આજની પોઝિટિવ સ્ટોરી:ભૂખ્યાં ટળવળતાં શ્વાનોને જોઈને વડોદરાના યુવકે અનોખું અભિયાન શરૂ કર્યું, રોજના 40 ડોગ્સને ભોજન કરાવવા મહિને 6600 રૂપિયા ખર્ચે છે

વડોદરાએક મહિનો પહેલાલેખક: વિવેક ચુડાસમા
સાયક્લિંગ દરમિયાન વ્રજેશને શ્વાનોની આંતરડી ઠારવાનો વિચાર આવ્યો હતો.
  • યુવક સ્ટ્રીટ ડોગ્સને ફિંડિંગ કરાવવાનું એક દિવસ પણ ચૂક્યો નથી

ભારતીય સંસ્કૃતિમાં લોકો પ્રાણીઓને પરિવારના સભ્યની જેમ સાચવતાં હોય છે. પાલતું પ્રાણીઓથી લઈને પશુ,પક્ષી લોકોની જિંદગીનો અભિન્ન હિસ્સો બની ગયા છે. ત્યારે શ્વાનને ઘરે પાળવાનો પણ ઘણા લોકોને શોખ હોય છે.તો ઘણા લોકો-સંસ્થાઓ મુંગા પશુ પક્ષીઓની સેવા કરવાના સારા કામમાં પણ જોડાયેલા હોય છે. ત્યારે વડોદરાનો એક યુવાન અનોખી રીતે રખડતાં શ્વાન(ડોગ્સ)ની સેવા કરી રહ્યો છે. રખડતાં અને ભૂખથી ટળવળતાં શ્વાનોને જોઈને વ્રજેશ પંડ્યા નામના યુવકે દરરોજ રાતે એક જ સમયે શ્વાનને ભોજન આપવાની નેમ સાથે અનોખું અભિયાન શરૂ કર્યું છે. જેમાં વ્રજેશ અને તેના સાથી મિત્રોએ એક દિવસમાં શ્વાન પાછળ 220 રૂપિયાના ભાત, દૂધ, દહીં, છાસ અને ટોસ્ટ ખવડાવે છે. આમ તેનું મહિનાનું અંદાજિત બજેટ 6600 રૂપિયા સુધી પહોંચી જાય છે. જેમાં 30થી 40 શ્વાનને દરરોજ સાંજે પૂરતું ભોજન મળી રહે છે.

દિવસમાં શ્વાન પાછળ 220 રૂપિયાના ભાત, દૂધ, દહીં, છાસ અને ટોસ્ટ માટે વપરાય છે.
દિવસમાં શ્વાન પાછળ 220 રૂપિયાના ભાત, દૂધ, દહીં, છાસ અને ટોસ્ટ માટે વપરાય છે.

સાયક્લિંગ કરતાં વિચાર આવ્યો
વ્રજેશ આ કેમ્પેઇન વિશે જણાવતા કહે છે કે, ‘હું સાયક્લિંગ કરવા જતો હતો. ત્યારે જોતો હતો કે, સ્ટ્રીટ ડોગ્સ ભોજન માટે આમ તેમ ફાંફાં મારતા હોય છે. એમાંય વડોદરામાં સ્ટ્રીટ ડોગની સંખ્યા ઘણી વધારે છે. તેમાંથી કેટલાય શ્વાન સાંજે ભૂખ્યાં સૂઈ જતા હોય છે. વળી કેટલાંક લોકો શ્વાનને હડધૂત કરીને કાઢી મૂકતા હોય છે. તો વળી કેટલાક લોકો કંઇકને કંઇક ખાવા માટે આપતા હોય છે. આ જોઈને મને વિચાર આવ્યો કે, રાતે એક સમયે તો તેમને પૂરતું ભોજન મળે એવું કંઇક કરવું જોઈએ. શરૂઆતના દિવસોમાં હું દરરોજ 100 રૂપિયાના બિસ્કિટ તેમને ખવડાવવા માટે લઈ જતો હતો. ઘણાં દિવસો સુધી બિસ્કિટથી કામ ચલાવ્યું. પછી એક દિવસ મને થયું કે, આવા તો કેટલાય શ્વાન હશે. એટલે મેં સાયક્લિંગના રૂટ પર આવતા તમામ શ્વાન માટે એક કેમ્પેઇન ચાલુ કરવાનો વિચાર કર્યો અને શરૂઆત કરી.’

