ટેનિસને દરેક ઘર સુધી પહોંચાડનાર સાનિયા મિર્ઝા:સૌથી નાની ઉંમરમાં પદ્મશ્રી મેળવનાર ખેલાડી, હૈદરાબાદ-દુબઈમાં આલીશાન બંગલા

12 દિવસ પહેલા

સાનિયા મિર્ઝા...દેશની મુખ્ય ટેનિસ ખેલાડીઓમાંની એક. એક એવો ખેલાડી જેણે ઉત્તમ ટેનિસ દ્વારા વિશ્વમાં પોતાનું નામ બનાવ્યું છે. Women's Tennis Association એટલે કે WTAનો ખિતાબ જીતનારી પહેલી ભારતીય મહિલા. શાનદાર રમતના કારણે 2004માં અર્જુન એવોર્ડ, 2006માં પદ્મશ્રી એવોર્ડ અને 2015માં રાજીવ ગાંધી ખેલ રત્નથી સન્માનિત કરાયા. તેમને ફક્ત 19 વર્ષની ઉંમરે પદ્મશ્રી આપવામાં આવ્યો હતો.

યુએસ ઓપનની સિંગલ્સ મેચોના ચોથા રાઉન્ડમાં પહોંચનારી ભારતની સાનિયા એકમાત્ર ખેલાડી છે. 2015-16 દરમિયાન ડબલ્સમાં દુનિયાની નંબર-વન રહી ચૂકેલી ખેલાડી સાનિયાએ જાન્યુઆરી 2022માં નિવૃતિની જાહેરાત કરી. હાલ સાનિયા તેના છૂટાછેડા અને એક નવા શોને લઈને ચર્ચામાં છે. પાકિસ્તાની મીડિયાનું માનીએ તો ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક છૂટાછેડાની તૈયારી કરી રહ્યા છે.

રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, શોએબે સાનિયા સાથે દગો કર્યો છે અને હાલ બંને અલગ-અલગ રહે છે. આ વચ્ચે એક એ ખબર પણ સામે આવી રહી છે કે, બંને પાકિસ્તાની ચેનલ પર એક ટોક શોમાં દેખાશે. આ ટોક શોનું નામ 'ધ મિર્ઝા મલિક શો' છે.

આજે લક્ઝરી લાઈફમાં જાણો સાનિયા મિર્ઝા વિશે...
દુબઈ અને હૈદરાબાદમાં આલિશાન બંગલા

દેશની સૌથી સફળ મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા પાસે તાજેતરમાં હૈદરાબાદ અને દુબઈમાં આલિશાન બંગલા છે. હૈદરાબાદમાં ઘર તેમણે 2012માં ખરીદ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર લક્ઝરી બંગલાની કિંમત 13 કરોડ રૂપિયા છે. હૈદરાબાદવાળા બંગલામાં પ્રેક્ટિસ માટે એક ટેનિસ કોર્ટ પણ છે.

હાલ સાનિયા દુબઈમાં એક આલિશાન બંગલામાં રહે છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું અને પોતે માને પણ છે કે, જો તમે એક વખત દુબઈમાં રહો છો, તો તમે બીજે ક્યાંય રહેવા નહીં માગો.

6 વર્ષની ઉંમરથી ટેનિસ રમવાનું શરૂ કર્યું
15 નવેમ્બર 1986ના રોજ જન્મેલી સાનિયાએ 6 વર્ષની ઉંમરે ટેનિસ રમવાનું શરૂ કર્યું. શરૂઆતી દિવસોમાં મહેશ ભૂપતિના પિતા અને સફળ ટેનિસ પ્લેયર સીકે ભૂપતિએ તેમને કોચિંગ આપી. ટેનિસની સાથે-સાથે સાનિયા ક્રિકેટ અને સ્વિમિંગની પણ શાનદાર ખેલાડી છે. પરંતુ કરિયર તરીકે ટેનિસ પસંદ કર્યુ.

