરીએ તો થરાદ વિધાનસભાના પ્રથમ ધારાસભ્ય ભીમજીભાઇ પટેલ હતા. તેઓ 1962માં અપક્ષ ચૂંટણી લડીને વિજેતા બન્યા હતા. ત્યાર બાદ થરાદ વિધાનસભા સીટ વાવ બેઠકમાં મર્જ કરવામાં આવી હતી. 2007ના નવા સીમાંકન બાદ 2012માં થરાદ વિધાનસભા સીટ અસ્તિત્વમાં આવી. 2012માં થરાદ સીટ પરથી ભાજપમાંથી પરબત પટેલ વિજેતા બન્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પરબત પટેલ વિજેતા બન્યા હતા. આમ, થરાદ વિધાનસભા અસ્તિત્વમાં આવી ત્યારથી પરબત પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

2019માં યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસે બાજી મારી
2019ની લોકસભા ચૂંટણીમાં પરબત પટેલ સાંસદ બન્યા અને આ સીટ ખાલી પડી હતી. 2019ની પેટાચૂંટણીમાં થરાદ સીટ પર ભાજપમાંથી જીવરાજ પટેલ અને કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત ચૂંટણી લડ્યા હતા, જેમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત વિજેતા બન્યા હતા. આ સીટ પર ચૌધરી અને ઠાકોર સમાજના મત નિર્ણાયક માનવામાં આવે છે. આ ઉપરાંત ક્ષત્રિય, દલિત અને મુસ્લિમ મત પણ નિર્ણાયક માનવામા આવે છે. આ ઉપરાંત ઓબીસીમાં આવતી જ્ઞાતિના 40થી 45 હજાર મત છે. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતે થરાદ સીટ પરથી દાવેદારી નોંધાવી છે. ભાજપે હજુ ઉમેદવાર જાહેર કર્યો નથી.

અન્ય સમાચારો પણ છે...