કેરલ / હડતાળના બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસકર્મીએ ભૂખ્યા શખ્સને તેના ફૂડ પેકેટમાંથી જમાડ્યો, યૂઝર્સે કહ્યું, અસલી હીરો

Divyabhaskar.com

Dec 20, 2019, 05:48 PM IST

કેરલ પોલીસમાં પોતાની ફરજ નિભાવતા એક પોલીસકર્મીએ તેની સામાજિક જવાબદારીના ભાગરૂપે જે કર્યું હતું તેનો વીડિયો તેના જ સહકર્મીએ રેકોર્ડ કરીને અપલોડ કરતાં તે વાઈરલ થવા લાગ્યો હતો. 30 વર્ષીય પોલીસમેન એસ.એસ. શ્રીજીત જ્યારે તિરુવનંતપુરમમાં હડતાળના બંદોબસ્તમાં વ્યસ્ત હતા ત્યારની આ ઘટના છે. વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે તે એક આધેડ શખ્સની પાસે જ ઉભા ઉભા તેમની ખાવાની પ્લેટમાંથી બે સરખા ભાગ કરીને શેર કરી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ તે જ પ્લેટમાં શ્રીજીતે ભૂખ્યા શખ્સની સાથે જ જમવાનું શરૂ કર્યું હતું. કોઈ પણ જાતના ભેદભાવ વગર તેમણે જે રીતે એક ભૂખ્યાને ભોજન કરાવ્યું હતું તે જોઈને યૂઝર્સે પણ એસ.એસ. શ્રીજીતને અસલી હીરો કહ્યા હતા. આખી ઘટનાનો વીડિયો કેરલ પોલીસ મહાનિર્દેશકના ધ્યાને આવતાં જ તેમણે પણ શ્રીજીતને મળીને વખાણ કર્યા હતા.
આ અંગે શ્રીજીતે પણ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ તેમનું ફૂડ પેકેટ ખોલી રહ્યા હતા ત્યારે તેમણે જોયું હતું કે આ શખ્સ ખાવાની સામે ધ્યાનથી જોઈ રહ્યો હતો. આ જોઈને તે સમજી ગયા હતા કે એ માણસ ભૂખ્યો છે. પહેલીવાર તો શ્રીજીતે તેમને જમવાની ઓફર કરી તો આધેડ શખ્સે ના પાડી હતી. પણ શ્રીજીતે પાસે જઈને તેમને સમજાવ્યા તો તેઓ જમવા માટે તૈયાર થઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં અસલી હીરોનું બિરૂદ મળવા પર શ્રીજીતે ક્હયું હતું કે આટલા બધા પ્રતિભાવની આશા જ નહોતી. તેઓ તો પોતાને જે સારું લાગ્યું તે જ કરી રહ્યા હતા.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી