Editor's View: રૂપાણીનો ખેલ પડ્યો એ રાતની વાત:10 વાગ્યે બી. એલ. સંતોષને જોઈ રૂપાણી સમજી ગયા, આગવી હિન્દીમાં આ પાંચ શબ્દ જ બોલ્યા, અને ખુરસી જતી રહી

19 દિવસ પહેલા

ત્રણ દિવસ પહેલાં મેં કહ્યું હતું કે ભાજપમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા અમિતભાઈએ હાથમાં લીધી છે, એટલે અડધો પ્રશ્ન તો ત્યાં જ ઉકેલાઈ ગયો છે.

જમણવારમાં કોને લાડુ જોઈએ છે એવું કોઈ કડકાઈથી પૂછે તો કોઈ માગે? અમિતભાઈએ એવી રીતે પૂછ્યું હતું કે એની ખબર નથી, પણ પરિણામ જોતાં તો એવું જ લાગે છે કે એવું જ કંઈક થયું હશે. રૂપાણી કેબિનેટના મંત્રીઓ ટપોટપ બોલવા માંડ્યા કે અમારે ક્યાં ચૂંટણી લડવી જ છે, બહુ થયું હવે. પ્રજાની અને પાર્ટીની સેવા ચાલુ રાખીશું. આને કહેવાય શિસ્ત, સમજ્યા?

પહેલીવાર ધારાસભ્ય બનો અને મુખ્યમંત્રી પણ બનો એવી તક મળવી મુશ્કેલ છે. નરેન્દ્રભાઈને પહેલા મુખ્યમંત્રીપદ મળ્યું હતું, પછી ધારાસભ્ય બન્યા. વિજયભાઈ ધારાસભ્ય બન્યા, મંત્રી બન્યા અને પછી મુખ્યમંત્રી. ભૂપેન્દ્રભાઈ ધારાસભ્ય બન્યા અને પછી મુખ્યમંત્રી.

બીજી બાજુ કોન્ગ્રેસને કળ નથી વળતી

2017ની ચૂંટણી પૂરી થઈ તો છેક 2022ની ચૂંટણી આવી, ત્યાં સુધી કોન્ગ્રેસમાંથી ભાજપમાં જોડાવવાનો ધારાસભ્યોનો પ્રવાહ ચાલુ જ રહ્યો. ભાજપે થોડા થોડા મહિને એક ઉપર એક આકરા ઘા ચાલુ જ રાખ્યા. રાઠવા પછી બારડને લઈ લીધા. કમલમમાં કોન્ગ્રેસી મહેમાનોનો રાફડો ફાટ્યો છે અને રાજીવ ગાંધી ભવનમાં સોંપો પડી ગયો છે. 2017માં ચૂંટાયેલા કોન્ગ્રેસી ધારાસભ્યોએ તો હવે યાદીની રાહ જોયા વિના પ્રચાર શરૂ કરી દીધો છે.

કોઈએ પુત્રને ટિકિટ અપાવવા તો કોઈએ વેવાઈને ટિકિટ અપાવવા કોન્ગ્રેસ છોડી છે. એવામાં ભાજપના વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે હું નહિ, મારી પત્ની ચૂંટણી લડશે. થોડીવાર પછી મધુભાઈ ઉવાચ: એ તો મારી પત્ની બાજુમાં ઊભી હતી અને તેને સારું લગાડવા એવું બોલ્યો હતો, બાકી ચૂંટણી તો હું જ લડવાનો છું.

આદિવાસી વિસ્તારમાં પિતા-પુત્રનો કજિયો બહાર આવ્યો. ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુ વસાવા અને મહેશ વસાવાએ ટિકિટોના મુદ્દે અને જેડીયુ સાથે જોડાણના મુદ્દે કજિયો કરી લીધો, પણ અંતે તો ઘીના ઠામમાં ઘી ઢોળાશે.

ટિકિટોનું રમખાણ ચાલે છે ત્યારે એક રૂપાણીના રાજીનામાની વાત યાદ આવે છે. રૂપાણીએ રાજીનામું આપ્યું એના આગલા દિવસે રાત્રે ભાજપ સંગઠનના પ્રભારી બી. એલ. સંતોષ તેમને મળવા પહોંચ્યા હતા. અચાનક એ પણ રાત્રે 10ની આસપાસ બી. એલ. સંતોષ શું કામ મળવા આવે? રૂપાણીને ખ્યાલ આવી ગયો કે મારી ખબર પૂછવા તો નહિ જ આવ્યા હોય. ઔપચારિક વાતો કરીને તરત જ રૂપાણીએ તેમની આગવી હિન્દીમાં પૂછ્યું, બોલીએ સંતોષજી મુજે કબ રાજીનામા દેના હૈ. બી. એલ. સંતોષ હસી પડ્યા. તેમણે કહ્યું, ક્યા રૂપાણજી. બાકીની વાત આખું ગુજરાત જાણે છે.

આવતીકાલે ફરી મળીએ... આવા જ ઇન્ટરેસ્ટિંગ વીડિયો એનાલિસિસ સાથે....

તમે વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ અને ગેમ ઓફ ગુજરાત 2022.