પત્રકાર માર્ક ટુલીનું ઇલેક્શન એનાલિસિસ / સંઘ મોદીથી નારાજ, છતાં પણ મુદ્દો મોદી જ રહેશે

મોહન ભાગવત અને PM મોદીની ફાઈલ તસવીર
મોહન ભાગવત અને PM મોદીની ફાઈલ તસવીર

  • સંઘ પરિવાર પહેલેથી જ મોદીથી નારાજ છે

Divyabhaskar.com

Mar 15, 2019, 09:01 AM IST

ઈલેક્શન ડેસ્કઃ એવું લાગી રહ્યું છે કે 2019ની ચૂંટણીમાં એક જ મુદ્દો હાવી રહેશે અને તે છે- નરેન્દ્ર મોદી. ભાજપમાં તેમનું પ્રભુત્વ છે અને તેમને હરાવવાના એકમાત્ર ઉદ્દેશથી જ વિપક્ષી નેતાઓ એક સાથે આવી રહ્યા છે. ચૂંટણીની જાહેરાત સાથે જ મોદીએ પોતે ફરી ચૂંટાઇ આવવાને ચૂંટણી મુદ્દો બનાવી દીધો છે. તેમણે ચૂંટણીની જાહેરાત પહેલાં આખા દેશમાં બે લાખ કરોડ રૂપિયાથી વધુની યોજનાઓનું ઉદઘાટન કરી નાખ્યું અને રેલીઓ સંબોધીને દાવો કર્યો કે સરકારની ઉપલબ્ધિઓ તેમની વ્યક્તિગત છે.

અખબારોમાં વિવિધ મંત્રાલયોની જાહેરાતોમાં તેમનો જ ફોટો હાવી રહ્યો. સરકારની પ્રશંસાવાળી આ જાહેરાતોમાં સંબંધિત મંત્રીને નગણ્ય સ્થાન જ મળ્યું. બંધારણ મુજબ રાષ્ટ્રપતિ જ સૈન્ય દળોના કમાન્ડર ઇન ચીફ છે પણ નેશનલ વૉર મ્યુઝિયમના ઉદઘાટન પ્રસંગે તેમને ન બોલાવાયા. મોદી જ છવાયેલા રહ્યા. મોદીએ બાલાકોટમાં એરફોર્સના હુમલાનો શ્રેય લેવામાં એમ કહીને મોડું ન કર્યું કે રાષ્ટ્ર તેમના હાથમાં સુરક્ષિત છે.

એક વાત સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે મોદીને વિશ્વાસ છે કે પાંચ વર્ષ પછી પણ તેમનો કરિશ્મા કમજોર નથી પડ્યો અને મતદાર તેમના પક્ષ ભાજપના બદલે તેમના નામ પર જ મત આપશે. પક્ષપ્રમુખ અમિત શાહ પણ આવું માને છે. પોતાને પક્ષથી પણ મોટા બનાવવા અને ચૂંટણીને વન મેન શો બનાવવાથી પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ કે આરએસએસ મોદીને પસંદ નહીં કરે. આરએસએસના એક નેતાએ તાજેતરમાં મને કહેલું કે સંઘ પરિવાર પહેલેથી જ મોદીથી નારાજ છે, કેમ કે તેને એવું લાગે છે કે મોદી તેમની નીતિઓ લાગુ કરવાના બદલે ખેડૂતોને મફતની રેવડી વહેંચવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે. હવે પક્ષની અંદર તથા સંઘની નારાજગીની શું અસર થઇ એ તો ચૂંટણી પરિણામોથી જ જાણવા મળશે. જોકે, હાલ એવા કોઇ સંકેત નથી કે આ બધું ચૂંટણી અભિયાનને પ્રભાવિત કરશે.

મોદીએ પોતાને ભાજપના અભિયાનના કેન્દ્રમાં ઊભા કરી જ લીધા છે તો વિપક્ષ પોતાનું આક્રમણ તેમના પર જ કેન્દ્રિત કરશે અને તેમની વિશ્વસનીયતા ઘટાડવાનો અને તેમના કરિશ્માની ચમક નબળી પાડવાનો પ્રયાસ કરશે. 2014ની ચૂંટણીમાં મોદીએ જે વચનો આપ્યાં હતાં તે એટલા મોટાં હતાં કે એવો તર્ક આપવો મુશ્કેલ નહીં હોય કે તેમની ઉપલબ્ધિઓ તે વચનોના મુકાબલે ઓછી રહી ગઇ. તેનાથી તેમના દ્વારા આ વખતે અપાનારાં વચનોની વિશ્વસનીયતા ઘટશે.

નાણાકીય વ્યવસ્થામાંથી અત્યાર સુધી બહાર રહેલા અનેક લોકો પાસે આજે જનધન એકાઉન્ટ છે પણ તેમના ખિસ્સામાં કાળાં નાણાંની વસૂલાતથી આવેલા પૈસા નથી. સરકારી આંકડા મુજબ 5 વર્ષમાં 9,23,92,167 શૌચાલય બનાવાયાં પણ મેં જોયું કે રાજસ્થાન, ઝારખંડ અને મધ્યપ્રદેશના ગ્રામીણ ક્ષેત્રોમાં બનેલા સાંકડા બોક્સ જેવાં તે બાંધકામો સ્ટોર તરીકે ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે અથવા અધૂરા પડ્યાં છે. હરિયાણાના ઝજ્જરમાં મેં પરપ્રાંતના શ્રમિકો માટે રખાયેલા મોબાઇલ ટોઇલેટના ફોટા પાડ્યા, જેમના ટાયર અને પાણીની ટાંકી ચોરાઇ ગયાં, દરવાજા લટકેલા હતા અને અંદર તો ગંદકી જ ગંદકી હતી.

તમે દિલ્હીથી ટ્રેનમાં ફરશો તો જોશો કે ભારત સ્વચ્છતામાં ત્યાં જ છે કે જ્યાં પાંચ વર્ષ પહેલાં હતું. સોલિડ વેસ્ટની સમસ્યા તો આજે પણ એવી જ છે. જ્યાં સુધી રાહુલ ગાંધીનો સવાલ છે તો તેઓ મોદી પર તેમનાં અધૂરાં વચનો માટે આક્રમણ કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેમની વધુ ઊર્જા રાફેલ પર ખર્ચ થઇ રહી છે. તેનું એક કારણ એ છે કે હું ઘણી વાર સાંભળું છું તેમ, લોકો મોદીની તરફેણમાં તેમની સાફ-સુથરી છબિનો ઉલ્લેખ કરે છે અને તેનું કારણ જણાવે છે કે તેમની પાસે ભ્રષ્ટ થવા માટે પરિવાર નથી.

ગત ચૂંટણીમાં યુપીએ સરકારની ભ્રષ્ટ છબિના કારણે કોંગ્રેસની દુર્ગતિ થઇ હતી. અત્યાર સુધી રાહુલે મોદીને લોકોમાં એ ધારણા બનાવવાની પૂરી છૂટ આપેલી હતી કે તેમના આવતા પહેલાં સુધી વિકાસ સંપૂર્ણપણે અટકેલો હતો. દાખલા તરીકે આધાર મનમોહન સરકાર લાવી હતી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ પણ તે સમયે જ બે ગણું થયું હતું. દેશના ચમકતા એરપોર્ટ્સ પણ તેનું પ્રમાણ છે. મોદીએ ચૂંટણીની જાહેરાતના એક મહિના પહેલાંનો સમય તેજ ગતિથી કામ કરવામાં લગાવ્યો.

બીજી તરફ વિપક્ષે આ સમય ગઠબંધન અંગે ચર્ચા કરવામાં વેડફી નાખ્યો. હવે તો દેખાવા લાગ્યું છે કે મોદીને હરાવવા મહાગઠબંધન બનાવવાની તેમની યોજના પૂરી થઇ રહી નથી. કોંગ્રેસ સહિત વિપક્ષો હવે એટલું જ કરી શકે તેમ છે કે અમુક રાજ્યોમાં તેમનું ગઠબંધન થઇ જાય. તેથી ઇન્દિરા ગાંધી પછી મોદી જેવા સર્વાધિક પ્રભાવશાળી ચૂંટણી ચહેરાના નેતૃત્વમાં સંગઠિત ગઠબંધનને કોંગ્રેસ તથા વિખેરાયેલો વિપક્ષ કેવી રીતે પડકાર આપશે તે જોવાનું બાકી રહે છે. આ મુકાબલામાં વિપક્ષ પહેલો રાઉન્ડ તો સ્પષ્ટ રીતે હારી ચૂક્યો છે અને બાકી પણ હારતો જ દેખાઇ રહ્યો છે પણ કહી શકાય કે ચૂંટણી અભિયાન ઘણું લાંબું છે.

(માર્ક ટુલીએ ત્રણ દાયકા સુધી બીબીસી સાથે જોડાયેલા રહ્યા. 20 વર્ષ સુધી દિલ્હીમાં બીબીસીના બ્યૂરો ચીફ રહ્યા છે.)

X
મોહન ભાગવત અને PM મોદીની ફાઈલ તસવીરમોહન ભાગવત અને PM મોદીની ફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી