પડકાર / સપા, બસપા, ભાજપની મુંઝવણઃ પ્રિયંકાની એન્ટ્રી કોને ભારે પડશે?

Divyabhaskar | Updated - Feb 14, 2019, 09:13 PM
confusion of SP, BSP, BJP about priynka's entry
X
confusion of SP, BSP, BJP about priynka's entry

 • પૂર્વ ઉ.પ્ર. ભાજપનો ગઢ મનાય છે, જ્યાં એક સમયે કોંગ્રેસની બોલબાલા હતી
 • બ્રાહ્મણ મતદારોનું વર્ચસ્વ ધરાવતા વિસ્તારમાં પ્રિયંકાની હાજરી કોંગ્રેસની જૂની વોટબેન્ક પરત મેળવે તો ભાજપને મુશ્કેલી
 • પશ્ચિમાંચલના મુસ્લિમ પ્રભાવી વિસ્તારમાં પ્રિયંકા 5 ટકા વોટ પણ મેળવે તો સપા-બસપા ગઠબંધનને મુશ્કેલી
   

નેશનલ ડેસ્કઃ આઝાદીના સાત દાયકામાં અનેક રાજકીય ઉથલપાથલો અને બદલાતા સમીકરણો વચ્ચે એક બાબત સાતત્યપૂર્ણ રીતે અફર સત્ય બની રહી છે કે દિલ્હી સુધી જતો સત્તાનો માર્ગ આજે પણ ઉત્તરપ્રદેશમાંથી જ પસાર થાય છે. 2014ની ચૂંટણીમાં વડાપ્રધાનપદના દાવેદાર નરેન્દ્ર મોદીએ ગુજરાતના વતની હોવા છતાં ઉત્તરપ્રદેશના વારાણસીથી ઉમેદવારી કરવી પડે એ બાબત જ 80 બેઠકો ધરાવતા આ પ્રાંતનું રાજકીય મહત્વ દર્શાવવા માટે પૂરતી છે. દાયકાઓથી અહીંના રાજકીય પરિદૃશ્યમાંથી ભૂંસાઈ રહેલી કોંગ્રેસે આ વખતે પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તરપ્રદેશના મહાસચિવ તરીકે નિયુક્ત કરીને નવી આશાઓ અને પ્રતિસ્પર્ધીઓ માટે અણધારી મૂંઝવણો સર્જી દીધી છે. 
 

શા માટે પ્રિયંકા પૂર્વ ઉ.પ્ર.માં?
1.
 1.  ગાંધી-નહેરુ પરિવારનું કરિશ્માઈ વ્યક્તિત્વ હોવા ઉપરાંત પ્રિયંકા વાચાળ અને સંપર્ક ઊભો કરવામાં માહેર ગણાય છે. 
 2.  સક્રિય રાજનીતિમાં ભલે તેમનો પ્રવેશ હમણાં થયો હોય, પરંતુ પડદા પાછળ તેમની ભૂમિકા કાયમ મહત્વપૂર્ણ રહી છે. આથી રાજનૈતિક બાબતો સાથે પનારો પાડવા ટેવાયેલા છે. 
 3.  બોલચાલમાં, દેખાવ અને પહેરવેશમાં ઈન્દિરાની છાપ ઉપસાવે છે, જે ગ્રામિણ મતદારો અને કોંગ્રેસની વિખૂટી પડેલી કમિટેડ વોટબેન્કને પુનઃ એકઠી કરી શકે. 
 4.  પૂર્વ ઉત્તરપ્રદેશ પોતે લોકસભાની 18 બેઠકો ધરાવે છે. એ ઉપરાંત બિહારની 12 અને પશ્ચિમાંચલ વિસ્તારની અન્ય 17 બેઠકો પર પૂર્વ ઉત્તરપ્રદેશના હવામાનની અસર પડી શકે. આમ, પ્રિયંકાની હાજરી માત્રથી લોકસભાની કુલ 47 બેઠકો પર કોંગ્રેસ ગેમચેન્જર બનવાની ધારણા રાખે છે. 
 5. વડાપ્રધાન મોદીનો મતવિસ્તાર બનારસ અને મુખ્યમંત્રી આદિત્યનાથનો ગઢ ગોરખપુર પૂર્વમાં જ છે. પ્રિયંકાની અહીં હાજરી હોય એથી આ બંને ગઢ વિશે ભાજપ સાવ નિશ્ચિંત ન રહી શકે. 
ભાજપ માટે પ્રિયંકાનું ભયસ્થાન
2.
 1.  ઉત્તરપ્રદેશના અત્યંત પેચીદા જાતીવાદી સમીકરણોમાં બ્રાહ્મણ (8 ટકા) અને ઠાકુર (8 ટકા) આગવું મહત્વ ધરાવે છે, જે પૈકી પૂર્વ ઉત્તરપ્રદેશમાં 12 બેઠકો પર બ્રાહ્મણ મત નિર્ણાયક બનતાં રહે છે. 
 2.  યોગી આદિત્યનાથના શાસનમાં ઠાકુરોને મળી રહ્યું છે એટલું મહત્વ બ્રાહ્મણોને નથી મળતું. એ વિશે બ્રાહ્મણોના વિવિધ સંગઠનો વિરોધસૂચક દેખાવો પણ કરી ચૂક્યા છે. 
 3.  બ્રાહ્મણો એક સમયે કોંગ્રેસની કમિટેડ વોટબેન્ક ગણાતા હતા. કોંગ્રેસના કમલાપતિ ત્રિપાઠી સમગ્ર રાજ્યના ગણનાપાત્ર બ્રાહ્મણ નેતા હતા. મહાસચિવ બન્યાં પછી પ્રિયંકા સૌ પ્રથમ તેમના ઘરની મુલાકાત લીધી એ બહુ સુચક છે. 
 4. બ્રાહ્મણ વોટબેન્કને રિઝવવા માટે ભાજપે સવર્ણ અનામત કાર્ડ ખેલ્યું છે પરંતુ પ્રિયંકાનો પ્રભાવ ભાજપના માસ્ટરસ્ટ્રોકને બુઠ્ઠો કરી શકે છે. 
સપા-બસપાને ય દુઃસ્વપ્નો આવવા લાગ્યા હશે
3.
 1.  પશ્ચિમાંચલના બદાયું, રામપુર, અલીગઢ, બુલંદશહર, બિજનોર સહિતના કુલ 17 જિલ્લાઓ એવાં છે જ્યાં મુસ્લિમોનું સંખ્યાત્મક પ્રભુત્વ છે. 
 2.  પરંપરાગત રીતે મુસ્લિમ સમુદાય કોંગ્રેસની વોટબેન્ક મનાય છે, જે કોંગ્રેસની પડતીમાં સમાજવાદી પાર્ટી તરફ ઢળ્યો છે. 
 3.  સમાજવાદી પાર્ટીમાં પણ મુખ્યત્વે મુલાયમસિંહ મુસ્લિમ સમાજ પર પ્રભાવ ધરાવે છે, જેમને પુત્ર અખિલેશ સાથે હવે અણબનાવ છે. એ સંજોગોમાં મુલાયમની ગેરહાજરીમાં મુસ્લિમ વોટબેન્કને જોડી રાખવી એ અખિલેશ માટે પણ બહુ મોટો પડકાર છે. 
 4.  પ્રિયંકા મુસ્લિમ મતદારોમાં પણ ખાસ્સો એવો પ્રભાવ ધરાવે છે. ખાસ કરીને, અમેઠી-રાયબરેલીના પ્રચારકાર્ય દરમિયાન તે મુસ્લિમ સંસ્થાઓ સાથે જીવંત સંપર્ક રાખે છે. પ્રિયંકાની હાજરીના કારણે 5 ટકા મુસ્લિમ મત પણ જો કોંગ્રેસ તરફ ઢળે તો સપા-બસપા ગઠબંધનને પશ્ચિમાંચલમાં બહુ મોટું નુકસાન થઈ શકે છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App