રાજ્યમાં કે દેશમાં ચૂંટણી જાહેર થાય એટલે ‘કોડ ઓફ કંડક્ટ’ યાને કે આચારસંહિતા લાગુ પડી જાય છે, જે સમગ્ર ચૂંટણીપ્રક્રિયા ચાલુ હોય ત્યાં સુધી લાગુ રહે છે. આ આચારસંહિતાની શરૂઆત જ મતદારોને નાણાકીય અને અન્ય કોઈપણ જાતનાં પ્રલોભન ન આપવાની વાત સાથે થાય છે. રાજકીય પક્ષોએ અને નેતાઓએ મતદારોની ધાર્મિક, સાંપ્રદાયિક, જાતીય કે કોમી લાગણીઓ ન દુભાય એનું ધ્યાન રાખવાની કડક સૂચના છે. પ્રવર્તમાન મતભેદો વધારે ગંભીર સ્વરૂપ ધારણ કરે અથવા પરસ્પર દ્વેષભાવ ઊભો થાય અથવા જુદી જુદી જાતિઓ, સમુદાયો કે ધાર્મિક અથવા ભાષાકીય જૂથો વચ્ચે તણાવ ઊભો થાય એવી કોઈ પ્રવૃત્તિ ન કરવાનું પણ આચારસંહિતામાં લખેલું છે, પરંતુ આપણી ચૂંટણીઓમાં ધર્મ, કોમ, જાતિનો અંડરકરંટ જોવા મળે જ છે. કઈ સીટ પર કઈ જ્ઞાતિનું પ્રભુત્વ છે એને આધારે ઉમેદવારોની પસંદગી અને ટિકિટની ફાળવણી થાય છે, એ ઓપન સિક્રેટ છે.
એન્ટી ઇન્કમ્બન્સી પ્રૂફ BJP
ચૂંટણી એવો પેરિસ્કોપ છે, જેને અલગ અલગ રીતે ફેરવીને જોતા જઇએ તેમ તેમ એની જુદી જુદી ભાત જોવા મળે છે, પરંતુ મુદ્દા અને કાસ્ટ એ બે પરિબળો ચૂંટણીના પરિણામ પર અસર પાડનારાં બે સૌથી મોટાં પરિબળો છે. ગુજરાતમાં ભાજપ છેલ્લાં 27 વર્ષથી સત્તારૂઢ છે, એટલે દર વખતે ભાજપની સામે ‘એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર’ યાને કે સત્તાધીશોની સામે અણગમાનું તત્ત્વ હાવી થશે એવી વાતો-ભય વ્યક્ત થાય છે, પરંતુ પરિણામ આવે ત્યારે અમુક અંશથી વધુ એની અસર જોવા મળતી નથી. હા, ગયા વખતે એટલે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માત્ર 99 સીટ પર સમેટાઈ ગયું હતું. 2012ની 115 સીટની સામે 2017માં 16 સીટના નુકસાનનું જંગી ગાબડું પડ્યું હતું. વોટિંગ ચાલુ હતું ત્યારે એક સમયે તો એવી ભીતિ ઊભી થઈ હતી કે ભાજપ 92 સીટોના મેજિક ફિગર સુધી પહોંચી શકશે કે કેમ, પરંતુ આખરે ઘીના ઠામમાં ઘી ઢોળાયું અને ભાજપે 99 સીટ સાથે સ્પષ્ટ બહુમતી મેળવીને સત્તા જાળવી રાખી (પાછળથી જોકે જીતેલા અન્ય ધારાસભ્યો ભાજપમાં જોડાયા અને ભાજપની સીટોનો જુમલો ત્રણ આંકડામાં પહોંચીને 111ને સ્પર્શ્યો એ અલગ વાત છે!), પરંતુ છેલ્લાં બાવીસ વર્ષમાં ભાજપ ક્યારેય 115 સીટોની નીચે નથી ગયું એનો ઇતિહાસ સાક્ષી છે, એટલે કે ગમે તેવાં આંદોલનો, હોનારતો, અસંતોષ પ્રવર્તે, પરંતુ ગુજરાતમાં તો ભાજપ અને નરેન્દ્ર મોદીનો જાદુ બરકરાર છે એ હકીકત છે.
જો સત્તા તક લાતી, વો હૈ જાતિ
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કુલ વોટમાંથી 49% વોટ પ્રાપ્ત થયા હતા, જ્યારે કોંગ્રેસનો વોટ શૅર 41% રહ્યો હતો. નવી નવી ગુજરાતના રાજકારણમાં પ્રવેશેલી આમ આદમી પાર્ટીએ માત્ર 0.10% મતો જ મેળવ્યા હતા અને તેમનો કોઈ ઉમેદવાર જીતી શક્યો નહોતો. 2017નાં ચૂંટણી પરિણામોમાં 2015ના હાર્દિક પટેલની નેતાગીરીમાં લડાયેલા ‘પાટીદાર અનામત આંદોલન’નો પડઘો પડશે એવી ધારણા હતી. એ સાચી પણ પડી. ભાજપને પાટીદાર અનામત આંદોલનથી સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી મોટું નુકસાન થયું હતું, જ્યાં 2012ની ચૂંટણીમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી 53 સીટમાંથી 35 સીટ ભાજપને મળી હતી, એ જ વિસ્તારોમાં 2017માં ભાજપને માંડ 23 સીટ મળી શકી હતી. જોકે રિસર્ચ સંસ્થા CSDS-લોકનીતિ (CSDS=સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ)નો પોસ્ટ પોલ સર્વે કહે છે કે 2017ની ચૂંટણીમાં 61% ટકા પાટીદારોએ ભાજપને મતો આપ્યા હતા. જ્યારે 35% પાટીદારોએ કોંગ્રેસનો હાથ ઝાલ્યો હતો. યાને કે અંગત રીતે ઘણા પાટીદારો ભાજપની તરફેણમાં હોવા છતાં તેમની કલેક્ટિવ એકતાએ ભાજપની સીટોમાં ભંગાણ પાડ્યું. હવે તો જોકે ખુદ હાર્દિક પટેલે જ ભાજપનો પાલવ પકડી લીધો છે, એટલે આ વખતે આ સમીકરણ કેવુંક બેસશે એ જોવું રસપ્રદ રહેશે.
ભાજપે દલિત અને મુસ્લિમોને રીઝવવાના બાકી
CSDS-લોકનીતિના સર્વેના આંકડાઓને જ આગળ ધપાવીએ તો દલિત કમ્યુનિટીએ ભાજપ કરતાં કોંગ્રેસ પર જ વધુ વિશ્વાસ દાખવ્યો હતો. 53% દલિતોએ કોંગ્રેસને અને 39% દલિતોએ ભાજપને વોટ આપ્યા હતા. મુસ્લિમ સમુદાય પહેલેથી જ કોંગ્રેસની ‘વોટબેંક’ ગણાય છે. એ વાત ગઈ વિધાનસભા ચૂંટણીમાં પણ જોવા મળી. 64% મુસ્લિમોએ કોંગ્રેસને મત આપ્યા, જ્યારે ભાજપને મત આપનારા મુસ્લિમોનું પ્રમાણ માત્ર 27% જ હતું. યાને કે ભાજપે જંગી બહુમતી અને બહુ વર્ષોથી ગવાય છે એ ‘મિશન 150’ પાર પાડવા માટે આ બંને સમુદાયોને રીઝવવાના બાકી છે.
મોટે ભાગે અર્બન અને અપર કાસ્ટ લોકો ભાજપની મુખ્ય વોટબેંક હોય એવો મત છે. ગઈ ચૂંટણીમાં એનો પડઘો પણ પડ્યો હતો. અપર કાસ્ટના 55% મતદારોએ ભાજપ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. જ્યારે તેમાંથી 36% મતદારોને કોંગ્રેસમાં પોતાનું સુરક્ષિત ભવિષ્ય દેખાયું હતું.
OBC (અધર બેકવર્ડ ક્લાસ)માં સ્થાન મેળવવા માટે ગુજરાતે અને અન્ય રાજ્યોએ પણ છેલ્લાં સાત વર્ષમાં ભારે સંઘર્ષો જોયાં છે. ગઈ ચૂંટણીમાં આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે OBC ક્ષત્રિયના વોટ 45-45%થી વહેંચાઈ ગયા હતા, જ્યારે કોળી અને અન્ય OBC જ્ઞાતિઓએ સ્પષ્ટપણે ભાજપને સમર્થન આપ્યું હતું. એમાંથી ભાજપને ફાળે 52% અને કોંગ્રેસને ફાળે 38% મતો ગયા હતા. અન્ય ધર્મ-કોમના મતદારોમાં પણ લગભગ સમાન ભાગે ફાંટા પડી ગયા હતા. એમાંથી ભાજપને 50% અને કોંગ્રેસને 45% મત મળ્યા હતા.
મુદ્દાની વાત-મુદ્દો શું છે?
આદર્શ રીતે વિધાનસભા ચૂંટણી રાજ્યને સ્પર્શતા સ્થાનિક મુદ્દાઓ પર લડાવી જોઇએ. ગઈ ચૂંટણીમાં એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટરની વાતો થતી હતી, પરંતુ એનો છેદ ઊડી ગયો. પાટીદાર આંદોલન અને દલિતો પર થયેલા અત્યાચારના મુદ્દા બહુ ગાજ્યા. તેમણે ભાજપને ઠીક ઠીક નુકસાન પહોંચાડ્યું, પણ ખરું, પરંતુ સત્તાથી દૂર રાખી શક્યા નહીં. નરેન્દ્ર મોદી ગુજરાતમાં ન હોય એવી 2017ની એ પહેલી ચૂંટણી હતી. આમ આદમી પાર્ટી ગુજરાતમાં માવઠા જેટલું પણ ન વરસી શકી. GST (ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ)ની જટિલ આંટીઘૂટીઓથી વેપારીવર્ગ ત્રસ્ત હતો અને તે ભાજપને ચૂંટણીમાં નડશે તેવો એક સૂર નિષ્ણાતોમાં પ્રવર્તતો હતો, પરંતુ એ મુદ્દો પણ ભાજપને ખાસ નુકસાન કરી શક્યો નહીં.
હવે આ વખતની ચૂંટણીમાં એક ડઝનથી પણ વધુ મુદ્દા ગુજરાતની હવામાં તોળાઈ રહ્યા છે. ફરીથી એન્ટી ઇન્કમ્બન્સીની વાતો ચાલી રહી છે. કોરોના વખતે થયેલું ભયંકર મિસ મેનેજમેન્ટ, તાજેતરની મોરબીની પુલ દુર્ઘટના, પેપર લીક કૌભાંડ, સરકારી ભરતીઓમાં વિલંબ અને એની સામે થયેલાં આંદોલન, ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની આરોગ્ય સુવિધાઓનો અભાવ, શિક્ષણનું ખાનગીકરણ અને સતત મોંઘું બનતું એજ્યુકેશન, તૂટેલા-ફૂટેલા રોડ, ખેડૂતોના પ્રશ્નો, વીજળી-પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસમાં થયેલા તોતિંગ ભાવવધારા, જમીન અધિગ્રહણ, ભાવનગરનો લઠ્ઠાકાંડ, બિલ્કિસ બાનો કેસના ગુનેગારોને સજામાફી જેવા અનેક ગંભીર મુદ્દા આ વખતે છે. આ મુદ્દા કોંગ્રેસ ઉઠાવવાની કોશિશ કરી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટી આ ઉપરાંત પોતાનું દિલ્હીનું વિકાસ મોડલ પણ આગળ ધરી રહી છે. આ બંને પક્ષો વીજળી-ગેસ વગેરેને ફ્રીમાં આપવાની લોભામણી જાહેરાતો પણ કરી રહી છે (જેને ભાજપે ‘રેવડી’નો સિક્કો મારી દીધો છે). ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીના ચહેરાને આગળ ધરીને બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, ડબલ એન્જિન સરકાર, ભરોસાની સરકાર, સરકારી યોજનાઓ, પર્યટન સ્થળો-યાત્રાધામોનો વિકાસ જેવા મુદ્દા આગળ ધરી રહી છે.
જ્ઞાતિ વર્સિસ મુદ્દાઓની વચ્ચે શટલકોક થતી આપણી ચૂંટણીમાં છેવટે કયું ફેક્ટર નિર્ણાયક બનશે એ માટે આપણે 8 ડિસેમ્બરની રાહ જોવી રહી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.