Editor's View, ભલભલાની બોલતી બંધ કરતી બેઠક:અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરીને જિતાડવા એડીચોટીનું જોર, અમિત શાહે તો સભામાં છેલ્લી સોગઠી પણ ફેંકી

13 દિવસ પહેલા

આજે ઉત્તર ગુજરાતની એક ઇન્ટરેસ્ટિંગ વાત
રાધનપુરની સીટ આમ તો વર્ષોથી ગુજરાતના રાજકારણમાં ચર્ચામાં રહે છે. ભાજપ સામે બળવો કર્યા પછી મુખ્યમંત્રી બનીને શંકરસિંહ વાઘેલા અહીંથી પેટાચૂંટણી લડયા હતા. ભાજપે ખજૂરિયા બાપુને હરાવવા કમર કસી હતી. એ વખતે નરેન્દ્ર મોદીએ બાપુને હરાવવા સંગઠનનું મોટે પાયે કામ કર્યું હતું, પણ બાપુએ કોઈની કારી ફાવવા દીધી નહોતી અને જીતી ગયા હતા. ભાજપે એ વખતે નવા નિશાળિયા કહેવાતા શંકર ચૌધરીને બાપુ સામે ઉતાર્યા હતા.

શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરમાં એક સામ્ય છે, બંને આ બેઠક હારી ચૂક્યા છે. અનામત આંદોલન વખતે ભાજપ સરકાર સામે પડેલા અને પછી ભાજપમાં જોડાઈ ગયેલા અલ્પેશ ઠાકોર પણ રાધનપુરથી પેટાચૂંટણી લડ્યા હતા, પણ હારી ગયા હતા. અલ્પેશને એ વખતે આયાતી ઉમેદવારનું લેબલ લાગ્યું હતું. આ વખતે અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણની બેઠક પરથી લડે છે, હવે ત્યાં પણ તેને આયાતીનું લેબલ લાગી રહ્યું છે. અલ્પેશે હૈયાવરાળ કાઢીને કહ્યું હતું કે હું જ્યાં જાઉં ત્યાં મને લોકો બહારનો ગણે છે, હું ખરેખર ક્યાંનો છું?

જોકે શંકર ચૌધરી માટે પ્રચાર કરતાં અમિત શાહે એવું ઇન્ડિકેશન આપી દીધું કે તમે તેમને અહીંથી ચૂંટીને મોકલો, પછી તેમને મોટું સ્થાન આપીશું. શંકર ચૌધરીને જીત્યા પછી મિનિસ્ટરશિપ મળશે એ નક્કી.

આયાતીની સમસ્યા તો કેજરીવાલને અને આમ આદમી પાર્ટીને સૌથી વધુ છે. સુરતમાં કેજરીવાલના શો પહેલાં પોસ્ટર ફાડી નાખવાની અને ઝપાઝપીની ઘટના બની, તો ક્યાંક પૈસા વહેંચવાની ઘટનાનો વીડિયો સામે આવ્યો. લાગે છે કે હવે પ્રચારનો ક્લાઇમેક્સ આવી રહ્યો છે.

કોંગ્રેસ તો જોકે તેમની પોતાની ગતિમાં મસ્ત છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધી પ્રચાર કરીને ગયા. તેમની ભારત જોડો યાત્રામાં અત્યારે વિરામ છે. તેમના એક સ્ટારપ્રચારક અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ ભારત જોડો યાત્રાના એક કેમ્પમાં છે. કેસરિયા પિયા ઇશ્ક હૈ પિયા... એ ગીત પરનો તેમના ડાન્સનો વીડિયો વાઇરલ થયો છે.

ગીતના શબ્દો કેસરિયા આમ તો ભાજપને માફક આવે એવા છે. ડાન્સ દિગ્વિજયનો.

અત્યારની ચૂંટણીમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને બહુ લોકો યાદ કરે છે. ભાજપ તેમને 149 સીટ જીતવાનો રેકોર્ડ બનાવવા માગે છે. કોંગ્રેસ એ વાતે મલકે છે કે જુઓ, તમે આજસુધી તેમનો રેકોર્ડ નથી તોડી શક્યા. તેમના જેટલી લોકપ્રિયતા આજસુધી ગુજરાતમાં કોઈને નથી મળી. આપ એ રીતે યાદ કરે છે કે જો ભાજપની સીટો છેલ્લી ચૂંટણીઓમાં ઘટી જ રહી છે એટલે હવે રેકોર્ડની વાત તો ભૂલી જ જવાની. જોકે કેટલાક વિશ્લેષકો માને છે કે આપ જો કોંગ્રેસના વોટ શેરના ફાડિયાં કરે તો ભાજપ ફાવી જાય. ગઈ વખતે ઓછા માર્જિનવાળી સીટો ભાજપની તાસકમાં આવી પણ શકે છે. આ બધું જો અને તો છે, પણ એક વાત નક્કી છે કે બધા અંદરખાને માધવસિંહભાઈને યાદ તો કરે જ છે.

આવા જ ઇન્ટરેસ્ટિંગ વીડિયો માટે વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ અને જુઓ ગેમ ઓફ ગુજરાત 2022.

કાલે ફરી મળીએ...

ધન્યવાદ