માત્ર 14 વર્ષની ઉંમરમાં પહેલી વખત વિશ્વ જુનિયર ટેનિસ ચેમ્પિયનશિપના માધ્યમથી પોતાના કરિયરની શરૂઆત કરી. આ પછી, 2006 એશિયન ગેમ્સમાં, તેમણે લિએન્ડર પેસ સાથે મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથે તેમણે 2009માં મિક્સ્ડ ડબલ્સમાં ઓસ્ટ્રેલિયન ઓપન, 2012માં ફ્રેન્ચ ઓપન, 2014માં યુએસ ઓપન, 2015માં વિમ્બલ્ડન અને 2016માં ઓસ્ટ્રેલિયન ઓપન જેવા ઘણા ખિતાબ જીત્યા હતા.

2010માં શોએબ સાથે લગ્ન કર્યા, 2018માં પુત્રને જન્મ આપ્યો

જ્યારે સાનિયા પોતાના કરિયરના ટોપ પર હતી, તે જ સમયે તેમણે લગ્નનો નિર્ણય કર્યો. 12 એપ્રિલ 2010ના રોજ તેમણે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે હૈદરાબાદમાં નિકાહ કર્યા. એક ઈન્ટરવ્યૂમાં શોએબ મલિકે કહ્યું હતું કે, તે 2003માં પહેલી વખત સાનિયાને મળ્યો હતો, બીજી મુલાકાત 2009માં ઓસ્ટ્રેલિયાના હોબાર્ટમાં થઈ હતી. ત્યાર પછી બંને એ લગ્નનો નિર્ણય કર્યો. લગ્નના 8 વર્ષ પછી સાનિયાએ પુત્રને જન્મ આપ્યો.

વિવાદ સાથે અનેક વાર નામ જોડાયું
સાનિયા મિર્ઝા પોતાની કારકિર્દી દરમિયાન ઘણી વખત વિવાદોમાં ફસાઈ હતી. ટેનિસ મેચ દરમિયાન ટૂંકા વસ્ત્રો પહેરવા બદલ મુસ્લિમ સંગઠનો દ્વારા તેણીની ટીકા કરવામાં આવી હતી. એક મુસ્લિમ વિદ્વાનએ તેમની વિરુદ્ધ ફતવો પણ બહાર પાડ્યો હતો. 2008માં તેમના પર ત્રિરંગાનું અપમાન કરવાનો આરોપ પણ લાગ્યો હતો. એવું કહેવાય છે કે તેણે એક ફંક્શન દરમિયાન તિરંગાને પગ વડે સ્પર્શ કર્યો હતો. આ મામલે તેની સામે કેસ પણ નોંધવામાં આવ્યો હતો. પરંતુ સાનિયા ક્યારેય કોઈ વિવાદથી પરેશાન ન થઈ અને તેમાંથી બહાર આવતી રહી.

સાનિયા પાસે લક્ઝરી ગાડીઓનું કલેક્શન
જાન્યુઆરી 2022માં નિવૃતિની ઘોષણા કરનારી સાનિયા પાસે લક્ઝરી ગાડીઓનું કલેક્શન છે. 36 વર્ષની સાનિયા તેની રમતથી વાર્ષિક 3 કરોડ કમાતી હતી. આજે, તેમના લક્ઝરી વાહનોમાં BMW 7-સિરીઝનો સમાવેશ થાય છે, જેની કિંમત હાલમાં રૂ. 1.35 કરોડ છે. આ સિવાય સાનિયા પાસે 45 લાખ રૂપિયાની Jaguar XE, Rs 77.11 લાખની મર્સિડીઝ બેન્ઝ E-Class, Rs 60 લાખની BMW 5-Series અને 65 લાખની કિંમતની Range Rover Evoque છે.

સાનિયાને બુટનો પણ શોખ
જ્યારે સાનિયા તેની રમતની ટોચ પર હતી, ત્યારે તે તેની ફેશન સેન્સ વિશે ઘણી ચર્ચામાં રહેતી હતી. ઘણા મેગેઝીનના કવર પેજ પરથી તે લોકોમાં ગ્લેમર ગર્લ તરીકે પણ ફેમસ હતી. પોતાની બોલ્ડ સ્ટાઈલ માટે ફેમસ રહેલી સાનિયાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમને દરેક પ્રકારના શૂઝ પસંદ છે. અને હાલમાં તેમના હૈદરાબાદના ઘરમાં 350થી વધુ જોડી જૂતા છે.

અન્ય સમાચારો પણ છે...