નવા ચહેરાઓનું શું થયું?:ભાજપના નવા 68 ચહેરાઓમાંથી 7 હાર્યા, કોંગ્રેસના 30 નવા ચહેરામાંથી માત્ર એકને જ સીટ મળી

3 મહિનો પહેલા

2022ની ચૂંટણી ભાજપ, કોંગ્રેસ માટે તો પ્રતિષ્ઠાનો જંગ છે જ પણ ત્રીજી પાર્ટી આમ આદમી પાર્ટીએ પણ તમામ 182 બેઠકો પર તેમના ઉમેદવારો ઉતાર્યા છે. આ તમામ નવા ચહેરા છે પણ સુરત ઈસ્ટના આપના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતાં આપના 181 નવા ચહેરા લડે છે. વાત કરીએ ભાજપની તો ભાજપે તેમના વરિષ્ઠ અને દિગ્ગજ નેતાઓને ઘરે બેસાડીને નવા ચહેરાઓની ફોજ ઉતારી છે. ભાજપે આ વખતની ચૂંટણીમાં 68 નવા ચહેરા ઉતાર્યા છે. એવી રીતે કોંગ્રેસે મોટાભાગના ઉમેદવારો રિપીટ કર્યા છે પણ નવા ચહેરા 30 ઉતાર્યા છે. એટલે ભાજપે કોંગ્રેસ કરતાં ડબલ નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે આ વખતે પણ નો રિપીટ થિયરી અપનાવી છે. આજે આવેલાં પરિણામોમાં નવા ચહેરાઓની શું સ્થિતિ છે, તે જાણીએ...

ભાજપના જાણીતા નવા ચહેરાઓને કેમ ઉતાર્યા
ભાજપે નવા ચહેરાઓને ઉતાર્યા તેમાં તો કેટલાક ચહેરા પબ્લિકમાં જાણીતા છે. જેમ કે, પાટીદાર અનામત આંદોલન શરૂ કરનાર હાર્દિક પટેલને ભાજપે ટિકિટ આપી તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબાને ટિકિટ આપી છે. તો પાલનપુર વિસ્તારમાં ઠાકોર અને ચૌધરી મતદારો વધારે છે પણ ભાજપે અહીંયા બ્રાહ્મણ ઉમેદવાર અનિકેત ઠાકર પર દાવ લગાવ્યો છે. આ વખતે ભાજપે એક સમયે મેયર કે ડેપ્યુટી મેયર રહી ચૂકેલાઓને ટિકિટ આપી છે. જેમ કે રાજકોટ ઈસ્ટ પર ઉદય કાનગડ મેયર રહી ચૂક્યા છે તો રાજકોટ વેસ્ટના ઉમેદવાર ડો. દર્શિતા શાહ ડેપ્યુટી મેયર રહી ચૂક્યાં છે. વડોદરાના મેયર કેયૂર રોકડિયાને પણ સયાજીગંજની ટિકિટ અપાઈ છે તો ગાંધીનગરનાં મેયર રીટા પટેલને પણ ગાંધીનગર નોર્થની ટિકિટ આપવામાં આવી છે.
ભાજપના નવા ચહેરાઓમાં એક સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ જંબુસર બેઠક પરના ડી.કે.સ્વામી છે તો બોટાદની ગઢડા બેઠક પર મહંત શંભુનાથ ટુંડિયા છે. આ ચહેરાઓ એવા છે જે લોકોમાં જાણીતા છે એટલે ભાજપે તેમને ટિકિટ આપી છે.

કોંગ્રેસે નવા ચહેરા તેમ ઉતારવા પડ્યા
ગુજરાતમાં કોંગ્રેસ આંતરિક વિખવાદના કારણે પાછળ રહી ગઈ અને અનેક કોંગી આગેવાનોમાં નારાજગી ઊભી થઈ. 2017થી લઈ 2022 સુધીનાં પાંચ વર્ષોમાં કોંગ્રેસના 21 જેટલા ધારાસભ્યો જોડાઈ ગયા. કોંગ્રેસ માટે સમસ્યા એ થઈ કે હવે ટિકિટ આપવી કોને? જે જૂના જોગીઓ હતા તેમાંથી આઠ-દસ તો સતત હારતા હતા. કોંગ્રેસે જે નવા ચહેરા ઉતાર્યા છે તે બધા દિગ્ગજો સામે લડી રહ્યા છે. જેમ કે લીંબડીમાં ભાજપના જૂના જોગી કિરીટસિંહ રાણા સામે કલ્પના મકવાણા, માણાવદરમાં જવાહર ચાવડા સામે અરવિંદ લાડાણી, મહેમદાબાદમાં મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સામે જુવાનસિંહ ગડાભાઈ, કતારગામમાં વિનુ મોરડિયા સામે કલ્પેશ વારિયા લડી રહ્યા હતા.

