સ્ટ્રેટેજી / બાવળિયાને આગળ કરીને કોળી વોટબેન્કના આંબા ઊગાડવાનો ભાજપનો વ્યુહ

Bjp's views for votebank
X
Bjp's views for votebank

  • આશરે 32 ટકા સંખ્યા ધરાવતો કોળી સમાજ લોકસભાની 7 અને વિધાનસભાની 40 બેઠકો પર નિર્ણાયક બને છે 
  • સુરેન્દ્રનગર, ચોટીલા વિસ્તારમાં કોંગ્રેસનું વર્ચસ્વ, ભાવનગર-અમરેલીમાં સોલંકી બંધુઓનો પ્રભાવ
  •  સોલંકી બંધુઓની પ્રેશર ટેક્ટિક્સ સામે ભાજપે કુંવરજીને કોંગ્રેસમાંથી ખેડવીને આગળ કર્યા છે
  •  પોરબંદર, નવસારી, વલસાડ અને ભરૂચમાં પણ કોળી સમાજ 9થી 12 ટકા વસ્તી ધરાવે છે

Divyabhaskar

Apr 02, 2019, 12:00 PM IST
નેશનલ ડેસ્કઃ પરંપરાગત રીતે ગુજરાતની રાજનીતિમાં પાટીદાર નિર્ણાયક ગણાય છે. કારણ કે આઝાદી પછી સૌથી ઝડપી અને સર્વક્ષેત્રી પ્રગતિ કરનાર પાટીદારો સંખ્યાત્મક ઉપરાંત આર્થિક, સામાજિક દૃષ્ટિએ પણ પ્રભાવશાળી પરિબળ બની રહ્યા છે. રાજકીય દૃષ્ટિએ અત્યંત જાગૃત હોવાથી એકપણ પક્ષ તેમની અવગણના કરી શકતાં નથી અને એ જ કારણ છે કે રાજ્યના કુલ 16 મુખ્યમંત્રીઓ પૈકી 7 વખત પાટીદાર નેતાઓ મુખ્યમંત્રી બન્યા છે. આમ છતાં, છેલ્લાં કેટલાંક વખતથી 'પટેલ પાવર' હાંસિયામાં ધકેલાઈ રહ્યો છે અને તેના સ્થાને કોળી સમાજનું રાજકીય મહત્વ વધી રહ્યું છે. પાટીદારની કમિટેડ વોટબેન્ક ઊભી કર્યા પછી ભાજપ હવે કોળી ફેક્ટર પર નજર જમાવી ચૂક્યો છે. 
1. કોળી પાવર જ હવે ખરો ગેમચેન્જર
16થી 18 ટકા પાટીદારોની સરખામણીએ રાજ્યમાં કોળી સમાજની સંખ્યા આશરે 32 ટકા જેટલી છે. છેલ્લાં બે દાયકાથી કોળી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઝડપભેર વધ્યું છે. સંગઠન મજબૂત બન્યું છે અને ખાસ તો રાજકીય જાગૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે. ભાજપના ઉદભવ અને હરણફાળમાં પાટીદાર સમાજનું અડીખમ સમર્થન કારણભૂત હતું, પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી પાટીદાર અને ભાજપ વચ્ચેનું અંતર વધી રહ્યું છે. આથી પાટીદારોની નારાજગી એથી વધુ તગડી કોળી વોટબેન્ક દ્વારા સરભર કરીને ભાજપ સત્તાનું પલડું સમતોલ રાખવા પ્રયત્નશીલ જણાય છે. 
2. ક્યાં કોળી મતદારો નિર્ણાયક બનશે?
રાજ્યભરમાં ફેલાયેલા કોળી મતદારો મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નિર્ણાયક સંખ્યામાં છે. સૌરાષ્ટ્રમાં તળપદા, ચૂંવાળિયા તરીકે ઓળખાય છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં કોળીપટેલ તરીકેની ઓળખ છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ (18 ટકા) કોળી છે. પછીના ક્રમે સુરેન્દ્રનગર 15 ટકા, જુનાગઢ 11 ટકા, અમરેલી 12 ટકા, પોરબંદર 12 ટકા, નવસારી 10 ટકા, વલસાડ 9 ટકા અને ભરૂચમાં 8 ટકા કોળી મતદારો છે. લોકસભાની ભાવનગર, સુરેન્દ્રનગર બેઠક કોળી ઉમેદવારો માટે નિશ્ચિત મનાય છે. જ્યારે જુનાગઢ બેઠક પર કોળી ઉમેદવાર જીતી શકે છે. એ જ રીતે દક્ષિણ ગુજરાતમાં વલસાડની બેઠક કોળી સમાજની ગણાય છે. રાજ્ય વિધાનસભામાં પણ 17 કોળી ધારાસભ્યો સ્થાન પામે છે. 
3. પરંપરાગત રીતે કોંગ્રેસની વોટબેન્ક
એંશીના દાયકામાં માધવસિંહ સોલંકીએ ખામ થિયરી અમલમાં મૂકી ત્યારે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ જેટલું જ કોળી સમાજને ય મહત્વ આપ્યું હતું. એ વખતે કોંગ્રેસમાં કરમશી મકવાણા, સવશી મકવાણા જેવા દિગ્ગજ કોળી નેતાઓ હતા. દ.ગુજરાતમાં સી.ડી.પટેલ પણ કોળીસમાજને કોંગ્રેસ તરફી બનાવવામાં નોંધપાત્ર પ્રદાન કરી ચૂક્યા છે. જોકે, સુરેન્દ્રનગર, ચોટીલા, જસદણ વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો યથાવત હતો. 
4. ભાજપની સફળ કૂટનીતિ
નેવુના દાયકા પછી કોળી નેતા પરસોતમ સોલંકી ભાજપમાં જોડાતાં ભાવનગર, અમરેલી જિલ્લાના કોળી સમાજમાં ભાજપનો પગપેસારો થયો. પરશોતમ સોલંકી લાંબા સમયથી નાદુરસ્ત છે, ઉપરાંત ફિશરિઝ કૌભાંડમાં તેમનું નામ ખરડાયું છે. તેમના નાના ભાઈ હિરાલાલ વિધાનસભાની ચૂંટણી હારી ચૂક્યા છે. એ સિવાય, સોલંકી બંધુઓને ટાણે-કટાણે નાક દબાવવાની નીતિથી ભાજપ હાઈકમાન્ડ તેમને કટ ટૂ સાઈઝ કરવાની પેરવીમાં છે. એટલે જ તેમના વિકલ્પ સ્વરૂપે ભાજપે કુંવરજી બાવળિયાને કોંગ્રેસમાંથી ખેડવીને કેબિનેટ મંત્રી બનાવી દીધા છે. પેટાચૂંટણી જીતીને પોતાને બિનહરિફ કોળીનેતા તરીકે સ્થાપિત કરી ચૂકેલા બાવળિયા કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે આથી હવે રાજ્ય ઉપરાંત અન્ય પ્રાંતમાં પણ કોળી વોટબેન્ક ઊભી કરવામાં તેમની નિર્ણાયક ભૂમિકા રહેશે. 
5. કુંવરજીને રાષ્ટ્રીય સ્તરે મહત્વ મળી શકે છે
હાલ કોંગ્રેસનો ગઢ ગણાતી સુરેન્દ્રનગરની બેઠક માટે ભાજપ તરફથી કુંવરજીનું નામ મૂકાઈ રહ્યું છે. એમ છતાં કુંવરજીની ભૂમિકા રાષ્ટ્રીય સ્તરે રહે તેવી શક્યતા છે. કારણ કે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં 27 ટકા, UPમાં 20 ટકા, બિહારમાં 20 ટકા, છત્તીસગઢમાં 12 ટકા, ઝારખંડમાં 20 ટકા, મધ્ય પ્રદેશમાં 15 ટકા કોળી છે. આથી કુંવરજીની ભૂમિકા લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્તરની રહેશે અને બહુ ઝડપથી તેમના પ્રવાસો, સમાજના સંમેલનોનું આયોજન પણ જાહેર થઈ શકે છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી