ભાસ્કર ઇન્ટરવ્યૂઅલ્પેશનાં ફિયાન્સીએ ખોલ્યાં રાઝ:'મેં પહેલ કરી ને 'ગબ્બર' માની ગયા', એમની 4 વાતથી હું પ્રભાવિત, કથીરિયાના કડક સ્વભાવ વિશે પણ બોલ્યાં

10 દિવસ પહેલાલેખક: હર્ષ પટેલ

પાટીદાર આંદોલન સમયે ચર્ચામાં આવેલા અલ્પેશ કથીરિયા હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈને ચૂંટણી લડી રહ્યા છે. સુરતના વરાછાથી તેમણે ઉમેદવારી નોંધાવી છે. રાજકીય ક્ષેત્રે આગળ વધતા અલ્પેશ કથીરિયાની નવા જીવનની શરૂઆત ભાજપના પૂર્વ નેતા કાવ્યા પટેલ સાથે થઈ છે. કાવ્યા પટેલ કનકપુર કનસાડ નગરપાલિકામાં ઉપ-પ્રમુખ રહી ચૂક્યાં છે. કાવ્યા પહેલાં હાલ તો અલ્પેશ કથીરિયાને જીતની રણનીતિ ઘડવામાં અને આમ આદમી પાર્ટીના વાયદા લોકો સુધી પહોંચાડવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે. ત્યારે દિવ્ય ભાસ્કરે કાવ્યા પટેલ સાથે વાત કરી હતી.

દિવ્ય ભાસ્કર- અલ્પેશ કથીરિયાને તમે ક્યારથી ઓળખો છો?
કાવ્યા પટેલ- અમે એકબીજાને ત્રણ-સાડા ત્રણ વર્ષથી ઓળખીએ છીએ. પરિવારના લોકો વર્ષોથી સંપર્કમાં તો હતા. થોડા સમયથી ઘરના લોકોની ઈચ્છા હતી કે અમારે હવે આગળ વધવું જોઈએ, એટલે અમે સગાઈ કરી.

દિવ્ય ભાસ્કર- એકબીજાને જીવનસાથી તરીકે પસંદ કરવામાં સૌથી પહેલા શરૂઆત કોણે કહી હતી?
કાવ્યા પટેલ- શરૂઆત તો મેં કરી હતી પછી અલ્પેશને પણ એ બાબતે આઈડિયા આવી ગયો, પરિવારે પણ સહકાર આપ્યો અને વાત આગળ વધી.

દિવ્ય ભાસ્કર- તમે ભાજપમાંથી નગરપાલિકાના ઉપપ્રમુખ રહી ચૂક્યા છો. શું તમે અલ્પેશ કથીરિયાના કારણે ભાજપનો સાથ છોડી દીધો?

કાવ્યા પટેલ- મારા માટે મારું લગ્નજીવન મૂળ પ્રાથમિકતા હતી. રાજકારણને હું પાર્ટટાઈમ તરીકે ગણતી હતી.

દિવ્ય ભાસ્કર- તમે અલ્પેશ કથીરિયા માટે ભાજપ છોડ્યું, પણ શું હવે તમે આમ આદમી પાર્ટી તરફથી રાજકારણમાં આવશો?
કાવ્યા પટેલ- અલ્પેશ ઈચ્છે તો હું આમ આદમી પાર્ટી તરફથી સક્રિય રાજકારણમાં આવી શકું છું. પરંતુ વ્યક્તિગત રીતે રાજકારણમાં આવવાની મારી ઈચ્છા નથી.

દિવ્ય ભાસ્કર- જીવનસાથી તરીકે અલ્પેશ કથીરિયા કેવા છે અને તેમની શું ખૂબીઓ છે?
કાવ્યા પટેલ- અલ્પેશ આમ તો ખૂબ કડક સ્વભાવના છે, પરંતુ જાહેર જીવન કરતાં મારી સાથે થોડા સોફ્ટ રહે છે, કોઈપણ ખોટી વાત એમનાથી સહન નથી થતી. નિર્ણયશક્તિ ખૂબ સારી છે, એમને જે કરવું હોય એ જ કરે છે.

દિવ્ય ભાસ્કર- રાજકીય નિર્ણયોમાં અલ્પેશ કથીરિયા તમારી સલાહ લે છે?
કાવ્યા પટેલ- એ ન પૂછે તો પણ હું કોઈ વાર કહી દઉં કે આપણે આ કામ કરવા જેવું છે. પછી એ વાતને લાગુ કરવી કે નહીં, એનો નિર્ણય અલ્પેશ સ્વતંત્ર રીતે લે છે. મારા તરફથી કોઈ દબાણ નથી હોતું.

દિવ્ય ભાસ્કર- કયા અલ્પેશ વધારે ગમે? આંદોલનકારી કે આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ?
કાવ્યા પટેલ- મને અલ્પેશ જ ગમે છે એમાં કયા શબ્દનો વિકલ્પ જ નથી. મારા માટે અલ્પેશનું વ્યક્તિત્વ મહત્ત્વનું છે.

દિવ્ય ભાસ્કર- ક્યારેક કોઈ નિર્ણય લેવામાં ખચકાટ હોય, તો તમે એમની કેવી રીતે મદદ કરો છો?
કાવ્યા પટેલ- જ્યારે અલ્પેશને પોલિટિક્સમાં જવું હતું, તો મેં અમને કહ્યું કે તમને જે ઠીક લાગે એ કરો, અને એમણે પોતાના મનથી નિર્ણય લીધો.

દિવ્ય ભાસ્કર- સામાન્ય રીતે રાજનેતાઓના પરિવારમાં ધામધૂમથી લગ્ન થતાં હોય છે, તો તમે સમૂહલગ્નમાં નામ નોંધાવીને લગ્ન કરવાનું કેમ નક્કી કર્યું, આ નિર્ણય કોનો હતો?
કાવ્યા પટેલ- આ નિર્ણય અમારા પરિવારનો હતો. આપણા સમાજના ઘણા અગ્રણીઓનું પણ એવું માનવું હતું. આજના સમયમાં લોકોની આર્થિક સ્થિતિ સારી ન હોય તો પણ દીકરા-દીકરીનાં લગ્ન કરવા લોન લે છે, ઘર વેચે છે, જમીન વચે છે. અમને લાગ્યું કે એવો નિર્ણય લઈએ જેથી લોકો જાગૃત થાય. લોકો સમૂહલગ્નમાં લગ્ન કરે તો ખચકાટ ન અનુભવે, તે માટે અમે પહેલ કરી.

દિવ્ય ભાસ્કર- અલ્પેશ કથીરિયા સફળતાની ટોચ પર હોય, ત્યારે તમે એમને કયા પદ પર જોવા માગો છો.
કાવ્યા પટેલ- હાલ તો હું આ મુદ્દે કાંઈ ન કહી શકું, એ તો સમય જ બતાવશે. પરંતુ હું આજે પણ એમને સફળ જ માનું છું, હું ઈચ્છું છું કે સારું પદ અને પ્રતિષ્ઠા મેળવે.

દિવ્ય ભાસ્કર- તમે ફેશન ડિઝાઈનિંગ કર્યું છે, રાજનેતા પણ રહ્યા છો, તો કારકિર્દીને લઈને તમારાં લક્ષ શું છે?
કાવ્યા પટેલ- હું સિંગલ હતી ત્યારે મને રાજકારણ ક્ષેત્રે સક્રિય રહેવાનું મન હતું. પરંતુ અત્યારે તો મારે ગૃહિણી તરીકે જ રહેવું છે.

અન્ય સમાચારો પણ છે...