ભાસ્કર ઇનડેપ્થ...અને પછી સામે આવ્યો અનએક્સપેક્ટેડ ફેસ:7 પાસ ખેડૂતના દીકરાએ ભાજપના દિગ્ગજ ડોક્ટર નેતા સામે કેવી રીતે બાજી મારી? દિલ્હીમાં પડદા પાછળ ઘડાયો પ્લાન

રાજકોટ22 દિવસ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર રાજકારણનું હંમેશાં એપી સેન્ટર રહ્યું છે. ભાજપ માટે હંમેશાં સૌરાષ્ટ્રમાં અનેક પડકારો ઊભા થતા આવ્યા છે. ખાસ કરીને પોલિટિક્સમાં પાટીદારો પાસા પલટનારા સાબિત થયા છે. પટેલો માટે રાજકારણ કોઈ નવી વાત નથી. ગુજરાત અને દેશના રાજકારણમાં સૌપ્રથમ અને અવ્વલ નેતા એવા બે પટેલ ભાઈઓ વિઠ્ઠલભાઈ પટેલ અને વલ્લભભાઈ પટેલ હતા. આ યાદીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રજની પટેલ(અમિષા પટેલના દાદા)થી લઈને ચીમનભાઈ, કેશુભાઈ અને આનંદીબેન સહિતનાં નામો સામેલ થઈ શકે. તો આજે વાત તાજેતરમાં પાટીદાર નેતા તરીકે ઊભરી આવેલા રમેશ ટીલાળા તેમને મળેલી ટિકિટની એક જ મહિનામાં લખાયેલી સ્ક્રિપ્ટની.

બાવળિયા-બોઘરા અને ગોવિંદ પટેલની ચેકમેટની ગેમ
ખોડલધામના ટ્રસ્ટી એવા રમેશ ટીલાળાને રાજકોટ દક્ષિણ સીટ પરથી ટિકિટ આપવામાં આવી છે. આ સીટ પરથી સીટિંગ MLA ગોવિંદ પટેલની ટિકિટ કાપવામાં આવી છે. રૂપાણી સામે બાંયો ચડાવનારા ગોવિંદ પટેલને તો કદ મુજબ વેંતરી નાખ્યા છે, પરંતુ આ જ સીટ પર નરેન્દ્ર મોદી અને સી.આર.પાટીલના આંખોના તારા બનેલા એવા પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાની પણ દાવેદારી હતી. જોકે રમેશ ટીલાળા માટે ડો.ભરત બોઘરાને ટિકિટ આપવામાં આવી નથી. એક સમયે જસદણમાંથી ટિકિટના દાવેદાર ગણાતા બોઘરાને ચૂંટણી જાહેર થવાના થોડા સમય પહેલાં જ આ સીટ પર બાવળિયાનું નામ બિનસત્તાવાર રીતે જાહેર કરી જ દેવાયું હતું, પરંતુ બાવળિયા-બોઘરા અને ગોવિંદ પટેલની ચેકમેટની આ ગેમમાં પાર્ટીમાં કોઈ હોદ્દો ન ધરાવતા એવા બિઝનેસમેન રમેશ ટીલાળા ફાવી ગયા છે.

સૌકોઈને એક જ સવાલ સતાવી રહ્યો છે કે ભાજપે ભરત બોઘરા જેવા નેતાને કોરાણે મૂકીને રમેશ ટીલાળાને કેમ ટિકિટ આપી? ટીલાળાને ટિકિટ આપવા પાછળ કયું ગણિત કામ કરી ગયું છે?

આ સીટ પર રમેશથી શરૂ થયેલો પાટીદારોનો દબદબો ફરી રમેશ સુધી
સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં જ્ઞાતિ આધારિત ચૂંટણીમાં હંમેશાં પાટીદારો એક કદમ આગળ રહ્યા છે. આ વખતે પણ ભાજપે કોઈ જોખમ લીધું નથી અને અનેક ગુજરાતભરમાં ભાજપે 40 પાટીદારોને ટિકિટ આપી છે. રાજકોટ દક્ષિણ બેઠક પર પાટીદારનો દબદબો છે અને સંપૂર્ણ બેઠક પાટીદાર ચહેરા આધારિત છે. એક સમયે આ સીટ પર 1975માં કેશુભાઈ પટેલ(પૂર્વ મુખ્યમંત્રી)ના અપવાદ સિવાય બ્રાહ્મણ અને ક્ષત્રિય ઉમેદવારો ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા, પરંતુ 1998માં રમેશ રૂપાપરા ભાજપમાંથી જીતીને આવ્યા ત્યારથી લઈ 2017 સુધી પાટીદાર જ ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે.

સૌરાષ્ટ્ર કબજે કરવા મોદીએ લાગ જોઈને સોગઠી ફેંકી
આ સીટ પર છેલ્લી ત્રણ ટર્મથી ગોવિંદ પટેલનો દબદબો હતો તેમજ બોઘરાની પણ દાવેદારી મજબૂત માનવામાં આવતી હતી. આ ઘટનાક્રમ વચ્ચે અનેક ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવ્યા. આ આખો ખેલ બરાબર 1 મહિના પહેલાં ભજવાયો હતો. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ 11 ઓક્ટોબરે જામકંડોરણા જંગી સભાનું આયોજન કર્યું હતું. ગુજરાતના રાજકારણની નસેનસથી પરિચિત મોદીએ અહીં મોકો જોઈ ચોગ્ગો ફટકારતા ખોડલધામના અમુક ટ્રસ્ટીઓની હાજરીમાં મોદીએ કાગવડ સ્થિત ખોડલધામ આવી માતાજીનાં દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. બિઝનેસમેન અને ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ તરત મોદીની ઈચ્છા પૂર્ણ કરવા તૈયારી બતાવી અને ખોડલધામ આવવાનું મૌખિક આમંત્રણ પણ આપી દીધું. એટલું જ નહીં, રમેશ ટીલાળાએ મીડિયામાં પણ આ વાતની જાહેરાત કરી દીધી, જેને લઈને અમુક ટ્રસ્ટીઓમાં ગણગણાટ પણ શરૂ થયો હતો.

એ 40થી 45 મિનિટમાં જ મોદીએ મન બનાવી લીધું
જામકંડોરણાની સભાના 10 દિવસ બાદ, એટલે કે 22 ઓક્ટોબરે ખુદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ટ્રસ્ટી રમેશ ટીલાળા, રમેશ મેંદપરા, દિનેશ કુંભાણી, પ્રવીણભાઈ પટેલ દિલ્હીમાં PM મોદીને મળીને વિધિવત્ ખોડલધામ આવવાનું આમંત્રણ આપ્યું. નરેશ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓ આશરે 40થી 45 મિનિટ વડાપ્રધાનને મળ્યા હતા. ત્યારથી નરેશ પટેલ તેમના સાથી એવા રમેશ ટીલાળાની ટિકિટ માટે લોબિંગ કરવા લાગ્યા હતા. જ્યારે ટિકિટ અંગે ભાજપે મનોમંથન કર્યું ત્યારે અચાનક જ નરેશ પટેલ અને ટીલાળા ફ્લાઇટમાં ગૃહમંત્રી અમિત શાહને મળવા અમદાવાદ દોડી આવ્યા હતા, ત્યાર બાદ રમેશ ટીલાળાને ગોંડલથી ચૂંટણીજંગમાં ઉતારવાની વાતો પણ વાયુવેગે પ્રસરી ગઈ હતી, પરંતુ ટીલાળા રાજકોટની દક્ષિણ સીટ પરથી જ ચૂંટણી લડવા માગતા હતા. આ સમયે જ ટીલાળાની ટિકિટ પાક્કી થઈ ગઈ હતી.

...અને પછી સામે આવ્યો અનએક્સપેક્ટેડ ફેસ
આ સીટ પરની સેન્સપ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોદી અને શાહ સુધી લોબિંગ કરવામાં આવ્યું. આ દરમિયાન ટીલાળા માટે લોબિંગ કરવામાં અનએક્સપેક્ટેડ ફેસ સામે આવ્યો અને એ બીજું કોઈ નહીં, પણ ખુદ કેન્દ્રીય મંત્રી અને લેઉવા પાટીદાર એવા મનસુખ માંડવિયા. તેમણે ભાજપની પાર્લામેન્ટરીની બેઠકમાં ભલામણ કરતાં રાજકોટ દક્ષિણ સીટના સમીકરણો જ પલટાઈ ગયાં. પાર્લમેન્ટરી બોર્ડના અંતિમ નિર્ણયમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિએ મધરાત્રે જ બધો ખેલ ખેલાયો અને રમેશ ટીલાળાના નામ પર સહમત થઈ પાર્લમેન્ટરી બોર્ડે માંડવિયા અને ખોડલધામના લોબિંગને માન્ય રાખી ટિકિટ ફાળવી દીધી.

ટિકિટના જંગમાં રમેશ ટીલાળા અઠંગ ખેલાડી પૂરવાર થયા
યોગાનુયોગ 11 ઓક્ટોબરે આખી ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાની શરૂઆત થઈ અને 11 નવેમ્બરે એટલે એક મહિના બાદ રમેશ ટીલાળાએ ભાજપમાંથી રાજકોટ દક્ષિણ સીટ પરથી ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું. બીજો એક યોગાનુયોગ એ સર્જાયો કે 1998માં આ જ સીટ પરથી રમેશ રૂપાપરા પણ ધારાસભ્ય બન્યા હતા. આમ, રમેશ રૂપાપરા બાદ હવે વધુ એક રમેશ એવા ટીલાળા પણ ચૂંટણીજંગમાં ઊતર્યા છે. એક મહિનો ચાલેલી ટિકિટની લડાઈમાં ટીલાળા રાજનીતિમાં બિનઅનુભવી હોવા છતાં રાજકારણના અઠંગ ખેલાડી સાબિત થયા.

આ રાજકીય ખેલ પર મોદી-શાહની સીધી નજર હતી
આ રાજકીય ખેલ પર મોદી-શાહની સાથે સાથે ભરત બોઘરા પણ નજર લગાવીને બેઠા હતા, પરંતુ ભાજપનું મોટું માથું ગણાતા બોઘરા સામે ટીલાળાનું પલડું કેમ ભારે સાબિત થયું?

બોઘરાનું પત્તું કેમ કપાયું?
તો બીજી તરફ 28 મેના રોજ જસદણના આટકોટમાં કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદઘાટન કરવા દેશના PM નરેન્દ્રભાઇ મોદી ખુદ આવ્યા હતા અને આ માટે ડો. બોઘરાએ લાખોની જનમેદની એકઠી કરી હતી. આ કાર્યક્રમમાં મોદીએ ડો. ભરત બોઘરાની ત્રણથી ચાર વખત પીઠ પણ થાબડી હતી અને અભિનંદન પાઠવ્યા હતા. એટલું જ નહીં, જતાં જતાં હસતા મોઢે દિલ્હી પધારોનું આમંત્રણ પણ આપતા ગયા હતા. આ કાર્યક્રમ બાદ તેમનું કદ વધુ વધી ગયું હતું અને તેમની ટિકિટ પણ લગભગ નિશ્ચિત મનાતી હતી. બોઘરા નરેન્દ્ર મોદી અને સી.આર.પાટીલની એકદમ નજીક હોવા છતાં તેમનું પણ ચાલ્યું નહીં અને જસદણ તો છોડો, રાજકોટ દક્ષિણની ટિકિટમાંથી પણ બાદબાકી થઈ. તેની પાછળનું કારણ એવું પણ જાણવા મળ્યું છે કે બોઘરાનો પાર્ટીમાં તો દબદબો છે, પરંતુ રમેશ ટીલાળા અને નરેશ પટેલ જેટલું લેઉવા પાટીદારોમાં પ્રભુત્વ નથી. ટીલાળા અને નરેશ પટેલ બન્ને ખોડલધામ સાથે સંકળાયેલા હોવાથી સૌરાષ્ટ્રથી લઈ સુરત સુધીના પાટીદારોમાં વર્ચસ્વ ધરાવે છે. જ્યારે બોઘરાને જો ટિકિટ આપવામાં આવે તો રાજકોટ સિવાય ભાગ્યે જ પાટીદાર સમાજ પર એની અસર પડી શકે એમ હતી. જોકે વિધાનસભાની ટિકિટ ન મળતાં હવે બોધરા માટે લોકસભાનાં બારણાં ખુલ્લાં હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

આ અંગે બોઘરાએ જણાવ્યું હતું કે ભાજપ કોઈપણને ટિકિટ આપે, કમળ અમારું પ્રતીક છે, એને જિતાડીશું. ટિકિટ કોને આપવી એ પાર્ટી નક્કી કરે છે. પાર્ટી જેને પણ ટિકિટ આપે એ સ્વીકાર્ય છે.

