ELECTION રાઉન્ડ અપ:AAPનું મોટું માથું ફસાયું, કૉંગ્રેસની ત્રીજી યાદી જાહેર, અંકલેશ્વરમાં બે સગા ભાઈ સામસામે લડશે, જુઓ 8 સૌથી મોટા ચૂંટણી સમાચાર

18 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે.સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.રોજ રોજ સભાઓ થઈ રહી છે.ઉમેદવારોના નામોની જાહેરાતો થઈ રહી છે. કોઈ નેતા નામ જાહેર થતાં ખુશ છે તો કોઈ નેતા રોષે ભરાયા છે. ત્યારે દિવસભરની તામામ રાજકીય અપડેટ માટે દિવ્ય ભાસ્કર લઈને આવ્યુ છે ઈલેક્શન રાઉન્ડ અપ ન્યુઝ બુલેટિન.જેમાં દિવસભરની તમામ મહત્વની રાજકીય ખબરોનો ચિતાર મળશે સંક્ષિપ્તમાં. બુલેટિન જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો

કોંગ્રેસે ત્રીજી યાદી જાહેર કરી
ફોર્મ ભરવામાં ત્રણ દિવસ બાકી અને તેમાં પણ બે દિવસ રજા છે. તેવામાં કોંગ્રેસે આજે ત્રીજી યાદી જાહેર કરી છે. જેમાં રાજકોટ પૂર્વ બેઠક પર આપમાં આંટો મારી આવેલા ઈન્દ્રનીલ રાજ્યગુરૂને ટિકિટ આપી છે. તો ધારીથી ડૉ. કીર્તિ બોરીસાગર, રાપરથી બચુભાઈ અરેથિયા, નાંદોદથી હરેશ વસાવા, નવસારીથી દીપક બરોથ, ગણદેવીથી અશોક પટેલ ટિકિટ આપી છે. આ સાથે અત્યાર સુધીમાં કોંગ્રેસના કુલ 96 ઉમેદવાર જાહેર થઈ ગયા છે.

ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડતું આ કૃત્યઃ પ્રગતિ આહીર
આમ આદમી પાર્ટીના નેતાઓ દિલ્હીનું કલ્ચર તમારી પાસે રાખો. દંગા, દારૂ અને ડ્રગ પર આમ આદમી પાર્ટી ચાલતી હતી હવે દુષ્કર્મ એમ ત્રણ D પર ચાલે છે. આપના હાંથીના દાંત દેખાડવાના અને ચાવવાના અલગ છે. ગુજરાતના પ્રભારી અને દિલ્હીના ધારાસભ્ય દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. ગુજરાતની મહિલાઓ શું આવા નેતાને સ્વીકારશે? ગુજરાતની મહિલાઓને અપીલ છે કે લોભ લાલચમાં ન આવે. ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડતું આ કૃત્ય કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ટિકિટ અને સંગઠનમાં સ્થાન મળે એ માટે મહિલાનું શોષણ થયું છે.

ત્રણ બેઠકો પર કોંગ્રેસ અને NCPનું ગઠબંધન
કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન અંગેની બેઠક થઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને જયંત બોસ્કી સહિતના દિગ્ગજો હાજર રહ્યાં હતાં. જગદીશ ઠાકોર અને જયંત બોસ્કીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ઉમરેઠ-નરોડા-દેવગઢ બારીયા બેઠક પર NCPના ઉમેદવાર ચૂંટણી લડશે.CP નેતા જ્યંત બોસ્કી જણાવ્યું હતું જે પણ NCPના લોકોએ પક્ષની વિરુદ્ધમાં જઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી હશે તેમણે પક્ષમાંથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. નરોડામાંથી NCPના સંભવિત ઉમેદવાર નિકુલ સિંહ તોમરનું નામ સામે આવ્યું છે. નિકુલ સિંહ અત્યારે કોંગ્રેસના મેન્ડેટ પરથી નરોડાના કોર્પોરેટર છે. જો નિકુલ સિંહ NCPમાંથી જીતે તો કાનૂની સલાહ લઈને જ એક હોદ્દો છોડવો અથવા બન્ને હોદ્દા પર રહી શકે છે. NCP એ આજે આડકતરી રીતે કુતિયાણા અને ગોંડલ બેઠક પરથી પોતાના ઉમેદવાર નહિ ઉભા રાખીને કાંધલ જાડેજા અને રેશ્મા પટેલને મેન્ડેટ નહિ આપવાનો ઇશારો કરી દીધો છે. જ્યંત બોસ્કીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કુતિયાણા બેઠકને લઈને હજુ વાતચીત ચાલી રહી છે.પક્ષ મેન્ડેટ નહિ આપે છતાં કાંધલ જાડેજા અપક્ષમાંથી ચૂંટણી લડશે તો પક્ષના મોવડી મંડળને રજુઆત કરવામાં આવશે અને મોવડી મંડળ કાર્યવાહી કરશે.

