કેટલાં ચાલ્યાં જ્ઞાતિનાં સમીકરણો?:ત્રણેય પક્ષના 135 પાટીદાર ઉમેદવારમાંથી 45 જીત્યા; કોંગ્રેસના માત્ર 3 આદિવાસી ઉમેદવારની જીત થઈ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેય પક્ષના મળીને 20માંથી 12 કોળી ઉમેદવારો જીત્યા, તો 8 હાર્યા

ચૂંટણીના પડઘમ વાગવા લાગે ત્યાં જ જ્ઞાતિનાં સમીકરણો સરી થઈ જાય. વોટબેન્કની દૃષ્ટિએ ત્રણ જ્ઞાતિ સૌથી મોટી છે. પાટીદાર, કોળી અને આદિવાસી. આ ત્રણેય જ્ઞાતિનું જે-તે બેઠક પર પ્રભુત્વ છે અને રાજકીય પક્ષો પણ જ્ઞાતિનું પ્રભુત્વ જોઈને ઉમેદવારો ઉતારે છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મળીને 135 પાટીદાર ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી માત્ર 45 પાટીદારની જીત થઈ છે. પક્ષવાઇઝ જોઈએ તો ભાજપના 46 પાટીદારમાંથી 40 જીત્યા, જ્યારે કોંગ્રેસના 38 પાટીદારમાંથી માત્ર 3ની જીત થઈ. આમ આદમી પાર્ટીએ સૌથી વધારે પાટીદારોને ટિકિટ આપી હતી. 'આપ'ના 51 પાટીદાર ઉમેદવારોમાંથી માંડ બેની જ જીત થઈ છે,. એટલે ત્રણેય પક્ષના 135માંથી 90 પાટીદાર ઉમેદવારો હારી ગયા છે. એવી રીતે આદિવાસી મતો પણ નિર્ણાયક સાબિત થાય છે અને આ વખતે પણ નિર્ણાયક સાબિત થયા છે, જે આજનાં પરિણામો પરથી સમજી શકાય છે. ગુજરાતમાં આદિવાસી આરક્ષિત 27 સીટ છે. આ 27 સીટ પર ત્રણેય પાર્ટીના ઉમેદવારો હતા. ત્રણેયના મળીને 81 આદિવાસી ઉમેદવાર થાય. એમાંથી ભાજપના 27માંથી 23 આદિવાસી ઉમેદવારો જીત્યા છે. કોંગ્રેસના 24 આદિવાસી ઉમેદવારો હાર્યા છે અને આમ આદમી પાર્ટીના 27માંથી માત્ર એક ઉમેદવાર જ વિજયી બન્યા છે.

AAPના સૌથી વધારે પાટીદાર ઉમેદવાર મેદાનમાં હતા
2017ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નહોતી, પણ પાટીદાર ફેક્ટરની અસર તો હતી જ. આ વખતે ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ અને તમામ 182 બેઠક પર ઉમેદવારો ઉતાર્યા. આમ આદમી પાર્ટીએ પણ બેઠકો અંકે કરવા પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખ્યું અને નવાઈની વાત એ છે કે ભાજપ અને કોંગ્રેસ કરતાં પણ વધારે પાટીદારોને ટિકિટ આમ આદમી પાર્ટીએ આપી છે. 2022ની ચૂંટણી માટે ભાજપે 46, કોંગ્રેસે 38 અને આમ આદમી પાર્ટીએ 51 પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે પાંચ સીટ પર પાટીદારના બદલે બીજી જ્ઞાતિના ઉમેદવાર પર દાવ અજમાવ્યો છે. એનો અર્થ એવો થયો કે ભાજપ ધીમે-ધીમે જ્ઞાતિવાદનું ફેક્ટર ખતમ કરવા માગે છે અને તેની શરૂઆત આ વખતની ચૂંટણીથી કરી છે.
આપે કડવા પટેલોને અને ભાજપ-કોંગ્રેસે લેઉવા પટેલોને વધારે ટિકિટ આપી
પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર કાસ્ટ ફેક્ટરને ધ્યાનમાં રાખીને ત્રણેય પક્ષે ટિકિટ આપી છે. પાટીદારોમાં વર્ષોથી બે ભાગ છે. એક, લેઉવા પેટલ અને બીજા કડવા પટેલ. આ વખતની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસે લેઉવા પટેલોને વધારે ટિકિટ આપી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ કડવા પટેલોને વધારે ટિકિટ આપી છે. લેઉવા અને કડવા, બંને છે તો પાટીદાર જ, પણ ટિકિટ વહેંચણીમાં જો અન્યાય થયો હોય એવું લાગે તોપણ પાટીદારો એનો મિજાજ મતદાનના દિવસે બતાવી જ આપે છે અને આજે એની અસર જોવા મળી.
લોકસભાની 26માંથી 6 સીટ પર પાટીદાર સાંસદ
2012માં 182 ધારાસભ્યમાંથી 50 ધારાસભ્ય પાટીદારો હતા, જેમાંથી 36 ધારાસભ્ય ભાજપમાંથી ચૂંટાયા હતા. જોકે પાટીદાર આંદોલન બાદ સમીકરણો બદલાયાં અને કોંગ્રેસની પાટીદાર સીટોમાં વધારો થયો. 2017માં ભાજપના 28 અને કોંગ્રેસના 20 ધારાસભ્ય વિજયી બન્યા, જેમાંથી 11 ધારાસભ્ય સૌરાષ્ટ્રમાંથી ચૂંટાયા હતા. હાલ 182માંથી 44 ધારાસભ્ય પાટીદાર છે, જ્યારે લોકસભાની 26 બેઠકમાંથી 6 સાંસદ પાટીદાર સમાજના છે. રાજ્યસભાની 11 બેઠકમાથી 3 સાંસદ પાટીદાર છે.
ગુજરાતમાં એકપણ પાટીદાર CM 5 વર્ષનું શાસન પૂરું કરી ના શક્યા
ગુજરાતમાં પાટીદાર મતદારોના દબદબા વચ્ચે 4 મુખ્યમંત્રી બન્યા, જેમાં ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ તો બેવાર મુખ્યમંત્રી બન્યા છતાં પણ પાંચ વર્ષ સત્તા પર ના ટકી શક્યા. ઈતિહાસ જોઈએ તો બાબુભાઈ પટેલથી કેશુભાઈ પટેલ સહિત કોઈ પાટીદાર મુખ્યમંત્રી ગમે તે કારણોસર મુદત પૂરી ન કરી શક્યા.
બાબુભાઈને કટોકટી નડી, ચીમનભાઈને પહેલી વખત નવનિર્માણ આંદોલન નડ્યું, બીજી વખત મુખ્યમંત્રીકાળ દરમિયાન જ તેમનું અવસાન થયું હતું, તો કેશુભાઈ પટેલને એક વખત ભાજપના બળવાખોરોએ ઊથલાવ્યા, તો બીજી વખત દિલ્હીમાં બેઠેલા હાઇકમાડે રાજીનામું માગી લઈ તેમને સત્તા પરથી દૂર કર્યા. આનંદીબેન પટેલે ઉંમરનું બહાનું આપ્યું હતું, પરંતુ તેમને પાટીદાર અનામત આંદોલન અને સ્થાનિક ચૂંટણીનાં પરિણામો જ નડી ગયાં હતાં.
હવે વાત કરીએ આદિવાસી ઉમેદવારોની....
આદિવાસી અનામત 27 સીટ છે અને ત્રણેય પક્ષે આ વખતે આદિવાસી ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. આદિવાસીઓની વસતિ 1 કરોડ જેટલી છે અને 84 લાખ જેટલા મતદારો છે. આ મતદારો 20થી 22 સીટ પરનાં પરિણામો ફેરવી શકે છે.

ગુજરાતની ચૂંટણીને તો હજુ વાર હતી ત્યાં જ રાજકીય પક્ષોએ સૌથી પહેલા આદિવાસીઓ પર ફોકસ કર્યું. 20 એપ્રિલ-2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા કરી. એના દસ દિવસ પછી 1 મે, 2022ના દિવસે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ભરૂચના ચંદેરિયામાં સભા કરી જ્યાં ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના વડા છોટુ વસાવા સાથે ગઠબંધન કર્યું. એ જુદી વાત છે કે આ ગઠબંધનનું બાળમરણ થઈ ગયું. આ સભાના દસ દિવસ પછી 11મી મે-2022એ કોંગ્રેસની સભા થઈ. રાહુલ ગાંધી દાહોદ પહોંચ્યા અને આદિવાસી સત્યાગ્રહ રેલીની શરૂઆત કરાવી. ત્રણેય પક્ષના રાષ્ટ્રીય દિગ્ગજો એ વખતે જ ચૂંટણીનો શંખનાદ કરી ચૂક્યા હતા. એ પછી પણ ત્રણેય પાર્ટીના રાષ્ટ્રીય દિગ્ગજો ચૂંટણી સભાઓ ગજવતા રહ્યા. પણ આદિવાસી મતદારોએ પોતાનો જવાબ ઈવીએમમાં આપી દીધો હતો જે આજે આપણી સામે છે.