ભાજપના નવા ચહેરા શા માટે હાર્યા
ભાજપના જે નવા ચહેરાઓ હાર્યા છે તે ભાજપે લગાવેલો દાવ ઊંધો પડ્યો એવું સૂચવે છે. એનું બીજું કારણ એ હતું કે નવા ચહેરા સામે દિગ્ગજ ઉમેદવારો લડતા હતા. જેમ કે વાવમાં કોંગ્રેસના સક્રિય મહિલા નેતા ગેનીબેન ઠાકોર સામે ભાજપના સ્વરૂપજી ઠાકોર હાર્યા છે તો પાટણના કોંગ્રેસના જૂના જોગી કિરીટ પટેલ સામે ભાજપનાં રાજુલબેન દેસાઈ હારી ગયાં છે. કુતિયાણા બેઠક કોઈ પક્ષને કમિટેડ બેઠક નથી પણ કાંધલ જાડેજાને કમિટેડ બેઠક છે તે ફરી એકવાર સાબિત થઈ ચૂક્યું છે. ગયા વખતે કાંધલ જાડેજા NCPમાંથી લડ્યા હતા અને આ વખતે સમાજવાદી પાર્ટીમાંથી લડ્યા તો પણ એ જ જીત્યા છે. આંકલાવ બેઠક કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાની બેઠક છે પણ કોંગ્રેસમાં જ ચાવડા સામે અસંતોષ હતો તે આજે સામે આવેલા મતોમાં દેખાઈ આવે છે. આજે અમિત ચાવડાને ભાજપના ગુલાબસિંહ પઢિયારે ટફ ફાઈટ આપી હતી. ગુલાબસિંહ 78,586 મત લઈ ગયા હતા જ્યારે ચાવડા 81,289 મત લઈ ગયા હતા. અમિત ચાવડાને માંડ 2703 મતોની સરસાઈ મળી હતી.
વડોદરાની બેઠક વાઘોડિયા પહેલેથી વિવાદમાં હતી અને આ વિવાદનું કારણ મધુ શ્રીવાસ્તવ હતા. મધુ શ્રીવાસ્તવ વર્ષોથી ભાજપના ધારાસભ્ય તરીકે લડતા હતા અને જીતતા હતા. જો કે, આ વખતે ભાજપે ઉમેદવાર બદલીને નવા ચહેરા અશ્વિન પટેલને ઉતાર્યા હતા. કોંગ્રેસે સત્યજીતસિંહ ગાયકવાડને ટિકિટ આપી હતી. આશ્ચર્ય એ છે કે આ બેઠક પરથી બંને મોટા પક્ષના ઉમેદવાર હાર્યા છે અને અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ) જીતી ગયા છે. વાત કરીએ ડેડિયાપાડાની તો આ બેઠક આદિવાસી અનામત છે અને અહીંથી આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા લડતા હતા. ચૈતર વસાવાની સામે કોંગ્રેસનાં જેરમાબેન વસાવા અને ભાજપના હિતેશ વસાવા બંને નવા ચહેરા લડતા હતા. પણ ચૈતર વસાવા એક લાખ કરતાં વધારે મત લઈ ગયા અને બંને નવા ચહેરાને હારનો સામનો કરવો પડ્યો. એવી રીતે વાંસદામાં પણ ભાજપના પીયૂષ પટેલની હાર થઈ છે.
કોંગ્રેસના લાડાણી શા માટે જીત્યા?
કોંગ્રેસે આ ચૂંટણીમાં 30 જેટલા નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા હતા અને તેમાંથી માંડ એક નવા ચહેરાને વિધાનસભામાં જગ્યા મળી છે. માણાવદરના કદાવર નેતા જવાહર ચાવડાને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે અને કોંગેસના અરવિંદ લાડાણી બાજી મારી ગયા છે. અરવિંદ લાડાણી 2017માં ચૂંટણી નહોતા લડ્યા એટલે 2022માં કોંગ્રેસનો નવો ચહેરો છે. માણાવદરના મતદારો એવું કહે છે કે પાંચ વર્ષમાં ક્યારેય ચાવડા દેખાયા નથી અને સરખા જવાબ મળતા નથી. મતદારોએ તેનો મિજાજ બતાવી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...