એક તરફ બરડો ડુંગર, બીજી બાજુ બરડાનું જંગલ અને ત્રીજી બાજુ અરબ મહાસાગર. કુદરતે તો આ વિસ્તારને ભરીભરીને સૌંદર્ય આપ્યું છે, પરંતુ અહીંના રાજકારણનો રંગ ‘લાલ’ છે. કુદરતી રીતે વૈવિધ્યતા ધરાવતી આ વિધાનસભા સીટ એટલે કુતિયાણા. વર્ષોથી ગુજરાતના રાજકારણમાં આ બેઠકની ચર્ચા કેન્દ્રસ્થાને રહી છે અને આ વખતે પણ કુતિયાણા સીટ ખૂબ જ ચર્ચામાં છે. કુતિયાણાનું સિંહાસન કબજો કરવા માટે ત્રણ-ત્રણ બળિયા ઉમેદવારો મેદાનમાં ઊતર્યા છે. આ સીટ પર 2007 પછી ક્યારેય ભાજપ કે કોંગ્રેસને જીત મળી નથી, ત્યારે આ વખતે ભાજપ કાંધલને કુતિયાણાનો કિંગ બનતાં રોકવા માટે એક હુકમનું પત્તું ઊતર્યો છે અને એ છે મહિલા ઉમેદવાર એવાં ઢેલીબેન ઓડેદરા.
કુતિયાણા શહેર આમ તો નાનકડું છે, પણ વિધાનસભા મતવિસ્તારમાં શહેર ઉપરાંત ઘેડ પંથક અને રાણાવાવનો પણ સમાવેશ થાય છે, જોકે આ વખતે ત્રિપાંખિયા જંગને કારણે એટલી જ રસપ્રદ છે.
ત્રણ મેર ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ
વિધાનસભાની આ ચૂંટણીમાં અહીં હાલના ધારાસભ્ય કાંધલ જાડેજાને NCPએ મેન્ડેટ આપવાનો ઈનકાર કર્યા બાદ અપક્ષ અને સપાના ઉમેદવાર તરીકે એમ બે ફોર્મ ભર્યા છે. જ્યારે ભાજપમાંથી કુતિયાણા નગરપાલિકાના 28 વર્ષથી પ્રમુખ રહેલાં ઢેલીબેન ઓડેદરા તો કોંગ્રેસમાંથી નાથાભાઈ ઓડેદરા છે. કાંધલ, નાથાભાઈ અને ઢેલીબેન ત્રણેય મેર જ્ઞાતિના છે. માત્ર એટલું જ નહીં, ભાજપનાં ઢેલીબેન અને અપક્ષ ઉમેદવાર કાંધલ તો ફૂઈ-ભત્રીજો છે. ઉલ્લેખનીય છે કે ઢેલીબેને ઉમેદવારી ફોર્મ સમયે રજૂ કરેલા સોગંદનામામાં તેમની સામે એકપણ ગુનો નોંધાયેલો નથી.
32 વર્ષ પહેલાં સંતોકબેન લડ્યાં હતાં ચૂંટણી
કુતિયાણાના કુરુક્ષેત્રમાં 32 વર્ષ બાદ પહેલીવાર મહિલા ઉમેદવાર ઊતર્યાં છે. ઢેલીબેન પહેલાં 1990માં સંતોકબેન જાડેજા અપક્ષમાં ચૂંટણી લડી ધારાસભ્ય બન્યાં હતાં. સંતોકબેન કુતિયાણાનાં પહેલાં મહિલા ધારાસભ્ય બન્યાં હતાં. હવે જો ઢેલીબેનનો ચૂંટણીમાં વિજય થશે તો તેઓ બીજાં મહિલા ધારાસભ્ય બનશે.
ભાજપનાં ઉમેદવાર ઢેલીબેન સાથે દિવ્ય ભાસ્કરે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી
સવાલઃ કાંધલ જાડેજાનો મુકાબલો કઈ રીતે કરશો?
ઢેલીબેનઃ મુકાબલો તો ગમે ઈ માણસ કરી જ શકે ને એ કંઈ થોડા સાવજ-દીપડા હોય તે કંઈ ખાય જાય. મારે તો મારી કામગીરીને લઈને લોકો વચ્ચે જવાનું છે. ભાજપથી કોઈ નારાજ નથી.
સવાલઃ તમે 28 વર્ષ સુધી નગરપાલિકામાં બિનહરીફ ચૂંટાતાં એની પાછળનું કોઈ કારણ ખરું?
ઢેલીબેનઃ નાગરિકો મને ચાહતા હતા એટલે અને કહેતા કે બહેન છે એ સારાં છે. હું નાગરિક સમિતિમાંથી ચૂંટણી લડતી હતી.
સવાલઃ કાંધલ જાડેજાના પરિવાર સાથે પારિવારિક સંબંધ શું છે?
ઢેલીબેનઃ મારા પતિ અને તેમના(કાંધલ) પિતા(સરમણ મુંજા) સગા મામા-ફૂઈના ભાઈ થાય છે. હું તેમની ફૂઈ થાવ છું. અમારી વચ્ચે કોઈ સંબંધ નથી, રાજકીય રીતે ભેગા થઈએ ત્યારે નમસ્કાર કરીએ.
આવો છે ઢેલીબેનનો પરિવાર
ઢેલીબેને પોતાના વતન અને પરિવાર અંગે વાત કરતાં જણાવ્યું હતું કે હું મૂળ કુતિયાણાના બાજુમાં આવેલા કોટડા ગામની વતની છું, પરંતુ 30 વર્ષથી કુતિયાણામાં જ રહીએ છીએ. ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. મારા માલ દે રામા સાથે લગ્ન થયા છે અને તેઓ કોન્ટ્રેક્ટનો ધંધો કરે છે. મારે ત્રણ સંતાન છે.
1995માં રાજકારણમાં એન્ટ્રી સાથે જ નગરપાલિકાના પ્રમુખ બન્યા
ઢેલીબેન ઓડેદરાનો જન્મ તારીખ 1/5/1963ના રોજ કુતિયાણા તાલુકાના કોટડા ગામે થયો હતો. તેઓ મૂળ 10 સભ્ય ધરાવતા ખેડૂત પરિવારમાંથી આવે છે, ધોરણ 10 સુધી જ અભ્યાસ કર્યો હોવા છતાં તેઓ જાણીતા મહિલા નેતા છે. 1995માં રાજકારણમાં જોડાયા અને 1995થી અત્યારસુધી કુતિયાણા નગરપાલિકામાં પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યાં છે.
ક્યારેક બિનહરીફ તો ક્યારેક કાંધલ સામે જંગ
ઢેલીબેન ઓડેદરાની રાજકીય કારકિર્દી 1995માં શરૂ થઈ હતી, જ્યારે તેઓ 1995માં પ્રથમ ચૂંટણી નાગરિક સમિતિમાંથી જીતી નગરપાલિકાનાં પ્રમુખ બન્યાં હતાં. 2002માં પણ નાગરિક સમિતિમાંથી જંગી બહુમતીથી વિજેતા બની નગરપાલિકાનાં પ્રમુખ તરીકે સેવા માટે ચૂંટાયાં હતાં. 2007માં નાગરિક સમિતિમાંથી બિનહરીફ નગરપાલિકાના પ્રમુખપદે નિમણૂક થઈ હતી. ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટીના વિચારોથી પ્રભાવિત થઈ પાર્ટી જોઈન કરી હતી. 2012માં ભાજપના નિશાન પરથી બિનહરીફ નગરપાલિકાના પ્રમુખપદે ચૂંટાયા હતા. 2017માં NCP ધારાસભ્ય કાંધલ જાડેજાની NCPની પેનલ સામે 24માંથી 19 સીટ પર જંગી બહુમતીથી વિજય મેળવી પાંચમી વખત નગરપાલિકા પ્રમુખ બન્યાં હતાં.
ઢેલીબેનની સેવાકીય પ્રવૃત્તિ
અન્નદાન, વસ્ત્રદાન, ગરીબ માણસોને આર્થિક રીતે મદદરૂપ થવું, ગરીબ લોકોને હોસ્પિટલમાં આર્થિક સહાય, તમામ જ્ઞાતિના સમૂહલગ્નોમાં કરિયાવરથી માંડી તમામમાં મદદરૂપ થઈ રહ્યાં છે. ગરીબ દીકરા- દીકરીઓને ભણતરમાં તમામ સહાય, તમામ સમાજને હરહંમેશ પોતાના પરિવાર માનીને મદદરૂપ થયાં છે.
કાંધલને હરાવવાનો છે એટલે હરાવવાનો છેઃ કોંગ્રેસના ઉમેદવાર
જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઈ ઓડેદરાએ કાંધલ જાડેજાને પરાજિત કરવાની સ્ટ્રેટેજી અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સામે કોઈ એવો ઉમેદવાર જ નહોતો. આ વખતે ઉમેદવાર સારો મળ્યો છે અને કામ કરતો માણસ મળ્યો છે, તેને પરાજિત કરવો છે એ જ મારી રણનીતિ છે. હું પાંચ વર્ષથી લોકો વચ્ચે બેસતી વ્યક્તિ છું. કોરોનામાં મેં લોકોને ખૂબ મદદ કરી છે. દબંગબબંગ થોડા આવે, ભાજપનો 12મો ખેલાડી છે એ બધાને ખબર છે. તેને હરાવવાનો છે એટલે હરાવવાનો છે.
મતદારો પક્ષ નહીં, પણ ઉમેદવારને ધ્યાનમાં રાખી વોટ આપે
આપમાંથી માલધારી સમાજના ભીમાભાઈ મકવાણાએ ઉમેદવારી નોંધાવી છે. કાંધલ અને નાથાભાઈ ઓડેદરા બાહુબલી બેકગ્રાઉન્ડ ધરાવે છે તો ઢેલીબેન પણ કોટડા બાહુબલી પરિવારનાં વહુ છે. વર્ષોથી કુતિયાણા પાલિકાના પ્રમુખપદે હોવાથી અહીં તેમનું વર્ચસ્વ છે. જ્યારે કાંધલ ઘેડ પંથકના વતની હોવાથી અહીંનાં ગામોમાં તેમનું વર્ચસ્વ છે. આ સ્થિતિમાં રાણાવાવના મતદારો ચૂંટણીમાં નિર્ણાયક પુરવાર થશે એ નક્કી છે. જોકે અહીંનો ઈતિહાસ જોતાં કુતિયાણાના મતદારો પક્ષ નહીં, પણ ઉમેદવારને ધ્યાનમાં રાખી વોટ આપે છે.
કેબિનેટ મંત્રી અને પ્રદેશ પ્રમુખ પણ આપ્યા
પોરબંદરના કુતિયાણાની બેઠક પર ભૂતકાળમાં જીતેલા કોંગ્રેસના મહંત વિજયદાસજી અને માલદેવજીભાઇ ઓડેદરા સહિતના નેતાઓએ જે તે વખતે રૂલીંગ પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મેળવ્યું હતું.
કુતિયાણા સીટ પર કોંગ્રેસનો હતો દબદબો
ગુજરાતની સ્થાપના પછી યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં (1962) કોંગ્રેસ પાર્ટી જીતી હતી. એ પછીની ચૂંટણીમાં સ્વતંત્ર પક્ષ (1967) જીત્યો હતો. 1972 અને 1975ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો.
કોંગ્રેસના કબીરપંથી મહંતનું એકહથ્થું શાસન હતું
આ સમયે કુતિયાણાની સીટ પર કબીર પંથના દીક્ષા લેનારા કોંગ્રેસના મહંત વિજયદાસનો દબદબો હતો. 1980માં મહંત વિજયદાસ આ સીટ પર બિનહરીફ થયા હતા અને ત્યાર બાદ તેઓ 1985માં ભાજપના મેરાગ સુત્રેજા સામે 51000 મતથી વિજયી થયા હતા. માત્ર એટલું જ નહીં, આ બન્ને ટર્મ દરમિયાન તેઓ માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરી એમ બન્ને સરકારમાં કૃષિમંત્રીપદે રહ્યા હતા. તેઓ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદે પણ રહી ચૂક્યા હતા.
મહંતનું વર્ચસ્વ તોડવા ચીમનભાઈ હુકમનો એક્કો ઊતર્યા
મહંત વિજયદાસજીનું વર્ચસ્વ તોડવા જનતાદળે (ચીમનભાઈ પટેલે) સંતોકબેનને 1990માં કુતિયાણામાંથી લડવાની તક આપી. એ કદાચ સૌરાષ્ટ્રની પ્રથમ ચૂંટણી હતી, જેમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી. સંતોકબેન મહેર જ્ઞાતિનાં પ્રથમ મહિલા ધારાસભ્ય બની ગયાં. કાંધલ જાડેજાના લગ્નમાં તો ગુજરાતનું આખું મંત્રીમંડળ હતું, જેમાં મંત્રીઓએ ડાન્સ પણ કર્યો હતો.
કેશુભાઈ સરકારે ગેંગોને ભોં ભેગી કરી દીધી
1995 પછી સત્તાનાં સમીકરણને સાધવા તથા શક્તિના સમીકરણને પોતાની તરફેણમાં બદલાવવા માટે કેશુભાઈ પટેલની ભાજપ સરકારે કામગીરી ચાલુ રાખી. યુવા IPS અધિકારી સતીશ વર્મા અને સુખદેવસિંહ ઝાલાની જોડીએ એક પછી એક ગેંગોની કમર તોડવાની ચાલુ કરી. લોકો જેમની સામેથી પસાર થવાની હિંમત નહોતા કરતા, એવાં સંતોકબહેન સામે પણ ફરિયાદો થવા લાગી. સંતોકબહેને જેલવાસ ભોગવવો પડ્યો. દીકરાઓએ ફરાર થવું પડ્યું. દિયર ભૂરા મૂંજા સામે પણ કાર્યવાહી થઈ. પોરબંદરમાં જ્યારે ગેંગવોર પૂરબહારમાં ખીલી હતી ત્યારે જશુ ગગન શિયાળના નામથી ભલભલાની ફેં ફાટતી. એ સમયે સતીષ વર્મા પોરબંદરના ડીએસપી હતા. એ દરમિયાન તા. 2-6-96ના રોજ વહેલી સવારે પોરબંદર પોલીસે જશુ ગગન શિયાળ જ્યાં રહેતા એ ખારવાવાડ વિસ્તારને ઘેરો ઘાલ્યો હતો અને કોમ્બિંગ શરૂ કર્યું હતું. એ સમયે એ વિસ્તારમાં ફિલ્મી દૃશ્યો સર્જાયાં હતાં અને પોલીસ એન્કાઉન્ટરમાં પોતાના ઘરની અગાશી ઉપર જ જશુ ગગન શિયાળ ઠાર મરાયા હતા.
ચૂનાની ખાણોના ધંધામાં બાબુ બોખીરિયાનું વર્ચસ્વ
પરંતુ 1995માં આ સીટ પરથી અપક્ષ ચૂંટણી લડેલા તેમના દિયર ભૂરા મૂંજાની જીત થઈ. ત્યાર બાદ 1998, 2002 અને 2007માં કુતિયાણા બેઠક પર ત્રણ ટર્મ સુધી ભાજપના કરશન દુલા ઓડેદરાનો વિજય થયો હતો. કરશન દુલા ઓડેદરા ભીમા દુલા ઓડેદરાના ભાઈ છે. ભીમા દુલા ઓડેદરાના પિતરાઈ ભાઈ અને પૂર્વ મંત્રી બાબુ બોખીરિયાનું રાજકીય વર્ચસ્વ વધતાં ભીમા ઓડેદરાને તેનો ફાયદો થતો હતો. ભીમા દુલા ઓડેદરા અને બાબુ બોખીરિયા પોરબંદર, કુતિયાણા અને રાણાવાવ વિસ્તારમાં ચૂનાનો પથ્થર અને બોક્સાઈટ, ચોકની કીમતી ખાણો પર કબજો જમાવી દીધો હતો. ચૂનાની ખાણ અને ચાકની ખાણનો પથ્થર સોડાએશ અને સિમેન્ટ બનાવવા માટે થાય છે. ખાડીના દેશો અને દક્ષિણ-પૂર્વ એશિયામાં બોક્સાઈટનો મોટો જથ્થો નિકાસ કરવામાં આવે છે.
2017માં 11 ઉમેદવાર સામે એકલા હાથે કાંધલે વિધાનસભા ચૂંટણી જીતી
કુતિયાણા સીટ પર સતત બે ટર્મથી NCP નેતા અને સંતોકબેન તથા સરમણ મૂંજા જાડેજાના દીકરા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી NCP નેતા કાંધલ જાડેજાએ ભાજપનેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને NCPનું ગઠબંધન ના હોવા છતાં કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ અને અપક્ષો સહિતના 11 જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપી 24 હજારથી વધુની જંગી લીડથી જીત મેળવી હતી. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી ચૂંટાતા ભાજપ નેતા કરશન ઓડેદરાને જંગી લીડથી હરાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.