તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bjp Game Plan: If Patidar Is Unhappy Try To Attract A Obc Vote Bank For Gujarat Loksabha Poll 2019

ભાજપનો ગેમપ્લાનઃ પાટીદાર નારાજ છે તો OBCને રાજી કરો અને સત્તા જાળવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાટીદાર વોટબેેન્કના સહારે ઊભો થયેલ ભાજપ હવે OBC વોટબેન્કને આધાર બનાવે છે 
  •  સૌરાષ્ટ્રમાં 54 ટકા OBC મતદારો સૌરાષ્ટ્રની 5 બેઠકો પર નિર્ણાયક  
  •  વિધાનસભામાં પાટીદારોની નારાજગી નડી હોવાથી કાયમી ઉકેલ તરીકે OBC વોટબેન્ક પર નજર
  •  બાવળિયા, જવાહર, ધારવિયા, સાબરિયાના પક્ષપલટા પાછળ OBC વોટબેન્ક અંકે કરવાનો વ્યૂહ  
રાજકોટ: ધારાસભ્યોના ખરીદ-વેચાણ સંઘમાં ભાજપમાં જોડાવા ઈચ્છતા ધારાસભ્યોની સંખ્યા તો ઘણી વધારે હતી. તેમ છતાં ભાજપે બરાબર કસીને, પોતાના વ્યૂહ મુજબ એવા જ ધારાસભ્યોને ભાવ આપ્યો છે જે મજબૂત જનાધાર ઊભો કરવામાં ઉપયોગી નીવડે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં નુકસાન થયું હતું એ વિસ્તારના OBC ધારાસભ્યોને પક્ષપલટો કરાવીને ભાજપે આડકતરી રીતે પાટીદાર નારાજગીનો કાયમી ઉકેલ લાવવા પ્રયાસ કર્યો હોવાનું સ્પષ્ટ થાય છે. કુંવરજી બાવળિયા (કોળી), જવાહર ચાવડા (આહિર), વલ્લભ ધારવિયા (સથવારા) અને પરસોતમ સાબરિયા (કોળી)ને સ્થાન આપીને ભાજપે હવે OBC વોટબેન્ક મજબૂત બનાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. 

1) ભાજપનો આડકતરી રીતે પાટીદાર નારાજગીનો કાયમી ઉકેલ લાવવા પ્રયાસ

જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાનો પક્ષપલટા પછી તરત કેબિનેટ મંત્રીની મહત્વની જવાબદરી સોંપીને ભાજપે એ વાતનો સ્પષ્ટ સંદેશો આપી દીધો હતો કે ભાજપ માટે હવે પાટીદારોની પરંપરાગત વોટબેન્ક કરતાં ય હવે OBC વોટબેંક વધુ મહત્વપૂર્ણ બની રહી છે. અત્યાર સુધી આ વોટબેંક કોંગ્રેસની મનાતીહતી. પરંતુ તેના દિગ્ગજ નેતાઓને પોતાની સાથે કરીને ભાજપ લોકસભાની ચૂંટણીમાં મિશન 26 તરફ આગળ વધી રહી છે. જેમા સૌરાષ્ટ્રમાં અંદાજે 54 ટકા ઓબીસી વોટબેંક છે તો રાજકોટમાં લોકસભામાં 40 ટકા મતો ઓબીસીના છે. પાટીદારોની નારાજગીને પહોંચી વળવા ઓબીસી ગેમ પ્લાન પાછળ ભાજપની થિન્ક ટેન્કના શહેન"શાહ"નું ભેજું હોવાનું જણાય છે. 

કુંવરજી બાવળિયા: કોળી આગેવાન છે, પાટીદાર સમાજ કરતાં પણ કોળી સમાજની સંખ્યા ગુજરાતમાં સૌથી વધુ છે. જેના કારણે કુંવરજી બાવળિયાના પ્રવેશથી સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર બેઠક પર સીધો જ ફાયદો પહોંચી શકે છે.

જવાહર ચાવડા: આહિર સમાજના અગ્રણી છે. સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, જુનાગઢ અને અમરેલી જિલ્લામાં આહિરોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. એ ઉપરાંત રાજકોટ અને કચ્છમાં પણ તેમની નોંધપાત્ર સંખ્યા છે. જામનગરમાં પુનમબેન માડમ ભાજપમાં છે. હવે જવાહર ચાવડા જોડાયા પછી અન્ય જિલ્લાઓમાં પણ ભાજપે આહિર મતદારોને રિઝવવા પ્રયાસ કર્યો છે. 

વલ્લભ ધારવિયા: સથવારા સમાજના નેતા છે અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જામનગર શહેર અને ગ્રામ્ય ઉપરાંત મોરબી, પડધરી, ટંકારા વિસ્તારમાં પણ સથવારા સમાજ નોંધપાત્ર સંખ્યા ધરાવે છે. ધારવિયા ભાજપમાં જોડાતાં આ નવી વોટબેન્ક પણ ભાજપ હવે અંકે કરી શકે છે. 

પરસોતમ સાબરિયા: કોળી સમાજના અગ્રણી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ પ્રભાવશાળી છે અને ભાજપ માટે અહીં મુશ્કેલ સ્થિતિ છે. આથી સાબરિયાને પ્રવેશ આપીને ભાજપે નબળાઈમાં સબળાઈ મેળવવાનો પ્રયાસ કર્યો છે. લોકસભા ચૂંટણીમાં તેનો ચોક્કસ ફાયદો થઈ શકે છે. 

ભાજપની ઓળખ પરંપરાગત રીતે પાટીદાર વોટબેન્ક આધારિત ગણાય છે. ભાજપના ઉદય અને વિકાસ પાછળ પાટીદારોનું અડીખમ સમર્થન કારણભૂત રહ્યું છે. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી પક્ષ અને તેનાં સમર્થકો વચ્ચે અંતર ઊભું થતું જોવા મળે છે. ખાસ કરી,પાટીદાર અનામત આંદોલન પછી બંને પક્ષે અરસપરસ અંતર વધ્યું છે. એટલે જ વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર પ્રભાવક બેઠકો પર ભાજપે નુકસાન વેઠવું પડ્યું હતું. આથી પોતાની મૂળ વોટબેન્ક પરત મેળવવાના પ્રયાસોની સમાંતરે ભાજપે નવી OBC વોટબેન્ક ઊભી કરવાનો વ્યુહ અપનાવ્યો છે. આગામી દિવસોમાં અમરેલી, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ કેટલાંક OBC નેતાઓ ભાજપમાં જોડાય તો નવાઈ નહિં.