હાર્દિક પટેલ હવે મહેસાણા જઈ શકશે
ભાજપના વિરમગામ બેઠકના ઉમેદવાર હાર્દિક પટેલને હાઈકોર્ટે રાહત આપી છે. પાટીદાર આંદોલન સમયે વિસનગર તોડફોજ કેસમાં મહેસાણામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધની શરતમાં હાઈકોર્ટે આંશિક રાહત આપી છે. હવે હાર્દિક પટેલ એક વર્ષ સુધી મહેસાણામાં પ્રવેશ કરી શકશે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે હળવી ટકોર કરી હતી. આ કેસમાં થયેલી સજા રદ થઈ જાય તો પણ સરકારને વાંધો નહીં હોય.

બળદેવજી ઠાકોર તો 'બગડ્યા'
કડીમાં કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસારની શરુઆત કરી દેવામાં આવી હતી. જેમાં આજે કડીના જૂની મામલતદાર કચેરી ખાતે જાહેરસભા યોજાઈ હતી. જેમાં કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર આકરા પાણી થઈ પોતાની આગવી છટામાં જાહેરસભાને સંબોધી હતી.અને ભાજપ પર સટાસટ પ્રહારો કર્યા. બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે,'કડીમાં કોંગ્રેસના ઉમેદવાર એડવોકેટ પ્રવિણ પરમાર 8 હજાર મતે ના જીતે, તો રાજકારણ છોડી દેવાની તૈયારી મારી'.

અંકલેશ્વર બેઠક પર બે સગા ભાઈ વચ્ચે મુકાબલો
ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જ્યારે પહેલી યાદીના પાંચ ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. જ્યારે કોંગ્રેસે પોતાના 96 ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોમાં બે સગા ભાઈઓ વચ્ચેની કહાની સામે આવી છે. બંને ભાઈઓ વચ્ચે ચાલતા પારિવારિક વિખવાદનો કોંગ્રેસે ફાયદો ઉઠાવ્યો હોવાની વાત સામે આવી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ ઈશ્વરસિંહ પટેલને ટિકિટ આપી તો તેની સામ કોંગ્રેસે વિજયસિંહ પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. બંને ભાઈઓ વચ્ચે ચાલતા પારિવારિક વિખવાદનો કોંગ્રેસે ફાયદો ઉઠાવ્યો છે

વિનુ મોરડિયાએ ઘોડેસવારી કરી ફોર્મ ભર્યું
સુરતના કતારગામ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને રાજ્ય સરકારના શહેરી વિકાસમંત્રી વિનુ મોરડિયા આજે અનોખી રીતે ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા. તેઓ નિવાસસ્થાનેથી સૌ પહેલા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા. ઉમેદવારીપત્ર ભરવા માટે તેઓ ઘોડા પર મંદિરે પહોંચ્યા, ત્યાર બાદ ચૂંટણી અધિકારીઓ પાસે જવા રવાના થયા હતા.

રાજકોટમાં પૂર્વ CM રૂપાણીનું બેલેન્સ બગડ્યુ
રાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે આજે ભાજપના ઉમેદવારો સભા સંબોધન કરી વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જશે. ઉમેદવારીપત્રક નોંધાવે એ પહેલાં સભા ખાતે ભાજપના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત નેતાઓ-આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્ટેજ પર આવ્યા બાદ બેસવા સમયે ફસકી ગયા હતા અને પડતાં પડતાં રહી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...