Editor's View: હાર્દિક માટે બરાબર 'ગોઠવણ':મોટા માથાનો કલેક્ટર ઓફિસમાં ફોન ગયો, શનિ-રવિની રજા આવતાં ભલભલા નેતાઓ ફાંફે ચઢ્યા

20 દિવસ પહેલા

રાજકારણ સંયોગો અને યોગાનુયોગનો ખેલ છે

વિરમગામના ભાજપના ઉમેદવાર અને પાર્ટીના સૌથી યુવાન ચહેરો એવા હાર્દિક પટેલને 2018માં વીસનગરના ધારાસભ્ય અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં સજા થઈ હતી. ભાઈ હાર્દિક એ વખતે ભાજપની સરકાર સામે પડીને 2019માં લોકસભાની ચૂંટણી લડવા માગતો હતો. સજા થઈ એટલે એ ચૂંટણી લડી ન શક્યો.

કોર્ટે હાર્દિકને મહેસાણામાં પ્રવેશબંધી કરી હતી. હાર્દિકે ઘણી વિનવણી કરી પણ મેળ ન પડ્યો. શુક્રવારે હાઇકોર્ટે શરતી મંજૂરી આપી ત્યારે સરકારે વાંધો ન લીધો. હવે હાર્દિક ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે, મહેસાણામાં પ્રચાર પણ કરશે અને મા ઉમિયાનાં દર્શન પણ કરશે. બધું બરાબર ગોઠવાઈ ગયું.

ઉત્તર ગુજરાતમાં અર્બુદા સેના આ વખતે કઈ બાજુ ઢળે એ વિશે જાતભાતનાં સમીકરણો ગોઠવાઈ રહ્યા છે. ચૌધરીઓના નેતા વિપુલભાઈને જેલયોગ સાંપડ્યો છે એટલે અર્બુદા સેનાને મનાવવી જરૂરી છે. ભાજપના સાંસદ ભરત ડાભીએ સ્નેહમિલનનું આયોજન કર્યું છે. આમંત્રણ નરેન્દ્રભાઇને પણ આપ્યું છે. જો સાહેબ આવે તો સમીકરણ બદલાઈ જશે એ નક્કી.

કમલમમાં શુક્રવારે ખેસ પહેરવાનો ક્રમ તો ચાલુ રહ્યો, પણ હવે વારો હતો આમ આદમી પાર્ટીના નેતા-કાર્યકરોનો. બીજી બાજુ કૉંગ્રેસના નેતાઓ રાજીવ ગાંધી ભવનમાં આમ આદમી પાર્ટીના નેતા સામે દુષ્કર્મની ફરિયાદ વિશે પ્રેસ-કોન્ફરન્સ કરી રહ્યા હતા.

ઉમેદવારોની યાદી હજી આવી જ રહી છે. ભાજપે એકઝાટકે 160ની યાદી જાહેર કરી તો કૉંગ્રેસ ટુકડે ટુકડે યાદી બહાર પાડી રહી છે. સમસ્યા એ છે પહેલા તબક્કા માટે લડનારાને ફોર્મ ભરવા માટે ગણતરીના કલાકો જ મળ્યા. બે દિવસ રજા હોવાથી સોમવારનો દિવસ જ હવે બાકી રહ્યો છે. કેટલાય ઉમેદવારો ફાંફે ચડ્યા છે. એક ચૂંટણી અધિકારીએ તો કહ્યું કે ખુદ ઉમેદવારો પૂછતા હતા કે શનિવારે ફોર્મ ભરવા આવું તો ચાલે?

ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જોઈ? લો બોલો, વિજયભાઈ, નીતિનભાઈ અને વજુભાઈ હવે સ્ટાર પ્રચારકો છે. કૉંગ્રેસના કોઈ સ્ટાર દેખાતા નથી. રાહુલ, પ્રિયંકા તો ઠીક મલ્લિકાર્જન ખડગે પણ દેખાતા નથી. ભૂતકાળ એવો છે કે કૉંગ્રેસી નેતાઓના વિધાનથી વિવાદ થયો છે અને નુકસાન પણ. કૉંગ્રેસને લાગ્યું છે કે ન બોલવામાં નવ ગુણ. જો એવું થાય તો બોલકા ભાજપના બોર કેમ વેચાશે?

કાલે ફરી મળીએ... એક નવા વીડિયો એનાલિલિસ સાથે. તમે વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ અને જુઓ ગેમ ઓફ ગુજરાત 2002.

ધન્યવાદ

અન્ય સમાચારો પણ છે...