રાજપીપળા : નર્મદા જિલ્લામાં આદિવાસી અનામત બે બેઠકો છે. એક નાંદોદ વિધાનસભા બેઠક અને બીજી દેડિયાપાડા વિધાનસભા બેઠક પર કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. જેમાં BTPમાંથી છેડો ફાડી આવેલા ચૈતર વસાવાએ AAPના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. દેડિયાપાડામાં AAP ઉમેદવાર ચૈતર વસાવાએ ફોર્મ ભરતા પહેલાં શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. દેડીયાપાડા બેઠક પર 85 ટકા આદિવાસી મતદારો હોવાથી તેમણે આખા આયોજનમાં આદિવાસી થીમ જ નક્કી કરી લીધી. આદિવાસીઓનું મહત્ત્વનું પારંપારિક વાદ્ય ઢોલ હોવાથી ચૈતર વસાવાએ 180 કરતાં પણ વધુ ઢોલીઓને ઢોલ સાથે રેલીમાં જોડીને અલગ જ પ્રકારના પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. પંજાબના સીએમ ભગવંત માન પણ આ રેલીમાં જોડાયા હતા. વિશાળ જનમેદની સાથે નીકળેલી આ રેલીમાં ડીજેના તાલ અને આદિવાસી ભાષામાં અપાયેલું ભાષણ પણ સાંભળવા મળ્યું. આદિવાસી વિસ્તારમાં ગામઠી આદિવાસી ભાષામાં અનોખો પ્રચાર કરતા આપના ઉમેદવાર ચૈતર વસાવાએ મતદારો એક મોકો આપે તે માટે કમર કસી લીધી છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબજે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાની 2 બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે.
ભાજપ દ્વારા છેલ્લા બે-ત્રણ દિવસોથી મોવડી મંડળ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભાજપ માટે દેડિયાપાડા બેઠકના ઉમેદવાર કોને જાહેર કરવા જે બાબતે કોકડું ગૂંચવાયેલું હતું અને દેડિયાપાડાના સિનિયર નેતાઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે અંતે દેડીયાપાડા વિધાનસભા બેઠક પર યુવા નેતા હિતેશ દેવજી વસાવા ભાજપના ઉમેદવાર જાહેર કરાયા હતા.
હિતેશ વસાવાને ટિકિટ આપી સૌને ચોંકાવી દીધા હતા
હિતેશ વસાવા હાલ ભાજપના જિલ્લા પંચાયત સભ્ય છે. તેઓ ઇજનેરની ડિગ્રી ધરાવે છે. તેમની માતા દેડિયાપાડા ગ્રામપંચાયતના સરપંચ છે. હિતેશ વસાવા બીટીપી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. દેવજીભાઈ વસાવાના પુત્ર હિતેશ છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી ભાજપમાં સક્રિય બન્યા હતા. જેને કારણે ભાજપે હિતેશ વસાવાને ટિકિટ આપી સૌને ચોંકાવી દીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.