દાવેદારી / આ 5 પૈકી કોણ બનશે ભાવિ વડાપ્રધાન?

who will be next prime minister
X
who will be next prime minister

  • વ્યક્તિગત છબીની બાબતમાં બિનહરિફ જણાતાં મોદી સ્ટ્રેટેજી અને આક્રમકતામાં પણ હરિફોથી આગળ છે
  • રાહુલની લોકપ્રિયતામાં વધારો થયો છે, પરંતુ કોંગ્રેસનું સંગઠન ભાજપનો સામનો કરવા સજ્જ નથી
  •  ખંડિત જનાદેશના સંજોગોમાં માયાવતી, મમતા માટે ઉજળી તકો, પરંતુ તેમનાં પ્રાંત સિવાય જનાધાર નહિવત્ત
  • 2019ની ચૂંટણીમાં સૌથી શાતિર પોલિટિકલ ગેઈમ જો કોઈની હોય તો એ નીતિન ગડકરીની હશે

Divyabhaskar

Feb 14, 2019, 11:17 PM IST
નેશનલ ડેસ્કઃ લોકસભાની ચૂંટણીના પડઘમ નજીક આવતાં જાય છે એમ મુખ્યત્વે નરેન્દ્ર મોદી વિ. ઓલનો જંગ સ્પષ્ટ થતો જાય છે. ભાજપ પાસે મોદી નામનું બ્રહ્માસ્ત્ર છે તો વિપક્ષો પાસે રાહુલ ઉપરાંત મમતા, માયાવતી જેવા સક્ષમ દાવેદારો છે, જે પોતાના રાજ્યમાં મજબૂત છે. ચૂંટણીનું પરિણામ કંઈપણ આવે, ભાવિ વડાપ્રધાન તરીકે આ પાંચ પૈકી જ કોઈ હોય એ શક્યતા હાલ બળવત્તર જણાય છે. 
1. નરેન્દ્ર મોદી , ઉંમરઃ 68 વર્ષ

પ્રશાસનઃ વડાપ્રધાન તરીકે 5 વર્ષ, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સળંગ 3 ટર્મ

વર્તમાન વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આજે પણ દેશભરમાં સર્વસ્વિકૃત દાવેદાર તરીકે બિનહરિફ ગણાય છે. 5 વર્ષના શાસનમાં તેમણે નોટબંધી, GST, સર્જિકલ સ્ટ્રાઈક જેવા નિર્ણયો લઈને બોલ્ડનેસ દર્શાવી દીધી છે. તો, સવર્ણોને આર્થિક અનામત, SC/ST એક્ટમાં સંશોધન જેવા નિર્ણયો લઈને રાજકીય કુનેહનો પરિચય પણ આપી દીધો છે. વક્તા તરીકે તેઓ બેજોડ છે તો પ્રચારનું મનોવિજ્ઞાન પારખવામાં પણ તેઓ પોતાના તમામ હરીફો કરતાં અનેકગણાં આગળ હોય છે. મોદી-શાહની જુગલબંધીએ ભાજપને જનસંઘ સહિતના તેનાં તમામ કાર્યકાળમાં સૌથી વધુ વ્યાપક બનાવી દીધો છે. બીજી ટર્મની દાવેદારીમાં વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદી સૌથી આગળ જણાય છે. 

શક્યતાઃ હાલ મૂકાતા અંદાજ મુજબ, ભાજપ ઓછામાં ઓછી 225-235 બેઠક મેળવે તો અન્ના દ્રમુક, બીજુ જનતાદળ જેવા ચૂંટણી પછીના સહયોગીની મદદથી ફરીથી NDA સત્તા પર આવે અને મોદી વડાપ્રધાન બને. 


મેજિક ફિગરઃ 225-235 બેઠક મળે તો બાકીનું અમિત શાહ ફોડી લેશે. 


ભયસ્થાનઃ 180 બેઠક પર અટકી જવાય તો મોદીએ ફરી ગુજરાત વ્હાલું કરવું પડે. 

2. રાહુલ ગાંધી, ઉંમરઃ 48 વર્ષ

પ્રશાસનઃ વહીવટી અનુભવ નથી.

