સત્તા એક જબરો નશો છે, ભલભલાને બેઠા કરી દે છે કે દોડતા રાખે છે. વડોદરાના માંજલપુરના ભાજપના ઉમેદવાર યોગેશ પટેલ 76 વર્ષના છે. ભાજપે તેમના રિપીટ, નો-રિપીટ, 75થી મોટી ઉંમર... આ બધા નિયમો યોગેશ કાકા માટે સાઇડમાં રાખી દીધા. કાકાએ તેમના અંદાજમાં કહ્યું, મને ખબર નથી એવા કોઈ નિયમ-બિયમ, ક્યારેક એવું કરવું પડે. યોગેશ કાકા હવે 182 ઉમેદવારમાંથી ભાજપના સૌથી વયોવૃદ્ધ ઉમેદવાર છે અને 8મી વખત ચૂંટણી લડશે.
બીજી બાજુ, ફોર્મ ભરવાનો સમય પૂરો થાય એ પહેલાં ફરી કોઈ કંચન કળા કરી જાય તો? સુરતમાં આમ આદમી પાર્ટીને એવો ડર લાગ્યો હતો કે આપના કેટલાક ઉમેદવારોને બચાવવા હોટલમાં લઈ જવાયા હતા. મજાની વાત એ છે આપના એક ઉમેદવારે તો ટોલનાકાના એક કર્મચારીને ફડાકો ઝીંકી દીધો.
અડધું કે આખું મંત્રીમંડળ ભાગી જાય અને સત્તાપલટો કરી નાખે, ધારાસભ્યો કોઈ લાલચે ખરીદાય જાય અને પક્ષપલટો કરી નાખે એવું તો બહુ રૂટિન છે, પણ ઉમેદવાર ફોર્મ ભરીને પછી હોસ્ટાઇલ થઈ જાય કે તેનું પણ અપહરણ થઈ જાય એનો ડર આ વખતની ચૂંટણીને વધુ રસાકસીવાળી બનાવી રહ્યો છે.
રસાકસી તો કોંગ્રેસમાં હવે શરૂ થઈ. કોંગ્રેસે પ્રચારમાં ધમાકો કરીને ખાતું ખોલ્યું. જેવી ટિકિટોની વહેંચણી થઈ કે તરત જ ડખા શરૂ થયા. દહેગામની સીટ માટે કોંગ્રેસે મારી પાસે એક કરોડની માગણી કરી હતી, મેં ના આપ્યા, એટલે મને ટિકિટ ન આપી. કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે મારા પર વિશ્વાસ નહોતો તો પ્રભારીને ફરિયાદ કરવી હતી ને? છેક ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ આવ્યો ત્યાં સુધી કેમ ન બોલ્યા?
ટિકિટોની બબાલમાં પહેલીવાર મુખ્યમંત્રી બોલ્યા કે ઉમેદવારનાં નામની જાહેરાત ન થાય ત્યાં સુધી તો બધાય ઉમેદવાર હોય, નામ ફાઈનલ થઇ જાય એટલે થાય કે આપણે ઉમેદવાર નથી. ભૂપેન્દ્ર દાદાને ક્યાં ખબર છે કે આવી સ્થિતપ્રજ્ઞતા બધામાં ન હોય.
પ્રચાર માટે ભાજપે બુલડોઝર નીતિ અપનાવી છે. એકસાથે પહેલા તબક્કાની 89 બેઠક પર પ્રચાર કરશે અને હા, પેલા યોગીવાળું બુલડોઝર પણ હવે રસ્તા પર પ્રચારમાં દેખાવા માંડ્યું છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરે ફોર્મ ભર્યા પછી કહ્યું હતું કે 27 વર્ષ પછી ઠેકઠેકાણે 'ભાઈરાજ' ચાલતું હતું અને એરિયા પ્રમાણે ડોન હતા. વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા અને ભાજપે ટિકિટ ન આપી એટલે અપક્ષ લડનારા મધુ શ્રીવાસ્તવનું ગઈકાલનું સ્ટેટમેન્ટ ભલભલાને વિચારતા કરી દે એવું હતું. તેમણે કહ્યું, “જો કોઈ મારા કાર્યકરની ફેંટ પકડશે તો હું તેના ઘેર જઈને ગોળીઓ ન મારું ને તો હું મધુ શ્રીવાસ્તવ નહિ” શું સમજ્યા? ના, આ કોઈ ભાઈરાજની વાત નથી. આવા જ ઇન્ટરેસ્ટિંગ વીડિયો એનાલિસિસ માટે જોતા રહો દિવ્ય ભાસ્કર એપ અને જુઓ ગેમ ઓફ ગુજરાત 2022.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.