ભાસ્કર ઇનડેપ્થAAPનું BJP સામે સરેન્ડર?:ભાજપને સુરતમાં ઘેરવા જતાં AAPએ 176 બેઠક જોખમમાં મૂકી, મોટાં માથાંએ ગઢમાં જ સેફ સીટ શોધી, ગુજરાત ઈસુદાનના ભરોસે

સુરત23 દિવસ પહેલાલેખક: દેવેન ચિત્તે

ગુજરાતમાં મતનો મહાસંગ્રામ શરૂ થઈ થયો છે. આગામી ચૂંટણીમાં એકબીજાને પછાડવાની રણનીતિઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ બધાની વચ્ચે ગુજરાતનું એક શહેર લડાઈનું કેન્દ્રબિંદુ બન્યું છે. આ શહેર એટલે સુરત. સમગ્ર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે, પણ સુરતમાં તસવીર સાવ અલગ છે. અહીં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ખરેખરનો મુકાબલો જામ્યો છે. જોકે ગુજરાતમાં પહેલીવાર સરકાર બનાવવાનાં સપનાં જોતી આમ આદમી પાર્ટીના અમુક નિર્ણયોએ રાજકીય પંડિતોને ચોંકાવ્યા છે.

પહેલાં AAPનો શું પ્લાન હતો?
આજથી થોડો સમય પહેલાં આમ આદમી પાર્ટીએ આખા ગુજરાતમાં જોરશોરથી પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું. માત્ર સુરત પાલિકાની પાર્ટી નહીં, પણ સમગ્ર રાજ્યમાં છવાઈ જવા માટેની તૈયારીઓ કરી હતી. અન્ય પાર્ટીઓની તુલનાએ સૌથી ઝડપી ઉમેદવારો પણ ડિક્લેર કરી દેવાનું શરૂ કર્યું હતું. જોકે જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે એમ એમ AAPનો વ્યાપ સીમિત બની રહ્યો એવું ચિત્ર ઊપસી રહ્યું છે. સામાન્ય રીતે AAPના નેતાઓ જે રાજ્યમાં ચૂંટણી હોય ત્યાં સત્તામાં રહેલાં મોટાં માથા સામે ચૂંટણીજંગમાં ઊતરતાં હોય છે. ભૂતકાળમાં વારાણસીમાં કેજરીવાલ પણ મોદી સામે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જોકે AAPએ આ સ્ટ્રેટેજી ગુજરાતમાં બદલી છે.

તમામ હુકમના એક્કાઓ એક જ જગ્યાએ ઉતારવા સ્ટ્રેટેજી કે મજબૂરી?
આમ આદમી પાર્ટીએ પાટીદાર પ્રભુત્વવાળી સુરતની તમામ 6 સીટ પર હુકમના એક્કા ઊતર્યા છે. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને કતારગામ, આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાને કરંજ, રામ ધડૂકને કામરેજ, પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાને વરાછા અને ધાર્મિક માલવિયાને ઓલપાડ પરથી ઉમેદવાર બનાવ્યા છે. આમ, AAPએ માત્ર સુરતની પાટીદાર પ્રભુત્વાળી સીટો પર જ ફોકસ કર્યું છે, જેથી AAPએ ગણતરીની સીટો પર જ ફોકસ કરી અન્ય સીટો જતી કરી હોય એવું ચિત્ર ઊપસી રહ્યું છે.

AAPના ત્રણ-ત્રણ સર્વેમાં નબળું પરિણામ આવ્યું
પહેલાં એ પણ નિશ્ચિત ન હતું કે સુરતની સૌથી મહત્ત્વની બેઠક પૈકીની વરાછા અને ઓલપાડ બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના કયા ઉમેદવાર મેદાનમાં ઊતરશે. ખુદ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ માનસિક રીતે તૈયાર નહોતા કે તેઓ વરાછા બેઠક પરથી પોતે ચૂંટણી લડશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આપની પાર્ટીએ ત્રણથી ચાર વખત સર્વે કરાવ્યા હતા, જેમાં ન તો ગોપાલ ઇટાલિયા કે ન તો મનોજ સોરઠિયાને સમર્થન મળ્યું હતું. જે પાટીદારોમાં પોતાનો પ્રભાવ છે એવું આમ આદમી પાર્ટી સતત બતાવવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યાં સર્વેનાં પરિણામ નબળાં આવતાં હતાં, આથી આપને ચિંતા પેઠી હતી કે આ બેઠકો પર આપણે સારી રીતે લડત આપી શકીશું કે કેમ? અને જો સુરતમાં માહોલ ન બન્યો તો સૌરાષ્ટ્રમાં જે થોડો ઘણો માહોલ અત્યારે બની રહ્યો છે એ પણ ખરા ટાઈમે વિખાઈ જશે.

PAASના આવવાથી AAPએ સ્ટ્રેટજી બદલી
બીજી તરફ, આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને PAASના કન્વrનર અલ્પેશ કથીરિયા વચ્ચેનો અહમ એટલો હતો કે એક મ્યાનમાં બે તલવાર કેવી રીતે લાવવી એ આમ આદમી પાર્ટી માટે પણ લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ હતી. જોકે કહેવાય છે ને કે રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતું. બંને નેતાની જરૂરિયાત હતી કે સમયસર રાજકારણમાં પોતાનું સ્થાન જમાવી લેવું જોઈએ અને પરિણામે અલ્પેશ કથીરિયા અને ગોપાલ ઇટાલિયાએ સમાધાન કર્યું અને પાસ આપમાં જોડાઈ ગઈ. બંને સાથે આવતાં આમ આદમી પાર્ટી માટે પાટીદાર મતદારોમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનું ખૂબ સરળ બની ગયું.

PAASના સાથથી ઈટાલિયાએ વહેતી ગંગામાં હાથ ધોયા
સ્વાભાવિક છે કે અલ્પેશ કથીરિયા પાસમાંથી કોઈ સ્વાર્થ વગર આવ્યા હોય એવું માનવાને કોઈ કારણ નથી. ભાજપ અને કોંગ્રેસ સાથે ટિકિટ પાકી ન થતાં અંતે થાકીને તેમણે આપનો સાથ પકડ્યો છે. AAPએ અલ્પેશ કથીરિયાને વરાછા અને ધાર્મિક માલવિયાને ઓલપાડ બેઠક પરથી ઉમેદવાર પણ જાહેર કરી દીધા હતા. PAASના સાથ બાદ સ્થિતિ ચારેતરફથી અનુકૂળ દેખાતાં વહેતી ગંગામાં હાથ ધોવાનું કોને ન ગમે. ગોપાલ ઈટાલિયા જે અત્યારસુધી ફોડ પાડીને બોલતા ન હતા અને ક્યારેક બોટાદ તો ક્યારેક બીજા કોઈ શહેરમાંથી ચૂંટણી લડવાની વાત કરતા હતા તેઓ પણ અંદર ખાનેથી સુરતની કોઈ સીટ શોધવામાં લાગી પડ્યા. અંતે, તેમણે કતારગામ બેઠક પસંદ કરી અને તેમના બીજા સાથી મનોજ સોરઠિયાએ કરંજ બેઠકને પસંદ કરી.

શું સુરતની બહાર AAPનું કંઈ ઊપજે એવું નથી?
જોકે આ ત્રિપુટી દ્વારા જે નિર્ણય લેવાઇ રહ્યા છે એના કારણે બીજા કેટલાક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે, જેમ કે શા માટે આમ આદમી પાર્ટીના તમામ મહત્ત્વના ચહેરાઓ સુરતથી જ ચૂંટણી લડી રહ્યા છે. પાસના ચહેરાઓ ખૂબ જ પ્રભાવશાળી છે અને પાટીદારોમાં તેમનું પ્રભુત્વ છે તો છએ છ બેઠક પર તેની અસર થાય તેવી પૂર્ણ શક્યતાઓને આમ આદમી પાર્ટી માની રહી છે. આપના એક મજબૂત ચહેરો ગોપાલ ઇટાલિયા પોતે પ્રદેશ પ્રમુખ છે ત્યારે તેમણે અન્ય કોઈ ઝોનમાં જઈને પણ પોતાના પક્ષને વધુ મજબૂત કરવાની જરૂરિયાત હતી, પરંતુ તેઓ પોતે પણ સુરતથી લડી રહ્યા છે ત્યારે કેટલાક તર્ક-વિતર્કો થાય એ પણ સ્વાભાવિક છે. આમ આદમી પાર્ટી આ પ્રકારના નિર્ણયો લેવાથી કેમ બચી શકી નહિ? શું રાજકીય રીતે એવું માની લેવાય ખરું કે આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્ર કે અન્ય ઝોનમાં સફળતાની આશા નથી? મોટા નેતાઓ પોતાની છબિ ખરાબ ન થાય અને રાજકીય કારકિર્દીમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ન ગણાય એના માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે?

શું માત્ર ઈસુદાન ગઢવીના સહારે સૌરાષ્ટ્ર છોડી દેવાશે
આમ આદમી પાર્ટીના સૌથી ચર્ચાતા ચહેરાઓ ઈટાલિયા અને મનોજ સોરઠિયા સુરતથી લડતા હોઈ, સૌરાષ્ટ્રનું સુકાન કોણ સંભાળશે એ મોટો પ્રશ્ન ઊભો થઈ થયો છે અથવા એવું લાગી રહ્યું છે કે હારવાના ડરથી ત્યાં કોઈ જવા તૈયાર નથી. સૌરાષ્ટ્રમાં આંતરિક રીતે પણ આમ આદમી પાર્ટી માની રહી છે કે ત્યાં તેમનું કંઈ ઊપજે એમ નથી. ગોપાલ ઇટાલિયા પણ અંદરથી એવું વિચારતા હશે કે ત્યાં જવું એ જોખમી છે. આવા અનેક પ્રશ્નો હાલ સર્જાઈ રહ્યા છે. ઈસુદાન ગઢવીનું જે થવાનું હોય એ થાય, પરંતુ આપણે આપણી રાજકીય સફરને સફળતાપૂર્વક આગળ વધારતા રહીએ એ પ્રકારની માનસિકતા સાથે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા આગળ વધી રહ્યા છે. શું ઈટાલિયા સૌરાષ્ટ્રની એવી કોઈ બેઠક પસંદ ન કરી શકે, જ્યાં ઊભા રહે તો તેની આજુબાજુની સીટો પર આપનો માહોલ ઊભો થાય? વર્તમાન સ્થિતિને જોતાં એવું લાગી રહ્યું છે કે સુરત શહેર સિવાય આમ આદમી પાર્ટીને પૂછનારું કોઈ નથી અથવા તો આમ આદમી પાર્ટી એટલો વિશ્વાસ નથી કરી શકતી કે તેઓ સુરતની બહાર પણ પોતાનું કદ વધારશે કે સફળતા મેળવી શકશે.

સુરતમાં આપનો માહોલ બનાવી સૌરાષ્ટ્રમાં લાભ લેવાની રણનીતિ
રાજકીય નિષ્ણાતો માને છે કે સુરત શહેરમાં જે હવા બને છે એની સીધી અસર સૌથી વધુ સૌરાષ્ટ્ર અને ત્યાર બાદ ઉત્તર ગુજરાતમાં પણ થતી હોય છે. જો સુરતની છ પાટીદાર મતદારોની બેઠક ઉપર આમ આદમી પાર્ટી ભાજપ કરતાં પણ આગળ છે એવો માહોલ તૈયાર થાય તો સૌરાષ્ટ્રમાં પણ એક વાતાવરણ ઊભું થાય કે આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કંઈક અણધાર્યું પરિણામ લાવી શકશે. પાસના બે ક્રાંતિકારી ચહેરા અને ત્રીજો, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પોતે જ્યારે સુરતથી લડશે ત્યારે સ્વાભાવિક રીતે જ પાર્ટીનું મોરલ પણ ઉપર આવશે, કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ દેખાશે અને તેનું રાજકીય રીતે વિધાનસભાના પરિણામ પર હકારાત્મક અસર લાવી શકાશે. ચારે તરફની રાજકીય પરિસ્થિતિને જોતાં આ ત્રિપુટીઓનો ખેલ આમ આદમી પાર્ટીને લાભ કરાવી શકે એવી શક્યતાને કોઈ નકારી શકે એમ નથી.

ભાજપ માટે સુરત કેમ મહત્ત્વનું?
રૂપાણીની વિદાય બાદ ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી બન્યા પછી ભાજપની આખી સરકાર સુરતથી ચાલતી હોય એવું ચિત્ર ઊપસી આવ્યું છે. સુરતના ચાર-ચાર ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાત પર આટલી મહેરબાની પાછળ ભાજપની ખાસ સ્ટ્રેટેજી ગણવામાં આવે છે. ફેબ્રુઆરી-2021માં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીએ ગુજરાતના રાજકારણની દિશા બદલી નાખી છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 કોર્પોરેટર સાથે આમ આદમી પાર્ટીએ ઘૂસ મારી હતી. એક તરફ સુરતમાં કોંગ્રેસનો સફાયો થયો, પણ એના કરતાં તેનાથી પણ વધુ પોલિટિકલી ભાજપ માટે જોખમી એવી પાર્ટી આપ મજબૂતાઈથી પ્રવેશી ગઈ. બસ, આ જ વાતથી ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ. સાવ નવીસવી પાર્ટીએ કોઈપણ પ્રકારના સંગઠન વગર ભાજપના ગઢમાં ભવ્ય વિજય મેળવ્યો અને ગુજરાતના રાજકારણનો માહોલ આખો બદલાઈ ગયો.

એક મહિલાની નારાજગીએ કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો
હવે મૂળ વાત એ છે કે AAPને સુરત મહાનગરપાલિકામાં 27 બેઠક મળી કેવી રીતે? વાત એમ છે કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં PAAS (પાટીદાર અનામત આંદોલન સમિત) દ્વારા કોંગ્રેસ પાસે બે ટિકિટ માગવામાં આવી હતી, જેમાં એક PAASના સહ-કન્વીનર ધાર્મિક માલવિયા અને બીજી એડવોકેટ સંજય ધોરાજિયાનાં પત્ની વિલાસ ધોરાજિયા માટે ટિકિટ મગાયેલી હતી. કોંગ્રેસે છેક સુધી વિલાસબેનને મેન્ડેટ આપવાની વાત કરેલી અને અંતે, કોંગ્રેસે પાસની પીઠમાં ખંજર ભોંક્યું હોય તેમ મેન્ડેટ ન આપતાં પાસના ધાર્મિક માલવિયાએ પણ ફોર્મ ભર્યું નહોતું, જેથી નારાજ થઈને PAAS કોંગ્રેસથી વિમુખ થઈ, જેનું પરિણામ કોંગ્રેસને ચૂંટણી પરિણામમાં ભોગવવું પડ્યું. વર્ષ 2015 વખતે જે કોંગ્રેસને પાલિકાની 36 બેઠકો મળેલી તે 2021માં શૂન્ય પર આવી ગઈ હતી. બીજી તરફ PAASએ કોંગ્રેસના બદલે AAPને સમર્થન આપ્યું અને AAP 27 જેટલી સીટ મેળવવામાં સફળ રહ્યું.

આપનું સંગઠન નબળું અને પાસનું મજબૂત
રાજકીય પરિપેક્ષ્યમાં જોઈએ તો આમ આદમી પાર્ટી સુરતની છ બેઠક પર પાસના સંગઠનના આધારે જ આગળ વધી રહી છે. સૌકોઈ જાણે છે કે નવી નવી આવેલી આ પાર્ટી આમ આદમીને કોર્પોરેશનમાં જળહળતી સફળતા કોણે અને કેમ અપાવી. જાહેરમાં ભલે અરવિંદ કેજરીવાલ કે પછી ગોપાલ ઇટાલિયાએ પાસના કારણે જીત મળી હોવાની વાત ન કરી હોય, પણ હકીકત જગજાહેર છે. આ બાબતને લઈને સોશિયલ મીડિયામાં પણ આમ આદમી પાર્ટીના કાન ઘણી વખત ખેંચાઈ ચૂક્યા છે. વિધાનસભાની ચૂંટણીના અંતિમ દિવસોમાં ભાજપને હરાવવા હવે રાગદ્વેષ બાજુ પર રાખીને આપ અને પાસ એકબીજાનો સહારો લીધા વિના છૂટકો નથી. પાસની ટીમને પણ ખોડલધામ નરેશ તરફથી લીલી ઝંડી મળી જતાં તેઓ પણ વાજતેગાજતે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા.

કોર્પોરેશનની પેટર્નથી મતદાન કરાવવાનો પ્રયાસ થશે
હવે ખરો ખેલ તો ત્યારે જ સાચો પુરવાર થશે કે જ્યારે પક્ષને વિજય મળે. એ પણ ઘરેથી નીકળેલો મતદાર મતદાન મથક પર જઈને એવા મશીનમાં પોતાની પાર્ટીને મત આપી આવે. આમ આદમી પાર્ટી દ્વારા હવે સૌથી વધુ એ જ પ્રયાસ હશે કે જે રીતે કોર્પોરેશનની પેટર્નમાં પાટીદારોએ ઉમેદવારને જોવા કરતાં પણ વધારે મહત્ત્વ આપના ચૂંટણીચિહ્ન ઝાડુને આપ્યું હતું. એવી જ રીતે એક આંખો માહોલ ઊભો કરવો પડશે, જેથી મતદાર મત આમ આદમી પાર્ટીને જ આપે. જોકે આ વખતે સ્થિતિ થોડી એટલા માટે અલગ અને સરળ હશે કે જે ચહેરાઓ છે એ પણ જાણીતા હશે. જેથી લોકો સ્વાભાવિક રીતે જ મતદાન કરે ખરા એમાં કોઈ શંકા પણ નથી. કેમ કે જે પાસના કહેવાથી કોર્પોરેશનની અંદર જો આમ આદમી પાર્ટીને મત મળતા હોય તો આ જ વાત વિધાનસભામાં પણ લાગુ પડી શકે છે.

જોકે અમુક નિષ્ણાતો કહે છે કે કોર્પોરેશનની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં અલગ અલગ ઈસ્યુ અને મુદ્દા પર મત પડતા હોય છે. હવે એ જોવાનું રહે છે કે કોર્પોરેશનની ચૂંટણી મુજબ આપની તરફેણમાં પરિણામ આવે છે કે ગઈ વિધાનસભા પ્રમાણે ભાજપની તરફેણમાં મત પડે છે. જોકે મુકાબલો રસાકસ્સીભર્યો રહેશે એમાં કોઈ શંકા નથી.

અન્ય સમાચારો પણ છે...