ભાસ્કર રિસર્ચCSDS-લોકનીતિનો શૉકિંગ સર્વે:2022ની ચૂંટણીમાં 77% લોકોના મતે ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધ્યો છે, 52% લોકો પરિવર્તન ઝંખે છે, 61% ત્રીજી પાર્ટી માટે તૈયાર!

3 મહિનો પહેલાલેખક: જયેશ અધ્યારુ
  • કૉપી લિંક

સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાઓ વિશે અંગ્રેજીમાં બહુ તોફાની ક્વોટ્સ છે. પહેલું, ‘સ્ટેટિસ્ટિક્સ બિકિની જેવા હોય છે, એ જે દેખાડે છે એ રસપ્રદ હોય છે, પણ એ જે છુપાવે છે એ વધારે મહત્ત્વનું હોય છે.’ આવો જ બીજો મસ્તીખોર ક્વોટ છે કે ‘ડેવિલ લાઇઝ ઇન ડિટેલ્સ.’ યાને કે ઝીણી ઝીણી ડિટેલની અંદર ડેવિલ યાને કે શયતાન છુપાયેલો હોય છે. આવા ડેવિલ્સને ભેગા કરીને પાંજરામાં પૂરનારી ને પછી વખત આવ્યે બહાર કાઢનારી અનેક રિસર્ચ સંસ્થાઓ ભારત અને દુનિયાભરમાં ધમધમે છે. એમાંથી એક પ્રતિષ્ઠિત રિસર્ચ સંસ્થા છે દિલ્હીની ‘સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ’ (CSDS). એ પોતાના ‘લોકનીતિ પ્રોગ્રામ’ હેઠળ છેક 1997થી ખાસ કરીને ભારતની લોકશાહી વિશે જાતભાતનાં રિસર્ચ અને સર્વેક્ષણો કરતી રહે છે. ખાસ કરીને ચૂંટણી પહેલાં અને પછી તેમનું એનાલિસિસ ભારે રસપ્રદ અને અત્યંત મહત્ત્વનું બની રહે છે.

હજુ ચારેક દિવસ પહેલાં જ આ સંસ્થાએ ગુજરાતની ચૂંટણી પહેલાંનો આવો જ એક તોફાની સર્વે બહાર પાડ્યો છે. આમ તો આ સર્વે એટલા બધા આયામ ધરાવે છે કે દરેકની વાત કરવા બેસીએ તો વાચકો બોર થઈને બીજી સ્ટોરીઓ પર જતા રહે! એટલે જ અમે આ સર્વેમાંથી સૌથી ચોંકાવનારી, સૌથી રસપ્રદ અને આવનારી ચૂંટણી કેવી થ્રિલિંગ બની રહેશે એવી ડિટેલ્સ માખણની જેમ તારવીને આપની સમક્ષ મૂકી છે. બટ વેઇટ, તમે પૂછશો કે અમે આ સર્વે પર કઈ રીતે વિશ્વાસ કરીએ? ટેક્નિકલ ભાષામાં કહીએ તો તેની ‘મેથડોલોજી’ શું છે? તો જનાબ, આ સર્વે દેશના સૌથી સાયન્ટિફિક રીતે થતા સર્વેમાંનો એક છે. 10થી 23 ઓક્ટોબર, 2022 દરમિયાન ગુજરાતના 20 વિધાનસભા મતવિસ્તારમાં પથરાયેલાં 80 પોલિંગ સ્ટેશનોમાં આવતા 2,135 મતદારને પૂછીને આ સર્વે કરાયો છે (નેચરલી, સૌથી મોટો સર્વે તો 1 અને 5 ડિસેમ્બરે 4.90 કરોડ મતદાતાઓ કરવાના જ છે!). મલ્ટી સ્ટેજ સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલિંગ તરીકે ઓળખાતી પદ્ધતિથી પસંદ કરાયેલા મતદારોમાં અર્બન-રૂરલ, સ્ત્રી-પુરુષ, દલિત-આદિવાસી, મુસ્લિમ વગેરે તમામ તબક્કાઓના લોકોનો સમાવેશ કરાયો હતો. એટલું જ નહીં, દરેક વ્યક્તિ સાથે સંસ્થાના લોકોએ લગભગ અડધો કલાક વાત કરીને પ્રશ્નોના જવાબો તારવ્યા હતા. હવે વધુ બોરિંગ વિગતો આપવાને બદલે આપણે સીધા જ સર્વેની મસાલેદાર વાતો પર આવી જઈએ.

