ભૂપેન્દ્ર પટેલ પાન ખાય એ ગલ્લો:બનારસી સાદું પાન અને પ્રમુખ મસાલાના શોખીન, મુખ્યમંત્રી બન્યા પછી પણ તેમનું ખાતું ચાલે

3 મહિનો પહેલાલેખક: કમલ પરમાર

ખઈ કે પાન બનારસ વાલા...
ખુલ જાયે બંધ અકલ કા તાલા...

અમિતાભ બચ્ચનની ડોન ફિલ્મના આ ગીતમાં જે બનારસી પાનની વાત કરવામાં આવી છે એ બનારસી પાનના શોખીન તો આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ છે. ભૂપેન્દ્ર પટેલ સાદું બનારસી પાન ખાવાની સાથે સાથે સાદો મસાલો ખાવાનું પણ પસંદ કરે છે. તેઓ જ્યારે મેમનગર નગરપાલિકાના પ્રમુખ બન્યા ત્યારથી નવરંગપુરા યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા વિકાસ પાન સેન્ટરનાં પાન ખાવાની શરૂઆત કરી હતી. એ સિલસિલો મુખ્યમંત્રી બન્યા બાદ પણ યથાવત્ છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે વિકાસ પાન સેન્ટરની મુલાકાત લઈને મુખ્યમંત્રીના કેટલાક રોચક કિસ્સાઓ વિશે ઓનર સંજયભાઈ પટેલ સાથે વાતચીત કરી હતી. ત્યારે ગેમ ઓફ ગુજરાત 2022માં વાંચો ભૂપેન્દ્ર પટેલની વિકાસ પાન પાર્લર સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો આ ખાસ અહેવાલમાં...

વિકાસ પાન સેન્ટરના ઓનર સંજયભાઈ પટેલ.
વિકાસ પાન સેન્ટરના ઓનર સંજયભાઈ પટેલ.

DB: વિકાસ પાન સેન્ટરની શરૂઆત કયારથી થઈ?
સંજયભાઈ પટેલઃ વિકાસ પાન સેન્ટરની શરૂઆત તો આજથી 50 વર્ષ પહેલાં ઈન્કમટેક્સ ખાતે આવેલી જૂની હાઈકોર્ટ પાસે થઈ હતી. જ્યારે 2001માં વિકાસ પાન સેન્ટરની બીજી બ્રાન્ચ નવરંગપુરા યુનિવર્સિટી વિસ્તારમાં શરૂ કરી.

DB: ભૂપેન્દ્ર પટેલ ક્યારથી વિકાસ પાન સેન્ટરમાં આવે છે?
સંજયભાઈ પટેલઃ ભૂપેન્દ્ર પટેલ જ્યારે મેમનગર નગરપાલિકાના પ્રમુખ બન્યા ત્યારથી જ તેઓ અમારા ગલ્લા પર નિયમિત રીતે મિત્રો સાથે આવતા હતા.

ભૂપેન્દ્ર પટેલ મેમનગર પાલિકાના પ્રમુખ હતા ત્યારે અમિત શાહ સાથે.
ભૂપેન્દ્ર પટેલ મેમનગર પાલિકાના પ્રમુખ હતા ત્યારે અમિત શાહ સાથે.

DB: મિત્રો સાથે અહીં આવતા ત્યારે તેઓ શું ખાતા હતા ?
સંજયભાઈ પટેલઃ જ્યારે ભૂપેન્દ્ર પટેલ અહીં પોતાના મિત્રો સાથે આવે ત્યારે ખૂબ જ હસીમજાક કરાવતા હતા. આ દરમિયાન તેઓ સાદું પાન ખાતા હતા. અને જો એ તેમના કામમાં વ્યસ્ત હોય તો કોઈને મોકલીને સાદો મસાલો મગાવતા હતા.

DB: ભૂપેન્દ્ર પટેલ કયું પાન અને મસાલો ખાય છે?
સંજયભાઈ પટેલઃ ભૂપેન્દ્ર પટેલ જ્યારથી અહીં આવે છે ત્યારથી જ તેઓ સાદું બનારસી પાન ખાય છે. આ સાથે જ કેટલીકવાર તેઓ પ્રમુખ સાદો મસાલો પણ ખાય છે.

DB: સાદા મસાલાનું નામ પ્રમુખ કેવી રીતે પડ્યું?
સંજયભાઈ પટેલઃ ભૂપેન્દ્ર પટેલ જ્યારથી મેમનગર નગરપાલિકાના પ્રમુખ બન્યા ત્યારથી અહીં આવીને સાદો મસાલો ખાય છે. કેટલીકવાર તેઓ કામમાં હોવાથી રૂબરૂ આવી ન શકવાના કારણે કોઈને પણ મોકલી દેતા. આ દરમિયાન મસાલો લેનારી વ્યક્તિ કહેતા કે પ્રમુખ સાહેબના મસાલા આપો અને બસ ત્યારથી આ મસાલાનું નામ અમે 'પ્રમુખ' મસાલો રાખી દીધું અને જોતજોતામાં તો એ મસાલો એટલો વખણાયો કે હવે લોકો 'પ્રમુખ' નામથી જ મસાલો માગે છે.

DB: ભૂપેન્દ્ર પટેલ CM બન્યા પછી અહીં આવે છે કે કેમ?
સંજયભાઈ પટેલઃ ભૂપેન્દ્ર પટેલ CM બન્યા પછી અહીં આવ્યા નથી. તેઓ મુખ્યમંત્રી બન્યા એટલે પ્રોટોકોલ જાળવવાના કારણે તેઓ હવે તેમના માણસ પાસે જ બનારસી સાદું પાન અને પ્રમુખ મસાલો મગાવે છે.

DB: CM બન્યા પછી મસાલો અને પાન ખાય છે?
સંજયભાઈ પટેલઃ હાલમાં તેમનો માણસ અહીં આવીને પાનની સાથે સાથે મસાલો પણ લઈ જાય છે, પણ પાનમાં 10થી 12 કલાક પછી ડાઘી લાગી જવાને કારણે બગડી જાય છે, જેથી તેઓ પાનની સાથે સાથે મસાલા પણ મગાવે છે.

DB: CM ભૂપેન્દ્ર પટેલ દિવસનાં કેટલાં પાન અને મસાલા મગાવે છે?
સંજયભાઈ પટેલઃ એમાં તો એવું છે કે સાહેબ પણ મસાલો ખાય છે અને તેમની સાથે જે પણ લોકો હાજર હોય એ લોકો પણ મસાલો ખાય છે, એટલે 10-15 મસાલા લઈ જાય અને 5 જેવાં પાન મગાવે છે. હવે મુખ્યમંત્રી બન્યા પછી તો તેમનો અલગ અલગ જગ્યાએ પ્રવાસ રહે છે, ત્યારે જો ક્યાંય બહાર જવાનું થાય તો વધારે પણ મગાવે છે.

DB: ભૂપેન્દ્ર પટેલનું ખાતું ચાલે છે કે પછી રોકડા આપે છે?
સંજયભાઈ પટેલઃ ભૂપેન્દ્ર પટેલ જ્યારે મેમનગર નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે તેઓ રોકડા રૂપિયા આપીને જ મસાલા અને પાન લઈ જતા હતા, પણ ધીરે ધીરે તેમનું રાજકારણમાં સ્થાન આગળ વધતું ગયું અને તેઓ એમાં વ્યસ્ત થઈ ગયા, જેને કારણે તેમના માણસો પાસે મગાવતા હતા, જેથી તેમનો હિસાબ અમે અલગથી રાખીએ છીએ, એ પછી તેઓ પેમેન્ટ કરી દેતા.

DB: CM બન્યા પછી રોકડેથી લઈ જાય કે પછી ખાતું ચાલે છે?
સંજયભાઈ પટેલઃ
સાહેબનું જેમ પહેલાં ખાતું ચાલતું હતું એ જ રીતે અત્યારે પણ તેમનો હિસાબ અમે અલગથી રાખીએ છીએ.