શરૂઆતના દિવસોમાં દરરોજ 100 રૂપિયાના બિસ્કિટ શ્વાનોને ખવડાવવામાં આવતાં હતાં.
શરૂઆતના દિવસોમાં દરરોજ 100 રૂપિયાના બિસ્કિટ શ્વાનોને ખવડાવવામાં આવતાં હતાં.

અભિયાનને પરદાદીનું નામ આપ્યું
વ્રજેશ કેમ્પેઇન અંગે માહિતી આપતા જણાવે છે કે, શરૂઆતમાં કેટલાક દિવસ મેં શ્વાનને બિસ્કિટ જ ખવડાવ્યાં. ત્યારબાદ મેં આ વિશે ઘરે મમ્મી પપ્પાને વાત કરી મારા પેરેન્ટ્સે પણ આ વિચારને આવકારીને મને સ્ટ્રીટ ડોગ્સના ફિંડિંગ માટે મદદ કરવાની બાંયધરી આપી. પછી મારાં મમ્મી રોજ શ્વાન માટે દોઢ કિલો ભાત બનાવી આપતાં હતાં અને હું રોજ રાતે સાયક્લિંગ કરવા જાવ ત્યારે ભાત સ્ટ્રીટ ડોગ્સને ખવડાવતો હતો. હું દરરોજ આજવા રોડ પર આવેલા કમલાનગરથી કૈલાસ પાર્ટી પ્લોટ અને પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગરની આસપાસ રહેતા 35થી 40 જેટલાં ડોગ્સને ભોજન કરાલું છું. પહેલાં તો મેં કેમ્પેઇન માટે કોઇ નામ વિચાર્યું નહોતું પરંતુ થોડાં સમય પછી મેં મારા પરદાદી કમળાબાના પરથી આ કેમ્પેઇનને ’પ્રોજેક્ટ કમલ’ નામ આપ્યું.’

30થી 40 શ્વાનને દરરોજ સાંજે પૂરતું ભોજન આપવામાં આવે છે.
30થી 40 શ્વાનને દરરોજ સાંજે પૂરતું ભોજન આપવામાં આવે છે.

સોશિયલ મીડિયાએ મોટો ભાગ ભજવ્યો
અભિયાનની સફળતા અંગે વ્રજેશ કહે છે કે, હું મારા કેમ્પેઇનને લગતી ડિટેઇલ્સ રોજ સોશિયલ મીડિયામાં મૂકતો હતો. હું દરરોજ સ્ટ્રીટ ડોગ ફિડિંગના ફોટા અને વીડિયો શેર કરતો જેને લોકો આવકારતાં હતા, એપ્રિસિએટ કરતા હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી મારા કેમ્પેઇનથી ઘણાં લોકો માહિતગાર થયા હતા. મારા ફ્રેન્ડ્સથી માંડીને મારી સાથે કામ કરતા સિનિયર્સે પણ મારા કેમ્પેઇનને આવકાર્યું હતું. તેટલું જ નહીં. તેમણે આ કામમાં મારી મદદ કરવા માટે પણ કહ્યું હતું.

પરિવાર અને મિત્રોએ પણ અનોખા પ્રોજેક્ટમાં મદદ કરી
પરિવાર અને મિત્રોએ પણ અનોખા પ્રોજેક્ટમાં મદદ કરી

સોશિયલ મીડિયાથી 16 હજાર જેટલું ફંડ ભેગું થયું
વ્રજેશ કહે છે કે, ‘મારા આ પ્રોજેક્ટને વધુ આગળ વધારવા મેં સોશિયલ મીડિયાનો સહારો લીધો મેં ફંડિંગ મેળવવા માટે એક એપ્લિકેશનની મદદથી એકાઉન્ટ બનાવ્યું અને લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી ડોનેશન આપવા માટે અપીલ અપીલ કરી. લોકોએ ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો અને અંદાજે 16 હજાર રૂપિયા જેટલું ફંડિંગ મળ્યું. તેટલું જ નહીં કેટલાય લોકો મને ચોખા, બિસ્કિટ, ટોસ, દૂધ વગેરે જેવી વસ્તુઓ ડોનેટ કરવા લાગ્યા. મારા આ પ્રોજેક્ટનો બહોળો પ્રચાર થતા સમાજ પણ મારી મદદમાં આવ્યો. લોકોએ અલગ અલગ વસ્તુઓ આપી અને સ્ટ્રીટ ડોગ્સ માટે હું કામ કરતો ગયો. ત્યારબાદ ધીમે-ધીમે અમે સ્ટ્રીટ ડોગ્સના ફિડિંગની સંખ્યા વધારી. ડોનેશન મળતા મેં ભાતની માત્રા વધારીને દરરોજની 4 કિલો કરી નાંખી. જેથી વધુ પ્રમાણમાં ડોગ્સને ફિડિંગ કરી શકાય તેટલું જ નહીં ભાતની સાથે-સાથે દૂધ, દહીં, છાસ ઓલ્ટરનેટિવ આપતાં હતાં.’

કમલાનગરથી કૈલાસ પાર્ટી પ્લોટ અને પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગરની આસપાસ શ્વાનોને ભોજન કરાવાય છે.
કમલાનગરથી કૈલાસ પાર્ટી પ્લોટ અને પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગરની આસપાસ શ્વાનોને ભોજન કરાવાય છે.

સામગ્રી પણ દાનમાં મળી
વ્રજેશ લોકોના રિસ્પોન્સ વિશે વાત કરતા જણાવે છે કે, ‘જેમ જેમ લોકોને ‘પ્રોજેક્ટ કમલ’ કેમ્પેઇનની ખબર પડતી ગઇ તેમ તેમ મને વધુમાં વધુ સપોર્ટ મળતો ગયો. લોકો મને ફિડિંગ માટે ચોખા, બિસ્કિટ, દૂધ, ટોસ વગેરે જેવી સામગ્રીઓ પણ ડોનેટ કરતા થયા. અધૂરામાં પૂરું હું જ્યાં ડોગ્સને ફિંડિંગ કરવા જતો ત્યાંના લોકો પણ રોજ જોતા હતા. એટલે તેમણે પણ મદદ કરવા હાથ લંબાવ્યો. ત્યાં આસપાસ રહેતા લોકોએ પણ કહ્યું હતું કે, ફિડિંગમાં કોઈ પણ પ્રકારની મદદ જોઈએ તો તેઓ ચોક્કસ કરશે. એટલું જ નહીં તે લોકો પણ ઘણીવાર અલગ અલગ વસ્તુઓ ડોનેટ કરતા હતા.’

કાગળ પાથરીને તેના ચોખા સહિતની વસ્તુઓ પીરસવામાં આવે છે.
કાગળ પાથરીને તેના ચોખા સહિતની વસ્તુઓ પીરસવામાં આવે છે.

‘મિત્રો-પરિવાર પણ ફિડિંગમાં મદદ કરે છે’
વધુમાં વ્રજેશ જણાવે છે કે, ‘આજ સુધી એકપણ દિવસ એવો નથી બન્યો કે સ્ટ્રીટ ડોગ્સને ખાવા ન મળ્યું હોય ગમે તેવી પરિસ્થતિ હોય પણ હંમેશા અચૂક ફિડિંગ માટે જઈએ જ છીએ. ગમે તેવો વરસાદ હોય તો પણ રેઇનકોટ પહેરીને ફિડિંગ માટે જવાનું એટલે જવાનું જ ઘણી વખત એવું બને કે મારી પાસે સમય ન હોય અથવા હું હાજર ન હોઉ ત્યારે મારા મિત્રો ફિડિંગ માટે જઈ આવે છે. ક્યારેક કોઇ મિત્ર પણ ન જઈ શકે તેમ હોય તો મારા ભાઈ બહેન કે મમ્મી પપ્પા પણ ફિડિંગ માટે જઈ આવે છે. આમ ફિડિંગ માટે પણ મારા પરિવાર સહિત મિત્રોનો ખૂબ સપોર્ટ મળ્યો છે.’