પક્ષ કોઈપણ હોય, નેતા કોઈપણ હોય, ગુજરાતના આદિવાસી મતદારોના મન ક્યારેય વાંચી શકાયા નથી. રાજનેતાઓ ભલભલાનાં પાસાં ઊંધાં ફેંકે છે, આદિવાસી સમુદાય જ એક એવો સમુદાય છે જે ભલભલા નેતાઓનાં પાસાં પલટી નાખે છે. મોટા ભાગના આદિવાસીઓ ભલે ખેતી સાથે સંકળાયેલા રહ્યા પણ એજ્યુકેટેડ છે. આદિવાસી સમાજના લોકો સારા હોદ્દા પર કામ કરી રહ્યા છે. આદિવાસી સમાજમાં 29 પેટાજ્ઞાતિ છે, તેમના તહેવારો, મેળા અલગ છે પણ ચૂંટણીની વાત આવે ત્યારે પાર્ટીઓ આદિવાસી પાસે દોડી જાય છે.
આદિવાસી મતદારો શા માટે નિર્ણાયક
ગુજરાત વિધાનસભાની 182 સીટમાંથી 27 બેઠક આદિવાસી ઉમેદવારો માટે અનામત છે. આ બેઠકો પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠકો રહી હતી. પછી એ વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની. કોંગ્રેસનો પ્રચાર પણ આ જ વિસ્તારમાંથી શરૂ થતો હતો. 2001માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વનબંધુ યોજનાના નામથી આદિવાસી વિસ્તારમાં વિકાસનાં કામો કર્યાં એટલે ધીમે ધીમે કેટલાક આદિવાસી વિસ્તારના મતદારો કોંગ્રેસને બદલે ભાજપ તરફ વળવા લાગ્યા પણ ભાજપ આદિવાસીઓને સંપૂર્ણપણે પોતાના તરફ ખેંચી શક્યો નહીં. આદિવાસીઓની 15 સીટ તો કાયમ કોંગ્રેસ પાસે જ રહી છે. આ વખતે કોંગ્રેસ પાસે આદિવાસી સીટ માંડ ત્રણ જ રહી છે.
કોંગ્રેસને આદિવાસી ધારાસભ્યોના ફટકા પડ્યા
આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતી પાર્ટી કોંગ્રેસને છેલ્લા દોઢ વર્ષમાં મોટા ફટકા લાગ્યા. વલસાડ તાલુકાની કપરડા બેઠક પર જિતુભાઈ ચૌધરી સતત ત્રણ ટર્મથી કોંગ્રેસમાંથી યૂંટાતા. 2017માં પણ તે ચૂંટાયા. પણ રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ તેમણે કોંગ્રેસ સાથે ત્રણ દાયકા જૂનો છેડો ફાડ્યો અને ભાજપમાં જોડાઈ ગયા. પેટાચૂંટણીમાં તે જીતી ગયા અને ભાજપમાં જોડાવાનું ફળ મળ્યું. તેમને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી બનાવાયા. જિતુભાઈ ચૌધરી પાસે કલ્પસર, ફિશરીઝ, નર્મદા, પાણીપુરવઠા જેવાં ખાતાં હતાં.
કોંગ્રેસને મોટો ફટકો ધારાસભ્ય અશ્વિન કોટવાલે આપ્યો. સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસમાંથી સતત ત્રણ ટર્મથી એ ચૂંટાતા હતા. મે મહિનાની શરૂઆતમાં જ તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને ભાજપનો ખેસ પહેરી લીધો. આ વખતે ભાજપે તેમને ટિકિટ આપી છે. અશ્વિન કોટવાલે મતદારો સામે રોફ જમાવ્યો તેનો વીડિયો વાઇરલ થયો એટલે અત્યારથી એ વિવાદમાં આવી ગયા. આ જ અરસામાં ભિલોડા વિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય અનિલ જોશિયારાનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું. કોંગ્રેસે સંનિષ્ઠ નેતા ગુમાવ્યા.
