આખરે ઉજાગરાનો અંત આવ્યો. મહિનાઓથી જેની રાહ જોવાતી હતી અને લોકોમાં જેની ચર્ચાઓ થતી હતી, ટીવીની ન્યૂઝ ચેનલોમાં જેની જોરશોરથી ડિબેટો થતી હતી અને રાજકારણીઓ જેને માટે દિવસ-રાત દોડધામ કરીને ઉજાગરા કરી રહ્યા હતા એ ઇલેક્શનનો અંત આવ્યો. તમામ 1621 ઉમેદવારનું રાજકીય ભાવિ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં કેદ થઈ ગયું છે. હવે આ મિસ્ટ્રી બોક્સ 48 કલાક પછી 8 ડિસેમ્બરના રોજ ખૂલશે. ત્યારે જ એમાંથી સિંહ નીકળે છે કે શિયાળ કે પછી કંઇક નવું જ સરપ્રાઇઝ નીકળે છે એ ખબર પડશે.
હવે ત્યાં સુધી સઘળે સાયલન્સ છવાઈ ગયું છે. જે મેદાનો જાહેરસભાઓથી ગાજતાં હતાં, જે રસ્તાઓ રોડ શોથી ભરચક હતા એ અચાનક સૂમસાન થઈ ગયા છે. એમાં હવે પોતાની પહેલી આંગળી પર વોટિંગ કર્યાની અવિલોપ્ય શાહીનું નિશાન લગાવીને ફરી પાછા જીવન જીવવાની જદ્દોજિહાદમાં લાગી ગયેલા મધ્યમવર્ગીય અને વર્કિંગ ક્લાસ લોકોની જ ભીડ જોવા મળે છે. હવે તેમને પોતાની પસંદગી બદલવાનો અવસર પાંચ વર્ષ પછી મળશે, એટલે આપણે આશા રાખીએ કે તેમણે સમજીવિચારીને પોતાનું ભવિષ્ય સુધારે, મોંઘવારી-ગરીબી દૂર કરે, આરોગ્ય-શિક્ષણની સેવાઓ સુધારે, રોજગારના વિકલ્પો વધારે અને શાંતિ સ્થાપે તેવા નેતાઓ-પક્ષને વોટ આપ્યા હશે.
પરંતુ આ સૂમસાન આલમને જોઈને અમને આજથી સાત વર્ષ પહેલાં 2015માં આવેલી નીરજ ઘાયવાનની અદભુત ફિલ્મ ‘મસાન’ યાદ આવી ગઈ. એમાં પણ અચાનક આવી પડેલી એકલતાની અને તેની સાથે ડીલ કરવાની વાત હતી. ‘મસાન’ સાથે પ્રાસ બેસાડતાં આ ‘સૂમસાન’ શબ્દ ઉપરાંત ફિલ્મનો એક ફેમસ ડાયલોગ પણ અત્યારના ગર્ભિત સન્નાટાની સાથે પ્રાસ મેળવે છે. ફિલ્મમાં વિકી કૌશલના મુખે રાઇટર વરુણ ગ્રોવરે એક લાઇન બોલાવડાવી છે, ‘સાલા, યે દુઃખ કાહે ખતમ નહીં હોતા બે...?’ અત્યારે જે રીતે પરિણામો ક્યારે આવશે, શું આવશે એની ઉત્સુકતા સતાવી રહી છે, એ જોતાં એવું કહેવાનું મન થાય છે કે ‘સાલા, યે ઇન્તેઝાર કાહે ખતમ નહીં હોતા બે...?’
વેલ, એ પણ ખતમ થઈ જશે અને પરિણામ પણ આવી જશે. આશા રાખીએ કે લોકોની ખરેખરી ઇચ્છાનું પ્રતિબિંબ આ પરિણામો પાડે અને તેમનાં સઘળાં દુઃખો દૂર થાય. ત્યાં સુધી તમે અમારા આજના ‘ઇલેક્શન પોસ્ટર’ની મજા લો, અને એને શૅર કરો.
આવતીકાલે નવા પોસ્ટર સાથે ફરી મળીશું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.