ભાસ્કર ઈન્ટરવ્યૂ / સામાન્ય લોકોનો અવાજ દબાવવો એ ક્યાંનો રાષ્ટ્રવાદ છે... તેમનો રાષ્ટ્રવાદ તો અહંકાર સુધી જ મર્યાદિત છેઃ પ્રિયંકા ગાંધી

Spacial Interview of Priyanka Gandhi With Dainik Bhaskar

DivyaBhaskar.com

May 18, 2019, 09:54 AM IST

ઈલેક્શન ડેસ્કઃ લોકસભા ચૂંટણીની જાહેરાતથી બરાબર દોઢ મહિના પહેલાં પ્રિયંકા ગાંધી વાડરા કોંગ્રેસ મહાસચિવ તરીકે સક્રિય રાજકારણમાં આવ્યાં. પહેલાં પૂર્વીય ઉત્તરપ્રદેશ અને ત્યાર પછી 7 રાજ્યોમાં પક્ષ માટે રેલીઓ અને રોડ શો કરી રહેલાં પ્રિયંકા મોદી સરકારની નીતિઓ અને તેમના રાષ્ટ્રવાદના મુદ્દા પર સ્પષ્ટ વાતો કરે છે. સાતમા અને છેલ્લા તબક્કાના પ્રચારમાં વ્યસ્ત પ્રિયંકા સાથે વાત કરી ભાસ્કરના રાજકીય સંપાદક હેમંત અત્રીએ. સંપાદિત અંશો...

સવાલ : ભાજપ રાષ્ટ્રવાદને મુદ્દો બનાવી ચૂંટણીમાં છે, કોંગ્રેસ ખૂલીને સામનો કેમ નથી કરી રહી?

પ્રિયંકાનો જવાબ : સામાન્ય લોકોનો અવાજ દબાવવો એ ક્યાંનો રાષ્ટ્રવાદ છે... તેમનો રાષ્ટ્રવાદ તો અહંકાર સુધી જ મર્યાદિત છે...

સવાલ : શું તમે યુપીમાં સીએમ ઉમેદવાર હશો?

પ્રિયંકા : હું 2022 સુધી સંગઠન મજબૂત કરીશ, ત્યાર પછી જોઈએ શું થાય છે

સવાલ :વર્તમાન ચૂંટણીમાં કયા મુદ્દા હોવા જોઈએ અને કેમ? અને શું તે જરૂરી મુદ્દાઓ પર વાત થઈ રહી છે?

પ્રિયંકા :સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે. કારણ કે, બેરોજગારી હાલ 45 વર્ષમાં સૌથી વધુ છે. બીજો મોટો મુદ્દો છે ખેડૂત અને ખેતી પર સંકટ. ખેડૂત ત્રસ્ત છે. 5 વર્ષમાં મોદી સરકારે ખેડૂતોનું શોષણ કર્યું છે. ખેડૂત દેવામાં ડૂબેલા છે. 13 હજારથી વધુ ખેડૂત આત્મહત્યા કરી ચૂક્યા છે. તેમને ઉપજના ભાવ નથી મળતા, તો 50 ટકા નફો ક્યારે મળશે? આ મુખ્ય મુદ્દા છે, જે મોદી સરકાર નહીં ઉઠાવે, કારણ કે તેમની પાસે તેનો કોઈ જવાબ નથી.

સવાલ :પ્રિયંકાને ગુસ્સો ક્યારે આવે છે અને તેને તે કંટ્રોલ કેવી રીતે કરે છે? વિપશ્યની તમારા વ્યક્તિત્વ પર કેવી અસર પડી છે?

પ્રિયંકા :વિપશ્યના વ્યક્તિત્વના અહંકારને દૂર કરવાનું સાધન છે. હું હજુ સુધી તે અહમને સાધના દ્વારા દૂર કરવા પ્રયત્નશીલ છું.

સવાલ :ભાજપ રાષ્ટ્રવાદને મુદ્દો બનાવી ચૂંટણીમાં છે. કોંગ્રેસ ખૂલીને સામનો કેમ નથી કરી રહી?

પ્રિયંકા :અમે મજબૂતીથી સામનો કરી રહ્યા છીએ. હું દરેક ભાષણમાં ખૂલીને કહું છું કે તેમનો રાષ્ટ્રવાદ સમજથી પર છે. કારણ કે, તેમનો રાષ્ટ્રવાદ તેમના અહંકાર સુધી મર્યાદિત છે. તે આ શબ્દને માત્ર એક જ દૃષ્ટિએ જુએ છે. અસલી રાષ્ટ્રવાદ છે દેશ પ્રત્યે પ્રેમ. દેશ પ્રત્યે પ્રેમનો અર્થ છે કે જનતા પ્રત્યે પ્રેમ અને તેનો અર્થ છે જનતાનો આદર કરવો. દલિતોની મારપીટ થાય છે અને આપ (મોદી) મૌન રહો છો. તમારા સાથી મહિલાઓ માટે અપશબ્દ બોલે છે, તમે ત્યારે પણ મૌન રહો છો. તમે વચન આપો છો કે 2 કરોડ રોજગાર દર વર્ષે આપશો. હવે યુવાનોને કહો છો કે તમે ભજિયાં તળો. આ રાષ્ટ્રવાદ ન હોઈ શકે.

સવાલ :શું તમને લાગે છે કોંગ્રેસ અથવા યુપીએની સરકાર બની શકશે?

પ્રિયંકા :જ્યાં જ્યાં હું જાઉં છું, મને લોકો હેરાન દેખાય છે. તે મને કહે છે કે ભાજપથી કંટાળી ગયા છીએ. એ તો સ્પષ્ટ છે કે ભાજપ જઈ રહ્યો છે. બાકી વાત રહી સરકારની, તો જેમ રાહુલજી કહે છે, જનતા અમારી માલિક છે. અમે તેમનો દરેક નિર્ણય સ્વીકારીશું.


સવાલ :ચૂંટણીપંચની નિષ્પક્ષતા પર સવાલ ઊઠી રહ્યા છે. પ. બંગાળમાં પ્રચારની સમયમર્યાદા ઓછી કરવાના પંચના નિર્ણયને કેવી રીતે જુઓ છો?

પ્રિયંકા :ચૂંટણીપંચ બંધારણીય સંસ્થા છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે આ વખતે પંચે અનેક નિર્ણયો નિષ્પક્ષ નથી લીધા. પંચ પાસે આશા રખાય છે કે તે એવું કામ કરે જેનાથી લોકોનો વિશ્વાસ જળવાઈ રહે. પંચ માટે કોઈ પક્ષ અથવા નેતા પ્રત્યે વફાદારી નહીં બંધારણીય જવાબદારી મહત્વપૂર્ણ હોવી જોઈએ. વર્તમાન સ્થિતિ ત્રાસદાયક છે.

સવાલ :તમે રેલીઓ કરતાં રોડ શો અને નુક્કડ સભાઓ વધુ કરી રહ્યાં છો. ઈન્દિરાજીની રીત પણ કંઈક એવી જ હતી. આ માત્ર યોગાનુયોગ છે કે રણનીતિ?

પ્રિયંકા : ન યોગાનુયોગ, ન રણનીતિ. મોટી-મોટી રેલીઓમાં જે બેરિકેડ લાગે છે તેનાથી લોકો મારાથી 40 ફૂટ દૂર રહી જાય છે. તે મને જરા પણ પસંદ નથી. હું જનતા સાથે વાત કરવા જાઉં છું. તેમને સાંભળવા માગું છું. કારણ કે, એકતરફી ભાષણ આપીને નીકળવાનો કોઈ લાભ નથી.

સવાલ :તમારાં પિતા અને દાદીને આતંકવાદે મારી નાંખ્યા. તમારા માટે આતંકવાદનો શું અર્થ છે? અને તેનું સમાધાન શું છે?

પ્રિયંકા :આતંકવાદ હિંસા છે અને જેણે હિંસાનો સામનો કર્યો છે તે તેને સમજે છે. હું પિતાજી કરતાં વધુ પ્રેમ બીજા કોઈને કરતી નહોતી. 19 વર્ષની હતી, ત્યારે તેમનું શરીર ટુકડાઓમાં ઘરે લાવી. આ પ્રકારની હિંસામાંથી પસાર થતા હિંસાની સમજ બદલાઈ જાય છે. માણસને પોતાના અનુભવોમાંથી જ શીખ મળી જાય છે કે હિંસાનો જવાબ માત્ર અહિંસા છે.

સવાલ :ચૂંટણીના 3 મહિના પહેલાં તમે સત્તાવાર રીતે રાજકારણમાં આવ્યાં. ભાજપનો સામનો કરવા માટે ક્યાંક વિલંબ તો નથી કર્યો ને?

પ્રિયંકા :વિલંબ થયો છે કે નહીં એ તો સમય જ જણાવશે. તમે કે હું તેનો અંદાજ કરી શકીએ તેમ નથી. મારી દૃષ્ટિએ જે પણ થાય છે, તે સમયસર થાય છે.

સવાલ :રોબર્ટ વાડરા પર સરકારના વલણને કેવી રીતે જુઓ છો?

પ્રિયંકા :જુઓ, મારા પતિ રોબર્ટ વાડરા પર ભાજપ સરકારે રાજકીય હુમલો કર્યો છે. તમે જુઓ કે આ હુમલો ક્યારે વધ્યો? જ્યારે હું રાજકારણમાં આવી. આ ભાજપનું ચરિત્ર છે.

સવાલ :નરેન્દ્ર મોદી જ્યારે રાજીવ ગાંધી અથવા નહેરુ પર બોલે છે, તો તમારું રિએક્શન શું હોય છે?

પ્રિયંકા :નરેન્દ્ર મોદીજીની વાતોથી મારામાં કોઈ ભાવના ઉભરતી જ નથી, કારણ કે મોદી મારા પિતા અંગે શું વિચારે છે તેમાં મને કોઈ રસ જ નથી. મારા પિતાજીની હકીકત હું જાણું છું. આ દેશ જાણે છે.

સવાલ :રાહુલ અને પ્રિયંકાના વ્યક્તિત્વમાં તફાવત અને સમાનતાઓ શું છે? લોકો કહે છે કે પ્રિયંકા સખત અને રાહુલ નરમ સ્વભાવના છે...

પ્રિયંકા :રાહુલજી ખૂબ આગળનું વિચારે છે. હું ક્યારેક ક્ષણિક મનોભાવમાં ફસાઈ જાઉં છું. તેમનામાં ખૂબ જ સાહસ છે. તેમને ગુસ્સો ઓછો આવે છે. તે નફરતનો જવાબ પ્રેમથી આપે છે. હું ક્યારેક-ક્યારેક ક્રોધનો જવાબ ક્રોધથી પણ આપી દઉં છું.

સવાલ :તમે વડાપ્રધાન તરીકે મોદીને કેવી રીતે યાદ કરશો? મોદીની સૌથી સારી અને ખરાબ બાબતો શું લાગે છે?

પ્રિયંકા :સારી અને ખરાબની વાત નથી. એક નેતાનો અહંકાર એટલો વધી જાય કે તે માત્ર સત્તા જાળવી રાખવા માટે કોઈ પણ હદ સુધી જાય છે, પછી તે સંપત્તિનો ઉપયોગ કરે, ખોટા પ્રચાર કરે, ધર્મનો ઉપયોગ કરે, રાષ્ટ્રવાદ અથવા શહીદોની શહાદતનો ઉપયોગ કરે, તો તેની કોઈ મર્યાદા નથી રહેતી. જનતા અને દેશ પ્રત્યે નેતાની કેટલીક જવાબદારીઓ હોય છે. મારા વિચારે સત્ય સૌથી મોટી જવાબદારી છે. સત્યના માર્ગથી જ્યારે કોઈ નેતા ભટકી જાય છે તો દેશને નુકસાન થાય છે.

સવાલ :શું યુપીમાં 2022માં વિધાનસભા ચૂંટણીમાં તમે કોંગ્રેસનાં સીએમ ઉમેદવાર હશો?

પ્રિયંકા :2022 સુધી હું સંગઠનને મજબૂત કરીને પક્ષને અન્યો સામે જોરદાર પડકાર આપવા માટે તૈયાર કરીશ. પછી આગળ જોઈએ શું થશે.

સવાલ :રાહુલ કોંગ્રેસ અધ્યક્ષ પણ છે અને મોટા ભાઈ પણ. કઈ ખૂબીઓ લોકોને ખબર નથી?

પ્રિયંકા :રાહુલજી વિરુદ્ધ એટલો દુષ્પ્રચાર કરાયો કે તેમનું વાસ્તવિક ચરિત્ર દેશ સામે અનેક વર્ષો સુધી આવી શક્યું જ નથી. રાહુલજી ખૂબ જ વિવેકી છે. તે ધર્મને ઊંડાણપૂર્વક સમજે છે, દેશને સમજે છે. દેશમાં કઈ શક્તિઓ કેવી રીતે કામ કરી રહી છે તેને તેઓ ઝીણવટપૂર્વક સમજે છે. હું રાહુલજી પાસે જાઉં છું, તો મને ખ્યાલ આવે છે કે તે જે કહેશે તે સાચું હશે. અનેક વખત આ સત્ય કડવું લાગે છે. હું નારાજ પણ થઈ જાઉં છું. પરંતુ એવું ક્યારેય નથી થયું કે પાછળથી મને એવું લાગ્યું હોય કે તેમની વાત ખોટી હતી. તે હંમેશા મારા ભલા માટે કહી રહ્યા હતા. તે મારા મોટા ભાઈ છે પરંતુ મારા માર્ગદર્શક પણ છે. રાહુલજી એકિડો માર્શલ આર્ટમાં બ્લેકબેલ્ટ છે. તેમણે પર્વતારોહણનો કોર્સ કર્યો છે. તે પ્રમાણિત ડાઈવર છે. સ્કૂબા ડાઈવિંગના પ્રશિક્ષક છે અને ઓક્સિજન વિના 75 મીટરના ઊંડાણ સુધી ડાઈવ કરી શકે છે. તે પાઈલટ પણ છે. તેઓ પોતાની યુનિવર્સિટી ટીમ માટે ફૂટબોલ રમ્યા છે. બહેન તરીકે હું કહી શકું છું કે તે નિડર છે. તેમનું વિમાન પડી રહ્યું હતું ત્યારે બધા ગભરાઈ ગયા હતા પરંતુ તે કોકપીટ પાસે ઊભા રહીને પાઈલટની મદદ કરી રહ્યા હતા. બહુ ઓછા લોકો જાણે છે કે રાહુલજીએ ઉપનિષદો, ગીતા, હિન્દુ ધર્મ, બૌદ્ધ અને જૈન ધર્મ, શીખ ધર્મ, ઈસ્લામ, સૂફી અને પશ્ચિમી ધર્મોને વાંચીને તેમને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કર્યો છે અને તે પ્રયાસ સતત ચાલુ છે.

સવાલ :નોટબંધી, બેરોજગારી,ખેતી સંકટ, તેનાથી છુટકારા માટે કોંગ્રેસ પાસે કયો રોડમેપ છે?

પ્રિયંકા :કોંગ્રેસે ચૂંટણીઢંઢેરામાં ખેડૂતો, મહિલાઓ અને નવયુવાનો માટે તેની સાથે સંકળાયેલી યોજનાઓનું ધ્યાન રાખ્યું છે. નોટબંધીથી એક વર્ષમાં એક કરોડ રોજગાર જતા રહ્યા. નોટબંધીથી મહિલાઓની બચત મુશ્કેલીમાં મુકાઈ. 5 વર્ષમાં ભાજપે જનતાના ભલાના બદલે કેટલાક ઉદ્યોગપતિઓનો લાભ જોયો. ઉત્તરપ્રદેશના સંદર્ભમાં જોઈએ તો એક બાજુ ખેડૂતો પાકની કિંમત ન મળવાનો સામનો કરી રહ્યા છે, તો બીજી બાજુ રખડતાં પશુઓની સમસ્યા છે. રાત-દિવસ પરિવારના કોઈ ને કોઈ સભ્યને ખેતરમાં રખેવાળી કરવા માટે બેસવું પડે છે. ગરીબો અને ખેડૂતોને તેમના પગ પર ઊભા થવાની તક આપવા માટે કોંગ્રેસે અનેક યોજનાઓ ચૂંટણીઢંઢેરામાં સામેલ કરી છે. મુખ્ય છે - ‘ન્યાય’ (લઘુતમ આવક યોજના). કોંગ્રેસે ‘ન્યાય’થી ગરીબ પરિવારોની મહિલાઓને વાર્ષિક 72 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે. તેનાથી દેશના અર્થતંત્રનું એન્જિન ફરી સ્ટાર્ટ થઈ જશે. જે નાણાં ગરીબો પાસેથી છીનવાઈ ગયા છે, તે તેમના હાથમાં પાછા અપાશે.

સવાલ :જીએસટીએ કેવી રીતે અસર કરી અને તેના પર તમારી યોજના શું છે?

પ્રિયંકા :જ્યાં પણ જાઉં છું નાના દુકાનદાર અને નાના વેપારી હેરાન થઈ ગયેલા દેખાય છે. અનેક લોકોએ જણાવ્યું કે જીએસટીની ગણતરી એટલી જટિલ છે કે તેમનાથી થઈ જ નથી રહી. તેના માટે એકાઉન્ટન્ટ રાખવો પડે છે. અનેક વખત એકાઉન્ટન્ટની ફી જ નાના વેપારીઓના નફા કરતા વધુ હોય છે. એવામાં તે શું કરે? આ સિવાય ઈ-વે બિલનો મામલો છે. ભદોહીના કાલીન વણકરોએ જણાવ્યું કે ઈ-વે બિલ મારફત પણ ઘણી ઝંઝટ થાય છે, કારણ કે દરેક જગ્યાએ જ્યાં તેમને વેચવા જવું પડે છે, તેને એન્ડ પોઈન્ટ સુધી પહોંચતા પહોંચતા પ્રક્રિયાની જટિલતાથી હેરાન થઈ જાય છે. અનેક દુકાનદારોએ જણાવ્યું કે આ વર્ષે તો દુકાન બંધ કરવી પડશે.

સવાલ :માયા અને અખિલેશ સાથે ચૂંટણી પહેલા ગઠબંધન તો ન થયું. તો શું ચૂંટણી પછી ગઠબંધનની તૈયારી છે?

પ્રિયંકા :આ વાત તો અમારા રાષ્ટ્રીય સ્તરના નેતા જ જણાવી શકે છે.

X
Spacial Interview of Priyanka Gandhi With Dainik Bhaskar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી