ELECTION રાઉન્ડ અપ:આપની હવે દરેક પરિવારને મહિને 30 હજારની 'રેવડી', કોંગ્રેસે આપનું ભવિષ્ય કાગળમાં લખીને આપ્યું, જુઓ ચૂંટણીના 6 સૌથી મોટા સમાચાર

12 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે.સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.રોજ રોજ સભાઓ થઈ રહી છે.ઉમેદવારોના નામોની જાહેરાતો થઈ ગઈ છે. કોઈ નેતા નામ જાહેર થતાં ખુશ છે તો કોઈ નેતા રોષે ભરાયા છે. ત્યારે દિવસભરની તામામ રાજકીય અપડેટ માટે દિવ્ય ભાસ્કર લઈને આવ્યુ છે ઈલેક્શન રાઉન્ડ અપ ન્યુઝ બુલેટિન.જેમાં દિવસભરની તમામ મહત્વની રાજકીય ખબરોનો ચિતાર મળશે સંક્ષિપ્તમાં. બુલેટિન જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો

PMએ ભાજપના કામ ગણાવ્યા
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે આગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આજે મોદીની ગુજરાતમાં ચાર સભા છે. વડાપ્રધાને પાલનપુરમાં જનસભાને સંબોધન કર્યું હતું, જ્યાંથી મોડાસામાં જનમેદનીને સંબોધી હતી. જ્યાંથી વડાપ્રધાને દહેગામમાં અને બાદમાં બાવળા ખાતે સભા સંબોધી છે, જ્યાં જનમેદનીને સંબોધન કરી રહ્યા છે. સભામાં મોદીએ જણાવ્યું હતું કે, સાણંદ વિસ્તારમાં ખેડૂતો રૂપિયા ગણવાના મશીન લઈ આવ્યા, રિક્ષામાં કોથળો ભરીને જાય ને કહે ચાર બંગડીવાળી ગાડી લેવા જાઉં છું.

કોંગ્રેસ પ્રભારીની અરવિંદ કેજરીવાલને ચેલેન્જ
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ગુજરાતી ભાષામાં બોલીને વીડિયો બનાવ્યો છે. જેમાં તે કહી રહ્યા છે કે, હું રઘુ શર્મા પ્રભારી ગુજરાત અરવિંદ કેજરીવાલને ચેલેન્જ આપું છું કે તમારી પાર્ટીની ગુજરાતમાં એક પણ સીટ નહીં આવે. તમે BJPની બી ટીમ છો, છો અને છો... કેજરીવાલજી આપણું ગુજરાતમાં ખાતું જ નહિ ખુલે. આટલું કહીને રઘુ શર્માએ કાગળમાં લખ્યું અને કહ્યું કે, કેજરીવાલજી હું તમને લેખિતમાં ચેલેન્જ આપું છું, ગુજરાતમાં તમારી એક પણ સીટ નહીં આવે.

ડબલ એન્જિન સરકારમાં 8 વર્ષમાં મોંઘવારી 2-3-4 ગણી થઈ: રાઘવ ચઢ્ઢા
આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્ય સભાના સાંસદ અને ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ આજે જણાવ્યું હતું કે ચૂંટણીમાં ભાજપનો એક જ મુદ્દો છે કે ડબલ એન્જિન સરકાર બનાવો. 2014માં ડબલ એન્જિન સરકાર બની. 2014થી 2022 સુધી મોંઘવારી વધી છે. ચૂંટણીનો મુખ્ય મુદ્દો મોંઘવારી છે. ભાજપની ડબલ એન્જિન સરકારની 8 વર્ષમાં ડબલ અને ટ્રિપલ મોંઘવારી વધી છે. ભારત દેશમાં 35થી 40 વર્ષમાં મોંઘવારી અને બેરોજગારી સૌથી વધુ છે. મોંઘવારીમાંથી છુટકારો મેળવવા લોકો પાસે એક જ વિકલ્પ છે, આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટીની સરકાર બને તો 30,000 પ્રતિ મહિના ફાયદો થશે.

જનતાએ નેતાને ખખડાવ્યા
મોરબીના ટંકારા વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય લલિત કગથરા ચૂંટણી પ્રચાર અર્થે રફાળિયા ગામે ગયા હતા. જ્યાં તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને નેતાજી જવાબ આપવામા હિચકિચાટ અનુભવ્યો હતો. જવાબ ન આપી શકનાર વર્તમાન ધારાસભ્ય એ વીડિયો રેકોર્ડીંગ કરી રહેલા યુવાનને પણ રોક્યો હતો. પરંતુ જેટલુ રેકોર્ડિંગ થયું એ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. તો આવો જાણીએ કે પ્રચાર દરમિયાન મતદારો એ શું કહ્યું?

રીવાબાને જીતાડવા રવિન્દ્ર મેદાને
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા હજુ સુધી ઘૂંટણની ઈજામાંથી બહાર નથી આવ્યા અને તેઓ બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. તેમને ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામેની આગામી ત્રણ મેચની ODI શ્રેણી માટે પસંદ કરવામાં નથી આવ્યા, પરંતુ બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમની પત્ની રીવાબા જામનગરથી ભાજપનાં ઉમેદવાર છે, જેથી હાલ તો રવીન્દ્ર જાડેજા ચૂંટણીપ્રચારમાં બિલકુલ ફિટ દેખાઈ રહ્યા છે. તેઓ પત્નીને જિતાડવા માટે ઠેર-ઠેર ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.

નેતાજી વોટ માટે રડી પડ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચંડ પ્રચાર શરૂ કરી દેવાયો છે. પ્રચાર દરમિયાન કેટલાક એવા પણ કિસ્સાઓ સામે આવે છે, જે સોશિયલ મીડિયામાં વાઇરલ થાય છે. અમદાવાદમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રડતાં રડતાં લોકો પાસે મત માગી રહ્યાં છે અને લોકોને વિનંતી કરી રહ્યા છે કે હું રોડ, રસ્તા અને ગટર બધું જ સારું કરી દઈશ.આ વખતે મને એક તક આપીને જિતાડો.

અન્ય સમાચારો પણ છે...