ભાસ્કર ઇન્ટરવ્યૂધાનાણીનો પાટીલ પર સૌથી મોટો ઘા:'AAP ભાજપનું અનૈતિક સંતાન', 'AAP આવે કે એનો બાપ, થઈ જશે સૂંપડાં સાફ', જબરી શાયરી ઠબકારી

2 મહિનો પહેલાલેખક: કમલ પરમાર

ગુજરાત વિધાનસભાની વિવિધ બેઠકોમાં એવી ઘણી ઓછી બેઠકો છે, જ્યાં કોંગ્રેસના નાના કાર્યકર્તાથી લઈને ધારાસભ્ય સુધી મજબૂત જનસંપર્ક ધરાવતા હોય. અમરેલી જિલ્લાની બેઠકો આવી જ યાદીમાં સામેલ થાય છે. અહીંની અમરેલી વિધાનસભા બેઠકથી પરેશ ધાનાણી ચોથી વખત ચૂંટણી લડી રહ્યા છે. એક ખેડૂતપુત્ર, જેણે કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠનથી રાજકારણ ક્ષેત્રે શરૂઆત કરી અને વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકેની પણ જવાબદારી નિભાવી. કોંગ્રેસની યુવા ટીમમાં પ્રખર વક્તા અને ભાજપના દિગ્ગજ નેતાઓને હરાવવાનો રેકોર્ડ પરેશ ધાનાણીના નામે રહ્યો છે.

વર્ષ 2002માં ધાનાણીએ પહેલીવાર વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. માત્ર 26 વર્ષની ઉંમરે સક્રિય થયેલા પરેશ ધાનાણીએ એ ચૂંટણીમાં ત્રણ વખતથી સતત જીતતા આવતા ભાજપના કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૂપાલાને હરાવ્યા હતા. વર્ષ 2007માં પરેશ ધાનાણીને દિલીપ સંઘાણી સામે 4,000 મતોથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ધાનાણીએ દિલીપ સંઘાણીને કારમી હાર આપી રાજકીય બદલો લીધો. વર્ષ 2017માં ભાજપે ઉમેદવાર બદલ્યા અને બાવકુ ઉંધાડને ટિકિટ આપી હતી, તેમને પણ ધાણાની સામે પરાજય આપ્યો હતો. પરેશ ધાનાણીની ગણના ગુજરાતના એવા નેતાઓમાં થાય છે, જે હાઈકમાન્ડની ગુડબુકમાં હોય. ત્યારે દિવ્ય ભાસ્કરે પરેશ ધાનાણીને આ વખતની ચૂંટણીના પડકાર, વિધાનસભા વિસ્તારમાં એન્ટિ ઈન્કમબન્સીની અસર, પક્ષપલટુઓના કારણે થયેલી કોંગ્રેસની સ્થિતિ અંગે સવાલો કર્યા હતા.

દિવ્ય ભાસ્કરઃ ચોથી વખત અમરેલીથી ચૂંટણી જંગમાં ઊતર્યા છો, આ વખતે મત વિસ્તારની પરિસ્થિતિ શું છે?
પરેશ ધાનાણીઃ આ વખતની ચૂંટણી કોઈ વ્યક્તિ કે કોઈ પાર્ટી વિરુદ્ધ નથી. આ ચૂંટણી જંગ બાબા સાહેબ આંબેડકરે ઘડેલા સંવિધાનને બચાવવાની લડાઈ છે. ગુજરાત ગાંધીના સંસ્કારોનું રહેશે કે ગોડસેના વારસદારોનું ગુલામ બનશે એ નક્કી કરવા માટેનો આ જંગ છે. 2022ના જંગમાં સરદાર સાહેબનું સ્વાભિમાન ટકશે કે માજી બુટલેગર સી.આર.ના હવાલે ગુજરાતની નવી પેઢી થશે એ નક્કી કરવા માટેનો આ જંગ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમરેલીએ હંમેશાં ગુજરાતને દિશા ચીંધવાનું કામ કર્યું છે.

દિવ્ય ભાસ્કરઃ 27 વર્ષથી સત્તાથી દૂર છો આ વખતે કોંગ્રેસને જીતનો સ્વાદ ચાખવા મળશે?
પરેશ ધાનાણીઃ 2022નો જંગ એ સત્તા મેળવવાની લડાઈ નથી. ગુજરાતના સ્વાભિમાનને બચાવવાની લડાઈ છે. અમને વિશ્વાસ છે કે, અહંકારી શાસકોનો અહંકાર તૂટશે. ભાજપના ભુક્કા કાઢી નાખશે, કમળને કચડી નાખશે. સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસનો જય જય કાર થશે, ગાંધીનગરમાં તિરંગો લહેરાશે ત્યારે ગુજરાતમાં ફરી ખુશહાલી આવશે.

દિવ્ય ભાસ્કરઃ અરવિંદ કેજરીવાલ કહે છે કે કોંગ્રેસને માત્ર પાંચ સીટો જ મળશે તમારું શું માનવું છે?
પરેશ ધાનાણીઃ ગુજરાતમાં ઘણા પોતીકા સબળ નેતાઓ ત્રીજો પક્ષ ઊભો કરવાનો પ્રયાસ કરે છે. પણ ગુજરાતની પ્રજા ક્યારેય સાથ નહીં આપે. જ્યારે આમ આદમી પાર્ટી તો ભાજપનું અનૈતિક સંતાન છે. ગુજરાતે નક્કી કર્યું છે કે 2022માં આપ આવે કે આવે એનો બાપ, ગુજરાતના લોકો સૌને કરી નાખશે સાફ.

દિવ્ય ભાસ્કરઃ ભાજપ કહે છે આ ગુજરાત મેં બનાવ્યું છે? શું લાગે છે તમને?
પરેશ ધાનાણીઃ તક્ષશિલાની મેડીએ નિસરણી ન પહોંચાડી શકાય તેવું ગુજરાત આ ભાજપે જ બનાવ્યું છે. મોરબીના ઝૂલતાં પુલ ઉપરથી લટકેલી 200 જિંદગીઓને મોતના મુખમાં ધકેલનારું આ ગુજરાત ભાજપે બનાવ્યું છે. આજે હસી-ખુશીથી ખેલનારા ગુજરાતમાં વર્ગવિગ્રહનાં બીજ રોપનારું ગુજરાત પણ ભાજપે જ બનાવ્યું છે. આર્થિક મંદીની મોકાણથી નાના માણસની દુકાન ન ખૂલે એ ગુજરાત પણ ભાજપે જ બનાવ્યું છે. ક્યારેક ઔદ્યોગિક ક્ષેત્રમાં વૈશ્વિક ફલક પર ધમધમતું ગુજરાત, વીતેલાં વર્ષોમાં લાખો ફેક્ટરીઓ અને કારખાનાના શટર પડી જાય એ ગુજરાત ભાજપે બનાવ્યું છે. સાહેબ, જે ગુજરાત પોતાના પગ ઉપર ઊભું હતું આજે 4 લાખ કરોડથી વધુના દેવામાં ડુબાડ્યું છે. એવું ગુજરાત પણ આ ભાજપે જ બનાવ્યું છે.

દિવ્ય ભાસ્કરઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને કેમ નથી સાચવી શકતી?

પરેશ ધાનાણીઃ કોંગ્રેસ પાર્ટીનો જે વિચાર છે આઝાદીનો, સમાનતાનો, ભાવનો છે. કોંગ્રેસે હંમેશાં દેશના લોકોના અધિકારોને આગળ ધપાવવાનું કામ કર્યું છે. પણ સતત અને સળંગ સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકોનો અહંકાર આજે સાતમા આસમાને પહોંચ્યો છે. નીતિ સિદ્ધાંતોને નેવે મૂકી સામાન્ય માણસોને માત્ર મત મેળવવાનું મશીન સમજી, આ ભાજપ પાર્ટીની સરકારનો સતત ગુજરાતમાં જનાધાર ઘટતો જાય છે. 126ની સર્વોચ્ય ઊંચાઈએથી 2017માં નર્વસ 90 સુધી ખખડેલા ભાજપે લોકોના જનાદેશને સત્તાની એડીએ કચડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે લોકો ભાજપની વિરુદ્ધ જનાદેશ આપે તો એને કાળાધનના કોથળાથી ખરીદવામાં આવે, સરકારમાં ભાગીદાર થવાની લાલચ આપવામાં આવે. ક્યાંય સરકારી તંત્રનો દુરુપયોગ કરવાની છૂટછાટ આપવામાં આવે. અમારા 69 જેટલા પાર્ટીના આગેવાનોને ભાજપે સત્તાની એડીએ કચડવાનો પ્રયાસ કર્યો છે. માથાં ગયાં પણ મતદારો નહીં. આજે ભાજપનો પાયાનો કાર્યકર્તા કોરાણે મુકાઈ ગયો છે જ્યારે કમલમના કાર્યાલયમાં કોંગ્રેસનું રાજ છે. પાયાના કાર્યકર્તાઓ કમલમના કાર્યાલયમાં કચરો સાફ કરી રહ્યા છે. કમલમના કાર્યાલયે સિંહાસન ઉપર કોંગ્રેસના મહારાજ બેસી રહ્યાં છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભાજપનો કચડાયેલો કાર્યકર્તા આ વખતે સાવરણો લઈને સમગ્ર ગુજરાતમાં કાદવને સાફ કરી નાખશે. કમળ આપોઆપા મુરઝાઈ જશે.

દિવ્ય ભાસ્કરઃ કયા વિચારોને લઈને તમે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો?
પરેશ ધાનાણીઃ હું મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારમાં જન્મેલો કાર્યકર્તા હતો. જેને અમરેલીના લોકોએ પાપા-પગલી કરતાં શિખવાડ્યું, ચાલતાં શિખવાડ્યું અને દોડતાં શિખવાડ્યું. હવે તો સામા પાણીએ તરવાની તાકાત છે. અમરેલીના લોકો સમાનતા અને સદભાવનાના પાયા પર આ અહંકારી શાસકોનો અહંકાર ઓગાળવા માટે પહેલી તારીખે મતદાન કરશે.

દિવ્ય ભાસ્કરઃ આટલાં વર્ષોથી રાજકારણમાં રહ્યા, તો અંગત મિત્રોનો સાથ સહકાર કેવો રહ્યો?
પરેશ ધાનાણીઃ હું આજે જે પણ કાંઈ છું એ સારા મિત્રોના કારણે છું. મારા મિત્રોએ મારાથી વધુ સરકારી તાપને સહન કર્યો છે. 20 વર્ષની સફરમાં મારાં કપડાં પણ દાગ લાગ્યા હશે પણ દામન પર દાગ લાગવા નથી દીધો.

દિવ્ય ભાસ્કરઃ રાજકારણમાં આવ્યા બાદ તમે ધારાસભ્ય બન્યા, વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા, હવે તમે પોતાની જાતને કયા પદે જોવા માગો છો?
પરેશ ધાનાણીઃ લોકશાહીમાં જનતાની અદાલત સર્વોપરી છે. લોકોના હ્રદયમાં કાયમ સ્થાન રહે એ અપેક્ષા સાથે જાહેર જીવનમાં આગળ વધવું છે.

અન્ય સમાચારો પણ છે...