ગ્રાઉન્ડ રિપોર્ટ / પશ્ચિમ બંગાળ: ચૂંટણીમાં ‘શ્રીરામ’, મમતા અને મોદીની લડાઈમાં ધ્રુવીકરણ જ નિર્ણાયક રહેશે

West Bengal: Polarization in the election of 'Shriram', Mamta and Modi in the elections will be crucial

  • ઉમેદવારોથી વધુ મંત્રી દોડી રહ્યા છે, દીદી બધાનાં રિપોર્ટકાર્ડ જોશે
     

DivyaBhaskar.com

May 13, 2019, 10:49 PM IST

રાજેશ માળી, કોલકાતા (પશ્ચિમ બંગાળ)થી ઈલેક્શન ડેસ્કઃ કોલકાતાનો કાલીઘાટ બે વાત માટે જાણીતો છે- મંદિર અને મમતા. અહીં જ પ્રસિદ્ધ કાલી મંદિર અને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીનું ઘર છે. બાજુમાં જ અમિત જયસ્વાલની લસ્સીની દુકાન છે. તેઓ એટલે ખુશ છે કે મમતા બેનરજીના કારણે દુકાન ખૂબ ચાલે છે કારણ કે, અહીં 24 કલાક સેંકડો પોલીસ તૈનાત રહે છે અને ભારે અવરજવર રહે છે, જે તમામ તેમના ગ્રાહક છે. અમિત જયસ્વાલ એક જ લીટીમાં ચૂંટણી વિશ્લેષણ કરે છે કે- ભાજપ ટક્કર જરૂર આપી રહ્યો છે, પણ જીતશે તો દીદી જ. કોલકાતા દક્ષિણ લોકસભા બેઠક પરથી મમતા ચાર વાર સાંસદ રહી ચૂક્યાં છે.

આ વખતે તૃણમૂલ કોંગ્રેસના માલા રાય અને ભાજપના ચંદ્રકુમાર બોઝ વચ્ચે ટક્કર છે. 58 વર્ષીય ચંદ્રકુમાર નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રપૌત્ર છે, જેમનો મુકાબલો ફક્ત માલા રાય સાથે નહીં પણ રાજ્ય સરકાર સામે પણ છે. આ સંસદીય ક્ષેત્રના ભવાનીપુરાથી મમતા બેનરજી ધારાસભ્ય છે અને બાકી છમાંથી પાંચ ધારાસભ્ય મંત્રી છે. મમતા બેનરજી કહી ચૂક્યાં છે કે તેઓ દરેક વિસ્તારનું પરિણામ જોશે એટલે ઉમેદવારથી વધુ મહેનત મંત્રીઓ કરી રહ્યા છે. કોલકાતા દક્ષિણની જેમ બાકીની બેઠકો પર એવી સ્થિતિ નથી. મમતા-મોદીની લડાઈમાં તમામ જગ્યાએ હિંદુ-મુસ્લિમ મતદારોનું વિભાજન મહત્ત્વપૂર્ણ પરિબળ છે.

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં શ્રીરામની એન્ટ્રી પછી તો એ વધુ મજબૂત થયું છે. કોલકાતા દક્ષિણ સહિત 9 બેઠક પર છેલ્લા તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. લંડનમાં અભ્યાસ અને નોકરી કરી ચૂકેલા બોઝ કોલકાતાની ઝૂંપડપટ્ટીઓમાં શૌચાલયો નહીં હોવાની મુશ્કેલીઓ ગણાવે છે અને એ માટે તૃણમૂલને જવાબદાર ગણે છે. બીજી તરફ, માલા રાય સાથે તૃણમૂલની આખી ફોજ છે, પરંતુ મોદીની ચર્ચા વધારે છે. આ જ કારણસર માલા નિશ્ચિંત છે. માલા રાયે 2014ની ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર લડીને ત્રીજા નંબરે રહ્યાં હતાં. સીપીઆઈ(એમ)થી મેદાનમાં જાદવપુર યુનિવર્સિટીના પ્રોફેસર નંદિની મુખરજી, જેમણે 2014માં 24% મત સાથે તૃણમૂલને ટક્કર આપી હતી.

ત્રણ મહિલા ઉમેદવાર વચ્ચે ઘેરાયેલા ચંદ્રકુમાર બોઝ 2016ની વિધાનસભા ચૂંટણીમાં મમતા સામે ઉમેદવાર હતા અને 19% મત લઈને ત્રીજા નંબરે રહ્યા હતા. કોલકાતા ઉત્તરમાં આ વખતે તૃણમૂલના કદાવર નેતા સુદીપ બંદોપાધ્યાય અને ભાજપના રાષ્ટ્રીય સચિવ રાહુલ સિંહા વચ્ચે મુકાબલો છે. પાંચ વાર જીત માટે મેદાનમાં ઉતરેલા સુદીપ રોઝ વેલી ચીટ ફંડ કૌભાંડમાં 2017માં જેલની હવા ખાઈ ચૂક્યા છે, પરંતુ એ ચૂંટણી મુદ્દો નથી. મુદ્દો શું છે એ મુસ્લિમ બહુમતી ક્ષેત્રમાં તૃણમૂલના કાઉન્સિલર રેહાના ખાતૂનને સાંભળીએ ત્યારે ખબર પડે છે. તેઓ સભાઓમાં કહે છે કે ઉત્તરપ્રદેશમાં અમારા ભાઈઓ સાથે શું થઈ રહ્યું છે એ તમને ખબર નથી.

શું એવા જ હાલ તમે અહીં ઈચ્છો છો?’ અહીં આશરે 20% મુસ્લિમ મતદારો છે, જે તૃણમૂલની તાકાત છે. તેમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કોંગ્રેસના સૈયદ શાહિદ ઈમામ. સીપીઆઈ (એમ)માંથી કનિકા બોઝ ઘોષ છે. અહીં કામ-ધંધા માટે આવેલા હિંદીભાષી મતદારો પણ મહત્ત્વના છે, જે મોદીના નામે ભાજપને મત આપી શકે છે. 2014ની ચૂંટણીમાં સુદીપ (36%) અને રાહુલ (26%) વચ્ચે દસ ટકા મતોનું અંદર હતું. હવે નજર સીપીઆઈ મત પર છે, જે પેટાચૂંટણીમાં ભાજપ તરફ ગયા હતા. બાંગ્લાદેશની સરહદ નજીકના બશીરહાટમાં હિંદુ-મુસ્લિમ મતોનું વિભાજન સૌથી વધુ થઈ શકે છે.

તે નિર્ણાયક પણ રહેશે. 2017માં ત્યાં કોમી તોફાનો થયાં હતાં ત્યારે ભાજપે પાયાની હકીકતને ચકાસવા માટે ત્રણ સાંસદની સમિતિ બનાવી હતી, પરંતુ રાજ્ય સરકારે ત્રણેયને ત્યાં જતા રોક્યા હતા. ત્યારે ભાજપે આ વાતને મુદ્દો બનાવીને સમગ્ર વિસ્તારમાં સક્રિયતા વધારી હતી. ભાજપની તૈયારીનો જવાબ આપવા મમતા બેનરજીએ સાંસદ ઈદરીસ અલીની જગ્યાએ બાંગ્લા ફિલ્મોની અભિનેત્રી 28 વર્ષીય નુસરત જહાંને ઉતારી હતી. અહીં 47% મુસ્લિમ મત છે. ભાજપ ઉમેદવાર શ્યાંતન બસુના તેવર એક સભામાં સીઆરપીએફ જવાનોને આપેલી આ સલાહથી સમજી શકાય છે, ‘કોઈ બૂથ પર કબજો કરવા આવે તો તેમની છાતીમાં ગોળી ધરબી દેજો.’ કોંગ્રેસના કાજી અબ્દુલ રહીમ જેટલા મત લાવશે એટલું નુરસતને નુકસાન થશે.

નોંધનીય છે કે, 2014માં ચોથા નંબર પર રહેલા રહીમને 1,02,130 મત મળ્યા હતા. તૃણમૂલના મજબૂત ગઢ બારાસાતમાં સાંસદ ડો. કાકોલી ઘોષ દસ્તીદારનો મુકાબલો ભાજપના 68 વર્ષીય ડો. મૃણાલ કાંતિ દેવનાથ સામે છે. દેવનાથ મોટા ભાગનો સમય વિદેશ હોય છે. ગઈ વખતે ભાજપે અહીં જાદુગર પી. સી. સરકાર જુનિયરને ઉતાર્યા હતા, જે ખાસ જાદુ ના કરી શક્યા. તેઓ 23% મત સાથે ત્રીજા નંબરે હતા. ભાજપનો દારોમદાર ડાબેરી મત પર છે. લોકપ્રિયતાના કારણે કાકોલી ઘોષને હેટ્રિક મારતા રોકવા બધા પક્ષો માટે મુશ્કેલ છે. દમદમમાં તૃણમૂલના વરિષ્ઠ નેતા પ્રો. સૌગત રાયનો મુકાબલો ભાજપના પૂર્વ ધારાસભ્ય સામિક ભટ્ટાચાર્ય સામે છે. આ બેઠકથી ભાજપના તપન સિકંદર બે વાર સાંસદ રહી ચૂક્યા છે, પરંતુ 2014માં તેઓ ત્રીજા નંબરે રહ્યા હતા.

2014: તમામ પાંચ બેઠક તૃણમૂલ કોંગ્રેસે જીતી હતી.

આ રીતે થઈ અહીં શ્રીરામની એન્ટ્રી...

  • પશ્ચિમ મિદનાપુરમાં મુખ્યમંત્રી મમતા બેનરજીનો કાફલો જઈ રહ્યો હતો ત્યારે રસ્તાની બાજુમાં ઊભેલા લોકો જય શ્રીરામના નારા લગાવી રહ્યા હતા. એ જોઈને મમતાએ ગાડી ઊભી રખાવી અને નારા લગાવનારાને ફિટકાર લગાવી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો. બાદમાં વડાપ્રધાન મોદીએ બંગાળની સભાઓમાં તેને મુદ્દો બનાવ્યો.
  • પોલિટિકલ સાયન્સના પ્રોફેસર બિમલ શંકર નંદા કહે છે કે રાજ્યમાં આશરે 27% મુસ્લિમ મતદારો છે. તેમાં 90% તૃણમૂલ સાથે રહેશે. આ મતબેન્કને વધુ મજબૂત કરવા મમતા બેનરજીએ આક્રમક રીતે એન્ટિ મોદી અને એન્ટિ બીજેપી સ્ટેન્ડ લીધું છે. તેમાં મુસ્લિમોને ભાજપનો ડર બતાવવાનો પણ છુપો સંદેશ છે.


X
West Bengal: Polarization in the election of 'Shriram', Mamta and Modi in the elections will be crucial
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી