ELECTION રાઉન્ડ-અપ@7PM:મતદાન પહેલા મોદીએ કમલમમાં શું વાત કરી? ભાવનગરમાં પોલિટિકલ ડ્રામા, જુઓ ચૂંટણીના 6 મોટા સમાચાર

2 મહિનો પહેલા

મતદાન પહેલાં મોદી માતાને મળ્યા
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની 93 બેઠકો માટે આવતીકાલે સોમવારે મતદાન યોજવાનું છે, ત્યારે મતદાનની તમામ આખરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 8:30 વાગ્યે અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કરવાના છે. . તે પહેલાં વડાપ્રધાને માતા હીરા બાની મુલાકાત લીધી હતી. જે બાદ વડાપ્રધાન મોદી પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાનને લઈ અને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સમગ્ર મતદાનને લઈ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. આજે સવારે વડાપ્રધાનના પ્રોટોકોલ મુજબ એસપીજી અને અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. નિશાંત સ્કૂલમાં મતદાનની તમામ સામગ્રીઓ પહોંચાડવામાં આવી હતી.

ગમે તે જીતે, હાર્દિક હારવો જોઈએ-PAAS
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા હાર્દિક પટેલનો ખુલ્લેઆમ વિરોધ વિરમગામમાં કરવામાં આવ્યો છે. વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની વિરુદ્ધમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વિરમગામ, માંડલ, દેત્રોજ વિસ્તારની અંદર બેનરો લગાવી અને વિરોધ કરવામાં આવ્યો છે. ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં, હાર્દિક જાય છે, શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને મત નહીં તેવા અલગ અલગ સૂત્રો લગાવેલા બેનરો હાલમાં વિરમગામ વિધાનસભા વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે.

અલગ-અલગ વિસ્તારમાં બેનરો લાગ્યાં
મતદાનને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર વિધાનસભા મત વિસ્તારનાં અલગ-અલગ સ્થળો ઉપર ભાજપાના ઉમેદવાર અને મંત્રી મનિષાબહેન વિરુદ્ધનાં બેનરો લગાવવામાં આવ્યાં છે. ભાજપાના ઉમેદવાર વિરુદ્ધ બેનરો લગતા સ્પષ્ટ થાય છે કે, મતદારોમાં વર્તમાન ભાજપા સરકાર અને ધારાસભ્યો સામે લોકોનો કેટલો રોષ છે. એક બેનરમાં લખ્યું છે કે, "10 વર્ષમાં એકપણ વખત દેખાયાં નથી, જનતાના મતની કદર નથી, તેવા ધારાસભ્યને મત નથી જ આપવો."

બધાનું ભાડું હું આપી દઉં છુંઃ બચુ ખાબડ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના કારણે દાહોદ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. દાહોદના દેવગઢ બારિયાના ભાજપના ઉમેદવાર બચુ ખાબડનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, "કોઈએ ભાડું આપવાનું નથી બધાનું ભાડું હું આપી દઉં છું".આ વીડિયામાં ભાજપના ઉમેદવાર બચુ ખાબડ બસમાં બેઠેલા મુસાફરોનું ભાડુ આપીને મત માંગતા જોવા મળી રહ્યા છે. એક મુસાફરોથી ભરેલી બસની અંદર આવીને ભાજપના ઉમેદવાર કહી રહ્યા છે કે 'ભાડું તમારે કોઈએ આપવાનું નથી, બધાયુનું ભાડું આપી દઉં છું અને પરમદિવસે મત આપી આવજો બધાય.'

પાટણમાં ભાજપ-કોંગ્રેસની તૂતૂમૈંમૈં
પાટણમાં શનિવારે ઉમેદવારોના પ્રચાર પડઘમ સાંજે પાંચ બંધ થયા પૂર્વે ભાજપ કોંગ્રેસ અને આપ ત્રણેય ઉમેદવારોએ શહેરમાં વારાફરતી શક્તિ પ્રદર્શન માટે રોડ શો કર્યાં હતા. જેમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ સામસામે આક્ષેપ કર્યા હતા. ભાજપના ઉમેદવાર રાજુલ દેસાઈએ કહ્યું હતું કે, 'કોંગ્રેસની રેલીમાં ગુંડા અને અસામાજિક તત્ત્વો હતા.' જેનો વળતો જવાબ આપતા કોંગ્રેસના ઉમેદવારે કહ્યું હતું કે, 'મારે કંઇ નથી કહેવું જનતા જવાબ આપશે, એમણે અમારી રેલીમાં ભીડ જોઈને માનસિક સ્થિતિ ગુમાવી છે.'

ભાવનગરમાં અડધી રાત્રે ડ્રામા
ભાવનગર જિલ્લાની તમામ બેઠકોના EVM ભાવનગરની સરકારી ઈજનેરી કોલેજ ખાતે બનાવાયેલા સ્ટ્રોંગ રૂમમાં રાખી દેવામાં આવ્યા છે. ત્યારે ગારિયાધાર બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર દિવ્યેશ ચાવડાએ સ્ટ્રોંગ રૂમને લગાવાયેલા સીલને લઈ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, સ્ટ્રોગ રૂમના તાળા પર સીલ મારેલું હોવા છતા ચાવી લાગી જાય તેવી સ્થિતિ છે. આ સમગ્ર મામલે કલેકટર અને ચૂંટણી અધિકારીએ કહ્યું હતું, સ્ટ્રોંગ રૂમ ચૂંટણી પંચના પ્રોટોકોલ મુજબ સંપૂર્ણ સુરક્ષિત છે. લોકોએ આવી આફવાથી દૂર રહેવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...