ગ્રાઉન્ડ રિપોર્ટ / મધ્યપ્રદેશ : માલવામાં ભાજપ મજબૂત, નિમાડમાં જયસના દમ પર કોંગ્રેસને આશા

Madhya Pradesh: BJP is strong in Maharashtra, Jaisa

  • છેલ્લો તબક્કો: ભાજપે આ 8માંથી 6 બેઠક પર વર્તમાન સાંસદોની ટિકિટ કાપી છે, લોનમાફી અહીં અસર બતાવશે
  • મધ્યપ્રદેશની 8 બેઠક: ઇન્દોર, ઉજ્જૈન, દેવાસ, રતલામ, મંદસૌર, ધાર, ખરગોન અને ખંડવાની સ્થિતિ. અહીં 19 મેએ મતદાન થશે.
     

DivyaBhaskar.com

May 16, 2019, 12:33 AM IST

ભંવર જાંગિડ, ઈંદોર મધ્યપ્રદેશથી : ઇન્દોર દેશનું ક્લિન સિટી છે. અહીંથી 8 વાર સાંસદ રહેલા તાઇ સુમિત્રા મહાજનની છબિ પણ શહેર જેટલી જ સાફ છે. આ બેઠક પર દોઢ લાખ મરાઠી મતો નિર્ણાયક છે. તાઇને ટિકિટ ન મળવાની, ચૂંટણી નહીં લડવાની મજબૂરી તેઓ સમજે છે. તેથી ભાજપથી નારાજ તો છે પણ કહે છે કે તાઇને બટ્ટો ન લાગે તે માટે ભાજપને જ મત આપશે. આ જ કારણથી ભાજપ શંકર લાલવાનીના નવા ચહેરા છતાં અહીં મજબૂત છે. ભાજપનો મુકાબલો કોંગ્રેસના વરિષ્ઠ નેતા પંકજ સંઘવી સાથે છે, જેઓ આમ તો લાલવાનીની જેમ જ કોર્પોરેટરની જ ચૂંટણી જીત્યા છે પણ મેયર, વિધાનસભા અને લોકસભા જેવી મોટી ચૂંટણીઓ હારી ચૂક્યા છે.

દરેક મોટી ચૂંટણીમાં તેમની હારનું માર્જિન સાવ ઓછું રહ્યું છે. સંઘવી વ્યક્તિગત રીતે લાલવાની પર ભારે છે અને શહેર જેટલી જ ગ્રામીણ મતો પર પણ તેમની પકડ છે પરંતુ કોંગ્રેસની લોનમાફીથી પરેશાની ઊભી થઇ છે. કજલાના ગામના ભાગીરથ મુકાતી અને મદન પટેલ કહે છે કે અમને 2-2 લાખની લોનમાફી નથી જોઇતી, પાકોના ભાવ વધે અને બસ પૂરા ભાવ મળી જાય. પાકના પૂરા ભાવ આપે તો લાખો રૂપિયા કમાઇ શકીએ છીએ. કોંગ્રેસે હવે ખેડૂતોનો ભરોસો ન જીત્યો તો તેને મોટો ઝાટકો લાગી શકે છે.

દેવાસમાં આ વખતે બંને પક્ષના ચહેરા બિનરાજકીય છે.

ભાજપે જજ રહેલા મહેન્દ્ર સોલંકીને અને કોંગ્રેસે કબીરપંથી લોકગાયક પદ્મશ્રી પ્રહલાદ ટિપાનિયાને ટિકિટ આપી છે. બંને બલાઇ સમાજના છે, જેમની માલવા-નિમાડમાં મોટી વોટબેન્ક છે. ટેકરી પર બનેલા ચામુંડા માતાના મંદિરના રોડ પર માતાજી માટે ફૂલહાર બનાવી રહેલા અખલાક ખાન કહે છે મોદી સરકાર બાળકના જન્મ સમયે પૈસા આપે છે, પછી કન્યાઓનાં લગ્ન માટે. ઘઉં આપી રહી છે, ઘર બનાવી દીધું અને ઇલાજ પણ ફ્રી કરાવી રહી છે. આનાથી વધારે શું જોઇએ? તેથી વોટ ન ધર્મ પર ન જાત પર, માત્ર મોદીના નામ પર. દેવાસમાં મુકાબલો બરાબરીનો છે.

