ફરી એકવાર ગુજરાતની જનતાએ સતત સાતમી વખત ભાજપ પર ભરોસો મૂક્યો છે. પશ્ચિમ બંગાળમાં સતત સાત વખત ચૂંટાનારી ડાબેરીઓની સરકારના રેકોર્ડની આ બરોબરી છે. આ વખતે હવે ગુજરાતીઓ ભાજપને મત નહિ આપે એવું વાતાવરણ ઊભું થયું હતું. કોરોના, મોંઘવારી, બેરાજગારી, મોરબી આ લિસ્ટ બહુ લાંબું હતું, પણ આ ગુજરાતની પ્રજા છે. બધા જેવું વિચારે છે એવું આ પ્રજા નથી વિચારતી. આ વખતે સરેરાશ મતદાન 2017 કરતાં ઓછું થયું. ઓછા મતદારોમાંના જે લોકો બહાર નીકળ્યા તેમણે કચકચાવીને ભાજપ માટે જ મતદાન કર્યું, આવું કેમ થયું?
આ પરિણામમાંથી બે ગર્ભિત સૂર નીકળે છે એક, આ વખતે ગુજરાતીઓને લાગ્યું કે તેમણે જેમના પર ત્રણ દાયકાથી ભરોસો મૂક્યો છે એ તકલીફમાં છે. મોદી વારંવાર કહેતા રહ્યા કે તમે મને ઓળખો છે, તમને મારામાં વિશ્વાસ છે ને? અને ગુજરાતીઓએ બીજા કોઇ બહારના ફાવી ન જાય એમ માનીને જીદે ચડ્યા. ગુજરાતીઓ હંમેશાં એવું માને છે કે જે અમે આજે વિચારીએ છીએ એ દેશ આવતીકાલે વિચારે છે. ભાજપ અને મોદીના કિસ્સામાં આ સાચું પણ થયું છે.ગુજરાતીઓને લાગ્યું કે ભાજપ અહીં ભલે 27 વર્ષથી સત્તામાં રહ્યો અને અમને તેનાથી જે પણ કંઇ તકલીફ હોય, એ અમે ફોડી લઇશું.પણ એમ કંઇ અમે થોડું અમારું રાજ્ય કોઇને સોંપી દઇએ?
બીજું એ કે આમ આદમી પાર્ટીને (સમજો કે કેજરીવાલને) અહીં થોડા ઘૂસવા દેવાય? ગુજરાતમાં ત્રીજા પક્ષને સ્થાન નથી એ વાત ફરી સાબિત થઇ. આ વખતે ત્રીજા પક્ષના “કાંકરીચાળા”થી મુખ્ય હરીફ પક્ષ કોંગ્રેસનો ખો નીકળી ગયો.
જનતાનો ભાજપ પર ભરોસો જ કેમ, કોંગ્રેસનું કોઇ કામ કેમ ન બોલ્યું અને ગુજરાતીઓને મફતની રેવડી કેમ ન ગમી... આવો... સમજીએ પાંચ કારણમાં આખી ચૂંટણીનું વિશ્લેષણ
1) મોદી-મેજિક : ગુજરાતીઓનું ઇમોશનલ કનેક્ટ
2001ના કચ્છના ધરતીકંપ પછી કેશુભાઈએ રાજીનામું આપ્યું અને નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી બન્યા. ત્યાર પછીની ગુજરાતની દરેક વિધાનસભા ચૂંટણી 2002-2007-2012માં મોદી પોતે ઉમેદવાર હતા અને લડતા હતા. 2014માં ગુજરાતે મોદીને વડાપ્રધાન બનાવીને દિલ્હી મોકલ્યા પણ ગુજરાતીઓ તો આજે પણ મોદીને ગુજરાતના જ માને છે અને મોદી ખુદ ઇમોશનલી ગુજરાત સાથે સતત કનેક્ટ જ રહ્યા છે એટલે જ 2017માં અને 2022માં પણ મોદી જ ગુજરાતમાં ભાજપનો ચહેરો રહ્યા. ગુજરાતીઓને લાગે છે કે મોદીએ આવીને એકવાર કહી દીધું છે એટલે બસ, હવે કોઇની જરૂર નથી. આ વખતે તો મોદી એકલે હાથ ચૂંટણી લડતા હોય એવું લાગતું હતું. દેશનો અત્યારસુધીનો સૌથી લાંબો 54 કિલોમીટરનો રોડ શો મોદીએ અમદાવાદમાં કર્યો. 3 રોડ શો અને 31 સભાઓ કરી અને ગુજરાતની 100 કરતાં વધુ વિધાનસભામાં પ્રચાર કર્યો. મોદીની સ્ટ્રાઇક રેટ જોઇએ તો તેમણે જ્યાં સભા કરી ત્યાં 95 ટકા વિસ્તારમાં ભાજપની જીત થઇ છે. ભાજપના સ્ટારપ્રચારકોમાં અમિત શાહ, યોગી અને બીજા મુખ્યમંત્રીઓ હતા પણ ગુજરાતીઓ માટે તો એક જ સ્ટાર છે નરેન્દ્ર દામોદરદાસ મોદી. ગુજરાતમાં ભાજપના ચાહકો કરતાં મોદીના ચાહકોની સંખ્યા અનેકગણી વધારે છે એવું કહેવું જરા પણ અતિશયોક્તિ નથી.મોદી અને ગુજરાતની જનતા સતત નવા રેકોર્ડ અને બેન્ચમાર્ક બનાવતા રહ્યા છે.
2) કોંગ્રેસની નિષ્ફળ રણનીતિ : પ્રચારમાં મૌન અને ઇવીએમમાં ખામોશ, ગામડાં પણ ગુમાવ્યાં
ગાંધી પરિવારના સભ્યો ગુજરાતના પ્રચારમાં શક્ય એટલા દૂર રહેશે એવી રણનીતી કોંગ્રેસે પહેલા દિવસથી જ અપનાવી હતી. પરિવારવાદને ગુજરાતે સૌ પહેલાં નકાર્યો હતો અને વિવાદાસ્પદ વિધાનોને કારણે અગાઉની ત્રણેક ચૂંટણીમાં નુકસાન ભોગવી ચૂકેલી કોંગ્રેસે આ વખતે ગાંધી પરિવારને દૂર રાખ્યો હતો. રાહુલ ગાંધીએ માત્ર બે સભા કરી હતી. મોટાભાગનો ભાર પ્રદેશના નેતા અને પ્રભારીઓ પર હતો. કોંગ્રેસની બીજી રણનીતિ હતી ગામડાંમાં જઇને ખાટલા બેઠક કરીને લોકો સાથે સીધો સંવાદ કરવો. એક તબક્કે એવું લાગતું હતું કે કોંગ્રેસ ચૂપચાપ કામ કરે છે પણ લાગે છે કે તેમણે કરેલો સંવાદ ગુજરાતીઓના ગળે નથી ઉતર્યો, ઊલ્ટાનું એવું થયું છે કે તેમની મજબૂત વોટબેંક ગણાતા ગામડાંમાં પણ કોંગ્રેસનું ક્યારેય ન થયું હોય એવું ધોવાણ થયું. પ્રિયંકા ગાંધી પણ ક્યારેય ડોકાયાં નહિ. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં જ વ્યસ્ત રહ્યા અને ગુજરાતમાં કોંગ્રેસનો જનતાથી સાવ નાતો તૂટી ગયો.
3) AAPનું દિલ્હી મફતનું મોડલ v/s ગુજરાત મોડેલ
આમ આદમી પાર્ટીની 3 મુદ્દાની સ્ટ્રેટેજી હતી : પહેલો મુદ્દો, ગુજરાત મોડેલની સામે દિલ્હીનું ફ્રી મોડલ ગુજરાતીઓને વેચવું અને મોંઘવારીનો માર ઝીલતા લોઅર ક્લાસ અને લોઅર મિડલ ક્લાસના મતદારોને આર્કષવા.
બીજો મુ્દ્દો ગુજરાતમાં આવીને બેઠકો ભલે ન મળે પણ પાર્ટીનો વોટશેર વધારવો અને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવવો. પરિણામના શરૂઆતના ટ્રેન્ડ મુજબ પાર્ટીને 13 ટકા વોટશેર મળ્યો છે. તેમની આ ઇચ્છા કદાચ પૂરી થશે.
ત્રીજો મુદ્દો ગુજરાતમાં બે દાયકાથી સતત હારતી કોંગ્રેસની જગ્યાએ વિપક્ષનું સ્થાન લેવું અને આવતી ચૂંટણીમાં બેઠકોની દૃષ્ટિએ પગ જમાવવો. આમ આદમી પાર્ટીએ ગામડાંમાં મોટાભાગની બેઠકો પર કોંગ્રેસને હરાવવા ભૂમિકા ભજવી છે અને કોંગ્રેસની વોટબેંકના ફાડિયાં કરી નાખ્યા છે. જોકે કેજરીવાલ માટે ગાંધીનગરની સત્તા હજી દૂર છે.
વધતી જતી મોંઘવારી અને મફત શિક્ષણ અને આરોગ્યના દિલ્હી મોડલથી ગુજરાતમાં પગપેસારો કરવાની આપની રણનીતિ નિષ્ફળ ગઇ છે. ગુજરાતીઓએ સંદેશ આપ્યો છે કે મફત નહિ, વેલ્યુ ફોર મની જોઇએ છે. બહારની પાર્ટીને ગુજરાતમાં ઘૂસવા ન દેવાય એવું નક્કી કરી લીધું હતું. કેજરીવાલે ગુજરાત મોડલની સામે દિલ્હી મોડેલ ગુજરાતીઓને વેચવાની કોશિશ કરી પણ ગુજરાતીઓએ દિલ્હીના મોડલને જાકારો આપ્યો છે. એક મહિનામાં તો આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે વેપારીઓ અને રિક્ષાવાળાઓથી લઈને રૂરલ વિસ્તારમાં પણ ઘણી રેલી અને સભાઓ કરી હતી. રિક્ષાવાળાના ઘરે જમવા પણ ગયા હતા અને હીરાઘસુઓ સાથે હીરાની ફેક્ટરીમાં બેઠા હતા. આમ, કેજરીવાલે કોઈ જ પ્રકારના પોલિટિકલ સ્ટંટ બાકી રાખ્યા નહોતા. ગુજરાતમાં મુખ્યમંત્રી ચહેરો જાહેર કરનાર પહેલી પાર્ટી પણ આમ આદમી પાર્ટી હતી. પ્રચારમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મોટા ભાગે શહેરી વિસ્તારોમાં પ્રચાર સંભાળ્યો હતો જ્યારે મુખ્યમંત્રીનો ચહેરો એવા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાએ ગ્રામીણ વિસ્તારોમાં પ્રચાર પ્રસારની કમાન સંભાળી હતી.
પ્રચાર દરમિયાન વીજળી બિલ માફ કરવાની સાથે સાથે સરકારી હોસ્પિટલોમાં વ્યવસ્થા વધારવાની અને ફ્રી એજ્યુકેશન આપવાની રેવડી આપી હતી. પ્રચાર-પ્રસાર દરમિયાન ભગવંત માને દિલ્હીમાં વિજળી બિલ માફ કર્યા હતા તેવા ઝીરો બિલ માફ કર્યા હતા તે હજારો ઝીરો બિલ વાળા પુરાવા પણ રજૂ કર્યા હતા. એક મહિનાના સતત પ્રચાર, ફ્રીની રેવડી પછી પણ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ફાવી શકી નહીં. AAPને બે ડિજિટ સીટો મેળવવામાં પણ ફાંફા પડ્યાં છે.
4) ગુજરાતીઓની પહેલી પસંદ : હિન્દુત્વ અને વિકાસનું પેકેજ
હિન્દુત્વની પ્રયોગશાળાની શરૂઆત ગુજરાતથી થઇ છે એ સૌ જાણે છે. એ વાતને ચાર દાયકા થયા. પહેલીવાર ભાજપને હિન્દુત્વના મુદ્દે સત્તા મળી 1995માં. એ પછી પાર્ટીના આંતરિક વિરોધ ચાલ્યો. 2001માં મોદીએ સત્તા સંભાળી પછી તેમણે હિન્દુત્વની સાથે વિકાસનું પેકેજ બનાવ્યું. 2002માં ગોધરાના તોફાનો થયા એ પછી ભાજપની હિન્દુત્વના મુદ્દે ઐતિહાસિક જીત થઇ અને મોદીએ ગુજરાતમાં સૌથી વધુ 127 બેઠકો જીતી. સવાલ એ હતો કે માત્ર હિન્દુત્વના મુદ્દે સતત સરકાર બનાવવી મુશ્કેલ હતી. મોદીએ ચૂંટણી જીત્યા પછી 2003માં જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી. મોદીએ વિકાસનું એક નવું મોડલ બનાવ્યું. અનેક ક્ષેત્રોમાં તેમણે મૂડીરોકાણ માટે દેશભરના અને પછી તો વિદેશની જાયન્ટ કંપનીઓને ગુજરાતમાં આમંત્રણ આપીને તેની દેશમાં ચર્ચા જગાવી. એક રાજ્યના મુખ્યમંત્રી તરીકે મોદી દેશના પ્રધાનમંત્રી મનમોહન સિંહ કરતાં વિકાસના મામલે લાંબા ગાળાનું વિઝન ધરાવે છે એવી ઇમેજ ઊભી થઇ. મોદીએ ગુજરાતમાં મૂડીરોકાણો લાવીને ગુજરાતમાં મોટા પ્રોજેકટ શરૂ કર્યા અને 2002ના કોમી તોફાનોને ભુલાવીને બિઝનેસ અને વિકાસના મુદ્દાને ચર્ચાનું કેન્દ્ર બનાવ્યા. એ પછી મોદીએ વિકાસની વાટ પકડી. પ્રચારમાં હિન્દુત્વ અને વિકાસનું પેકેજ આપ્યું અને ગુજરાતીઓએ સતત તેમને સત્તા આપી. 2014માં મોદીએ આ જ મોડલ વડાપ્રધાનપદના ઉમેદવાર બન્યા ત્યારે દેશભરના લોકોને સમજાવ્યું. મોદીના આ મોડલને કારણે જ ભાજપે જ્ઞાતિ-જાતિમાં વહેંચાયેલા ગુજરાતમાં 2017માં સત્તા ન ગુમાવી. હિન્દુત્વ અને વિકાસનું કોમ્બિનેશન એ પછી દેશના દરેક રાજ્યોમાં જ્ઞાતિ-જાતિના સમીકરણો ઘણા અંશે નકામા બનાવી દીધા. ઉત્તર પ્રદેશ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
બાકીનો ઇતિહાસ સૌ જાણે છે. દિલ્હીમાં સત્તા પર બેસીને મોદીએ હિન્દુત્વની પ્રયોગશાળાના અસલી મુદ્દાનું અમલીકરણ શરૂ કર્યું. રામ મંદિર, ટ્રીપલ તલાક અને 370મી કલમની નાબૂદી પર તેમણે ગુજરાતના અને દેશભરના બહુમતી હિન્દુઓની ઇચ્છા પૂરી કરી. આ જ મોડેલ પર મોદી હજી ચાલી રહ્યા છે. ભાજપને સત્તા પર ટકી રહેવા માટે તેમણે એક ફોર્મ્યુલા તૈયાર કરીને આપી છે જે ગુજરાતના જ નહિ દેશભર મતદારો માટે કારગર નીવડી છે.
5) શાસન, નેતૃત્વ અને સંગઠન બધું જ એક દિશામાં
મોદીએ ગુજરાતમાં પાર્ટીમાં આ ત્રણ મુદ્દાને આવરીને એક મોડલ બનાવ્યું છે. સરકારમાં સતત નવા આઇડિયા અને નવી યોજના તથા સીધા જ લોકો સુધી કેવી રીતે સરકારે પહોંચવું એ મોદીએ તેમની ગુજરાતની કામગીરી વખતે શરૂ કર્યું. નેતૃત્વ દરેક બાબતમાં સક્રિય રહે અને પોતે પણ કલાકો સુધી કામ કરીને એ પુરવાર કરી આપ્યું કે નેતૃત્વ જેના હાથમાં છે તેમણે પણ સતત દોડતાં રહેવું. સંગઠનનું એક આદર્શ માળખું તેમણે તૈયાર કર્યું, જેમાં અમિત શાહ અને હવે આ ચૂંટણીમાં સીઆર પાટીલ જેવા લોકોનો સંગઠનમાં ઉપયોગ કર્યો. બૂથ લેવલનું મેનેજમેન્ટ તો હતું જ, પણ આ વખતે પેજ પ્રમુખ અને પેજ કમિટી સુધી ભાજપ સંગઠને કામ કર્યું એટલે તેના મતદારો સતત તેમની પકડમાં રહ્યા. ભાજપની વિચારધારામાં માનતો મતદાર કોઇ રીતે છટકી ન જાય અને એ શું વિચારી રહ્યો છે તેના ફીડબેક પર સુધી પહોંચતો રહે એવી વ્યવસ્થા પણ ગોઠવી. સરકારની યોજના લોકો સુધી લઇ જવા માટે સંગઠનનો ભરપુર ઉપયોગ કર્યો અને સંગઠન પાસે લોકોનો જે ફીડબેક આવે તેને સરકાર સુધી પહોંચાડીને યોજનાનું સ્વરૂપ આપવું એવી વ્યવસ્થા ગોઠવી.
અંતે...ગુજરાત ચૂંટણીથી દેશના રાજકારણ પર શું અસર થશે?
ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે. એન્ટી ઈનકમ્બેન્સીનો ઉકેલ લાવવા માટે ચૂંટણીના એક વર્ષ પહેલાં જ મુખ્યમંત્રી અને આખું મંત્રીમંડળ બદલી દેવામાં આવ્યું હતું. તેની પરિણામ ઉપર ઐતિહાસીક જીત જોવા મલી છે. આ સંજોગોમાં આવતા વર્ષે મધ્ય પ્રદેશમાં થનારી ચૂંટણી સહિત ભાજપ શાસતિ રાજ્યોમાં આ પ્રયોગનું પુનરાવર્ત કરવામાં આવે તેવી શક્યતા છે. તે ઉપરાંત મોદી-શાહની જોડી પર દેશ અને ભાજપનો વિશ્વાસ વધી રહ્યો છે. તેનાથી 2024 લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ તેમના એજન્ડા પર વધારે ગતિથી ચાલે તેવું લાગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.