રાજ્યમાં ફરી ભૂપેન્દ્ર પટેલની સરકાર
આજે ગુજરાત વિધાનસભાગૃહના નેતાની ચૂંટણી માટે ભાજપના સભ્યોની એક બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ પર યોજાઈ હતી, જેમાં ભાજપ હાઇકમાન્ડે નિરીક્ષક તરીકે રાજનાથ સિંહ સહિત 3 નેતાઓની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી.જેમાં ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરાઈ છે. તેમના નામનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય દળની બેઠક માટે ભાજપના વિજેતા ધારાસભ્યો કમલમ પહોંચ્યા હતાં. કનુ દેસાઈએ પ્રસ્તાવ મૂકયો હતો, જેને પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષાબેન વકીલ અને રમણ પાટકરે ટેકો આપ્યો હતો. જે બાદ ભૂપેન્દ્ર પટેલ અને પાર્ટીના નેતાઓએ રાજ્યપાલ સમક્ષ ગુજરાતમાં સરકાર રચવાનો દાવો કર્યો હતો અને મંત્રીમંડળની શપથવિધિ માટે સમય માંગ્યો હતો.
ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ દિલ્લીમાં
દિલ્હીમાં બંને નેતાઓ ભાજપના શીર્ષ નેતૃત્વ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન નવા મંત્રીમંડળની યાદી અંગે નિર્ણય લેવાઈ શકે છે. દિલ્હીમાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી શકે છે. આપને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીત બાદ હવે ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે એ અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે.
મેગા જીત, મેગા શપથ ગ્રહણ સમારોહ
ગુજરાતમાં ભાજપને મળેલી રેકોર્ડ બ્રેક જીતનો ઉત્સવ મોટા પાયે થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગુજરાત ભાજપની આ શાનદાર જીત એક મોટો મેગા શો જેવો બની રહે તેવું આયોજન સંગઠન દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી દીધું છે અને સાથે જ નવી સરકાર રચવા માટે તડામાર તૈયારી સચિવાલય ખાતે શરૂ કરી દેવામાં આવી છે. નવી સરકારના ચયન માટે સૌ પ્રથમ મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરશે, જે અંતર્ગત સચિવાલય ખાતે આવેલા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં કાર્યકરો હાજર રહે તે પ્રકારની બેઠક વ્યવસ્થા શપથવિધિ સ્થળે કરવામાં આવી રહી છે.
2012-17નો બદલો 2022માં લીધો
રાજ્યમાં નવી આવેલી આમ આદમી પાર્ટીએ પણ પાંચ બેઠકો જીતી છે. જેમાંની એક છે જામનગર જિલ્લાની જામજોધપુરની બેઠક.. આ બેઠકના 'આપ'ના વિજેતા ઉમેદવાર છે હેમંતભાઇ હરદાસભાઇ આહીર જે હેમંત ખવાના નામે જાણીતા છે. ભાજપના અનુભવી અને પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરિયાને તથા કોંગ્રેસના સિટીંગ MLA ચિરાગ કાલરીયાને પછડાટ આપીને 'આપ'ના હેમંત ખવા જાયન્ટ કિલર સાબિત થયાં છે. આ બેઠક પર 2012માં કોંગ્રેસમાંથી હેમંત ખવાના પિતા હરદાસ ખવાની ચિમનભાઈ સાપરિયા સામે હાર થઇ હતી. જ્યારે 2017માં કોંગ્રેસે પણ હેમંત ખવાને ટિકિટ ન અપતાં તે કોંગ્રેસથી નારાજ હતા. ત્યારે આ વખતે કાવા-દાવાની ઝાપટો જીલી બંને દિગ્ગજ નેતાઓને પછાડી હેમંત ખવાએ એક કાંકરે બે પક્ષી માર્યા છે.
સાત વર્ષની દીકરીનો ભાજપ પ્રેમ
થોડા સમય પહેલાં 7 વર્ષની રાજકોટની એક બાળકી ખૂબ જ ચર્ચામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણી પહેલાં પીએમ મોદીને મળીને સુરેન્દ્રનગરના દૂધરેજ ખાતે કવિતા સંભળાવનાર સાત વર્ષની આઘ્યાબા જાડેજા ભાજપની પ્રચંડ જીત બાદ નવી એક કવિતાએ સૌને મંત્રમુગ્ધ કર્યા છે. રાજકારણી કિરીટસિંહ રાણાના ભાઈની દીકરીની પુત્રી છે, આધ્યાબા જાડેજા. રાજકોટમાં રહે છે અને બીજા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેની ઉંમર સાત વર્ષની છે. તેને કંઠસ્થ કરીને કવિતાઓ સંભળાવવાનો શોખ છે, ત્યારે ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ વધુ એક કવિતા તેણે કંઠસ્થ કરી છે.
'મોદી...નરેન્દ્ર મોદી..એ તો ગુજરાતનો રાજા કહેવાય'
એ મોદી નરેન્દ્ર મોદી એ તો ગરવી ગુજરાતનો રાજા કહેવાય.. ની ધૂનમાં ગણદેવીના માછીયાવાસણ ગામે મંદિરમાં મોદીના નામના ભજન ગાવામાં આવ્યાં હતા. ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેનતને બિરદાવવા માટે ગામલોકોએ મોદીના નામના ભજન-કિર્તન ગાયા હતા. જેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. લોકોએ ભજનમાં મોદીની યશગાથાની કહાની પણ વર્ણવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.