DB: મહિને કેટલા રૂપિયાના મસાલા અને પાન લઈ જાય છે?
સંજયભાઈ પટેલઃ સાહેબ રોજના 10થી 15 પાન અને 5 જેવા મસાલા મગાવે છે, એટલે 300થી 400 રૂપિયાના તો એ મગાવે જ છે, પણ કેટલીકવાર વધારે તો કેટલીક વાર ઓછા મગાવે છે, જેના કારણે મહિને કેટલા રૂપિયાના ખાય છે એનો અંદાજ નથી.

DB: ભૂપેન્દ્ર પટેલનો અહીં કોઈ રોચક કિસ્સો જે તમને યાદ હોય?
સંજયભાઈ પટેલઃ આમ તો પહેલેથી જ ખૂબ જ ખુશમિજાજ સ્વભાવના છે, એટલે જ્યારે પણ આવતા ત્યારે મજાકમસ્તી કરતા હતા, પણ એકવાર જ્યારે સવાર સવારમાં તેઓ અહીં આવ્યા ત્યારે હું એકલો જ હતો. એટલે મેં તેમને કહ્યું કે હું આવું થોડીવારમાં, જરા ધ્યાન રાખજોને... ત્યારે એક ગ્રાહક આવ્યો તો એ પોતે જ મારી ગાદી પર બેસી ગયા અને તેમણે મસાલો બનાવીને આપી દીધો.

DB: તેમણે કોઈ રાજકીય નિર્ણય લીધો છે?
સંજયભાઈ પટેલઃ તેઓ મિત્રો સાથે આવતા ત્યારે ઘણી બાબતો વિશે તેમના મિત્રો સાથે ચર્ચા કરતા હતા, પરંતુ અમે કોઈ દિવસ એવું ધ્યાન નથી રાખ્યું કે તેઓ કયા પોઈન્ટ પર વાતો કરે છે.

DB: તેમનું બનારસી પાન અને પ્રમુખ પાન કઈ રીતે તૈયાર કરો છો?
સંજયભાઈ પટેલઃ એ પાન બનાવવા માટે સૌથી પહેલા અમે બનારસી પાન લઈએ છીએ. એમાં કાચો ચૂનો, લવલી, જેઠીમધ, ચટણી, ઈલાયચી અને કાચી સોપારીની સાથે મીઠી સોપારી નાખીએ છીએ. તો પ્રમુખ મસાલામાં તેમણે જ કહ્યું હતું કે મારા મસાલામાં લવલી, જેઠીમધ અને ચૂનો નાખો એટલે અમે એ જ રીતે બનાવીએ છીએ.

DB: તમારા ગલ્લાનું નામ વિકાસ કેમ રાખ્યું છે?
સંજયભાઈ પટેલઃ અમારી આ દુકાન તો 50 વર્ષ પહેલાંથી જ વિકાસના નામથી છે. મારી બહેનનું નામ વિકાસ હતું એટલે અમે આ ગલ્લાનું નામ વિકાસ રાખ્યું છે. બાકી ભાજપ અને વિકાસને અમારા ગલ્લાના નામ સાથે સીધો કોઈ જ સંબંધ નથી.

DB: ભૂપેન્દ્ર પટેલને ફરી ટિકિટ મળી છે શું કહેશો?
સંજયભાઈ પટેલઃ ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા માટે તો ખૂબ જ સારા માણસ છે. હવે ફરીથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે અમે તેમને શુભેચ્છાઓ આપીએ છીએ અને મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે પણ ભૂપેન્દ્ર પટેલનો વિજય થશે.

DB: બીજા કોઈ કલાકારોએ આ ગલ્લાની મુલાકાત લીધી છે?
સંજયભાઈ પટેલઃ હા, ભૂપેન્દ્ર પટેલ સિવાય અહીં રઝા મુરાદ, હેમંત ચૌહાણ, જગજિત સિંહ સહિત ઘણા કલાકારો અહીંનાં પાનનો ટેસ્ટ માણી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...