વાંસદામાં પુરુષ કરતાં મહિલા મતદારો વધારે
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સૌથી વધુ 2.99 લાખ મતદારો છે, જેમાં પુરુષ કરતાં મહિલા મતદારોની સંખ્યા વધારે છે. આદિવાસી વિસ્તારોમાં પુરુષ કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ હોવું એ આશ્ચર્ય તો છે જ પણ આ ચૂંટણીતંત્રે જાગૃતિના પ્રયાસો કરેલા તેનું પરિણામ છે. વાંસદામાં 1147 જેટલા પોલિંગ સ્ટેશન બને છે જેમાં 330 તો ફક્ત વાંસદા તાલુકામાં જ છે. એમાંથી સાત જેટલા સખી પોલિંગ સ્ટેશનમાં ઈલેક્શન સ્ટાફ મહિલાઓ હોય છે.
હવે વાત કરીએ કોળીની....
ગુજરાતમાં પાટીદારો અને આદિવાસીઓ કરતાં પણ સૌથી મોટી વોટબેન્ક કોળીની છે. કોળી સમાજ મુખ્ય ત્રણ ભાગમાં અને 22થી 24 જેટલા પેટાભાગમાં વહેંચાયેલો છે. સમાજ ભૌગોલિક રીતે કે પરંપરાની દૃષ્ટિએ ભલે વહેંચાયેલો હોય, પણ વોટિંગના દિવસે જો એક બની જાય તો ભલભલાનાં આસન ડોલાવી શકે. ગુજરાતની સાત કરોડ જનતામાંથી કોળી સમુદાયની વસતિ દોઢ કરોડ, એટલે જ રાજકીય પક્ષો કોળીઓની અવગણના કરી શકતા નથી. દરેક પક્ષે કોળી વિસ્તારમાં ઉમેદવારો પણ સમજીને મૂકવા પડે. 2012માં કોળી સમાજના 18 ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે 2017માં 27 ધારાસભ્ય એક જ સમાજમાંથી ચૂંટાયા હતા. આ વખતે કોળી સમાજના ઉમેદવારો ઓછા છે. ત્રણેય પક્ષોના મળીને 20 જેટલા કોળી ઉમેદવારો છે. જો કે, આમાં દક્ષિણ ગુજરાતના કોળીપટેલ ઉમેદવારો સિવાય સૌરાષ્ટ્ર અને અમદાવાદ જિલ્લાના કોળી સમાજના ઉમેદવારો સમાવાયા છે.

2017માં કોળીઓએ કોંગ્રેસને 77 બેઠક સુધી પહોંચાડી, આ વખતે ચિત્ર બદલી નાખ્યું
2015માં થયેલા પાટીદાર, ઓબીસી અને દલિત આંદોલનો બાદ આવેલી 2017ની ચૂંટણીમાં ચિત્ર બદલાતું ગયું અને પાટીદારની સાથે કોળી વોટબેન્કમાં ગાબડું પાડવામાં કોંગ્રેસ સફળ રહી. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર 2.57 ટકા વધારે મત મેળવી 32 વર્ષ બાદ 77 બેઠક જીતી હતી અને 150 બેઠક જીતી લેવાનો દાવો કરનાર ભાજપ 99 બેઠક પર જ અટકી ગયો હતો. આ વખતે કોળી મતદારો પોતાનો અલગ મિજાજ બતાવ્યો છે અને આજે સવારથી જે પરિણામો આપણી સામે આવ્યા તેના પરથી એ ખ્યાલ આવે છે.
અમરેલી જિલ્લાની રાજુલા વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય હીરાભાઇ સોલંકી વર્ષોથી ચૂંટાતા આવતા હતા. આ બેઠકમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અમરીશ ડેરે હીરાભાઈ સોલંકીને પરાજય આપ્યો હતો. આ પરાજય ભાજપ માટે આજે પણ સમજવો ખૂબ મુશ્કેલ છે. આ વખતે પાતળી સરસાઈથી હીરાભાઈ સોલંકી જીત્યા છે. એવી જ રીતે સોમનાથ વિધાનસભા બેઠક પર પણ ભાજપના દિગ્ગજ નેતા જસાભાઇ બારડનો કોંગ્રેસના યુવાન કોળી ઉમેદવાર વિમલ ચુડાસમા સામે પરાજય થયો હતો. આ બંને બેઠક ભાજપના દબદબાવાળી હતી અને આ બંને બેઠક પર કોળી મતદારો ખૂબ જ નિર્ણાયક હતા. આ વખતે પણ વિમલ ચૂડાસમાની જીત થઈ છે. કોળી પ્રભુત્વ ધરાવતી 13 બેઠકો પર 20 ઉમેદવારો હતા, તેમાંથી 12 જીત્યા છે, 8 હાર્યા છે.

અન્ય સમાચારો પણ છે...