મુદ્દે કી બાત, મુદ્દા ક્યા હૈ?
કહેવાતા રાજકીય નિષ્ણાતો એર કન્ડિશન્ડ સ્ટુડિયોમાં બેસીને ભલે ગમે એવાં જાતિગત ને ફલાણાં-ઢીંકણાં સમીકરણોની ફેંકાફેક કરતા હોય, પરંતુ સામાન્ય માણસ જ્યારે સવારે ઊઠીને કામે વળગે ત્યારે તેને કારમી વાસ્તવિકતા સાથે પનારો પાડવાનો હોય છે. એ વાસ્તવિકતા એટલે જ અત્યારના સળગતા મુદ્દાઓ. લોકોને પુછાયું કે તમને આ વખતે સૌથી વધુ કયા મુદ્દા કનડે છે, ત્યારે સૌથી વધુ 84% લોકોએ કહ્યું કે મોંઘવારી ને ભાવવધારો, ભૈસાબ! 77% લોકોએ વકરેલી બેરોજગારી પણ ગણાવી. રસપ્રદ રીતે અડધા ઉપરાંત એટલે કે 52% લોકોએ પરિવર્તનને પણ એક મહત્ત્વનો મુદ્દો ગણ્યો છે, જેને નિષ્ણાતો ‘એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર’ જેવો અઘરો શબ્દ વાપરીને ખોંખારો ખાય છે. 50% લોકોના મતે હિંદુત્વ પણ એક મુદ્દો આ ચૂંટણીમાં રહેશે. અન્ય મહત્ત્વના મુદ્દાઓમાં લમ્પીનો રોગચાળો (41%), જ્ઞાતિ આધારિત ભેદભાવ (35%), બિલ્કિસ બાનો કેસના ગુનેગારોની મુક્તિ (28%), પાટીદારોનો OBCમાં સમાવેશ (14%) સામેલ છે. અહીં એક વાત નોંધવી જોઇએ કે આ સર્વે 30 ઓક્ટોબરે મોરબીની ગોઝારી પુલ દુર્ઘટના થઈ, તેના એક અઠવાડિયા પહેલાં થયેલો છે. આથી, તેમાં એ મુદ્દો સ્વાભાવિકપણે જ ચર્ચામાં નથી આવ્યો.

સરકારમાં ‘સબ ચંગા સી’ કે નહીં?
છેલ્લી ટર્મમાં યાને કે છેલ્લાં પાંચ વર્ષમાં લોકો આ સરકારથી કેવાક સંતુષ્ટ છે એ સવાલના જવાબમાં માત્ર 22% લોકો જ સંપૂર્ણ સંતુષ્ટ છે. બાકીના લોકો યા તો અંશતઃ સંતુષ્ય યા અસંતુષ્ટ છે. પૂરેપૂરા નાખુશ હોય તેવા લોકોનું પ્રમાણ પણ 19% છે. એટલે સરકારે આ મુદ્દે ગંભીરતાથી વિચારવું તો પડશે જ. સૌથી વધુ ગરીબો (31%) આ સરકારથી અસંતુષ્ટ છે. સ્વાભાવિક છે, તેમને ભાવવધારો સૌથી વધુ નડ્યો હોય. ઉપરથી કોરોનાનો માર પડ્યો છતાંય લોઅર, મિડલ, ગ્રામીણ-શહેરી અને ધનાઢ્ય વર્ગમાં ચાલીસ ટકાની આસપાસ લોકો આ સરકારથી અંશતઃ સંતુષ્ટ છે, એટલે એ પ્રમાણે જ તેઓ મતદાન કરે, તો આ સરકાર થોડો રાહતનો શ્વાસ લઈ શકે.

વિકાસઃ ડાહ્યો-ગાંડો, પણ થયો કોનો?
ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ વિકાસનો નારો દેશભરમાં ગુંજતો કર્યો અને ગુજરાતના વિકાસ મોડલને જ આગળ ધરીને કેન્દ્રમાં પણ જ્વલંત સફળતા મેળવી. એ વિકાસ વિશે ગુજરાતના 58% ગરીબો માને છે કે રાજ્યમાં માત્ર પૈસાદારોનો જ વિકાસ થયો છે. રસપ્રદ વાત એ છે કે લગભગ તમામ વર્ગના લોકો ઘણે અંશે આવો જ અભિપ્રાય ધરાવે છે. નીચલો વર્ગ (52%), મધ્યમવર્ગ (49%), પૈસાદાર (40%), ગ્રામીણ (53%), શહેરી (51%), આટલા મોટા પ્રમાણમાં લોકો કંઇક આવું જ માને છે. યાદ કરો, રાહુલ ગાંધીએ ‘સૂટ-બુટ કી સરકાર’ કહીને ભાજપને મારેલો ટોણો! માત્ર પૈસાદાર લોકોમાં જ 42% લોકો એવું માને છે કે ‘સબકા સાથ સબકા વિકાસ’ થયો છે.

થર્ડ પાર્ટીઃ એક્સ ફેક્ટર
આ વખતે આમ આદમી પાર્ટીએ જબરદસ્ત ઉત્તેજના જગાવી છે. ઘણાં વર્ષો બાદ ગુજરાતની ચૂંટણીમાં નક્કર ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. રસપ્રદ રીતે 61% જેટલા બહોળા પ્રમાણમાં લોકો એવું માને છે કે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત એક ત્રીજી પાર્ટી હોવી જ જોઇએ.

પરંતુ આ ત્રીજી પાર્ટી યાને કે AAP, કેવું પર્ફોર્મ કરશે? 31% લોકો માને છે કે AAP માત્ર ભાજપ-કોંગ્રેસનો ખેલ બગાડશે, પૂરતી સીટો નહીં જીતી શકે. જ્યારે 34% લોકોને લાગે છે કે ના હોય, આપ તો ભાજપ-કોંગ્રેસ જેટલી જ મજબૂત છે અને લગે હાથ સરકાર પણ બનાવી શકે, પરંતુ સૌથી વધુ 35% લોકો આ સવાલના જવાબમાં ખભા ઉલાળીને અત્યારે કંઈ કહેવાય નહીં એવું ભર્યા નાળિયેર જેવું જ વલણ દાખવી રહ્યા છે.

મુફ્ત, મુફ્ત, મુફ્ત!
ભાજપે જેને ‘રેવડી’ કહીને ઉતારી પાડી એ ‘ફ્રીબીઝ’ (freebies) એટલે કે મફતની લહાણી વિશે લોકો શું માને છે? આમ આદમી પાર્ટીએ વીજળી, પાણી, હેલ્થકેર, શિક્ષણ જેવી બેઝિક સુવિધાઓમાં ફ્રી અને નજીવી કિંમતો ઑફર કરી ત્યાર પછી અન્ય પાર્ટીઓનાં પેટમાં તેલ તો રેડાયું જ છે. એ પછી બીજી પાર્ટીઓએ પણ ફ્રીબીઝ ઑફર કરી જ છે. આની ટીકા કરતા લોકોએ કાનમાંથી મેલ કાઢીને સાંભળી લેવું જોઇએ કે આ સર્વેમાં સામેલ 46% લોકો એવું માને છે કે મોંઘવારી અને બેરોજગારી વગેરેથી ત્રસ્ત આમ આદમીને રાહત આપવા માટે આ ફ્રીબીઝની જરૂરી છે. 13% લોકોના મતે આ લહાણી રાજ્યના અર્થતંત્ર માટે ખરાબ છે, જ્યારે 29% લોકો આ બંને સાચા છે, એવું કહીને દૂધ-દહીં બંનેમાં પગ રાખી રહ્યા છે.

ભ્રષ્ટાચારનું ભૂત ભાગ્યું છે ખરું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની હાકલ કરી છે, પરંતુ 2017 અને 2022ની સરખામણી કરીએ તો અગાઉ 62% ટકા લોકો કહેતા હતા કે ગમે તે કહો, પણ ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. પાંચ વર્ષ બાદ હવે આવું માનનારા લોકોનું પ્રમાણ વધીને 72% ટકા થયું છે. જો ખરેખર આવું હોય તો સરકારે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિની શરૂઆત હોમ સ્ટેટથી જ કરવી જોઈએ, શું કહો છો?

મજાની વાત એ છે કે આ જ લોકોને જરા ખોંખારીને પૂછીએ કે ભાજપ સરકાર ભ્રષ્ટ છે ખરી? ત્યારે 29% લોકો જ હોંકારો ભણે છે. 43% લોકો સરકારને ચૂંટિયો ખણીને કહે છે કે હા, ભાજપ પણ થોડુંઘણું ભ્રષ્ટ તો છે જ. ભાજપ સરકાર જરાય ભ્રષ્ટ નથી અને ગંગા કી તરહ પવિત્ર છે એવું માનનારા લોકો માત્ર 5% જ છે!

સર્વે સન્તુ સંતુષ્ટ? રિયલી?
2017 હોય કે 2022, ખેડૂતો, વેપારીઓ, યુવાનો અને ખાસ કરીને મહિલાઓ, સૌમાં અડધા ઉપરાંત લોકો ભાજપ સરકારથી સંતુષ્ટ છે. માત્ર જ્ઞાતિ-સમાજના પોઇન્ટ ઓફ વ્યૂથી લોકોને સંતોષવામાં સરકારે હજી થોડી વધુ મહેનત કરવી પડશે.

આ જ વાતને જરા વધુ ખોતરીએ તો જણાય છે કે અપર કાસ્ટ, પાટીદાર, ક્ષત્રિય (OBC), કોળી, અન્ય OBC જેવી જ્ઞાતિ-કોમમાં 45%થી 62% લોકો માને છે કે ભાજપ વિવિધ જ્ઞાતિ અને કોમનાં હિતો સાચવવામાં સફળ થઈ છે. હા, મુસ્લિમો, દલિતો અને આદિવાસીઓને રીઝવવાના હજુ બાકી છે.

સરકારી યોજનાઓનો લાભ, તમને મળ્યો?
સરકાર અખબારો-ટીવી વગેરે માધ્યમોમાં જેની સૌથી વધુ જાહેરખબરો કરે છે તે હોય છે તેમની વિવિધ યોજનાઓ. ખાસ કરીને ગરીબ અને આર્થિક રીતે નીચલા વર્ગના લોકો માટે કરાતી આ યોજનાઓનો લાભ એ ટાર્ગેટ વર્ગને કેવોક મળ્યો છે? એમાં ફ્રી રેશન 64% સાથે સૌથી મોખરે આવે છે. તેમાં કોરોનાકાળમાં સરકારે કરેલી સહાયનો મોટો ફાળો હોઈ શકે. 49% લોકો માને છે કે ખેડૂતોને તેમની સન્માન નિધિ પ્રાપ્ત થઈ છે. ત્યાર પછી સરકારી યોજનાઓમાં કેટલા પ્રમાણમાં લાભાન્વિતો સુધી આ યોજનાઓ પહોંચી શકી છે તેનો ધબાય નમઃ થતો ગ્રાફ તમે જાતે જ ચેક કરી લો.

‘ડબલ એન્જિન સરકાર’
ભાજપ આ શબ્દપ્રયોગનો પોતાના પ્રચારમાં ભરપૂર ઉપયોગ કરી રહ્યું છે. ડબલ એન્જિન એટલે કે કેન્દ્રમાં અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર હોય તો વિકાસકાર્યોને વેગ મળે અને રાજ્યની પ્રગતિ ઝડપી થાય. 2017 અને 2022ના પાંચ વર્ષના ગાળાના આંકડા સરખાવીએ તો માલૂમ થાય છે કે આવું માનનારા લોકોનું પ્રમાણ વધ્યું છે. અગાઉ માત્ર 16% લોકો આ વાતને પૂરેપૂરો સપોર્ટ આપતા હતા, જ્યારે હવે 27% ટકા લોકો તેમાં જોડાયા છે. તેની સામે અગાઉ 31% લોકો આ ફિલોસોફીનો સજ્જડ વિરોધ કરતા હતા, તે સાવ મોળો પડીને 14% લોકો જ હવે તેનો વિરોધ કરી રહ્યા છે. આમાં કંઈ સમજ પડતી નથી એવું માનનારા કન્ફ્યુઝ્ડ લોકોનું પ્રમાણ 11%થી વધીને 18% થયું છે.

મોંઘવારીના દૈત્યને નાથે કોણ?
મોંઘવારી વધી છે અને લગભગ તમામ વસ્તુઓમાં તોતિંગ ભાવવધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર સામે રૂપિયાનું પણ અભૂતપૂર્વ અવમૂલ્યન થયું છે. આ વાતો સામે કોઈ આંખ આડા કાન કરી શકે તેમ નથી, પરંતુ આખરે આ મોંઘવારીના જિનને બાટલીમાં પૂરવાની જવાબદારી છે કોની? 16% લોકો માને છે કે કેન્દ્ર સરકારની છે, 19% લોકો માને છે કે તે રાજ્ય સરકારની જવાબદારીમાં આવે, પરંતુ અહીં પણ ‘ડબલ એન્જિન સરકાર’ની થિયરીને સપોર્ટ કરતા હોય એમ અડધા ઉપરાંત 58% લોકો કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના કાન પકડતા કહે છે કે બેમાંથી કોઈ આ જવાબદારીમાંથી છટકી શકે નહીં.

તોંતેર મણનો સવાલ!
સીધી રીતે લોકોને પૂછીએ કે તમે આ વખતે કોને વોટ આપશો, તો એક તો તે મતદાનની ગુપ્તતાનો ભંગ કરનારું કૃત્ય કહેવાય, સાથોસાથ લોકો પણ હવે સ્માર્ટ થઈ ગયા છે અને આ સવાલનો જવાબ આપતા નથી, એટલે આ સવાલમાં રહેલી ગુપ્તતાને બરકરાર રાખીને તેમને એવો સવાલ પુછાયો કે તમે 2017ની ગઈ ચૂંટણીમાં જે પાર્ટીને વોટ આપેલો તેને જ આ વખતે વોટ આપશો કે પછી કંઇક નવાજૂની કરશો? ભારે રસપ્રદ રીતે 70% લોકો એવું કહે છે કે હા, અમે ગયા વખતે આપેલો એ જ પાર્ટીને વોટ આપવાના. ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેયના વોટર્સ લગભગ પોતપોતાની પાર્ટીઓને વફાદાર જણાઈ રહ્યા છે. માત્ર અન્ય પાર્ટીઓ અને ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવારોને મત આપનારા લોકો જ થોડા અવઢવમાં દેખાઈ રહ્યા છે.

હવે આ સર્વેક્ષણમાં લોકોએ જે જવાબો આપ્યા છે એનું પ્રતિબિંબ આપણને ચૂંટણીમાં દેખાય એ માટે આજથી એક્ઝેક્ટ 30 દિવસ પછી 8 ડિસેમ્બરની રાહ જોવાની રહી.