ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે દરેક પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે મતદારોમાં અલગ અલગ પ્રકારના મૂડ દેખાઈ રહ્યો છે. વડોદરામાં મતદારોનાં મંતવ્ય જાણવા માટે દિવ્ય ભાસ્કર સયાજીગંજની બેઠક ખાતે પહોંચ્યું હતું, જ્યાં કેટલાક મતદારોએ સરકારને સમર્થનની વાતો કરી હતી તો કોઈકે હૈયા વરાળ ઠાલવી હતી.
સયાજીગંજ વિધાનસભા બેઠક
ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠક છે, જેમાં વડોદરા જિલ્લામાં કુલ 10 બેઠક છે. એ પૈકી 5 બેઠક શહેર અને 5 બેઠક ગ્રામ્ય વિધાનસભા બેઠક આવેલી છે. વડોદરા શહેરની પાંચ બેઠક પૈકી સયાજીગંજ- 142 વિધાનસભા બેઠક સામેલ છે. આ બેઠક અંતર્ગત વડોદરા તાલુકાના વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (ભાગ) વોર્ડ નં. – 7, 10, અંડર (ઓજી) 11, કેરોડિયા (ઓજી) 12 વગેરેનો સમાવેશ થાય છે. વડોદરા શહેરની સયાજીગંજ વિધાનસભા જનરલ બેઠક પર કુલ 2,93,563 મતદારો નોંધાયા છે, જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,50,663 છે. તો સ્ત્રી મતદારોની સંખ્યા 1,42,867 છે.
વડોદરા સયાજીગંજ બેઠકની ખાસિયત
વડોદરાની પાંચ વિધાનસભા બેઠકમાં સૌથી મોટી વિધાનસભા બેઠક સયાજીગંજ વિધાનસભા બેઠક છે. આ બેઠકમાં વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, ફતેગંજ લાલ ચર્ચ, એલેમ્બિક કંપની, રેલવે સ્ટેશન, ગોરવા જીઆઇડીસી, ગેરી, સયાજીબાગ, સયાજીગંજ મતવિસ્તારની આગવી ઓળખ મનાય છે.
જાતિગત સમીકરણ-
વડોદરા શહેરમાં સયાજીગંજ વિધાનસભા બેઠક પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો સૌથી વધુ ઓબીસી જાતિ સાથે અન્ય જાતિના લોકો વસે છે. ઓબીસી મતદાર વધુ હોવાને કારણે છેલ્લી ચાર ટર્મથી ભાજપનો ભગવો આ બેઠક પર લહેરાઈ રહ્યો છે. આ બેઠક પર ઓબીસી મતદારોની સંખ્યા સૌથી વધુ છે. આ બેઠકમાં છાણી-નવાયાર્ડ વિસ્તારનું પ્રભુત્વ છે.
રાજકીય સમીકરણ
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠક પર ભાજપ દ્વારા "નો રિપીટ" થિયરી અપનાવશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુમાં મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની પણ ચર્ચા ચાલી રહી છે. ગુજરાત એ ભાજપ માટે પ્રયોગ શાળા મનાય છે. ભાજપ દ્વારા ગુજરાતમાં જે રાજકીય પ્રયોગ કરવામાં આવે છે અને એને સફળતા મળે તો એનો અન્ય રાજ્યોમાં અમલ કરે છે. વર્ષ 2005ની પાલિકાની ચૂંટણીમાં "નો રિપીટ થિયરી" અપનાવી હતી અને એમાં 90 ટકા સફળતા મળી હતી.
એ પછી 2020માં આંશિક 'નો રિપીટ થિયરી' અપનાવવામાં આવી હતી, જેમાં ભારે સફળતા મળી હતી. આ દરમિયાન થોડા સમય પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીને મુખ્યમંત્રીપદેથી દૂર કરી ભૂપેન્દ્ર પટેલને બેસાડવામાં આવ્યા હતા. એ સાથે મંત્રીમંડળમાં પણ ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા હતા, જેની સામે કોઈ વિરોધ થયો ન હતો.