પરદાદી કમળાબાના નામ પરથી આ કેમ્પેઇનને ’પ્રોજેક્ટ કમલ’ નામ અપાયું છે.
પરદાદી કમળાબાના નામ પરથી આ કેમ્પેઇનને ’પ્રોજેક્ટ કમલ’ નામ અપાયું છે.

બિલાડીની ઘરે જ સારવાર કરી સાજી કરી હતી
વ્રજેશ જણાવે છે કે, ‘ચારેક વર્ષ પહેલાં મારા ઘરે પાંચ બિલાડી આવી હતી. તેમાંથી કેટલીક ઇજાગ્રસ્ત હતી. ત્યારે મેં પાંચેય બિલાડી માટે ઘરમાં જ એક શેલ્ટર બનાવ્યું હતું. તેમની સારવાર માટેની વ્યવસ્થા પણ કરી હતી. તેમની દવા કરી વિશેષ કાળજી રાખી સાજી કરી હતી. આ ઉપરાંત મારા ઘરની આસપાસના શ્વાનને પણ હું ઘણાં વર્ષોથી સાચવું છું. ફિડિંગ કરું છું. થોડાં સમય પહેલાં તેમની તબિયત બગડતા તેમની પણ સારવાર મેં જાતે જ કરી હતી અને સાજાં કર્યા હતા. વળી, ખિસકોલીઓ માટે પણ મેં બર્ડ ફિડર બનાવીને મારા ઘરની આસપાસના ઝાડ પર મૂક્યાં છે. દરરોજ સવારે તેમને પણ ફિડિંગ કરું છું.’

સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો માહિતી મેળવીને મદદ કરે છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો માહિતી મેળવીને મદદ કરે છે.

શ્વાન પ્રેમ મને વારસમાં મળ્યો છેઃ વ્રજેશ
શ્વાન પ્રત્યેના વિશેષ પ્રેમ અંગે જણાવતા વ્રજેશ કહે છે કે, ‘મારા દાદા અને પિતા પણ સ્ટીટ ડોગ્સ પાળતા હતા. મેં નાનપણથી તેમને ઘરની આસપાસના શ્વાનને પાળતા જોયા છે. તેમની સારસંભાળ રાખતા જોયાં છે. તેમને જોઇને મને પણ શ્વાન પ્રત્યે એક વિશેષ લાગણી આવતી હતી. એટલે એક રીતે કહું તો આ શ્વાનપ્રેમ’ મને વારસામાં મળ્યો છે.

મુંગા પક્ષીઓ માટે પણ દાણા પાણીની વ્યવસ્થા કરાય છે.
મુંગા પક્ષીઓ માટે પણ દાણા પાણીની વ્યવસ્થા કરાય છે.

ઘણાં લોકોએ આ કેમ્પેઇનમાં મદદ કરીઃ વ્રજેશ
વ્રજેશ કહે છે કે, ‘આ પ્રોજેક્ટને અંદાજે 4 મહિનાથી પણ વધુ સમય થયો છે. આટલા ઓછા સમયમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લોકોએ મને મદદ કરી છે. આ પ્રોજેક્ટમાં મારો પરિવાર, મારા સિનિયર કો-વર્કર્સ, મારી આસપાસ રહેતા લોકો, મારા મિત્રો સહિત ઘણાં લોકોએ મદદ કરી છે. હું આશા રાખીશ કે લોકો આવી જ રીતે સપોર્ટ કરતા રહે.’ વ્રજેશે પ્રાથમિક શિક્ષણ વાઘોડિયા રોડ પર આવેલી શ્રી અંબે વિધાલયમાંથી લીધું છે. ત્યારબાદ એમ. એસ. યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને હાલમાં એસ. એસ. યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટીમાં પાર્ટ ટાઇમ BE કરી રહ્યો છે. સાથે સાથે એલ એન્ડ ટી કંપનીમાં સિવિલ ડિઝાઇનર તરીકે જોબ કરે છે.

અન્ય સમાચારો પણ છે...