અંગ્રેજીમાં રૂઢિપ્રયોગ છે લોસ્ટ ઇન ટ્રાન્સલેશન
રાહુલ ગાંધીએ આદિવાસી વિસ્તારમાં હિન્દીમાં ભાષણ કર્યું અને ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિહે એનો અનુવાદ કરીને લોકોને કહેવાનું શરૂ કર્યું. લોકો ન તો રાહુલ ગાંધીને ધ્યાનથી સાંભળી શકતા હતા ન તો ભરતસિંહના અનુવાદમા ધ્યાન ચોંટતું હતું. આખરે લોકોમાંથી કોઈએ કહ્યું કે ભાઈ રહેવા દો, હિન્દી સારું છે. બાવાના બેય બગડવા જેવો ઘાટ થયો.
કોંગ્રેસને કોઈએ સલાહ નથી આપતું કે આવા અનુવાદવાળી આ સ્ટ્રેટેજી અંગ્રેજી હોત તો બરાબર હતી, પણ હિન્દીનો અનુવાદ ક્યારેય ગુજરાતના આદિવાસીમાં કોઈએ કર્યો નથી. ભાજપના નેતાઓ કાં તો ગુજરાતી બોલે છે કાં તો હિન્દી.
ગુજરાતમાં 27 વર્ષથી અહીં ભાજપનું રાજ કેમ છે? કારણો ઘણાં હશે. એક કારણ તો આજના ઉદાહરણ પરથી સમજી શકાય એવું છે. નુકસાન: રાહુલ ગાંધી આદિવાસી સમાજ વિશે ખરેખર શું બોલવા માગે છે અથવા વિચારે છે એને બદલે લોકોનું ધ્યાન અનુવાદના ભગા પર ગયું.
બીજી બાજુ, મોદીની સભા પછી એક નાનકડી બાળકીએ તેમની પાસે જઈને કડકડાટ ભાજપની વિકાસગાથા ગાઈ નાખી. એવરીથિંગ ઇઝ ફેર ઇન પોલિટિક્સ. ભાજપ પાસે 40 સ્ટારપ્રચારક છે, પણ ભાવનગરમાં વધારાના પ્રચારક તરીકે કમાની એન્ટ્રી, જેના નામે પબ્લિક ભેગી થતી હોય તેને લાવો. સિમ્પલ. ભાજપે કમાને પણ મેદાનમાં ઉતારી દીધો છે.
ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય મતદારોને પોતપોતાની વાત કહી રહ્યા છે. જ્યાં તક મળે ત્યાં એકબીજા પર પ્રહાર કરી લે છે અને એકબીજાને નીચા દેખાડવાની કોશિશ કરી રહ્યા છે. પોતાની લીટી મોટી બતાવવા કરતાં બીજાની લીટી નાની કરવાની કવાયત વધુ ચાલે છે. રાહુલ ગાંધીએ રાજકોટની સભામાં મોરબીનો ઉલ્લેખ કર્યો. કોંગ્રેસના નેતાઓએ મોરબીના મૃતકો માટે બે મિનિટનું મૌન પાળ્યું.
જોકે અત્યારે અકળ અને ભેદી રીતે જનતા ચૂપ છે. જનતા આ બધાનું બધું જ સાંભળે અને જુએ પણ છે. શું પ્રજાએ નક્કી કરી લીધું છે કે પરિવર્તન કરવું કે પુનરાવર્તન? શું એવો કોઈ અન્ડર કરન્ટ છે, જેને કોઈ મીડિયા અને રાજકીય પક્ષ સમજી નથી શકતો?
આ પ્રશ્ન સનાતન છે.
એક ચૂંટણીકથા કહું. 1995ની ચૂંટણીમાં ગુજરાતની ભાજપની સરકાર પહેલીવાર બની. એ વખતે વિસાવદરથી ચૂંટણી લડનારા કેશુભાઈને પૂછ્યું કે તમારી કેટલી સીટ આવશે? કોઠાસૂઝવાળા કેશુભાઇએ કહ્યું હતું કે ભાઈ, આ તો ભર્યું નાળિયેર છે.
આવતીકાલે ફરી મળીએ નવા વીડિયો એનાલિસિસ સાથે. તમે વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ અને જુઓ ગેમ ઓફ ગુજરાત 2022.
ધન્યવાદ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.