ઉજ્જૈનના હાલના સાંસદ ચિંતામન માલવિયની જગ્યાએ ભાજપે અનિલ ફિરોજિયાને ઉતાર્યા છે. ઉજ્જૈન ભાજપનો ગઢ છે. ગઈ 11 ચૂંટણીમાં ભાજપ સાત વાર જીત્યો છે. લોકસભાની આઠ વિધાનસભા બેઠકમાંથી ત્રણ પર ભાજપનો કબજો છે. સામે કોંગ્રેસે બાબુલાલ માલવિયને ઉતાર્યા છે, જે દિગ્વિજય સિંહના નજીકના નેતા છે. અહીં પાંચ વિધાનસભા બેઠક જીતવાના કારણે કોંગ્રેસ આત્મવિશ્વાસુ છે.રતલામ બેઠક ગઈ વખતે મોદીલહેરમાં ભાજપના દિલીપસિંહ ભૂરિયા પાસે હતી, પરંતુ પેટાચૂંટણીમાં કોંગ્રેસના કાંતિલાલ ભૂરિયાએ છીનવી લીધી. કાંતિલાલ ભૂરિયા ફરી મેદાનમાં છે. ભાજપે તેમની સામે જી.એસ. ડામોરને ઉતાર્યા છે, જે ઝાબુઆના ધારાસભ્ય પણ છે.

ભાજપ બેઠક પર ફરી કબજો ઈચ્છે છે, જેથી તેમણે ધારાસભ્યોને ચૂંટણી નહીં લડાવવાનો નિયમ તોડ્યો છે. ખેડૂત આંદોલનવાળા મંદસોરમાં ફરી એક વાર ભાજપ સાંસદ સુધીર ગુપ્તા અને તેમની સામે હારેલાં મીનાક્ષી નટરાજનનો મુકાબલો છે. ગુપ્તાને લઈને સ્થાનિક ભાજપ કાર્યકરોમાં નારાજગી છે, પરંતુ તેને કાબૂમાં કરી લેવાઈ છે. આ બેઠક ભાજપ માટે સુરક્ષિત મનાય છે કારણ કે, અહીં ભાજપ ઉમેદવારો સળંગ આઠ વાર જીત્યા છે. ધારમાં પણ હજુ ભાજપનાં સાવિત્રી ઠાકુર સાંસદ છે. ઠાકુરની ટિકિટ કપાઈ ચૂકી છે. તેમની જગ્યાએ પૂર્વ સાંસદ છત્તરસિંહ દરબાર મેદાનમાં છે. કોંગ્રેસે દિનેશ ગ્રેવાલને ઉતાર્યા છે, તેમણે બીજા દાવેદાર ગજેન્દ્રસિંહ રાજુખેડીની નારાજગી સહન કરવી પડશે.

અહીં બીજું એક મોટું પરિબળ આદિવાસી સંગઠન જયસ (જય આદિવાસી યુવા શક્તિ) છે, જે કોંગ્રેસ સાથે છે. ગુજરાતમાં હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરની જેમ છેલ્લાં કેટલાંક વર્ષોમાં જયસના હીરાલાલ અલાવા પણ ઊભર્યા છે. કોંગ્રેસ ખરગોનથી જયસના ડૉ. ગોવિંદને ટિકિટ આપીને ધારની બેઠક પર પણ તેમનો સાથ લઈ લીધો છે. એટલે કોંગ્રેસ મજબૂત દેખાઈ રહી છે. ખરગોનમાં ભાજપ સાંસદ સુભાષ પટેલને બદલીને ગજેન્દ્રસિંહ પટેલને પક્ષનો ચહેરો બનાવ્યો છે. તેમનો મુકાબલો કોંગ્રેસના ડૉ. ગોવિંદ મુજાલ્દા સામે છે, જેમની સાથે મજબૂત આદિવાસી બેન્ક છે.

વિધાનસભામાં ખરગોનની તમામ બેઠક કોંગ્રેસે જીતી હતી, પરંતુ લોકસભામાં ખંડવા અને બડવાનીની બેઠક પણ સામેલ છે એટલે ભાજપ-કોંગ્રેસ પાસે ચાર-ચાર બેઠક છે. ભાજપ સતત બે વાર જીતી છે, કોંગ્રેસ જયસની ગુગલીથી હેટ્રિક રોકવાનો પ્રયાસ કરી ચૂકી છે. ખંડવા બેઠક હોટ સીટ છે. ભાજપે હાલના સાંસદ નંદકુમારસિંહ ચૌહાણ પર ફરી વિશ્વાસ મૂક્યો છે. ચૌહાણ છ મહિના પહેલાં સુધી પ્રદેશાધ્યક્ષ હતા અને કોંગ્રેસે તેમની સામે અરુણ યાદવને ઉતાર્યા છે. તેઓ પણ છ મહિના પહેલાં પ્રદેશાધ્યક્ષ હતા. બંને પરંપરાગત વિરોધી છે અને આ તેમની વચ્ચેની ત્રીજી ચૂંટણી છે. 2009માં અરુણ યાદવ સાંસદ હતા, 2014માં ચૌહાણ જીત્યા હતા, હવે 2019માં શું થશે?

અસરદાર : ખેડૂતોની નારાજગી મોટું ફેક્ટર

  • મુદ્દા : લોનમાફી મુદ્દો છે પણ માફ નહીં થયાનો. કોંગ્રેસનો ભરોસો તૂટી રહ્યો છે. ટેકાના ભાવ પણ મુદ્દો છે. પાકના પૂરા ભાવ આપવામાં બંને પક્ષ નિષ્ફળ રહ્યા છે. પીવાના પાણીના સંકટ અને વીજકાપની ચર્ચા છે. રાષ્ટ્રવાદ સાથે સપાક્સ પણ નજરે પડી રહ્યો છે.
  • જ્ઞાતિગત સમીકરણો : ઇન્દોર અને ઉજ્જૈનની શહેરી બેઠકો પર બ્રાહ્મણ મતદારો વધુ છે, જે ભાજપ સાથે છે. પાંચ લાખ સવર્ણો વહેંચાયેલા છે. 2 લાખ મુસ્લિમ મતો પણ નિર્ણાયક છે. ગ્રામીણ ક્ષેત્રોમાં બલાઇ, યાદવ, ગુર્જર અને ખાતી સમાજ પ્રભાવશાળી છે.
  • પ્રભાવશાળી : કોંગ્રેસનું જયસ સાથે ગઠબંધન છે, જેનો ફાયદો થઇ રહ્યો છે. માલવા-નિમાડમાં સંઘ-ભાજપનું નેટવર્ક મજબૂત છે. ગુજરાત-રાજસ્થાનની પડોશી બેઠકો હોવાના કારણે ભાજપના મોટા નેતાઓએ અહીં ધામા નાખ્યા છે. ખરગોન, રતલામ અને ધારમાં પાટીદાર ફેક્ટર પણ છે.

2014ની સ્થિતિ: તમામ 8 બેઠક પર ભાજપ જીત્યો હતો. કુલ 29માંથી ભાજપે 27, કોંગ્રેસે 2 બેઠક જીતી હતી.

X
Madhya Pradesh: BJP is strong in Maharashtra, Jaisa
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી