ભાસ્કર ઇન્ટરવ્યૂવાઇરલ ક્લિપ અંગે કુમાર કાનાણીનો ખુલાસો:'અલ્પેશ હવે પાટીદારોનો નથી રહ્યો, આ તો હલકા છે', ઈન્જેક્શનના સવાલ પર સ્ફોટક વાત કરી

15 દિવસ પહેલાલેખક: હર્ષ પટેલ

વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલને ઘણા નવા સમીકરણ રચ્યા હતા, આ આંદોલનનો સૌથી વધુ પ્રભાવ સુરતમાં રહ્યો પરંતુ 2017ના પરિણામોમાં સુરતની 12 બેઠકો પર ભાજપે સફળતાના વાવટા વહેરાવી દીધા હતા. હવે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સુરતમાં ખૂબ જ સક્રિયતાથી પ્રચાર કરી રહી છે. સુરતની વરાછા બેઠક પર ભાજપના તરફથી કુમાર કાનાણી, આમ આદમી તરફથી અલ્પેશ કથીરિયા, જ્યારે કોંગ્રેસ તરફથી પ્રફુલ તોગડિયા ઉમેદવાર છે. દિવ્ય ભાસ્કરની ટીમે ગયા વખતના વિજેતા અને આ વખતે બે મોટા વિરોધીઓનો સામનો કરી રહેલા કુમાર કાનાણી સાથે વાત કરી હતી.

દિવ્ય ભાસ્કર- દર વખતની ચૂંટણી કરતા આ વખતનો માહોલ કેટલો અલગ છે?
કુમાર કાનાણી- વરાછામાં 2012ની ચૂંટણી મુશ્કેલ હતી, 2017માં પણ પાટીદાર અનામત આંદોલનની અસર હતી. પણ આ વખતે પાછલી બે ટર્મની ચૂંટણી કરતા માહોલ ઘણો સારો છે.

દિવ્ય ભાસ્કર- એક તરફ અલ્પેશ કથીરિયાનું ઝનૂન છે, બીજી તરફ તમારો રાજકીય અનુભવ છે, કોણ બાજી મારશે?
કુમાર કાનાણી- બાજી તો અમે જ મારવાના છીએ. અલ્પેશ કથીરિયા યુવાન છે પણ અનુભવી નથી. મારી પાસે 10 વર્ષનો અનુભવ છે. હું હંમેશા વરાછાની જનતા માટે તંત્ર સામે લડતો રહ્યો છું.

દિવ્ય ભાસ્કર- એક ફોટો વાઈરલ થયો છે, જેમાં તમે અને અલ્પેશ કથીરિયા સાથે જોવા મળી રહ્યા છો, એ ક્યારનો છે?

કુમાર કાનાણી- વરાછા રોડ વિસ્તારમાં બધા લોકો સાથે રહીએ છીએ. અલ્પેશનું પણ વિદ્યાર્થી જીવન હતું. એક જ વિસ્તારમાં રહીએ છીએ એટલે સ્વાભાવિક છે કે ક્યાંકને ક્યાંક ક્યારેક મળ્યા હોઈશું. પણ ફોટો ક્યારનો છે એનો મને કોઈ ખ્યાલ નથી.

દિવ્ય ભાસ્કર- કોરોના સમયે તમે રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી હતા, તમારા પર આરોપ લાગ્યા છે કે તમે લોકોને ઈન્જેક્શન નહોતા પહોંચાડ્યા.
કુમાર કાનાણી- કોરોનાકાળમાં હું જ નહીં આખી દુનિયા થંભી ગઈ હતી. હું તો ગુજરાતનો રાજ્યકક્ષાનો મંત્રી હતો. બધી જગ્યાએ વ્યવસ્થા તંત્ર ખોરવાઈ ગયું હતું, છતાં અમે બનતાં પ્રયાસો કર્યા. જો એ લોકો ઈન્જેક્શન ન આપી શક્યો, એવો આરોપ લગાવતા હોય તો દિલ્લીમાં તો આમ આદમી પાર્ટીની જ સરકાર હતી. ત્યાં પણ ઓક્સિજન નહોતું મળતું, ત્યાં પણ એ લોકો વ્યવસ્થા નહોતી કરી શક્યા.

દિવ્ય ભાસ્કર- આ વખતે પાટીદાર ફેક્ટર કોના તરફી રહેશે?
કુમાર કાનાણી- અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હતા, હમણાં નથી. અલ્પેશ પાટીદાર ચહેરો હતો હવે આમ આદમી પાર્ટીનો ચહેરો છે. એટલે લોકોએ નક્કી કરવાનું છે કે શું કરવું.

દિવ્ય ભાસ્કર- તમારા વિરોધીઓ એક ક્લિપ વાયરલ કરી રહ્યા છે, જેમાં તમે રેમડેસિવિર ઈન્જેક્શનની માગણી કરનારા કોઈ વ્યક્તિને કહી રહ્યા છો કે 'તમે મત આપીને ઉપકાર નથી કર્યો', આ વિશે શું કહેશો?
કુમાર કાનાણી- હું મતદારોના સમર્થનના કારણે જ કોર્પોરેટર, ડેપ્યુટી મેયર, ધારાસભ્ય બન્યો. હું મતદારો વિશે આવું ક્યારેય ન બોલી શકું. જે ઓડિયો મારા નામે ફરે છે એ બનાવટી હશે.

દિવ્ય ભાસ્કર- અલ્પેશ કથીરિયા મંચ પરથી બોલે છે કે, 'કુમાર કાનાણી રેમડેસિવિર બોલીને બતાવે તોય ઘણું', આવા રાજકારણ અંગે શું કહેશો?
કુમાર કાનાણી- એમને પોતાની હાર સ્પષ્ટ દેખાઈ રહી છે, એટલે હવે તેઓ આવું જ બોલશે.

દિવ્ય ભાસ્કર- AAP કહે છે મફતમાં વીજળી અને શિક્ષણ આપીશું, મતદારો પર આ વાયદાની અસર થશે?
કુમાર કાનાણી- અમે પણ સરકારી શાળામાં મફત શિક્ષણ આપી રહ્યા છીએ, સિવિલ હોસ્પિટલમાં સારવાર મફત થાય છે, શું આમ આદમી પાર્ટીના નેતાઓએ એવું ક્યારેય કહ્યું કે, 'ખાનગી શાળાના વિદ્યાર્થીઓની ફી પણ અમે આપીશું?' આમ આદમી પાર્ટીને આખા ગુજરાતમાંથી એક પણ સીટ મળવાની નથી, એનું પૂર્વ વિરામ મૂકીને દિલ્લી પાછા મોકલી દેવાના છે.

દિવ્ય ભાસ્કર- વરાછા તેમજ ગુજરાતના મતદારોને શું કહેશો?
કુમાર કાનાણી- હું ગુજરાતભરના મતદારોને વિનંતી કરુ છું કે ભાજપના શાસનમાં જ કલમ 370 હટાવાઈ, રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, ગુજરાતની ચૂંટણી નક્કી કરશે કે દેશ માટે કોણ હિતકારક છે?

અન્ય સમાચારો પણ છે...