• Gujarati News
  • Dvb original
  • Zalawad Youth Quits Government Job And Adopts Farming, Grows Pomegranate In 16 Bighas Of Land And Earns Rs 16 Lakh

આજની પોઝિટિવ સ્ટોરી:ઝાલાવાડના યુવાને સરકારી નોકરીને છોડી ખેતી અપનાવી, 16 વિઘા જમીનમાં દાડમ વાવી 16 લાખની કમાણી કરી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલાલેખક: શુભમ્ અંબાણી
ઝાલાવડના ખેડૂત કમલેશભાઈ ડોબરીયા જુનિયર ટેલિકોમની સરકારી નોકરી છોડી દઈને ખેતી તરફ વળ્યાં છે.
  • કમલેશભાઈ મૂળી તાલુકાના વડધ્રા ગામમાં 1998માં વિઘા જમીન ખરીદી ખેતી શરૂ કરેલી

કૃષિ અને ઋષિની સંસ્કૃતિ ધરાવતાં ભારત વર્ષમાં આજે એવા અનેક ખેડૂત પુત્રો છે કે, જે સરકારી નોકરી કે, ઉચ્ચ આવક ધરાવતાં ખાનગી વ્યવસાયને તિલાંજલી આપી કૃષિને પ્રાધાન્ય આપી આધુનિક ખેતીને અપનાવી રહ્યાં છે. આવા જ એક ખેડૂતપુત્ર છે ઝાલાવડના ખેડૂત કમલેશભાઈ ડોબરીયા. જેમણે જુનિયર ટેલિકોમની સરકારી નોકરી છોડી દઈને ખેતી તરફ વળ્યાં અને ખેતી ક્ષેત્રે નવતર પ્રયોગો થકી સફળતાનાં શિખરો સર કર્યા છે. 20 વિઘા જમીનમાં ખેતી શરૂઆત કરી અને લાખોની કમાણી કરી હતી. કમલેશભાઈ આજે 80 વિઘા જમીનના માલિક છે. તેઓએ 16 વિઘા દાડમની ખેતીમાં 16 લાખની કમાણી કરી છે.

મૂળી તાલુકાના વડધ્રા ગામમાં સૌ પ્રથમ 20 વિઘા જમીન ખરીદી ખેતી શરૂ કરી હતી
મૂળી તાલુકાના વડધ્રા ગામમાં સૌ પ્રથમ 20 વિઘા જમીન ખરીદી ખેતી શરૂ કરી હતી

1998માં ખેતી શરૂ કરી
મૂળ જૂનાગઢના વતની અને હાલ સુરેન્દ્રનગર ખાતે રહેતા કમલેશભાઈ ડોબરીયા જન્મે ખેડૂતપુત્ર છે. પણ ખેતી સાથે વધારે સંકળાયેલા ન હતા. એમ.એસ.સી ઈન ઇલેક્ટ્રોનિકસ કર્યા બાદ 1991ની સાલમાં તેમની સુરેન્દ્રનગરમાં જુનિયર ટેલીકોમ ઓફિસર તરીકે નિમણૂક થતા તેઓ સરકારી નોકરીમાં જોડાયા હતાં. ટેક્નિકલ કાર્ય સાથે જોડાયેલા હોવાથી ગામડાઓમાં અવાર નવાર જવાનું થતું અને ત્યાંના ખેડૂતો સાથે વાર્તાલાપ થતા તેઓ ધીરે ધીરે ખેતી તરફ આકર્ષાયા હતાં. ખેડૂતપુત્ર હોવાથી કમલેશભાઈનું મન ખેતી તરફ વળ્યું હતું. પરિણામે 1998ના વર્ષમાં તેમણે મૂળી તાલુકાના વડધ્રા ગામમાં સૌ પ્રથમ 20 વિઘા જમીન ખરીદી ખેતી શરૂ કરી હતી. ત્યારબાદ ક્રમશ: ખેતીની જમીનમાં વધારો કરતાં ગયા, અને આજે તેમની પાસે લગભગ 80 વિઘા જેટલી ખેતી લાયક જમીન છે.

ખેડૂતો સાથે વાર્તાલાપ થતા કમલેશભાઈ ધીરે ધીરે ખેતી તરફ આકર્ષાયા હતાં
ખેડૂતો સાથે વાર્તાલાપ થતા કમલેશભાઈ ધીરે ધીરે ખેતી તરફ આકર્ષાયા હતાં

બાગાયત ખેતીની દિશામાં પગરણ
કમલેશભાઈએ તેમની આ જમીનમાં 1998 થી 2012ના વર્ષ સુધી કપાસ, એરંડા જેવા ચીલા ચાલું પાકોનું જ વાવેતર કર્યું હતું. પરંતુ 2012ના વર્ષમાં તેમના જીવનમાં આવેલ બદલાવે તેમને સજીવ ખેતી તરફ વાળ્યા હતાં. કમલેશભાઈ અવાર નવાર મનસુખભાઇ સુવાગિયાના ખેતી ઉપરના વકતવ્યો સાંભળતા હતાં. પરંતુ વર્ષ 2012મા મનસુખભાઇ સાથેની તેમની રૂબરૂ મુલાકાતે તેમના મગજમાં સજીવ ખેતી કરવાના વિચારબીજનું આરોપણ કર્યુ. અને તેઓએ વર્ષ 2013થી સજીવ ખેતીનો પ્રારંભ કર્યો.

કમલેશભાઈએ 1998 થી 2012ના વર્ષ સુધી કપાસ, એરંડા જેવા ચીલા ચાલું પાકોનું જ વાવેતર કર્યું હતું
કમલેશભાઈએ 1998 થી 2012ના વર્ષ સુધી કપાસ, એરંડા જેવા ચીલા ચાલું પાકોનું જ વાવેતર કર્યું હતું

દેશી સરગવાની સફળ ખેતી કરી
કમલેશભાઈ કહે છે કે, 2012 સુધી મે ચીલા ચાલું પાકોનું વાવેતર કર્યું હતું. તે સમયે ઉપજ સારી મળતી પરંતુ તેની સાથે દવા, ખાતર અને બિયારણ સહિતના ખર્ચા પણ ખૂબ જ થતાં હતાં. જેના કારણે વધુ આવક હોવા છતાં પણ નફાનું પ્રમાણ નહિવત રહેતું. જ્યારે સજીવ ખેતીમાં ઉપજની સામે ખર્ચો ખુબ જ ઘટી જતા મને નફો સારો મળવા લાગ્યો હતો. સજીવ ખેતીમાં સારી સફળતા મળ્યા બાદ કમલેશભાઈએ બાગાયત ખેતીની દિશામાં પગરણ પાડયા, અને 2015થી 2017 સુધી 20 વિઘા જમીનમાં દેશી સરગવાની સફળ ખેતી કરી.

દવા, ખાતર અને બિયારણ સહિતના ખર્ચા પણ ખૂબ જ થતાં સજીવ ખેતી તરફ વળ્યાં હતાં
દવા, ખાતર અને બિયારણ સહિતના ખર્ચા પણ ખૂબ જ થતાં સજીવ ખેતી તરફ વળ્યાં હતાં

ખેતીમાં ડ્રિપ ઇરીગેશન પદ્ધતિ અપનાવી
2017નું વર્ષ કમલેશભાઈના જીવનનું ખુબ જ અગત્યનું વર્ષ રહ્યું છે. બાગાયત ખેતીના અનુભવના મળેલા સારો એવો લાભએ કમલેશભાઈને સંપૂર્ણ રીતે બાગાયતી ખેતી તરફ વાળ્યા. તેની સાથે તેમણે સંપૂર્ણપણે ગાય આધારિત ખેતી કરવાનું પણ નક્કી કર્યું, જેથી લોકોને ઓર્ગેનિક ફળ- ફળાદી પુરી પડી શકાય. આ માટે તેઓએ શરૂઆતમાં 2 ગાય વેચાતી લીધી હતી, જેમાંથી હાલ તેમની પાસે પાંચ ગાય, બે વાછડી અને બે વાછડાં છે. ગાય આધારિત ખેતી ઉપરાંત તેઓએ બાગાયત ખેતીમાં આધુનિકતા લાવવા ખેતીમાં ડ્રિપ ઇરીગેશન પદ્ધતિ અપનાવી.

કમલેશભાઈ હાલ સંપૂર્ણપણે ગાય આધારિત ખેતી કરી રહ્યાં છે.
કમલેશભાઈ હાલ સંપૂર્ણપણે ગાય આધારિત ખેતી કરી રહ્યાં છે.

16 વિઘા જમીનમાં દાડમની ખેતી
બાગાયતી ખેતી અપનાવ્યા બાદ તો કમલેશભાઈએ ક્યારેય પાછળ વળીને જોયું જ નથી. દર વર્ષે તેઓ ખેતીમાં નવતર પ્રયોગો કરતા રહ્યાં હતાં. જૂન 2018 માં તેમણે પ્રથમ વાર 16 વિઘા જમીનમાં 2100 દાડમના રોપા વાવ્યા અને ત્યારબાદ ક્રમશ: 2020માં 1900 રોપા અને આ વર્ષે 700 નવા રોપાનું વાવેતર કર્યું હતું. વાવેતરના પ્રથમ વર્ષે જ તેમણે 16 વિઘા દાડમની આશરે 16 લાખ જેટલી આવક લીધી હતી. વર્ષ 2019માં બીજા બે નવતર પ્રયોગો કરતા તેમણે તેમની અન્ય જગ્યાએ આવેલી 18 વિઘા જમીનમાં પ્રથમવાર 750 કાગદી લીંબુના રોપા અને 20 વિઘા જમીનમાં 1950 જામફળના રોપાનું વાવેતર કર્યું હતું, જે પૈકી 1200 રોપા તાઇવાન પિન્ક જામફળના હતા. જામફળ વાવેતરના પ્રથમ વર્ષે ભાવ પૂરતો ન મળતા જામફળની આશરે 1.70 લાખ જેટલી આવક થઈ હતી.

જામફળ વાવેતરના પ્રથમ વર્ષે આશરે 1.70 લાખ જેટલી આવક થઈ હતીં
જામફળ વાવેતરના પ્રથમ વર્ષે આશરે 1.70 લાખ જેટલી આવક થઈ હતીં

રાજ્યસરકારની સહાય મળી
કહેવાય છે કે, શહેરોના બજારો ગામડાઓથી સજે છે. જેને ધ્યાને લઈ શહેરોમાં વસતા લોકોને રાસાયણીક ખાતર - દવાથી મૂક્ત ફળફળાદી આપી શકાય તેવા વિચાર સાથે સજીવ ખેતી તરફ વળેલા કમલેશભાઈ હવે પહેલા કરતા બમણી આવક મેળવી રહ્યા છે. સજીવ ખેતીના કારણે આરોગ્યપ્રદ ફળોના ઉત્પાદનની સાથો-સાથ તેમની જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. રાજ્ય સરકારના બાગાયત વિભાગ તરફથી પણ કમલેશભાઈને બાગાયતી ખેતીના વિકાસ માટે ખુબ જ પ્રોત્સાહન, માર્ગદર્શન અને આર્થિક સહાય મળી. કમલેશભાઈના જણાવ્યા અનુસાર બાગાયત વિભાગ તરફથી પાણીના ટાંકા બનાવવા માટે 1.25 લાખની, ટપક સિંચાઈ માટે અંદાજે 6 લાખ અને પાકોના રોપા ખરીદી માટે કુલ મળી 2.40 લાખ જેટલી સહાય મળી છે.

અન્ય સમાચારો પણ છે...