તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Gujarats 4 Assembly Bypoll, Congress Give A Ticket To 4 Patidar While Bjp Give Only 2

4 બેઠકોની પેટાચૂંટણી, કોંગ્રેસે 4 અને ભાજપે 2 પાટીદાર અને એક આહિર-કોળીને ટિકિટ આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આશા પટેલ અને જવાહર ચાવડાની ફાઈલ તસવીર - Divya Bhaskar
આશા પટેલ અને જવાહર ચાવડાની ફાઈલ તસવીર
  • ભાજપના પાટીદારોને બદલે OBC વોટબેન્કને આકર્ષવા પ્રયાસો 
  • ભાજપે કોંગ્રેસમાંથી આવેલા 3 પૂર્વ MLAને ટિકિટ આપી એકની કાપી
  • ભાજપ પ્રત્યેની નારાજગીનો લાભ લેવા કોંગ્રેસે પાટીદારોને મહત્વ આપ્યું

અમદાવાદઃ લોકસભા ચૂંટણીની સાથે સાથે માણાવદર, જામનગર ગ્રામ્ય, ધ્રાંગધ્રા અને ઉંઝા વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ ચાર બેઠકો પર પણ  ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરતા ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કોંગ્રેસે ગઈકાલે માણાવદર, જામનગર ગ્રામ્ય, ધ્રાંગધ્રા બેઠકના અને આજે ઉંઝા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા હતા. જ્યારે ભાજપે આ બેઠકો પર અગાઉથી જ ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે 2 પાટીદાર, એક આહિર અને એક કોળીને તથા કોંગ્રેસે 4 પાટીદારને ટિકિટ આપી છે. જેમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા ત્રણ પૂર્વ ધારાસભ્યો જવાહર ચાવડા, રાઘવજી પટેલ, આશા પટેલ અને પરસોત્તમ સાબરિયાને ટિકિટ આપી છે. જ્યારે જામનગર ગ્રામ્ય બેઠક પરથી વલ્લભ ધારવિયાની ટિકિટ કાપી છે.

રૂપાણી સરકાર માટે માણાવદર બેઠક કસૌટીરૂપ

આ પેટાચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા માણાવદર બેઠકની ચાલી રહી છે, કારણ કે આ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ જતા આ બેઠક ખાલી પડી છે. ભાજપે આ બેઠક પર ફરી એકવાર આહિર સમાજમાંથી આવતા જવાહર ચાવડાને જ ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રસે તેની સામે પાટીદાર સમાજના અરવિંદ લાડાણીને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક રૂપાણી સરકાર માટે કસૌટીરૂપ છે કારણ કે ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા જવાહર ચાવડા હાલ કેબિનેટ મંત્રી છે.

ભાજપે રાઘવજીને હરાવનારા ધારવિયાની પક્ષમાં લઈ ટિકિટ કાપી
જ્યારે જામનગર ગ્રામ્ય બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપી ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી છે. જેની પેટાચૂંટણી યોજાઈ રહી છે. જેમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા વલ્લભ ધારવિયાને બદલે રાઘવજી પટેલને ટિકિટ આપી છે. રાઘવજી પટેલ પણ થોડા સમય પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા છે અને આ બેઠક પરથી 2017ની વિધાનસભા ચૂંટણીમાં વલ્લભ ધારવિયા સામે જ હારી ગયા હતા. આમ ભાજપે રાઘવજીને હરાવનારા ધારવિયાને પક્ષમાં લઈ ટિકિટ કાપી નાંખી છે. જ્યારે કોંગ્રેસે તેની સામે જયંતી સભાયાને ઉમેદવાર બનાવ્યા છે.

ઉંઝા બેઠક પર નારણ પટેલના વિરોધ વચ્ચે આશા પટેલને ટિકિટ
આ સિવાય ઉંઝા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના આશા પટેલ રાજીનામું ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડતા પેટાચૂંટણી યોજાઈ રહી છે. જેમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા આશા પટેલને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે તેની સામે કમુ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા 2017માં વિધાનસભા ચૂંટણી હારેલા નારણ પટેલ નારાજ થયા હતા. તેમજ તેમના સમર્થકોએ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પહોંચીને આશા પટેલને ટિકિટ ન આપવા માટે દેખાવો કર્યા હતાં. 

ભાજપે જેલની હવા ખાનારા સાબરિયાને ટિકિટ આપી
તેમજ ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક પરથી સિંચાઈ કૌભાંડમાં જેલની હવા ખાઈ ચૂકેલા કોંગ્રેસના પરસોત્તમ સાબરિયા રાજીનામું આપી ભાજપમાં જોડાતા આ બેઠકની પેટાચૂંટણી યોજાઈ રહી છે. ભાજપે આ બેઠક પરથી કોળી સમાજમાંથી આવતા પરસોત્તમ સાબરિયાને જ ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે તેની સામે દિનેશ પટેલને ટિકિટ આપી છે.