સયાજીગંજ વિધાનસભા ક્ષેત્ર પણ ભારતીય જનતા પાર્ટી માટે સલામત બેઠક સમાન છે, કારણ કે એ 1995થી અત્યારસુધીમાં 5 વખત અહીંથી જીતી ચૂકી છે. જિતેન્દ્ર સુખડિયા અહીંથી સતત 2 વખત જીતી રહ્યા છે તેમજ 2002માં પણ વિજયી બન્યા હતા, પરંતુ પેટાચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. 2012ની ચૂંટણીમાં તેમને 1,07,358 મત મળ્યા અને કોંગ્રેસના કીર્તિભાઈ જોષીને 58,237થી હરાવીને વિધાનસભામાં પહોંચ્યા હતા.
2012 અને 2017ના પરિણામ
વડોદરા સયાજીગંજ વિધાનસભા બેઠક છેલ્લી 4 ટર્મથી ભાજપ હસ્તક છે. 2012માં જિતેન્દ્ર સુખડિયા ભાજપ પક્ષ અને કિરીટ જોશી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતાં. જિતેન્દ્ર સુખડિયાને 1,07,358 મત અને કિરીટ જોશીને 49,121 મત મળ્યા હતાં. 2012માં ભાજપની આ બેઠક પર ભવ્ય જીત થઈ હતી.
2017માં આ બેઠક પર ભાજપ પક્ષ તરફથી છેલ્લી ચાર ટર્મથી ચૂંટાતા જિતેન્દ્ર સુખડિયા અને કૉંગ્રેસ પક્ષના નરેન્દ્ર રાવત પોતાની ઉમેદવારી પ્રજા સમક્ષ મૂકી હતી, જેમાં જિતેન્દ્ર સુખડિયાને 99,957 મત મળ્યા હતા તો નરેન્દ્ર રાવતને 40,825 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો.
વિસ્તારની સમસ્યાઓ
વડોદરા સયાજીગંજ વિધાનસભા બેઠક પર મહાનગરપાલિકાના સામાન્ય પ્રશ્નોનો સામનો નાગરિકો કરી રહ્યા છે. ત્યારે સ્થાનિકોની માગ છે કે વડોદરા સયાજીગંજ વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ સમસ્યાઓ છે, જેમાં મુખ્ય સમસ્યા દૂષિત પાણી, ડ્રેનેજ અને ગંદકીની સમસ્યા છે. આ સમસ્યાઓ દૂર કરવાની નાગરિકો માગણી કરી રહ્યા છે. આ વિસ્તારમાં ઔદ્યોગિક વસાહતને કારણે મોડી રાત્રે છૂટતા કેમિકલના કારણે અવારનવાર લોકો મુશ્કેલીમાં મુકાય છે.
આ સાથે વડોદરા સયાજીગંજ વિસ્તારમાં છાણી અને નવાયાર્ડ વિસ્તાર ડેવલપમેન્ટનો મોટો પ્રશ્ન છે, કેમ કે છેલ્લી 4 ટર્મથી ચૂંટાતા ભાજપ પક્ષના નેતા દ્વારા વિકાસ કરવામાં આવ્યો નથી, જેથી પ્રજામાં નારાજગી છે. એ ઉપરાંત આ વિસ્તારમાં પરશુરામ ભઠ્ઠા આવાસને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ મતવિસ્તારમાંથી વિશ્વામિત્રી નદી પણ પસાર થતી હોવાના કારણે ચોમાસાની ઋતુ દરમિયાન વિશ્વામિત્રી નદીના કિનારાના વિસ્તારોમાં પૂરનાં પાણી ઘૂસી જવાની સમસ્યા આજે વર્ષો પછી પણ યથાવત્ છે.
ધારાસભ્યો સામે પ્રજાની નારાજગી
હાલ મોંઘવારીએ માઝા મૂકી છે અને બેરોજગારી પરાકાષ્ઠાએ પહોંચી છે. શિક્ષણ મોંઘું થઇ ગયું છે. અનેક ગ્રામ્ય વિસ્તારો વિકાસથી વંચિત છે. પરિણામે, લોકોમાં સરકાર સામે ભારે નારાજગી છે. વર્તમાન ધારાસભ્યો સામે પણ નારાજગી છે, ત્યારે સામાન્ય પ્રજાની નારાજગીને ડાઇવર્ટ કરવા માટે ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણીમાં નવા કાર્યકરોને તક આપવાના બહાને "નો રિપીટ થિયરી" અપનાવે એવી ચર્ચાઓ ખુદ ભાજપના દિગ્ગજ નેતાઓ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.