ભાજપના પરંપરાગત હરિફ તરીકે દેશનો સૌથી જૂનો રાજકીય પક્ષ કોંગ્રેસ હોય ત્યારે કોંગ્રેસ વતી વડાપ્રધાનપદના દાવેદાર તરીકે ગાંધી-નહેરુ પરિવારનો જ સદસ્ય હોય એ નક્કી છે. રાહુલ ગાંધીએ પ્રશાસનમાં કોઈ જવાબદારી નીભાવી નથી. UPA સરકારના શાસનમાં પણ તેમણે કેન્દ્રિય પ્રધાનપદ સ્વિકાર્યું ન હતું. પક્ષના ઉપાધ્યક્ષ અને હવે અધ્યક્ષ તરીકે ચૂંટણીમાં તેઓ ધારી સફળતા મેળવી શક્યા નથી. જોકે, છેલ્લાં કેટલાંક સમયથી તેમની પરિપક્વતા વધતી હોવાનું અનુભવાય છે. ત્રણ રાજ્યોમાં કોંગ્રેસને સફળતા મળ્યા પછી તેમનો આત્મવિશ્વાસ પણ વધ્યો જણાય છે. 

શક્યતાઃ કોંગ્રેસ પ્રેરિત મોરચો 250થી વધુ બેઠક મેળવે તો રાહુલ ગાંધી માટે વડાપ્રધાન બનવાનો માર્ગ ખૂલી શકે. 200 જેટલી બેઠક આવે તો કોંગ્રેસ પાસે બેકસીટ ડ્રાઈવિંગની તક રહેશે. એથી ઓછી બેઠકોમાં કોંગ્રેસની ખાસ કોઈ ભૂમિકા નહિ રહે. 

 

મેજિક ફિગરઃ 250 બેઠક મળે તો જ રાહુલ માટે તક છે. 


ભયસ્થાનઃ 160 બેઠક આવે તો રાહુલ ગાંધી માટે વિપક્ષમાં સન્માનપૂર્વક બેસવાનું થાય. 
 

3. માયાવતી, ઉંમરઃ 63 વર્ષ

પ્રશાસનઃ 4 વખત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી

લાંબા અરસાથી વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષા સેવતાં આ દલિત નેતા પાસે સંભવતઃ આ છેલ્લી તક છે. અગાઉ બે વખત ગઠબંધનની પસંદગીમાં થાપ ખાવાથી તેઓ વડાપ્રધાન બનવાની તક ચૂક્યા હોવાથી આ વખતે તેમણે નમતું જોખીને અખિલેશ યાદવ સાથે ચૂંટણી જોડાણ કર્યું છે. ઉત્તરપ્રદેશ ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનમાં પણ થોડોક પગપેસારો ધરાવતા માયાવતી લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ પર જ આધારિત છે. મુખ્યત્વે દલિત વોટબેન્ક ધરાવતા માયાવતી ભાજપ કે કોંગ્રેસ બંને સ્પષ્ટ બહુમતિથી દૂર રહે એવા સંજોગોમાં સર્વસ્વિકૃત નામ તરીકે ઊભરી આવે એવી શક્યતા નકારી શકાય નહિ. 

શક્યતાઃ NDA 180 બેઠક આસપાસ અટકી જાય અને UPA ગઠબંધન 225 બેઠકો મેળવે એવા સંજોગોમાં સપા-બસપા ગઠબંધનને ટેકો આપીને માયાવતીને વડાપ્રધાન બનાવી શકે. 


મેજિક ફિગરઃ સપા-બસપા ગઠબંધને ઉત્તરપ્રદેશમાં 60-65 બેઠકો જીતવી પડે. 


ભયસ્થાનઃ 35 બેઠકથી ઓછી મળે તો માયાવતીનું રાજકારણ પૂરું ગણવું પડે. 
 

4. મમતા બેનર્જી, ઉંમરઃ 64 વર્ષ

પ્રશાસનઃ કેન્દ્રિય મંત્રી, 2 ટર્મથી પ.બંગાળના મુખ્યમંત્રી 

તુંડમિજાજી અને આપખુદ હોવાની છાપ ધરાવતા મમતા બેનર્જી પોતાના રાજ્યમાં મજબૂત જનાધાર ધરાવે છે. ડાબેરીનો ગઢ તોડવામાં સફળ નીવડેલા મમતા જેટલાં હઠીલાં છે એટલાં જ તક ઊભી કરવામાં માહેર પણ છે. કોંગ્રેસી ગોત્ર ધરાવતાં મમતાને કોંગ્રેસ સાથે લવ-હેટના સંબંધો રહ્યા છે જ્યારે ભાજપ તેમનાં માટે હવે દુશ્મન નં. 1 છે. એ સંજોગોમાં જો ખંડિત જનાદેશ મળે અને ભાજપને સત્તાથી દૂર રાખવાના હેતુથી કોંગ્રેસ ટેકો આપે તો મમતા દીદી માટે તકો રહેલી છે. પરંતુ એ માટે તેમણે ગૃહરાજ્યમાં મજબૂતી પૂર્વક ભાજપને રોકવો પડે. 

શક્યતાઃ NDA અને UPA બંને 200 આસપાસ બેઠક મેળવે, સપા-બસપા 50 આસપાસ સિમિત રહે એવા સંજોગોમાં કોંગ્રેસ બહારથી ટેકો આપીને મમતાને આગળ કરી શકે. ભાજપને સત્તાથી દૂર રાખવા માટે સપા-બસપા પણ તેમાં જોડાય તો 272નો આંકડો પાર થઈ શકે. 
મેજિક ફિગરઃ પ.બંગાળમાં મમતાએ 35 બેઠક મેળવવી પડે. 
ભયસ્થાનઃ તૃણમૂલ ઘરઆંગણે જ 20-25 બેઠક પર અટકે તો મમતા માટે કોઈ તક ન રહે. 
 

5. નીતિન ગડકરી, ઉંમરઃ 61 વર્ષ

પ્રશાસનઃ કેન્દ્રિય મંત્રી તરીકેનો બહોળો અનુભવ

ભાજપમાં 'હર મર્ઝ કી દવા' તરીકેની છાપ ધરાવતા નીતિન ગડકરી દરેક મુખ્ય રાજકિય પક્ષોમાં મિત્રો ધરાવે છે. જોકે, પોતાના ખુદના જ પક્ષના હાઈકમાન્ડ મોદી અને શાહ પ્રત્યે તેમને અંદરખાને અણબનાવ હોવાનું કહેવાય છે. સાધારણ રીતે મોદી અને શાહ સામે ઊંઘમાં ય અણબનાવ કરનાર ભાજપમાં ટકી શકતાં નથી. પરંતુ નીતિન ગડકરી વિવાદાસ્પદ વિધાનો કર્યા પછી ય કેન્દ્રિય મંત્રીમંડળમાં બેઠાં છે તેનું કારણ એ છે કે તેમને રા.સ્વ.સંઘનું મજબૂત સમર્થન છે. નાગપુરના આશીર્વાદ ધરાવતા ગડકરી કટોકટીના વખતે મોદીનું રિપ્લેસમેન્ટ બની શકે એ માટે રા.સ્વ.સંઘની યોજના અત્યારથી જ કાર્યરત થયેલી છે. 

મેજિક ફિગરઃ NDA ગઠબંધન 225 બેઠક પર સિમિત થઈ જાય અને ગઠબંધન બહારના અન્ના દ્રમુક, બીજુ જનતાદળ કે સમાજવાદી પાર્ટી, બસપા જો મોદી સિવાયના ચહેરા માટે ટેકો આપવા સંમત થાય તો એવે વખતે સંઘની પસંદગી નીતિન ગડકરી હોઈ શકે. 
ભયસ્થાનઃ મોદી અને શાહની કૂટનીતિ સામે ટકવું એ જ ગડકરી માટે સૌથી મોટું ભયસ્થાન હશે. 

આ ઉપરાંત ભારતીય રાજનીતિમાં 1990નો દાયકો એવો બોધપાઠ આપી ચૂક્યો છે કે અહીં કોઈપણ આગાહી કરવી શક્ય નથી. દેવ ગૌડા, ગુજરાલ વડાપ્રધાન બનશે એવું કોઈએ ધાર્યું ન હતું. એ જોતાં ઉપરોક્ત પાંચ સિવાયના નામો પણ ડાર્ક હોર્સ બની શકે છે, જેમાં TRSના ચંદ્રશેખર રાવ, TDPના ચંદ્રાબાબુ નાયડુ પણ ખંડિત જનાદેશની સ્થિતિમાં જોડતોડ કરીને વડાપ્રધાન બની જાય તો નવાઈ કે આઘાત ન લાગવા જોઈએ. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી