ELECTION રાઉન્ડ-અપ@7AM:ભરીસભામાં અમિત શાહે કહ્યું, 'હું તો વાણિયો છું', આંગળી ચીંધીને બોલ્યા બેસીજા હવે, જુઓ ચૂંટણીના 6 મોટા સમાચાર

2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે. સત્તાના સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે. રોજ રોજ સભાઓ થઈ રહી છે. ઉમેદવારોનાં નામોની જાહેરાતો થઈ ગઈ છે. કોઈ નેતા નામ જાહેર થતાં ખુશ છે તો કોઈ નેતા રોષે ભરાયા છે. ત્યારે દિવસભરની તામામ રાજકીય અપડેટ માટે દિવ્ય ભાસ્કર લઈને આવ્યું છે ઈલેક્શન રાઉન્ડ અપ ન્યુઝ બુલેટિન. જેમાં દિવસભરની તમામ મહત્ત્વની રાજકીય ખબરોનો ચિતાર મળશે સંક્ષિપ્તમાં. બુલેટિન જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો

PM મોદીનો સુરતમાં રોડ શો
સુરતની કેટલીક બેઠકો એવી જ્યાં આ વખતે ભાજપને પણ બીક છે કે આમ આદમી પાર્ટી ખેલ ના કરી જાય અને કદાચ એટલે જ આજે ભાજપ PM મોદી સુરતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે. પીએમ મોદી આજે સુરતમાં રોડ શો યોજી જનસભાને સંબોધશે જેમાં તેમની સાથે સુરતના ઉમેદવારો પણ જોડાશે. વરાછા, કતારગામ જેવી પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી સીટ પર ભાજપને એ ડર છે કે આમ આદમી પાર્ટી ખેલ ના કરી જાય અને એટલે જ કદાચ પીએમ મોદી ખુદ મેદાનમાં ઊતર્યા છે.

અમિત શાહનો રમૂજી અંદાજ
અમદાવાદમાં વેજલપુર વિધાનસભા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરસભા સંબોધી હતી. અમતિ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકારે શાંતિ સ્થાપવાનું કામ કર્યું છે. આ સાથે જ મુંબઈમાં 26/11ના એટેકને યાદ કરી કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકારમાં અમદાવાદમાં છાશવારે શાંતિ ડહોળવામાં આવતી હતી. રાધિકા જીમખાનાની ઘટના ભુલાય એવી નથી. શહેરની શાંતિને વીંખી નાખી હતી. નરેન્દ્ર મોદી એ વખતે મુખ્યમંત્રી હતા અને રમખાણ કરાવનારાઓને એવો પાઠ ભણાવ્યો કે એ ઘડી અને આજનો દિવસ ગુજરાતમાં ક્યારેય રમખાણ થયાં નથી. એટલું જ નહીં તેમણે ઉમેદવાર અમિત ઠાકરને જિતાડવા અનોખા અંદાજમાં પ્રજાને વિનંતિ કરી

આપની સભામાં પથ્થરમારો
સુરતની કતારગામ વિધાનસભા બેઠક ઉપર બબાલ થઈ. આમ આદમી પાર્ટીની જાહેરસભા ચાલી રહી હતી. ગોપાલ ઇટાલિયા અને અન્ય આમ આદમી પાર્ટીના નેતાઓ સંબોધી રહ્યા હતા તે દરમિયાન જ એકાએક અજાણ્યા શખ્સ દ્વારા સભા સ્થળ પાસે પથ્થર ફેંકવામાં આવ્યો હતો. સભામાં બેઠેલા લોકો પૈકી એક બાળકને આંખ પાસે પથ્થર વાગ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઇજાગ્રસ્ત બાળકને ગોપાલ ઇટાલિયા સારવાર માટે લઈ જતા જોવા મળ્યા હતા.

સંકલ્પ પત્રમાં હિંદુત્વ છલકાયું!
ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યો છે જેમાં અલગ અલગ વિકાસ કાર્યોની સાથે સાથે હિંદુત્વના એજન્ટાને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. સુરત ઉધના કમલમ્ ખાતે હર્ષ સંઘવીએ સંકલ્પ પત્ર અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં રમખાણો, હિંસક વિરોધ, અશાંતિ વગરે દરમિયાન અસામાજિક તત્ત્વો દ્વારા જાહેર અને ખાનગી મિલકતોને થયેલા નુકસાનની વસૂલાત માટે કાયદો લવાશે. પોલીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ માટે એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવે છે તે હવે સાખી લેવાશે નહીં જે પણ ઉપદ્રવી હશે તેમને ઓળખી કાઢીને તેમની પાસેથી દંડની રકમ વસૂલવામાં આવશે. એન્ટિ રેડિકલાઇઝેશન સેલ બનાવાશે જે દેશવિરોધી તત્ત્વો અને આતંકવાદી સંગઠનોના સ્લીપર સેલને ઓળખીને તેને દૂર કરવાનું કામ કરશે. એટલું જ નહીં ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો ફરી એક વાર ભાજપના ચૂંટણીઢંઢેરામાં પણ સામેલ કરાયો છે.

મુખ્યમંત્રી ઉમેદવારનું નામ ભૂલ્યા
કેશોદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપના ઉમેદવારનું નામ ભૂલી ગયા હતા. દેવાભાઈને વાલાભાઈ કહી લોકોને મત આપવા અપીલ કરી હતી. જોકે, થોડી સેકંડ બાદ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે મુખ્યમંત્રીને કાનમાં કહ્યું કે વાલાભાઈ નહીં દેવાભાઈ નામ છે. ત્યારે મુખ્યમંત્રીનું ધ્યાન દોરતા તેમણે ભૂલ સુધારીને દેવાભાઇ કર્યું હતું.

ભાજપના ઉમેદવાર પર ભડકી જનતા
અમદાવાદના અમરાઈવાડી વિધાનસભા મત વિસ્તારમાં ભાજપ ઉમેદવાર હસમુખ પટેલનો પ્રચાર કરવા આગેવાનો નીકળ્યા હતા. ત્યારે સ્થાનિક લોકો સાથે બોલાચાલી થઈ હતી. પાંચ વર્ષમાં પૂર્વ ધારાસભ્ય દેખાયા ન હોવાના આક્ષેપ સાથે બોલાચાલી થઈ હતી. સ્થાનિક મુદ્દાઓના નિરાકરણ ન આવતા હોવાથી જનતાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને કહ્યું હતું કે, 5 વર્ષે દેખાયા છો, અમે થાકી ગયા તમારાથી. જેથી પ્રચાર પડતો મૂકીને કાર્યકર્તાઓ રવાના થયા હતા. ભાજપના વિરોધનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...