ભાજપ કેમ કૉંગ્રેસના ધારાસભ્યોને તોડે છે?:આ 6 કારણ જાણી લો, આખી રાજરમત સમજાઈ જશે, 5 વર્ષમાં 19ને ખેંચી લીધા

23 દિવસ પહેલા

એક તરફ જાહેરમંચથી ભાજપના નેતાઓ કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરે છે અને બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યો માટે કેસરિયા ખેસ લઈને તૈયાર રહેવાનું. બે દિવસમાં મોહનસિંહ રાઠવા અને ભગા બારડે કોંગ્રેસને રામ-રામ કહ્યું અને ભાવેશ કટારા પણ કરતારમાં લાગે છે. 2017માં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા 18 ધારાસભ્યો ભાજપના થઈ ચુક્યા છે. છેલ્લા 10 વર્ષમાં 60થી વધુ દિગ્ગજ કોંગ્રેસી કમલમના પગથિયે ચડ્યા. છ કારણો એવા છે જેના કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં પક્ષપલટાની સિઝન વારંવાર આવી જ જાય છે

કારણ 1- સામાજિક, પ્રાદેશિક સમીકરણ
સતત જીતતું આવેલું ભાજપ એવા સમાજ અને વિસ્તારમાં ઘુસવા માગે છે, જ્યાં કોંગ્રેસનો દબદબો રહ્યો હોય. જેમ કે અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો આદિવાસી પટ્ટો. આ મિશનના ભાગરૂપે જ મોહન રાઠવાના કેસરિયા કરાયા.

કારણ 2- વર્ચસ્વ ધરાવતા નેતા એટલે મહેનત ઓછી કરવી પડે
કુંવરજી બાવળિયા, અલ્પેશ ઠાકોર, વિઠ્ઠલ રાદડિયા, પ્રદ્યુમનસિંહ જાડેજા. આવા ઘણા નેતા છે, જેમના વિસ્તારમાં પક્ષ કરતા વ્યક્તિત્વ મહત્વનું છે. ભાજપે આ સમીકરણમાં ફાયદો શોધ્યો.

કારણ 3- એન્ટિઈન્કમબન્સીનો ડર
કહેવાય છે કે આ ડરના કારણે જ આખી રૂપાણી સરકારને ત્રણ દિવસમાં ફેરવી કાઢી, અને ભૂપેન્દ્ર પટેલ સત્તામાં આવ્યા. જો ગાંધીનગર કક્ષાએ આવું હોય તો વિધાનસભા બેઠકો પર આ ચિંતા સ્વાભાવિક છે.

કારણ 4- કોંગ્રેસની મજબૂતી ઘટે, મતદારો સામે છાપ ખરડાય
જીત બાદ ધારાસભ્યોનો પક્ષપલટાનો નિર્ણય મતદારોમાં પણ પક્ષ કે નેતાની છાપ ખરડે. વિરમગામથી તેજશ્રીબેન, બાયડથી ધવલસિંહ અને રાધનપુરથી અલ્પેશ ઠાકોરનો દાવ ઉંધો પડ્યો ને પક્ષપલટા બાદ હાર મળી. પણ ભાજપ માટે અનુકૂળ નવા સમીકરણો રચાયા.
કારણ 5- કોંગ્રેસના ધારાસભ્યોનો સત્તામોહ
ઘણા એવા ધારાસભ્યો છે, જે વર્ષોથી કોંગ્રેસમાં ચૂંટાય તો છે પણ સત્તાનો સ્વાદ ચાખ્યો નથી. આખરે બાવળિયા, મેરજા, રાદડિયા, દેવુસિંહ જેવાની ધીરજ ખુટી, પક્ષપલટો કર્યો તો ઈનામમાં મંત્રીપદ મળ્યું.

કારણ 6- કોંગ્રેસનો આંતરિક વિખવાદ
હાર્દિક પટેલ, જવાહર ચાવડા, અશ્વિન કોટવાલ જેવા નેતાઓ કોંગ્રેસથી વિમુખ થયા તો આંતરિક વિખવાદને દોષ આપ્યો. આ કારણથી કોંગ્રેસી કાર્યકર્તાઓનું મોરલ ડાઉન થાય. અને સીધો ફાયદો ભાજપને.

એક તરફ કોંગ્રેસ પરિવર્તન યાત્રા કાઢીને ગુજરાતમાં સત્તા પરિવર્તનના સપનાનું વાવેતર કરી રહ્યું છે, તો બીજી તરફ ભાજપે કોંગ્રેસના ધારાસભ્યો પર જ પંજા મારવાનો સિલસિલો ફરી શરૂ કરી દીધો. રાજીવ ગાંધીના સમયમાં આવેલા પક્ષાંતર કાયદાનો પણ હવે કોઈ અર્થ રહ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...