આ ત્રણ લેઉવા પાટીદાર વચ્ચે થશે ચૂંટણીનો રણસંગ્રામ
રાજકોટ દક્ષિણ સીટ પર હવે ભાજપ, કોંગ્રેસ અને આપના ત્રણેય પાટીદાર વચ્ચે જંગ થવાનો છે, જેમાં ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા, કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરા અને આપના ઉમેદવાર શિવલાલ બારસિયાની રાજકીય શક્તિનું માપ નીકળશે. માત્ર એટલું જ નહીં, આપ અને ભાજપના ઉમેદવાર ખોડલધામ સાથે સંકળાયેલા હોવાથી આ ચૂંટણીમાં ખોડલધામ સાથે સંકળાયેલા પાટીદારો કોના માટે કામ કરશે એ પણ રસપ્રદ બની રહેશે. તેની સાથે સાથે હવે રમેશ ટીલાળાએ રાજકારણમાં એન્ટ્રી કરી હોવાથી ખોડલધામના ટ્રસ્ટીપદેથી રાજીનામું આપવાની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ખોડલધામના ટ્રસ્ટી પદેથી રાજીનામું આપવું પડશે?
રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે 35 વર્ષથી ભાજપનો સંનિષ્ઠ કાર્યકર છું. એક બિઝનેસમેન તરીકે મારી એન્ટ્રી થR છે. નરેશભાઈ પટેલ સાથે વર્ષોથી પારિવારિક સંબંધો ધરાવું છું, માટે તેમનો મને પૂરો સહયોગ મળશે. જો ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવશે તો ટ્રસ્ટીપદેથી રાજીનામું આપશે.

નરેશ પટેલની સર્વેના નામે રાજકીય એન્ટ્રી અટકી ગઈ ને ટીલાળાએ ખેલ પાડી દીધો
ગત એપ્રિલ મે માસમાં રાજનીતિમાં એન્ટ્રી કરવા માટે અસમંજસમાં મુકાયેલા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે મીડિયામાં ઓફિશિયલ એન્ટ્રી અંગે તારીખ પે તારીખ આપી રહ્યા હતા, ત્યારે પણ રમેશ ટીલાળા જ પડદા પાછળ ચોકઠા ગોઠવતા હતા. નરેશ પટેલની રાજકીય એન્ટ્રી સમયે ખોડલધામે સર્વે હાથ ધર્યો હતો કે નરેશ પટેલે રાજકારણમાં જવું જોઇએ કે નહીં? આ સર્વેમાં આવેલાં પરિણામોનો રમેશ ટીલાળાએ જ મીડિયા સમક્ષ ખુલાસો કરી દીધો હતો કે નરેશ પટેલે રાજકારણમાં ન જવું જોઇએ. આ સર્વેનાં પરિણામોને નરેશ પટેલે સ્વીકારી લઈ રાજકીય ઇનિંગ શરૂ કરવાનું માંડી વાળ્યું હતું.

જૂનાગઢ, સુરત સહિતના જિલ્લાઓમાં ખેતી અને બિનખેતીની જમીનો
રમેશ ટીલાળાએ 11 નવેમ્બરે બપોરે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. ઉમેદવારી ફોર્મ સમયે રજૂ કરેલા સોગંદનામા મુજબ તેમની પાસે રૂા.56.70 કરોડ અને પત્ની હંસાબેન પાસે રૂા.115 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો છે, જ્યારે એચયુએફ (હિંદુ અવિભક્ત કુટુંબ)ના નામે પણ રૂા.4.20 કરોડની મિલકતો છે. રમેશભાઈ અને તેમનાં પત્ની પાસે રાજકોટ ઉપરાંત જૂનાગઢ, સુરત સહિતના જિલ્લાઓમાં ખેતીની અને બિનખેતીની જમીનો છે. ત્રણ કંપનીમાં બન્નેની ભાગીદારી પણ છે. પતિ-પત્ની અને એચયુએફ મળી કુલ રૂા.176 કરોડની સ્થાવર-જંગમ મિલકતો સામે રમેશભાઈ ઉપર રૂા.2.41 કરોડ અને તેમનાં પત્ની હંસાબેન પર 6.27 કરોડનું દેણું છે.

રમેશ ટીલાળા છે કોણ અને તેમનું કદ કેટલું?
જે વ્યક્તિની ટિકિટ માટે નરેશ પટેલ દોડાદોડી કરી રહ્યા હતા અને આ ઘટનાક્રમ પર ખુદ વડાપ્રધાન મોદીની પણ નજર હતી, ત્યારે હાલ સૌકોઈના મનમાં એક જ સવાલ છે કે આ રમેશ ટીલાળા છે કોણ?

કૃષિ પાક લણતાં લણતાં હવે મતો લણવા મેદાનમાં
દક્ષિણ સીટ પરથી હાલ ભાજપના ઉમેદવાર એવા રમેશ ટીલાળા માત્ર 7 ધોરણ સુધી જ ભણેલા છે, પરંતુ તે કોઠાસૂઝથી ખેતરમાં ખેતી કરતા અને તેની આવડતે સ્પેસ-મિસાઈલના પાર્ટ્સ બનાવવા સુધીની સફર ખેડી ચૂક્યા છે. હાલ તેઓ 7 ઇન્ડસ્ટ્રીઝના માલિક છે અને શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના પ્રમુખ છે.
રમેશ ટીલાળાનો જન્મ રાજકોટ જિલ્લાના શાપર ગામ ખાતે 15 જાન્યુઆરી 1964ના રોજ થયો હતો. 7 ધોરણ ભણેલા રમેશ ટીલાળાએ સામાન્ય પટેલના દીકરાની જેમ ખેતીથી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો, પરંતુ ખેતીમાં પાકો લણવાની કળા હાંસલ કર્યા બાદ હવે તેમણે મતો લણવાની તૈયારી કરી લીધી છે. ખેતી કરતા ત્યારે તેમને સતત એક જ વિચાર આવતો કે કંઈક અલગ કરવું છે અને આ વિચારની શરૂઆત તેમણે ટેક્સટાઇલના ઉદ્યોગથી કરી હતી. ટેક્સટાઇલ ઉદ્યોગમાં સફળતા મળ્યા બાદ તેઓ એક બાદ એક નવા ઉદ્યોગની સ્થાપના કરતા ગયા અને આજે તેઓ રાજકોટ અને આણંદમાં મળી કુલ 7 ઇન્ડસ્ટ્રીના માલિક બની ગયા છે.

ધંધામાં સાહસ કરનારા પટેલે હવે રાજકીય સાહસ ખેડવા ડગ માંડ્યા
ટેક્સટાઈલ, ફૂડ, કાસ્ટિંગ, પ્લાસ્ટિક, ફોર્જિંગ સહિત 7 ઇન્ડસ્ટ્રી મળી કુલ 1500 જેટલા કર્મચારીઓને રમેશ ટીલાળા રોજી રોટી પૂરી પાડે છે. ટીલાળાનું માનવું છે કે સાહસ કર્યા વગર સફળતા મળતી નથી. માટે તેઓ દરેક ક્ષેત્રમાં સાહસ કરી રહ્યા છે અને સફળતા મેળવી રહ્યા(હવે રાજકીય સાહસ ખેડવા કદમ માંડી રહ્યા છે) છે. મંદીમાં શું કરો અને કેવી રીતે ધંધામાં તેમનો સામનો કરો તેવા સવાલના જવાબમાં કહે છે કે મહેનત કરે તેને મંદી ક્યારે પણ નડતી નથી. મારો સંઘર્ષ જ મારો શોખ છે. આ રીતે ન તો હું સંઘર્ષથી દૂર રહી શકું છું, ન તો મારા શોખથી દૂર રહી શકું છું.

લોકો માટે સપનાનાં ઘર બનાવે છે, એરોસ્પેસના સપનાને આપી ઉડાન
ટીલાળાનું સપનું હતું કે એકવાર એરોસ્પેસ અને ડિફેન્સમાં કામ કરવું છે, જેમાં પણ તેમને સફળતા મળી છે. તેઓ આજે એરબસ, બોઈંગમાં એરોનેટિક, મિસાઈલ અને સ્પેસના પાર્ટ્સ સપ્લાય કરી રહ્યા છે. હવે આગળ તેઓ ફાર્માસ્યુટિકલ કંપની ઊભી કરવા માટે પણ વિચાર કરી રહ્યા છે. રમેશભાઈ ઉદ્યોગપતિની સાથે સાથે બિલ્ડર પણ છે અને 20થી વધુ નાની-મોટી સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છે અને તમામમાં સારી નામના ધરાવે છે.

આટલી સંસ્થાઓને છે ટીલાળા પર ટ્રસ્ટ
રાજકોટના ટોપ 5 બિલ્ડર પૈકી એક નામ રમેશ ટીલાળાનું છે અને સાથે લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ખોડલધામ, કાઠિયાવાડ બાલાશ્રમ, એ.પી. પટેલ કન્યા છાત્રાલય અને રાજકોટ લેઉવા પટેલ સમાજના તેઓ ટ્રસ્ટી છે. શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રી વિસ્તારની શરૂઆત ખૂબ જ ખરાબ હતી,. પરંતુ ટીલાળા ચેરમેન બન્યા બાદ આજે તેઓ આ વિસ્તારને આગળ વધારવા ખૂબ મહેનત કરી રહ્યા છે.

3000થી વધુ ઉદ્યોગોની સંસ્થાના છે વડા
શાપર-વેરાવળમાં તમામ લોકો અને ઉદ્યોગપતિનો ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે. તેઓ હજુ પણ આ વિસ્તારને ખૂબ આગળ લઈ જવા મહેનત અને વિચાર કરી રહ્યા છે. શાપરના વિકાસ માટે સરકાર પાસે અવારનવાર જરૂરિયાત મુજબ રજૂઆત અને માગણી કરી રહ્યા છે. શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં નાનામોટા 3000થી વધુ ઉદ્યોગ એકમો આવેલા છે અને 1.50 લાખથી વધુ લોકો વસવાટ કરે છે.

આ ઇન્ડસ્ટ્રિયલ ઝોનના કરવા છે સપનાં સાકાર
શાપર-વેરાવળને નગરપાલિકામાં સમાવેશ કરવા સરકાર પાસે માગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ વિસ્તારમાં ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીઝ અને વસતિ છે. ત્યારે રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ સહિત મહત્ત્વની ફાયર સ્ટેશન કે હોસ્પિટલની સારી સુવિધા આ વિસ્તારમાં આવે માટે એની પણ માગ ચેરમેન રમેશભાઈ દ્વારા કરવામાં આવી છે.

વીકમાં એકવાર કરે છે માઁ ખોડલનાં દર્શન
રમેશભાઈ પોતાના દિવસની શરૂઆત સવારના 5.30 વાગ્યાથી કરે છે. સવારના સમયે 5.30 વાગ્યે જાગીને યોગ, પ્રાણાયમ બાદ પૂજા-અર્ચના કરે છે. ત્યાર બાદ જ કામની શરૂઆત કરે છે. આ સાથે તેઓ અઠવાડિયામાં એક વખત કુળદેવી ખોડિયાર માતાજીનાં દર્શન કરવા કાગવડ અચૂક જાય છે. હાલમાં તેઓ રાજકોટ શહેરમાં છેલ્લાં ઘણાં વર્ષોથી પરિવાર સાથે સ્થાયી થયા છે. તેમના પરિવારમાં એક પુત્ર અને પુત્રી છે, જે પૈકી પુત્રીના લગ્ન થઇ ચૂક્યા છે, જ્યારે પુત્રના લગ્ન બાકી છે.

અન્ય સમાચારો પણ છે...